લક્ષ્મીકાન્ત નાટક સમાજ

January, 2004

લક્ષ્મીકાન્ત નાટક સમાજ (1917 થી 1938) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની જાણીતી મંડળી. ચંદુલાલ હરગોવનદાસ શાહે એની સ્થાપના કરી. નાટ્યલેખક પ્રભુલાલ દ્વિવેદીરચિત નાટકો ‘અરુણોદય’ (1921), ‘માલવપતિ’ (1924), ‘પૃથ્વીરાજ’ (29 એપ્રિલ 1925), ‘સિરાજુદ્દૌલા’ (1926), ‘સમરકેસરી’ (12 જુલાઈ 1933), ‘યુગપ્રભાવ’ (4 ઑગસ્ટ 1934) અને ‘સજ્જન કોણ ?’ (17 જુલાઈ 1936) તથા મણિલાલ ‘પાગલ’નું નાટક ‘અમર આશા’ (1 મે, 1930) વગેરે લોકપ્રિયતા પામ્યાં હતાં. આ નાટકોનું દિગ્દર્શન કરનારાઓમાં ખ્યાતનામ દિગ્દર્શકો રામલાલ વલ્લભ નાયક, મૂળચંદ વલ્લભ નાયક, જયશંકર ‘સુંદરી’, ત્રિકમ ‘સુરભિ’, મૂળજી ખુશાલ નાયક અને વિઠ્ઠલદાસ ત્રિભુવનદાસ ભોજકનો સમાવેશ થાય છે. નાટકોની સંગીતની તરજો સંગીતકાર રામલાલ વલ્લભ નાયક, મૂળચંદ ‘મામા’, લલ્લુભાઈ શામળદાસ નાયક, વાડીલાલ ઉસ્તાદ અને  નારણદાસ ઉસ્તાદે બાંધી હતી. નાટકને લોકચાહના અપાવનારા કલાકારોમાં મૂળચંદ ‘મામા’, કેશવલાલ ‘સરસ્વતીચંદ્ર’, હરિહર ‘દીવાના’, માધવલાલ નાયક ‘શાલિવહન’, અશરફખાન ‘મુંજ’, ગણપત બેચર, લાલજી નંદા અને મોહનલાલાજી, વિઠ્ઠલદાસ ભોજક હતા. સ્ત્રી-પાત્રો ભજવનારાઓમાં જયશંકર ‘સુંદરી’, ત્રિકમ ‘સુરભિ’ રતિલાલ પટેલ, મણિલાલ નાયક ખાસ ઉલ્લેખનીય છે. નાટકોના સન્નિવેશકારોમાં પેન્ટર કચ્છવનાથ, પ્રભુભાઈ મિસ્ત્રી, બળદેવ, ખંડુભાઈ અને યશવંત હતા. સંસ્થાએ સૂરત, અમદાવાદ, વડોદરા, મુંબઈ જેવાં મોટાં શહેરોમાં અનેક નાટકો ભજવ્યાં હતાં.

આ સંસ્થાએ મણિલાલ ‘પાગલ’નું ‘અમર આશા’ નાટક ભજવ્યું હતું. એમાં ધારાસણાની મીઠાની લૂંટનો પ્રસંગ સાંકળી લેવામાં આવ્યો હતો. સ્ત્રી-પાત્રના ખ્યાતનામ કલાકાર મા. ત્રિકમે પ્રચારાત્મક નૃત્ય પણ રજૂ કર્યું હતું. આ દૃશ્ય જ્યારે રંગમંચ પર ભજવાતું ત્યારે નાટ્યરસિકો ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના પોકારો કરતા હતા. આ કારણે બ્રિટિશ સરકારે આ સંસ્થાનો પરવાનો રદ કર્યો. પરિણામે સંસ્થાના શેઠ ચંદુલાલ શાહને એ સમયે અંદાજે પોણા લાખ જેટલી રકમનું નુકસાન થયું હતું. છેવટે સંસ્થાનું ખર્ચ કાઢવા થોડા સમય માટે પોતાનું નામ બદલીને પણ નાટકો ભજવવાની ફરજ પડી હતી.

વ્યવસાયી રંગભૂમિના જગતમાં કોઈ પણ દિગ્દર્શક કે અભિનેતાને ન મળ્યો હોય તેટલો માસિક રૂ. 1,000નો પગાર સંસ્થા તરફથી આશરે 1920માં મૂળચંદ ‘મામા’ને આપવામાં આવતો હતો. 1925માં ‘પૃથ્વીરાજ’ નાટકમાં સ્ટેજ પર જીવંત અશ્વ રજૂ કરવામાં આવ્યો હતો. 1924માં ‘માલવપતિ’ નાટકમાં મુંજના અદભુત અભિનયના પરિણામે અશરફખાન ‘મુંજ’ કહેવાયા અને 1927માં ‘શાલિવાહન’ નાટકમાં શાલિવાહનના અભિનયના પરિણામે માધવલાલ નાયક ‘શાલિવાહન’ કહેવાયા. 1936માં પ્રભુલાલ દ્વિવેદીના ‘સજ્જન કોણ ?’ નાટકના 3 પ્રયોગોની આવક રૂ. 18,000 આવી હતી. રંગભૂમિની આ વિરલ ઘટના કહેવાય. 1938માં ‘અક્ષયરાજ’ નાટકમાં રૂ. 7,000નું સિંહાસન બનાવવામાં આવ્યું હતું.

વાડીલાલ પોતાના ભાઈ ચંદુલાલ સાથે મુંબઈમાં ઝવેરાતનો ધંધો કરતા હતા. બંને ભાઈઓને નાટક પ્રત્યે અતિ ચાહના હોવાથી વિવિધ નાટકો જોતા અને તલસ્પર્શી અભ્યાસ કરતા. સફળ નાટકથી સંસ્થાના માલિકને સારી કમાણી થાય છે એવી પ્રતીતિ તેમને થતાં 1917માં બંને બંધુઓએ ‘શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજ’ નામની નાટ્યસંસ્થા શરૂ કરી. ત્યારે તેમની પાસે માત્ર રૂ. 22ની જ મૂડી હતી. તેમનો ઉદ્દેશ સંસ્કારલક્ષી નાટકો ભજવી એ દ્વારા સમાજમાં નીતિનું ધોરણ ઊંચું લાવવાનો હતો. વળી ચંદુલાલની વ્યવસ્થાપકીય કુનેહ નાટ્યજગતમાં બહુ જાણીતી હતી. તેથી આ સંસ્થાને નાટ્યક્ષેત્રે નોંધપાત્ર સફળતા મળી હતી.

‘પૃથ્વીરાજ’, ‘સિરાજુદ્દૌલા’, ‘માલવપતિ’, ‘અરુણોદય’ અને ‘સજ્જન કોણ ?’ નાટકો ભજવીને સંસ્થાએ નાટ્યજગતમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન જમાવ્યું હતું. સંસ્થામાં ઘણા ખ્યાતનામ કલાકારોએ અભિનય આપી રંગમંચને ગૌરવ અપાવ્યું હતું. વાડીલાલ અને ચંદુલાલ બંને સાહસિક બંધુઓએ ‘શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ’ને ગુજરાતી ધંધાદારી રંગભૂમિના ક્ષેત્રે પ્રથમ પંક્તિની સંસ્થા તરીકે કાયમી સ્થાન અપાવેલું.

ધીરેન્દ્ર સોમાણી