રૉમેલ, અર્વિન (જ. 15 નવેમ્બર 1891, વુર્ટેમ્બર્ગ હિડેનહિમ; અ. 14 ઑક્ટોબર 1944, હેરલિંગેન) : વિરલ, હિંમતવાન અને બાહોશ જર્મન સેનાપતિ. એક શિક્ષકનો પુત્ર. તે 1910માં માત્ર 19 વર્ષની વયે સૈન્યમાં જોડાયો, 1912માં લેફ્ટનન્ટ બન્યો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તે 23 વર્ષનો હતો. પાયદળ ટુકડીમાં પોતાની કાબેલિયતને કારણે બહાદુરી માટેનો ‘આયર્ન-ક્રૉસ’ તેણે મેળવ્યો. રુમાનિયા અને ઇટાલીના આલ્પેન કૉર્પ્સમાં રહીને તે ઘણી ઓછી કુમક – 5 જર્મન અને 9 ઇટાલિયન ડિવિઝનો – સાથે અલ-અલ્મિનમાં ઝૂઝ્યો. તેના મોટાભાગના વિજયો માત્ર 2 કે 3 ડિવિઝનથી મેળવાયા છે. યુદ્ધમાં લડતાં લડતાં તેણે ખમીરવંતા સૈનિક તરીકેની તેની શક્તિ અને ધૃતિનો સાચો પરિચય કરાવ્યો. દુશ્મન સૈન્યને કલ્પના ન હોય એ રીતે તે એમના પર વારંવાર તૂટી પડતો. વર્સાઈની સંધિથી જર્મનીને 4,000 લશ્કરી અફસરો કાયમ માટે રાખવા દેવાની છૂટ મળેલી, તે પૈકી એક રૉમેલ પણ હતો.

અર્વિન રૉમેલ

શાંતિના સમય દરમિયાન તેણે ગ્રામજીવન અપનાવ્યું. 1916માં ફ્રાઉ સાથે લગ્ન કરીને તેણી સાથે સ્કીઇંગ, પર્વતારોહણ તથા તરવાનો આનંદ માણ્યો.

પાયદળ યુદ્ધપદ્ધતિ વિશેનું તેનું પુસ્તક વાંચીને હિટલરે 1939માં સુડેટનલૅન્ડ પરની કૂચ વખતે તેને પોતાની અંગરક્ષક ટુકડીનો સેનાનાયક બનાવ્યો, પછી તેને કર્નલનો દરજ્જો આપ્યો અને આમ તે હિટલરના વડામથકનો મેજર જનરલ અને તેની સલામતી માટેની જવાબદાર વ્યક્તિ બન્યો.

10 મે 1940ના રોજ તે પરવાનગી મેળવીને તેની સાતમી વિન્સર ટુકડી સાથે બેલ્જિયમની સરહદ ઓળંગીને યુદ્ધમોરચે પહોંચી ગયો. ત્યાં તેની આગવી વ્યૂહરચના, વારંવાર ઓચિંતો છાપો મારવાની કુનેહ, સામી છાતીએ ઘા કરવાની હિંમત તથા દુશ્મનના સતત તોપમારા સામે જોખમ ખેડીને સૈનિકોમાં તથા લશ્કરી ઇજનેરોમાં જુસ્સો અને ઉત્સાહ પ્રેરવાની પદ્ધતિ વગેરે કામ લાગ્યાં. તેણે મ્યૂઝ નદી પર પુલ ઊભો કરાવ્યો. તેની ‘ભૂતિયા ટુકડી’ વડે સેન્ટ વૅલરી પર કબજો મેળવ્યો; એટલું જ નહિ, પણ 4 ફ્રેન્ચ ઍડમિરલો સાથે 30,000 યુદ્ધકેદીઓ સહિત શેર્બુર્ગ પણ કબજે કર્યું.

