રૉબિન્સન, જૉન વાયોલેટ

January, 2004

રૉબિન્સન, જૉન વાયોલેટ (જ. 1903; અ. 1983) : વિખ્યાત માર્કસવાદી અર્થશાસ્ત્રી. ગર્ટન કૉલેજમાં શિક્ષણ લીધા બાદ, 1931માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ લેક્ચરર તરીકે જોડાયાં. તેમના પતિ પ્રોફેસર સર ઈ. એ. જી. રૉબિન્સન નિવૃત્ત થતાં 1965માં તેમણે તેમના પતિનું સ્થાન લીધું, જ્યાં 1971 સુધી કામ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં તેમના પર આલ્ફ્રેડ માર્શલનો પ્રભાવ હતો, પરંતુ ત્યારબાદ તેઓ જે. એમ. કેઇન્સના વિચારોના પ્રભાવ હેઠળ આવ્યાં હતાં. શુદ્ધ અર્થશાસ્ત્રમાં તેમનું અપૂર્ણ હરીફાઈના સિદ્ધાંત અંગેનું વિશ્લેષણ મહત્વનું પ્રદાન છે. તે ઉપરાંત રોજગારીના સિદ્ધાંતમાં, માર્કસવાદી અર્થશાસ્ત્રમાં તથા મૂડીસર્જનના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે.

પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ પૂર્ણ હરીફાઈની વિભાવના હેઠળ મૂલ્યના સિદ્ધાંતોનું વિશ્લેષણ કર્યું હતું, પરંતુ 1838માં ફ્રેન્ચ ગણિતજ્ઞ એ. એ. કોર્નુ(A. A. Cournot)એ મૂલ્યના સિદ્ધાંતમાં ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરી જે સંશોધન કર્યું તેના પછીના અરસામાં અર્થશાસ્ત્રીઓનું ધ્યાન પૂર્ણ હરીફાઈ કરતાં અપૂર્ણ હરીફાઈના બજારના વિશ્લેષણ પર કેન્દ્રિત થયું હતું. કોર્નુએ ઇજારાયુક્ત હરીફાઈની સમસ્યાઓ પર સર્વસામાન્ય પ્રકાશ પાડ્યો હતો, જે અપૂર્ણ અને અવૈજ્ઞાનિક વિશ્લેષણરૂપ હતો. અપૂર્ણ હરીફાઈના સિદ્ધાંતોનો પાયો નાંખવાનો જશ ઇટાલિયન અર્થશાસ્ત્રી સ્રાફાને ફાળે જાય છે. ત્યારબાદ ઇજારાયુક્ત અને અપૂર્ણ હરીફાઈના સિદ્ધાંતોની રજૂઆત કરવાનું મહત્વનું કાર્ય બે અર્થશાસ્ત્રીઓએ કર્યું : એક ઈ. એચ. ચેમ્બરલિને (‘ટોવર્ડ્ઝ અ મૉર જનરલ થિયરી ઑવ્ વૅલ્યૂ’  1957) અને બીજાં જોન રૉબિન્સને (‘ધ ઈકોનૉમિક્સ ઑવ્ ઇમ્પર્ફેક્ટ કૉમ્પિટિશન’). અપૂર્ણ હરીફાઈના સિદ્ધાંતની રજૂઆત કરવાનો સાચો જશ આ બેમાંથી કયા અર્થશાસ્ત્રીને ફાળે જાય છે તે નિર્ધારિત કરવું મુશ્કેલ છે, જોકે તે બંનેનું તે ક્ષેત્રનું પ્રદાન શકવર્તી ગણવામાં આવે છે.

મૂળભૂત રીતે જોન રૉબિન્સન માર્કસવાદી વિચારસરણીમાં ઘડાયેલાં  અર્થશાસ્ત્રી છે. જોન રૉબિન્સનની શ્રદ્ધા છે કે કાર્લ માર્કસ જે સમસ્યાઓનો નિર્દેશ કરે છે તે સમસ્યાઓનું નિરાકરણ તાત્વિક (academic) પદ્ધતિઓનો ઉપયોગ કરી માર્કસે સૂચવેલ અભિગમ દ્વારા જ શક્ય બનશે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ સૂચવેલ સ્વૈરવિહાર કે મૂડીવાદી અભિગમ દ્વારા નહિ. રૉબિન્સને આધુનિક મૂડીવાદના પાયાની સમસ્યા પર પ્રકાશ પાડ્યો છે અને આ અંગેના તેમના વિચારો મૌલિક સ્વરૂપના છે.

તેમની વિપુલ ગ્રંથ-સંપદામાં નોંધપાત્ર છે ‘ધી ઈકોનૉમિક્સ ઑવ્ ઇમ્પર્ફેક્ટ કૉમ્પિટિશન’ (1933), ‘ઇન્ટ્રોડક્શન ટુ ધ થિયરી ઑવ્ એમ્પ્લૉયમેન્ટ’ (1937), ‘ઍન એસે ઑન માર્ક્સિયન ઈકોનૉમિક્સ’ (1942), ‘મેસેઝ ઇન ધ થિયરી ઑવ્ એમ્પ્લૉયમેન્ટ’ (બીજી આવૃત્તિ : 1947), ‘ધ રેટ ઑવ્ ઇન્ટરેસ્ટ’ (1952), ‘કલેક્ટેડ ઈકોનૉમિક પેપર્સ’ (1952) અને ‘ધી ઍક્યુમ્યુલેશન ઑવ્ કૅપિટલ’ (1956).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે