રેમ્બો (ઝાં-નિકોલસ) આર્થર

January, 2004

રેમ્બો (ઝાં-નિકોલસ) આર્થર (જ. 20 ઑક્ટોબર 1854, શાર્લવિલ, ફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1891, માર્સેલ) :  ફ્રેન્ચ કવિ. સર્જક પૉલ વર્લેન સાથે 17 વર્ષની વયે સંકળાયેલા. પિતા લશ્કરી અફસર અને માતા ખેડૂતપુત્રી. એક ભાઈ અને બે નાની બહેનો. માતાપિતાના લગ્નવિચ્છેદથી બાળકોની સંભાળ માતાના હિસ્સે આવી. નાનપણથી જ આર્થરમાં અસાધારણ બુદ્ધિપ્રતિભાનાં દર્શન થતાં હતાં. આઠ વર્ષની બાળવયે તેમણે સાહિત્યસર્જન શરૂ કરેલું. કૉલેજ દ શાર્લવિલના એ અતિ તેજસ્વી વિદ્યાર્થી હતા. લૅટિન કવિતાના ભારે અનુરાગી હતા. લૅટિન કાવ્યલેખન-સ્પર્ધા ‘કૉન્કુર્સ એકૅડેમિક’નું પ્રથમ કક્ષાનું તેમણે ઇનામ મેળવ્યું હતું. ‘લા રેવ્યૂ પૉર તૂ’માં તેમનું કાવ્ય પ્રસિદ્ધ થયું હતું.

1870માં ફ્રાન્સ અને જર્મની વચ્ચે યુદ્ધ શરૂ થતાં આર્થરનું શિક્ષણ અટકી પડ્યું. તેઓ પૅરિસ ભાગી ગયા,  પરંતુ ગાડીમાં વગર ટિકિટે પ્રવાસ કરવા બદલ તેમને થોડો વખત જેલમાં પૂરવામાં આવેલા. તેમના અગાઉના શિક્ષકે તેમનો દંડ ભરપાઈ કરતાં તેમને દૂઆઇના રાષ્ટ્રીય સંરક્ષક દળમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વળી પાછા ભાગી ગયા. ફ્રાન્સ અને બેલ્જિયમમાં રઝળપાટ કરી. વળી પાછા દૂઆઇમાં આવીને પોતાનાં કાવ્યોની સુંદર હસ્તપ્રત તૈયાર કરી. ભૂખમરો વેઠી દોહ્યલું જીવન જીવવાના અનુભવમાંથી પસાર થઈને સ્વતંત્રતાનું મૂલ્ય પૂરેપૂરું સમજ્યા. આ કાવ્યોમાં જીવન અને સ્વાતંત્ર્યમાંથી નીપજતો નૈસર્ગિક આનંદ પ્રગટ્યો છે. કોઈનું પણ અનુકરણ કર્યા વગરનાં એ મૂળભૂત કાવ્યો છે. પોલીસની મદદ લઈને માતાએ આર્થરનો કબજો મેળવ્યો, પરંતુ 1871ના ફેબ્રુઆરીમાં આ અલગારી યુવાને પોતાની ઘડિયાળ વેચી મારી અને પાછા પૅરિસ ભાગી ગયા. પહેલું પખવાડિયું તો અસહ્ય ગરીબાઈમાં પસાર કર્યું. પગપાળા મુસાફરી કરી નવું જીવન જીવવાની શ્રદ્ધા સાથે તે ઘેર આવ્યા. પ્રથમનાં કાવ્યોને ફગાવી દીધાં. હવે પછીની તેમની કવિતા નિંદાત્મક અને ઉગ્ર બની ગઈ. જિંદગી ખારી થઈ ગઈ હતી. તેઓ પોતાની નિર્દોષ દુનિયામાં, સારાનરસાના ચિંતન-સંઘર્ષમાં ડૂબી ગયા. તેમણે દારૂનાં પીઠાંઓમાં જવાનું બંધ કર્યું. તેમનો વિદ્રોહ ધર્મ, નીતિનિયમો અને કોઈ પણ જાતનાં બંધનો સામે હતો. આ સમયે તેમણે ગૂઢવિદ્યા, મંત્રવિદ્યા અને રસાયણો વિશે વાંચ્યું-વિચાર્યું. તેમણે લખેલા બે પત્રો ‘લેત્રે દુ વૉયાઁ’નો સાર છે કે કવિએ ક્રાન્તદર્શી-દ્રષ્ટા (voyant) થવાનું છે, જેથી તે અનંતતાની આરપાર નીકળી શકે અને પોતાના અંગત વ્યક્તિત્વનાં બંધનોને પૂરેપૂરાં ફગાવી દે. કવિએ તો અનંતતાના અવાજના વાજિંત્ર બનવાનું છે. પૉલ વર્લેન તેમનાં કાવ્યો વાંચી પ્રભાવિત થયેલા અને રેમ્બોને મુસાફરી ખર્ચની રકમ મોકલી આપી પૅરિસ આવી જવા જણાવેલું. આ ઘટનાના તોરમાં રેમ્બોએ તેમની કવિતાના પરમોચ્ચ શિખરે વિરાજતાં કાવ્યોમાંનું ‘લે બૅતો આયવર’ રચ્યું.

