રેતીખડક (sandstone)

કણજન્ય જળકૃત ખડકો પૈકીનો એક ઘણો જ અગત્યનો ખડક-પ્રકાર. (તેમનાં કણકદ, કણ-આકાર, ખનિજ-બંધારણ અને પ્રકારો માટે જુઓ, રેતીયુક્ત ખડકો.)

વર્ગીકરણ : રેતીખડકો મુખ્ય ત્રણ સમૂહોમાં વિભક્ત થાય છે : (1) પાર્થિવ પ્રકાર : આ રેતીખડકના કણોનો ઉદભવસ્રોત ભૂમિસ્થિત ખડકો હોય છે. તેમની ઉત્પત્તિસ્થિતિ કોઈ પણ પ્રકારના પાણીના જથ્થામાં થયેલી હોય છે. અર્થાત્ નિક્ષેપ-થાળાની બહાર રહેલા ભૂમિસ્થિત જૂના ખડકોના ઘસારામાંથી પ્રાપ્ત કણોની વહનક્રિયા થઈને જમાવટ પામેલા ખડકોનો સમૂહ હોય છે. તે પાણી કે પવન દ્વારા જુદા જુદા પ્રાપ્ત સંજોગો મુજબ જુદાં જુદાં  જમા થાય છે. બધા જ પ્રકારના રેતીખડકમાં આ પ્રકાર ઘણો અગત્યનો ગણાય છે. (2) કાર્બોનેટ પ્રકાર : દરિયાઈ જીવનસ્વરૂપોનાં માળખાંની કણિકાઓથી, રવાદાર દ્રવ્યથી, કાર્બોનેટ ગોલકોથી, અન્ય કાર્બોનેટ ખડકકણોથી રચાતા મિશ્ર રેતીખડકો. આ પ્રકાર રેતીખડકોને તદ્દન મળતો આવતો હોવા છતાં તેમને ચૂનાખડકોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. કાર્બોનેટ રેતીખડકોનું જૈવિક કણજન્ય (bio-clastic) રવાદાર (oolitic), ગોલકયુક્ત (pelletoid), આંતરકણજન્ય (intraclastic) તેમજ મધ્યમ લક્ષણવાળા (intermediate varieties) પ્રકારોમાં વિભાગીકરણ કરવામાં આવેલું છે. (3) જ્વાળામુખીજન્ય (pyroclastic) : પ્રસ્ફુટિત જ્વાળામુખી પ્રક્રિયા દ્વારા સીધેસીધા તૈયાર થતા ખડક-કણદ્રવ્યમાંથી તૈયાર થતા રેતીખડકો. આ સમૂહને જ્વાળામુખી કાચ, ખનિજ-સ્ફટિકો, જ્વાળામુખી-ખડક-ટુકડા મુજબ જુદી જુદી કક્ષાઓમાં વિભાજિત કરેલો છે. રેતીખડકો તરીકે આ પ્રકારનું ખાસ મહત્વ નથી.

પાર્થિવ પ્રકારના રેતીખડકોનાં નામકરણ અને વર્ગીકરણ ઉપર્યુક્ત વર્ણવેલા પ્રકારોની સરખામણીએ જટિલ ગણાય છે. આ સમૂહ વિશાળ શ્રેણી રચતો હોવાથી તેની નિક્ષેપક્રિયા, ઉદભવસ્રોત અને પ્રાચીન સ્થિતિસંજોગો જુદાં જુદાં હોય છે. તેમના વર્ગીકરણનું આધુનિક આયોજન પી. ડી. ક્રાયનીન અને એફ. જે. પેટીજૉનની પદ્ધતિ પર થયેલું છે અને છેલ્લાં વર્ગીકરણો તો  કણરચના તેમજ બંધારણ પર આધારિત છે.

