રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’

January, 2004

રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’ (જ. 1878, રિચમંડ, વર્જિનિયા; અ. 1949) : અમેરિકાના ખ્યાતનામ ટૅપ-નર્તક. મૂળ નામ લ્યૂથર રૉબિન્સન. લાડકું નામ ‘કિંગ ઑવ્ ટૅપૉલોજી’. તેમણે 8 વર્ષની વયે વ્યવસાયી ધોરણે નર્તક તરીકે લુઇવિલે, કેન્ટકીમાં કામ કરવા માંડ્યું. પછી તેઓ લોકપ્રિય સંગીત-નાટકોમાં નર્તક તરીકે કામ કરવા 1891માં ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા.

1928માં તેમણે બ્રૉડવેના રંગમંચ પર સૌપ્રથમ વાર પદાર્પણ કર્યું. એ રીતે ‘ઝિગફીલ્ડ ફૉલિઝ’માં અભિનય આપનાર તેઓ સર્વપ્રથમ આફ્રિકન-અમેરિકન બની રહ્યા. નામી અભિનેત્રી શર્લી ટેમ્પલ સાથે તેમણે 4 ફિલ્મોમાં કામ કર્યું. તેમાં ‘ધ લિટલ કર્નલ’(1935)નો પણ સમાવેશ થાય છે. આ બધી ફિલ્મો જે તે સમયે બેહદ લોકપ્રિય નીવડી હતી, પણ પાછળથી આ અદાકારને નોકર રૂપે નર્તકનો પાત્રાભિનય કરાવવા બદલ પાછળથી તેની ટીકા થવા માંડી હતી. તેમણે ‘સ્ટૉર્મી વેધર’(1943)માં મુખ્ય અભિનય કર્યો, તેમાં રજૂ થયા પ્રમાણે પોતાના અંગૂઠા પર (અને પગનાં તળિયાં પર નહિ) નૃત્ય કરનારા તેઓ સૌપ્રથમ અદાકાર હતા. દાદર પર ચઢતાં અને ઊતરતાં ટૅપ-નૃત્ય કરવાની શૈલીનો પ્રારંભ કરવાનો યશ તેમના ફાળે જાય છે.

મહેશ ચોકસી