1941ના ફેબ્રુઆરીમાં તેણે માત્ર બે ડિવિઝન અને નબળી બખ્તરિયા રણગાડીઓની કુમક વડે તેની વેગીલી યુદ્ધપદ્ધતિથી બે મહિનાની અંદર બ્રિટિશ જનરલ વેવેલના વિજયી સૈન્યને તેમના જીતેલા પ્રદેશમાંથી હજારો માઈલ દૂર છેક મિસરની સરહદ સુધી પાછું મારી હઠાવ્યું. વેવેલના સ્થાને આવેલા જનરલ ઑચિનલેક સાથેના તુમુલ યુદ્ધમાં ભારે ખુવારી સાથે રૉમેલને પાછા હઠવું પડેલું, પરંતુ ફક્ત 11 દિવસમાં જોખમ ખેડીને પાછો જુસ્સાપૂર્વક બ્રિટિશ દળો પર ટૅન્કો અને ટૅન્કવિરોધી ગનો દ્વારા ત્રાટક્યો અને બ્રિટિશ સૈન્યને ગઝાલા બિસ્હાશમ સુધી તગેડી મૂક્યું. તેનો આ વિજય અકલ્પ્ય લેખાયો હતો. જનરલ ઑચિનલેકને અને તેના સૈન્યને પણ તેથી આશ્ચર્ય થયું હતું.

1942ના મેમાં ફરી ગઝાલાથી આક્રમણ કરીને બ્રિટિશ સૈન્યને અલ-આમીન સુધી હાંકી કાઢ્યું. તેનો વ્યૂહ એવો રહેતો કે તે કયા ખૂણેથી ઓચિંતો ત્રાટકશે તેની દુશ્મનને કલ્પના પણ ન આવતી. તેથી જનરલ તરીકે રૉમેલની ખ્યાતિ ‘ધ ડેઝર્ટ ફૉક્સ’ તરીકે પ્રસરી. આ વિજયથી ખુશ થઈને હિટલરે તેને ફિલ્ડમાર્શલ બનાવ્યો હતો.

1943ના ફેબ્રુઆરીમાં તેને સમગ્ર આફ્રિકાનાં ધરીરાજ્યોનાં સૈન્યોની સરદારી સોંપવામાં આવી. તેણે દુશ્મનો પર બે વાર ભયંકર આક્રમણ કર્યું, પરંતુ પર્યાપ્ત સૈન્યશક્તિના અભાવે જર્મન સૈનિકોની ખુવારી અને પરાજય સામે દેખાતો હોવાથી વધુ કુમક મોકલવા હિટલરને મળ્યો ત્યારે કુમક તો ન મળી પણ હિટલરે તેને કાયર માન્યો. 1944માં પણ સાથી રાજ્યોના આક્રમણ વેળા તેની યોજનાને જર્મન હાઇકમાન્ડનો ટેકો ન મળ્યો. આમ છતાં તેણે થોડા જ મહિનામાં 40,00,000 સુરંગો પાથરી દીધી હતી. તેમ છતાં સાથી રાષ્ટ્રોના સરસેનાપતિ આઇઝનહોવરના સૈન્યના આક્રમણનો સામનો તે ન કરી શક્યો. જર્મન હાઇકમાન્ડે સૈન્ય પાછું ખેંચવાની તેની સલાહની અવગણના કરી. પરિણામે સાથી સૈન્યના બૉમ્બમારામાં તે સખત ઘવાયો. હૉસ્પિટલમાં સારવાર બાદ તેને હેરલિંગેનના તેના નિવાસસ્થાને ખસેડ્યો.

હિટલરની જોહુકમી અને જર્મન સૈન્યની તબાહીથી અકળાયેલ કેટલાક કાવતરાખોરોએ રૉમેલની જાણ બહાર હિટલરનો જાન લેવાનો અને તેને સ્થાને રૉમેલને પ્રમુખ બનાવવા વિચારેલું. જોકે રૉમેલે માત્ર હિટલરના પદત્યાગ માટે સંમતિ દર્શાવેલી, કારણ કે તે જર્મનીને બચાવવા માગતો હતો, કાવતરાખોરો નિષ્ફળ ગયા, પરંતુ હિટલરને આ કાવતરા પાછળ રૉમેલનો હાથ હોવાની શંકા જાગતાં તે તેને અપ્રિય થઈ પડ્યો અને તેની ઇચ્છા અનુસાર તેને વિષપાન કરવાની ફરજ પડી. તેના વિષપાન કરવાથી તેની માનભેર દફનક્રિયાની અને તેનાં પત્ની તથા પુત્રને સાલિયાણાની ખાતરી આપવામાં આવેલી. સંપૂર્ણ લશ્કરી સન્માન અને દબદબાપૂર્વક તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી અને તેને થયેલી ઈજાઓમાંથી ઊથલો ખાવાને કારણે તેનું મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું.

બળદેવભાઈ કનીજિયા