કણરચના : રેતીખડકોની કણરચનાનું માળખું બે ઘટકોથી બંધાયેલું હોય છે : (1) ખડકનો મોટો ભાગ રેતી-કણોથી બનેલો હોય છે, ખનિજબંધારણ ગમે તે હોય. (2) રેતી-કણો વચ્ચેની આંતરકણજગાઓ, જે મૂળભૂત ખાલી પોલાણોના સ્વરૂપે હતી, પછીથી તે સિલિકા કે કૅલ્શિયમ કાર્બોનેટ જેવા રાસાયણિક સિમેન્ટથી અથવા  0.03 મિમી.થી ઓછા વ્યાસવાળા સૂક્ષ્મ દાણાદાર સંશ્લેષણ-દ્રવ્યથી ભરાઈ જાય છે. પરિણામે કણો સંધાઈ જઈ સખત ખડક બની જાય છે. ઍરેનાઇટમાં આંતરકણજગાઓનું પ્રમાણ ઓછું હોય છે એટલે સંશ્લેષણ-દ્રવ્ય પણ ઓછું હોય છે, જ્યારે વૅક પ્રકારના રેતીખડકોમાં 15 %થી વધુ સંશ્લેષણ-દ્રવ્યનું પ્રમાણ જોવા મળે છે.

ખનિજબંધારણ : આ ખડકો મુખ્યત્વે ક્વાર્ટ્ઝ,  અને ઝીણા ખડક-ટુકડાઓથી બનેલા હોય છે. ઍરેનાઇટ અને વૅક જેવા બે મુખ્ય સમૂહોને તેમાં રહેલા ત્રણ ઘટકો ક્વાર્ટ્ઝ અને ખડક-દ્રવ્યની વિપુલતા મુજબ, ત્રણ રેતીખડક વર્ગોમાં વિભાજિત કરી શકાય છે : (1) ક્વાર્ટ્ઝ ઍરેનાઇટ (ઑર્થોક્વાર્ટઝાઇટ). (2) ફેલ્સ્પેથિક ઍરેનાઇટ (આર્કોઝ કે ઉપઆર્કોઝ). (3) લિથિક ઍરેનાઇટ (પ્રોટો ક્વાર્ટ્ઝાઇટ અને ઉપગ્રૅવૅક)  ક્વાર્ટ્ઝ  ફેલ્સ્પેથિક વૅક અને લિથિક વૅક. કોઈ પણ વૅક તેમના બંધારણ મુજબ આ રીતે જુદા પાડવા કરતાં બધાને ગ્રૅવૅક ગણવાનું ઉચિત માનેલું છે.

કણરચના અને ખનિજબંધારણ આધારિત પાર્થિવ રેતીખડકોના વર્ગીકરણનું આધનિક માળખું. (પેડી જ્હૉન, પૉટર અને સાઇવર મુજબ)

