રોલૅન્ડસન, ટૉમસ (Rowlandson, Thomas)

January, 2004

રોલૅન્ડસન, ટૉમસ (Rowlandson, Thomas) (જ. જુલાઈ 1756, ઓલ્ડ જૂરી, લંડન, બ્રિટન; અ. 22 એપ્રિલ 1827, લંડન, બ્રિટન) : અઢારમી સદીના બ્રિટિશ સમાજ પર વ્યંગના તીખા ચાબખા મારનાર બ્રિટિશ ચિત્રકારવ્યંગ્યચિત્રકાર.

પિતા વેપારી હતા. 14 વરસની ઉંમરે તાલીમાર્થે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં જોડાયા. 16 વરસની ઉંમરે વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા. બ્રિટન પાછા ફરી વ્યંગ્યચિત્ર-સર્જન શરૂ કર્યું. ‘પોએટિકલ મૅગેઝીને’ 1809થી 1811 લગી તેમની ‘સ્કૂલ-માસ્ટર્સ ટૂર’-શ્રેણી વિલિયમ કોબેની કાવ્યકંડિકાઓ (verses) સાથે પ્રસિદ્ધ કરી. ‘પોએટિકલ મૅગેઝીન’નો પ્રકાશક રૂડૉલ્ફ એકર્મેન રોલૅન્ડસનનો ચાહક હતો. એકર્મેને આ પછી રોલૅન્ડસનની નીચે મુજબની શ્રેણીઓ પ્રકાશિત કરી :

‘ટૂર ઑવ્ ડૉ. સિન્ટેક્સ ઇન સર્ચ ઑવ્ પિક્ચરસ્ક’ (1812), ‘સેકન્ડ ટૂર ઑવ્ ડૉ. સિન્ટેક્સ ઇન સર્ચ ઑવ્ કૉન્સલેશન’ (1820), ‘થર્ડ ટૂર ઑવ્ ડૉ. સિન્ટેક્સ ઇન સર્ચ ઑવ્ એ વાઇફ’ (1821), ‘ધી ઇંગ્લિશ ડાન્સ ઑવ્ ડેથ’ (1815–16), ‘ધ ડાન્સ ઑવ્ લાઇફ’ (1816–17).

આ શ્રેણીઓ ખૂબ જ પ્રસિદ્ધ થઈ હતી.

અમિતાભ મડિયા