લખતર : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 51´ ઉ. અ. અને 71° 47´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 742 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દસાડા, ઈશાન અને પૂર્વ તરફ વીરમગામ, પૂર્વ અને અગ્નિ તરફ લીંબડી, નૈર્ઋત્ય તરફ વઢવાણ અને પશ્ચિમે ધ્રાંગધ્રા તાલુકાઓ આવેલા છે. પૂર્વ તરફ નળકાંઠા-વિસ્તાર છે.

ભૂપૃષ્ઠ–આબોહવા : આ તાલુકો કચ્છના નાના રણની નજીક આવેલો હોવાથી તેનું ભૂપૃષ્ઠ સમતળ છે તથા જમીનો ખારાપાટની–આલ્કલાઇન પ્રકારની છે. જમીનો ક્ષારીય હોવાથી સિંચાઈ દ્વારા પણ ખેતી થઈ શકતી નથી. ખેતી માટે માત્ર વરસાદ પર જ આધાર રાખવો પડે છે, વરસાદ ન પડે તો અછતની પરિસ્થિતિ વરતાય છે. જ્યાં આછી કાંપની ફળદ્રૂપ જમીનો છે ત્યાં ખેતી થઈ શકે છે. આ તાલુકાની જમીનોને નર્મદા નહેરનું પાણી ખેતી માટે મળે એ પ્રકારનું આયોજન થયેલ છે.

આ તાલુકો રણની નજીક આવેલો હોવાથી વિષમ આબોહવા ધરાવે છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 42° સે. અને 12° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 300 મિમી. જેટલો પડે છે.

ખેતીઉદ્યોગવેપાર : અહીં વરસાદ-આધારિત ખેતીપાકોમાં ઘઉં, જુવાર, બાજરી અને કપાસનું વાવેતર થાય છે. તાલુકામાં ઔદ્યોગિક એકમો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં છે. જિનિંગ-પ્રેસિંગ કારખાનાં, છીંકણી બનાવવાનો એકમ તેમજ અનાજનું બજાર આવેલાં છે. તાલુકાના સીમાડાના ભાગોમાં ક્યારેક નીલગાયનાં ટોળાં, છીંકારા જેવાં પ્રાણીઓ નજરે પડે છે.

પરિવહન : લખતર અહીંથી પસાર થતી પશ્ચિમ રેલવેના વીરમગામ–ઓખા મીટરગેજ-માર્ગ પરનું રેલમથક છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ 8 A અહીંથી પસાર થાય છે. તે લખતર–સુરેન્દ્રનગરને સાંકળે છે. તેની તાલુકા પૂરતી લંબાઈ 36 કિમી. જેટલી છે. લખતર તાલુકાને રાજ્ય પરિવહન બસસેવાનો લાભ મળે છે. આ ઉપરાંત અમદાવાદ–સુરેન્દ્રનગરને જોડતો રાજ્ય ધોરી માર્ગ 17 અહીં નજીકથી જ પસાર થાય છે. એ જ રીતે સુરેન્દ્રનગર–દસાડાને જોડતો રાજ્ય ધોરી માર્ગ 19 પણ અહીંથી પસાર થાય છે. વળી લખતર–લીંબડી તાલુકા માર્ગ પણ છે.

આ તાલુકામાં આરામગૃહ, ટપાલ અને ટેલિફોનની સુવિધાઓ ઉપલબ્ધ છે.

વસ્તી : 2001 મુજબ, આ તાલુકાની વસ્તી 69,549 જેટલી છે. તાલુકામાં 43 જેટલાં ગામ આવેલાં છે. તાલુકામથક લખતર અહીંનું એકમાત્ર મુખ્ય નગર છે. આ નગરનો વહીવટ નગર પંચાયત દ્વારા થાય છે. અહીં આરોગ્યકેન્દ્રો, દવાખાનું, ઔષધાલય તથા પશુ ચિકિત્સાલય આવેલાં છે. લખતર ખાતે તાલુકા-વિકાસ-અધિકારી, મામલતદાર, મૅજિસ્ટ્રેટ અને જમીન-સુધારણાની કચેરીઓ આવેલી છે. તાલુકામથકે તેમજ અન્ય ગામોમાં પ્રાથમિક શિક્ષણની સગવડ છે. અહીં ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સુધીના અભ્યાસની સુવિધા છે.

ઇતિહાસ : મુઘલ સલ્તનતના સમયમાં લખતરનું મહત્વનું દેશી રાજ્ય હતું. 1636માં હળવદના રાજા ચંદ્રસિંહજીના ચોથા પુત્ર અભયસિંહજીએ અહીં આ રાજ્યની સ્થાપના કરેલી. ત્યારે તેમણે થાન જીતી લીધેલું. તે પછી વજેરાજજી સત્તા પર આવ્યા. 1727માં જામ તમાચીજીએ ગાદી સંભાળી. તે પછીના ગાળામાં મુઘલ સૂબા બાબી સલાબત મોહમ્મદખાન અને શેર બુલંદખાને લશ્કરી મદદ મોકલેલી. 1807માં ઠાકોર પૃથ્વીરાજજી સત્તા પર આવેલા.

આ રાજ્યની સર્વપ્રથમ મોજણી 1833માં પ્રો. વકીલ અને લાકડાવાળાએ કરી હતી. 1846માં ઠાકોર કરણસિંહજી(ત્રણ માસના હતા)ને સત્તા પર બેસાડેલા. તે વખતે વહીવટ ખૂબ કુશળતાથી ચાલેલો. 1940માં ઠાકોર ઇન્દ્રસિંહજી ગાદીએ બેઠા, પરંતુ તેઓ 1947 સુધી સત્તા પર રહી શકેલા.

નીતિન કોઠારી