પ્રાપ્તિ : પૃથ્વીના પોપડાના બધા જ જળકૃત ખડકો પૈકી રેતી-ખડકોનું પ્રમાણ 10થી 20 % સુધીનું હોય છે, સમુદ્રો કરતાં ખંડો પર આ ખડકોનું વિતરણ વધુ પ્રમાણમાં છે અને તેમાં પણ ભૂકવચ કરતાં પર્વતપ્રદેશોમાં વધુ જોવા મળે છે. ખડક-પ્રકારોના સંદર્ભમાં ક્વાર્ટ્ઝ ઍરેનાઇટ 34 %, ફેલ્સ્પેથિક ઍરેનાઇટ 15 %, લિથિક ઍરેનાઇટ 26 %, વૅક 20 % અને અન્ય રેતીખડકો 5 % પ્રમાણમાં રહેલા છે. ભૂસ્તરીય સ્થળ અને કાળની દૃષ્ટિએ જોતાં, રેતીખડક પ્રકારોનો પ્રત્યેક વર્ગ અનિયમિત વિતરણ પામેલો છે. પ્રત્યેકના જમાવટના સંજોગો અલગ છે તેમજ તે બધા અન્ય જળકૃત ખડકો સાથે સંકળાયેલા પણ જોવા મળે છે; જેમ કે, ક્વાર્ટ્ઝ ઍરેનાઇટ સામાન્ય રીતે છીછરા દરિયાઈ જળના કાર્બોનેટ અને શેલ સાથે હોય છે, જે લગભગ આવશ્યકપણે તો તટપ્રદેશો દૂરતટીય આડશો, ભરતી-સંજોગ હેઠળ થયેલા હોય એવા અને ઢગસ્વરૂપોમાં જોવા મળે છે. ક્વાર્ટ્ઝ ઍરેનાઇટ અંતિમ પ્રી-કૅમ્બ્રિયન કે પ્રારંભિક પૅલિયોઝોઇક વયમાં બનેલા છે. આનાથી ઊલટું, વૅક મુખ્યત્વે ઊંડા જળસંજોગો હેઠળ–અગાધ જળના સપાટ પ્રદેશમાં બનેલા શેલ સાથે સંકળાયેલા જોવા મળે છે. મોટાભાગના વૅક અધોદરિયાઈ પંખાકાર નિક્ષેપ સ્વરૂપના જણાય છે. વૅક-રેતીખડક-શેલ-ચર્ટથી બનેલું ફ્લીશ-સંકલન લગભગ દરેક ભૂસ્તરીય કાળના પર્વતીય પટ્ટાના જળકૃત જૂથના અગત્યના વિભાગો રચે છે.

નજીકના પર્વતપટ્ટાઓના ઉત્થાન દરમિયાન કે તુરત પછીથી ખંડવિભાગોમાં તૈયાર થયેલા કણજન્ય ફાચર-સ્વરૂપના નિક્ષેપોનો મોટો ભાગ લિથિક ઍરેનાઇટથી બનેલો મળે છે. તે મેસોઝોઇક અને કેનોઝોઇક નિક્ષેપોથી કે અર્વાચીન નદીજન્ય રેતીથી પણ રજૂ થાય છે. ફેલ્સ્પેથિક ઍરેનાઇટ મુખ્યત્વે ખંડીય વિભાગોમાં તણાવનાં પ્રતિબળોથી થયેલા સ્તરભંગો દ્વારા ઉદભવેલી ઊંડી ફાટખીણોના વિભાગોમાં જમા થયેલા જોવા મળે છે.

ભારત : રેતીખડકો દેશનાં કેટલાંક રાજ્યોમાં પુષ્કળ પ્રમાણમાં મળે છે. રાજસ્થાન રેતીખડકોના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. રેતીખડકના 2થી 3 મીટર લાંબા પાટડા તેમજ 60  45 સેમી. કે 30  30 સેમી. કદમાં લાદી  તૈયાર કરીને ઇમારતી બાંધકામમાં કે પ્રાંગણ-સજાવટમાં ઉપયોગમાં લઈ શકાય છે. રેતીખડક પર ઉચ્ચકક્ષાની કોતરણી પણ થઈ શકે છે. સમગ્ર ભારતનું રેતીખડક(તેમજ ક્વાર્ટ્ઝાઇટ)નું ઉત્પાદન તાજેતરનાં વર્ષોમાં 30થી 50 લાખ ટન વચ્ચેનું રહેલું છે.

