લાઇટ-શિપ : આધુનિક બંદરમાં પ્રવેશતી એપ્રોચ ચૅનલની હદરેખા પૂરેપૂરી અંકિત કરવાનું તેમજ સિગ્નલ-ઉપકરણથી સજ્જ કરવાનું એક મહત્વનું સાધન. બંદરપ્રવેશમાં માર્ગદર્શન માટેનાં સાધનોમાં દીવાદાંડી અને બોયા (buoys) ઉપરાંત લાઇટ-શિપનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ બધાં સાધનો સિગ્નલો આપે છે. આવા પ્રકારના સિગ્નલોમાં નીચે પ્રમાણેના ગુણધર્મો હોવા જોઈએ :

– તે ફરતા અંતરથી સ્પષ્ટ શ્યમાન હોવાં જોઈએ.

– તેના ગુણધર્મોમાં ફેરફાર થવો ન જોઈએ.

– તેનું અસ્તિત્વ સ્વયંસ્પષ્ટ હોવું જોઈએ.

આ પ્રકારના સિગ્નલોના ત્રણ પ્રકારો છે :

  • લાઇટ સિગ્નલ

(ii)     ફૉગ સિગ્નલ

(iii)     શ્રાવ્ય-સિગ્નલ

લાઇટ સિગ્નલો વધારે મહત્વના છે. અન્ય સિગ્નલો પ્રસંગોપાત્ત વપરાય છે. લાઇટ સિગ્નલો વિશિષ્ટ તીવ્રતાવાળા તથા રંગવાળા હોવા જોઈએ, જેથી રાત્રિના સમયે તેની યોગ્ય ઓળખ થાય. પ્રકાશ-સિગ્નલોમાં લાઇટ-હાઉસ, લાઇટ-બીકોન્સ તથા લાઇટ-શિપ મુખ્ય છે.

લાઇટ હાઉસ બાંધવાનું શક્ય ન હોય ત્યાં અને નાની સાઇઝનાં વહાણ, જેમની ક્ષમતા 5000 KN સુધીની હોય તેવા માટે લાઇટ-શિપ વપરાય છે. પાણીની સપાટીથી 9 થી 12 મીટર ઊંચે લોખંડનો ટાવર મૂકી તેને ગોળ ફેરવવાની વ્યવસ્થા હોય છે. આ પ્રકાશસ્રોત ફ્લૅશ રૂપે દેખાય છે અને તેની ગતિ પૂર્વનિર્ધારિત હોય છે. આ સમગ્ર વ્યવસ્થા એક નાના વહાણ પર ગોઠવવામાં આવેલ હોઈ તેને લાઇટ-શિપ કહે છે. લાઇટ-શિપ પર કર્મચારીઓ રહે છે તથા તેને લાંગરવાની વ્યવસ્થા પણ હોય છે. લાઇટ-શિપ વધારે સ્થિર હોવાથી, તેનું લાઇટ પણ સ્થિર રહે છે, જેથી અન્ય વહાણોને સારું દિશાસૂચન મળે છે.

વહાણનો નીચેનો ભાગ લોખંડનો તથા લાલ રંગથી રંગેલો હોય છે. લાઇટ-શિપ પર તેનું નામ સફેદ રંગથી લખેલું હોય છે. વાવાઝોડા સામે ચેતવણી આપવાનો સિગ્નલ પણ લાઇટ-શિપ પર ગોઠવેલ હોય છે. લાઇટ-શિપનું જ્યારે સમારકામ ચાલતું હોય ત્યારે તેના પર લાલ લાઇટ ગોઠવવામાં આવે છે.

મધુકાન્ત ભટ્ટ

રાજેશ આચાર્ય