તેઓ 1871માં આર્થર વર્લેનના પરિવાર સાથે ત્રણ માસ રહ્યા. અહીં કેટલાક જાણીતા કવિઓને મળવાનું થયું, પરંતુ એ બધાયની સાથેની તેમની વર્તણૂક ઉદ્ધત રહી અને પરિણામે દુશ્મનાવટ સરજાઈ. વર્લેન સાથે તેમનો સંબંધ સમલિંગકામી વ્યક્તિ(homosexual)નો રહ્યો. દારૂ અને ઇશ્કબાજીના કુમાર્ગે એ ચડી ગયા. વર્લેને તેમને પોતાના પરિવારમાંથી દૂર કરેલા, પણ પાછા મનાવીને પરત બોલાવી લીધેલા. વર્લેને પોતે કબૂલ કર્યું હતું કે આર્થર વગર તે જીવી શકે તેમ નથી.

વર્લેને આર્થરની ઉત્તમ કૃતિ કહી તે ‘લા ચેઝ સ્પિરિચ્યુએલ’ (‘ધ સ્પિરિચ્યુઅલ હન્ટ’) તથા અપદ્યાગદ્ય કૃતિઓ ‘ઇલ્યુમિનેશન્સ’ 1871–72માં રચાઈ. 1872માં વર્લેન પત્નીનો ત્યાગ કરીને આર્થર સાથે સોહોંમાં રહેવા લાગ્યા; પરંતુ વળી પાછા આર્થર માતા અને બહેનો સાથે રહેવા રોશના ફાર્મહાઉસમાં ગયા. ઘડીમાં ગુસ્સો, ઘડીમાં ભલમનસાઈના દ્વન્દ્વમાં રેમ્બો ફસાઈ ગયા હતા. એક વખત પરાણે પોતાની સાથે રહેવાની ફરજ પાડતા રેમ્બોને વર્લેને રિવૉલ્વરની ગોળીથી ઘાયલ કર્યા. વર્લેનને આ ગુના સબબ બે વર્ષની સખ્ત જેલની સજા થઈ હતી. ‘અન સઝોન એન એન્ફર’ કાવ્યમાં પોતાના પ્રેમની નિષ્ફળતા, અધ:પતન અને કલાના સર્જનમાં પોતે ઊણા ઊતર્યા છે તેની કબૂલાત છે. બેલ્જિયમમાં છપાયેલું આ કાવ્ય પૅરિસમાં આવકારાયું નહિ અને તેના છાપકામનું મહેનતાણું પણ ચૂકવી શકાયું નહિ એટલે આ કૃતિની છાપેલી તમામ નકલો અને તેની હસ્તપ્રત સુધ્ધાં બાળી મૂક્યાં. છેક 1915માં લિયૉન લૉસૉએ આ પુસ્તકના પોટલા(bales)ને જાળવી રાખીને પ્રસિદ્ધ કરેલું. રેમ્બો 1874માં સ્વૈરવૃત્તિ અને સ્વચ્છંદી વર્તનવાળા જર્મન કવિ નૂવૉના પરિચયમાં આવ્યા. રેમ્બો માંદગીમાં પટકાયા અને અત્યંત ગરીબાઈ અને બેહાલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા.