ભારતમાં લોહદ્રવ્યયુક્ત, ચૂનાદ્રવ્યયુક્ત, માટીદ્રવ્યયુક્ત અને સિલિકાદ્રવ્યયુક્ત રેતી-ખડકના જથ્થા વિશાળ પ્રમાણમાં મળે છે. આ બધા જ પ્રકારો જ્યાં જ્યાં મળે છે, ત્યાં આવાસી બાંધકામના સ્થાનિક ઉપયોગમાં લેવાય છે, પરંતુ સિલિકાયુક્ત રેતીખડકો વધુ મજબૂત, ટકાઉ, રચનાત્મક ખામીરહિત અને અનુકૂળ ઘાટ આપી શકાય એવા હોવાથી તે વર્ષોથી ઇમારતી બાંધકામ માટે વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા રહ્યા છે. ભૂસ્તરીય સંદર્ભમાં જોતાં, વિંધ્ય રચના અને અમુક અંશે ગોંડવાના રચના અનુકૂળ રેતીખડકોનો પર્યાપ્ત જથ્થો પૂરો પાડે છે. આ ઉપરાંત અન્ય રચનાઓના રેતી-ખડકો પણ સ્થાનિક વપરાશમાં લેવાય છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાંથી મળતા સફેદ, ક્રીમ, બફ, ગુલાબી, રાખોડી અને આછા-ઘેરા રાતા રંગના વિંધ્ય રચનાના રેતીખડકો ખૂબ જ પ્રખ્યાત છે. વળી તે સૂક્ષ્મ દાણાદાર હોવાથી નકશીકામ-કોતરકામમાં પણ ઉપયોગમાં લેવાય છે. પૂર્વપાષાણ માનવની બરછટ પાષાણ-છરીઓ અને છીણીઓથી માંડીને રેલવે કે ટેલિગ્રાફનાં પાટિયાં અને ઉત્કૃષ્ટ નકશીવાળી કમાનો કે સ્તંભો સુધી અનેકાનેક રૂપમાં આ રેતીખડકો ઉપયોગમાં આવ્યા છે. આર્થિક રીતે પરવડે એવી સરળતાથી તે ખોદી કાઢી શકાતો હોવાથી તે મોટા પ્રમાણમાં મેળવવામાં આવે છે. ફ્રીસ્ટોન તથા ફ્લૅગસ્ટોન – બંને સ્વરૂપોમાં તે મળતો હોવાથી, ખડકની પસંદગી મુજબ, અમુક સ્થળેથી તે  માટે રાક્ષસી કદનાં ગચ્ચાં તો બીજા સ્થળેથી તે ફરસબંધી કે છતબંધી માટે જાડી-પાતળી શિલાઓ આપી શકે છે. દિલ્હી, આગ્રા, રાજસ્થાન અને મધ્યપ્રદેશની મધ્યકાલીન કે અર્વાચીન ભવ્ય ઇમારતો આસપાસનાં અનેક સ્થળોમાંથી ખોદી કાઢવામાં આવેલા બફ, રાતા અને સફેદ વિંધ્ય રેતીખડકોમાંથી બાંધવામાં આવેલી છે. વિંધ્ય રચનાના રેતીખડકો અરવલ્લીથી બિહાર સુધીનો ભારતનો  3,50,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિંધ્ય રેતીખડકો વિશે ડૉ. ડી. એન. વાડિયા જણાવે છે કે ‘ભારતની બીજી કોઈ પણ ખડકરચના વિંધ્ય રેતીખડક જેવાં બાંધકામ-યોગ્ય લક્ષણો ધરાવતી નથી.’ એ રીતે રેતીખડક સ્થાપત્યમાં ખૂબ ઉપયોગી થયા છે.

વિંધ્ય રચનાના રેતીખડકો વિશે ડૉ. વી. બોલ જણાવે છે કે આ ખડકોના  ઉપયોગો તો ઘણા છે જ, પરંતુ ઉત્તર પ્રદેશ અને ગંગાની ખીણમાં આવેલાં શહેરોમાંનાં અસંખ્ય મકાનોમાંથી શિલ્પ-કલાના ઉત્તમોત્તમ નમૂનાઓ શોધવાનું મુશ્કેલ બની રહે છે. કેટલાક વિંધ્ય રેતીખડકો એટલા તો સમાંગ અને નરમ છે કે તેમના ઉપર અતિસૂક્ષ્મ કોતરકામ અને બારીક નકશીકામ કરી શકાય છે. લાખો વર્ષોથી વાતાવરણમાં ખુલ્લા રહેવા છતાં  ખડકોએ તેમનું ટકાઉપણું પુરવાર કરી આપ્યું છે.

