રોવ, ડાયૅના (જ. 14 એપ્રિલ 1933, મેરિલબોન, લંડન) : ટેબલટેનિસનાં આંગ્લ મહિલા ખેલાડી. એકસમાન દેખાતી આ જોડિયા બહેનો હતી; પોતે ડાબા હાથે ખેલતાં. જમણા હાથે ખેલનારાં તેમનાં બહેન રોઝલિંડ સાથે મળીને આ જોડી 1951 અને 1954માં વિશ્વ ડબલ સ્પર્ધામાં વિજેતા બની; 1952–53 તથા 1955માં તેઓ રનર્સ-અપ બની રહ્યાં. 1950–55 દરમિયાન આ જોડી લગાતાર 6 વખત ઇંગ્લિશ ઓપન ડબલ્સમાં વિજેતા બની; તે પછી રોઝલિંડનાં લગ્ન થવાથી આ જોડી છૂટી પડી.

જોકે ડાયૅનાએ ટુર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખ્યું અને જુદાં જુદાં 3 સાથી-ખેલાડીઓ સાથે ઇંગ્લિશ ડબલ્સના બીજા 6 વિજયપદકનાં વિજેતા બન્યાં. 1962માં તેઓ સિંગલ્સમાં પ્રથમ વાર વિજેતા બન્યાં. 1958 અને 1964માં તેઓ યુરોપિયન ટીમ વિજયપદકનાં વિજેતા બન્યાં તથા 1962 અને 1964માં વિમેન્સ ડબલ્સ વિજયપદક જીત્યાં.

તેઓ પશ્ચિમ જર્મનીના ચૅમ્પિયન એબરહાર્ડ શૉલર સાથે 1966માં લગ્નગ્રંથિથી જોડાયાં અને તેમની સાથે 1971માં વિશ્વ મિક્સ ડબલ્સમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યાં હતાં.

મહેશ ચોકસી