1875માં રેમ્બોને વર્લેન સાથે મોટો ઝઘડો થયો. 1875–76માં તેમણે જર્મન, અરબી, હિન્દુસ્તાની અને રશિયન ભાષાઓની થોડી જાણકારી મેળવી. 1879માં જૂન માસમાં તેમણે આલ્પ્સ પર્વતના રસ્તે પગપાળા, કષ્ટદાયક મુસાફરી કરી. ડચ લશ્કરી સેવામાં જોડાયા અને ઇંડિઝ ટાપુઓમાંથી ભાગી છૂટ્યા. જર્મન સર્કસમાં જોડાઈને સ્કૅન્ડિનેવિયા અને ઇજિપ્ત ગયા. સાયપ્રસમાં મજૂરી કરી. આ બધાંયની સાથે માંદગીએ એમનો પીછો ન છોડ્યો. 1879માં ટાઇફૉઇડ થયો. બાંધકામ અને કૉફીના વેપારીની પેઢીમાં કામ કરતાં કરતાં, ઈથિયોપિયામાં ઑગડનમાં મુસાફરી કરનાર તે પહેલા ગોરી ચામડીના માનવી હતા. આનો હેવાલ તેમણે ‘સોસાયતી દ જ્યોગ્રૅફિક’(ફેબ્રુઆરી, 1884)માં આપ્યો. થોડો વખત તેમણે શસ્ત્રોના વેપારમાં ઝુકાવ્યું. તે શૅવાના રાજા મૅનૅલિક બીજાની મદદમાં રહ્યા. અત્યંત ગરીબાઈમાં રહેવા છતાં ઈથિયોપિયાના માણસો સાથે તેમનો સંબંધ ઉષ્માભર્યો હતો. મોટી વ્યક્તિઓના પરિચયમાં પણ તેઓ આવ્યા.

વર્લેને રેમ્બોનાં કાવ્યોને લોકોમાં વંચાતાં કર્યાં. પરંતુ રેમ્બોની ભાળ ન હતી. ‘લા વૉગ’ સામયિકમાં વર્લેને તેમનો ઉલ્લેખ ‘સ્વ.’ (the late) તરીકે કર્યો હતો. રેમ્બોએ પોતાનાં કાવ્યોને પ્રસિદ્ધ થયેલાં નિહાળ્યાં ન હતાં. જોકે પોતાની ખ્યાતિ ફ્રાન્સમાં પ્રસરી છે તેની જાણ તેમને હોવાનો સંભવ છે. તેમના એક મિત્ર કવિ પૉલ બૉર્દેએ એક પત્રમાં તેમની કવિ તરીકેની ખ્યાતિની જાણ કરી હતી. ઍવાં ગાર્દ(avante garde)-સાહિત્યમાં નવીન વિચારોના પ્રવર્તક અને અગ્રેસર તરીકે અને ‘વૉયેલ’ નામના સૉનેટની સમાલોચનામાં જ્યાં હોય ત્યાંથી ફ્રાન્સ આવી જવાનું ઇજન મળેલું, પરંતુ જવાબ આપે તો રેમ્બો શેના ?

1891ના ફેબ્રુઆરીમાં તેમને જમણા ઘૂંટણમાં ગાંઠ (tumour) થઈ. છેવટે માર્સેલમાં તેમના પગને કાપી (amputation) નાખવામાં આવ્યો. પોતાની બહેનને લખેલા પત્રમાં તેમણે આ વેદના, નિર્વેદ અને નિરાશાની વાત કરી છે; પરંતુ હજુય આ અવસ્થામાં તેમને લગ્ન કરવાના અભરખા હતા. તે માટે ઈથિયોપિયા જવું હતું. માર્સેલમાં તેમને કૅન્સર હોવાનું નિદાન થયું. મૃત્યુના થોડા સમય પહેલાં ઇઝાબેલે તેમને પાદરી સમક્ષ પાપનો એકરાર કરી લેવા જણાવ્યું હતું. આમ કરવાથી કવિને પરમ શાંતિ મળી હતી.

આધુનિક કવિતા પર રેમ્બોની પ્રબળ અસર છે. ‘ઇલ્યુમિનેશન્સ’નાં ગદ્યપદ્ય કાવ્યો જાદુમંત્રથી ભર્યાં મનમાંથી નીપજેલાં પ્રતીકો બની રહે છે. અજ્ઞાત મનમાં કાવ્ય માટે કેવું વસ્તુ ધરબાયેલું હોય છે તેની યાદ રેમ્બોની કવિતા દેવડાવે છે.

વિ. પ્ર. ત્રિવેદી