ઊર્ધ્વ ગોંડવાના ખડકરચના એ સારી જાતના બાંધકામ માટેના પથ્થરનો અનામત જથ્થો ધરાવતી ભારતની બીજી ખડકરચના છે. આ ખડકોએ ઓરિસા અને ભારતના મધ્યભાગના જિલ્લાઓને બાંધકામ માટેના પથ્થરોનો વિપુલ જથ્થો પૂરો પાડ્યો છે. કટકના સૂક્ષ્મદાણાદાર અથગઢ રેતીખડકોથી બાંધેલું જગન્નાથનું મંદિર અને અન્ય અતિ સુશોભિત મકાનો અને મંદિરો ઊર્ધ્વ ગોંડવાના રેતીખડકોમાંથી બાંધવામાં આવ્યાં છે.

ધ્રાંગધ્રાના મેસોઝોઇક રેતીખડકો, સોંગીર અને હિંમતનગરના ક્રિટેશિયસ રેતીખડકોએ ગુજરાતને તેનાં જાહેર અને ખાનગી આવાસો અને ઇમારતો માટે અત્યંત સુંદર અને ટકાઉ પથ્થરો પૂરા પાડ્યા છે.

ટર્શ્યરી રેતીખડકો [મરી અને કમલિયાલ (તારકી) રેતીખડકો] પૈકીના ઘણા થોડા ખડકો બાંધકામ માટે ઉપયોગી થયા છે.  રેતીખડકો એટલા બધા અસંગઠિત અને ચૂર્ણશીલ છે કે તે બાંધકામ માટે યોગ્યતા ધરાવતા નથી.

ભારતમાં રેતીખડક(અને ક્વાર્ટ્ઝાઇટ)નું વિતરણ

રાજ્ય જિલ્લો/વિસ્તાર વિગત
રાજસ્થાન કોટી, બુંદી, જોધપુર, મુખ્યત્વે વિંધ્ય રચનાના ખડકો.
સવાઈ માધોપુર, ઘેરા રાતાથી આછા પીળા કે સફેદ
ભરતપુર, ચિતોડ, રંગવાળા. બાંધકામ, ફર્શ, છત માટે
ભીલવાડા, બીકાનેર, ઉપયોગી. ભારતમાં ઘણી
અજમેર, ઐતિહાસિક ઇમારતોમાં તેનો
ઉદેપુર ઉપયોગ થયેલો છે.
મધ્યપ્રદેશ હોશંગાબાદ, નિમાડ વિંધ્ય સમૂહની રેવા-રચનાનો લાલ
રેતીખડક. મુખ્યત્વે છત અને લાદી
પથ્થર તરીકે વપરાય છે.
બિહાર રોહતાસ, મુંગેર, કૈમૂર રચનાનો રેતીખડક (રોહતાસ),
ગયા મુંગેર અને ગયાનો ક્વાર્ટ્ઝાઇટ.
ઇમારતી બાંધકામ કે તેના જેવા
હેતુઓમાં વપરાય છે.
ઉત્તરપ્રદેશ મિરઝાપુર વિંધ્ય રચનાનો  ભારતની
પ્રસિદ્ધ ઐતિહાસિક ઇમારતોમાં
વપરાયેલો છે. આજે પણ તે
ઉપયોગમાં લેવાય છે.
ગુજરાત ધ્રાંગધ્રા, હિંમતનગર, ઊર્ધ્વ જુરાસિક અને ક્રિટેશિયસ
સોંગીર રચનાના રેતીખડકો. મુખ્યત્વે
ઇમારતી બાંધકામમાં ઉપયોગી.

ગુજરાત : ગુજરાતમાં મુખ્યત્વે ત્રણ સ્થળોમાંથી બાંધકામ-યોગ્ય રેતીખડકો મળે છે : (i) ધ્રાંગધ્રા–વઢવાણ-રચના, સૌરાષ્ટ્ર; (ii) હિંમતનગર-રચના, સાબરકાંઠા–ઉત્તર ગુજરાત અને (iii) સોંગીર- રેતીખડક, વડોદરા.

ઈશાન સૌરાષ્ટ્રમાં આશરે 5,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લેતા મધ્ય જીવયુગના નિમ્ન ક્રિટેશિયસ વય ધરાવતા જળકૃત ખડકોને ધ્રાંગધ્રા-રચના અને વઢવાણ-રચનામાં વિભાજિત કરી શકાય છે.

ધ્રાંગધ્રા-રચના (નિમ્ન વિભાગ) : અગાઉ આ રચનાને ઓલ્ડહામે કાઠિયાવાડ સ્તરો તરીકે અને ફેડને ઉમિયા-સમૂહ અંતર્ગત વર્ણવેલી, પરંતુ પછીથી શ્રીવાસ્તવે તેનું વયનિર્ધારણ કરી આપ્યું છે. આ રચના ફેલ્સ્પેથિક  સૂક્ષ્મદાણાદાર મૃણ્મય રેતીખડક, રેતાળ શેલ, મૃદ (ક્વચિત્ મળતી કોલસા પટ્ટીઓ સહિત) તથા ક્વાર્ટઝાઇટથી બનેલી છે. આ પૈકી રેતીખડક મુખ્ય છે, ક્યાંક ક્યાંક તે ક્વાર્ટ્ઝના લઘુગોળાશ્મવાળા કૉંગ્લોમરેટ જેવો પણ છે. સફેદ રંગમાં મળતો આ ખડક મોટેભાગે તો કાંકરીયુક્ત સ્થૂળ કણરચનાવાળો છે; પરંતુ કેટલાંક સ્થાનોમાં તે મધ્યમથી સૂક્ષ્મ દાણાદાર, 5થી 10 મીટરની જાડાઈમાં પ્રવાહ-પ્રસ્તરવાળો તેમજ અનિયમિત સ્તરરચનાવાળો પણ છે તથા પીળી કે કથ્થાઈ રંગની ઝાંય પણ ધરાવે છે. આ રચનાના ખડકો બધે જ ક્ષૈતિજ વલણવાળા છે. તેમનો તળભાગ જોવા મળતો નથી. ધંધૂકા નજીક કરેલા શારકામમાં આ રચના 550 મીટરની જાડાઈ ધરાવતી હોવાનું જાણવા મળ્યું છે; અહીં તેનો તળ ભાગ ગ્રૅનાઇટથી બનેલો છે. સ્થાનભેદે આ રેતીખડકો લાલ, પીળા, જાંબુડી અને કથ્થાઈ રંગમાં પણ મળતા હોવાથી તેમની નિક્ષેપક્રિયા ખંડીય સંજોગો હેઠળ થયેલી હોવાનો નિર્દેશ મળે છે.

દીવ ટાપુ ખાતેની મિલિયોલાઇટની ખાણમાં જોવા મળતું પ્રવાહપ્રસ્તર લક્ષણ

ખડક-બંધારણ અને નિક્ષેપ-રચનાપ્રકારના સંદર્ભમાં આ રચના કચ્છની ભુજ-રચના સાથે સામ્ય ધરાવે છે. ભૂસ્તરવિદ્ બિશ્વાસ જણાવે છે કે ધ્રાંગધ્રા રેતીખડક ભુજ રેતીખડક અને વાગડ રેતીખડકની રચના સમાન ભૂપૃષ્ઠ લક્ષણ-ભૂમિ જોડાણ હેઠળ થયેલી હોવી જોઈએ, વળી તેમાં મળતી કોલસા પટ્ટીઓ અને ઉપલબ્ધ વનસ્પતિ-અવશેષો પરથી નક્કી થાય છે કે જમાવટ કળણ-પ્રદેશોમાં થઈ હોવી જોઈએ. આ ઉપરાંત આ નિક્ષેપ-રચના અવતલન પામતા જતા આ વિસ્તારમાં ત્રિકોણપ્રદેશીય સંજોગોનું સૂચન પણ કરી જાય છે. રેતીખડક સાથેના શેલમાંથી ફિલિકેલ્સ, સાયકડેસી અને કૉનિફર જેવા વનસ્પતિ- અવશેષો પણ મળેલા છે. ઓ. એન. જી. સી.ના સંશોધકોએ તેમાં પ્ટેરિડોફાઇટ્સ, લાયકોપોડ્ઝ, સાયકડ્ઝ અને સપુષ્પ વનસ્પતિના બીજાણુ અને પરાગ(spores and pollens)ની પરખ કરી આપેલી છે.  આ બધા પુરાવા પરથી આ ખડકો ઊર્ધ્વતમ જુરાસિકથી નિમ્ન ક્રિટેશિયસ કાળગાળા વચ્ચે જમાવટ પામ્યા હોવાનું વરતાય છે.

ઉગ્ર નમનવાળા ચાંપાનેર ક્વાર્ટ્ઝાઇટ ઉપર અસંગતિ સાથે રહેલા ક્ષિતિજસમાંતર સાંઘીર રેતીખડકો (ઘંટોલી ખાતેનો હિરણનદીપટ)

ફેડને આ વનસ્પતિધારક સ્તરોને કચ્છના ઉમિયા-સ્તરો સાથે સરખાવેલા છે. કેટલાક વનસ્પતિ-અવશેષો ઊર્ધ્વ ગોંડવાનાની જબલપુર-કક્ષા સાથે સામ્ય ધરાવે છે. કૃષ્ણને આ રચનાનો નિમ્ન વિભાગ ધ્રાંગધ્રા-રચના (જબલપુર-સ્તરો સમકક્ષ) અને ઊર્ધ્વ વિભાગ ઉમિયા-સ્તરો સાથે સરખાવેલો છે. ધ્રાંગધ્રા-રચનાને ઉત્તર ગુજરાતના હિંમતનગર રેતીખડક (નિમ્ન ક્રિટેશિયસ–વેલ્ડન કક્ષા) સાથે સરખાવી શકાય તેમ છે. જુદા જુદા આ બધા સહસંબંધો પરથી મોટાભાગના નિષ્ણાતો સૂચવે છે કે ધ્રાંગધ્રા-રેતીખડકનું વય ઊર્ધ્વતમ જુરાસિક- (તિથોનિયન)થી નિમ્ન ક્રિટેશિયસ (નિયોકોમિયન) કાળગાળાનું હોવું જોઈએ. બહુ બહુ તો તેને નિમ્ન ક્રિટેશિયસના ઊર્ધ્વભાગ (આલ્બિયન) સુધી લઈ જઈ શકાય.

વઢવાણ-રચના (ઊર્ધ્વ-વિભાગ) : ધ્રાંગધ્રા-રચનાની ઉપર તરફ સંગતપણે રહેલો વિભાગ. તેની ઉપર ડેક્કન ટ્રૅપના બેસાલ્ટ છે. આ રચના સુરેન્દ્રનગરની પશ્ચિમે, સુરેન્દ્ર અને દોલિયા વચ્ચે વહેતી ભોગાવો નદીની ધારે ધારે 25થી 30 મીટરની જાડાઈવાળા ઊર્ધ્વ છેદોમાં તેમજ મલેચીમાતા, ખારવા, મૂળી, સાયલા, સેજકપુર, ચોટીલા, ધાંધલપુર અને રાજસીતાપુર નજીકની ટેકરીઓમાં જોવા મળે છે. ફેડને વઢવાણ નજીક તેનો સર્વપ્રથમ અભ્યાસ કરેલો  તેને ‘વઢવાણ- રચના’ (વઢવાણ-રેતીખડક) નામ આપેલું છે. આ ખડકો મૃદુ, ચૂર્ણશીલ, મધ્યમથી સૂક્ષ્મદાણાદાર કણરચનાવાળા, ઈંટ-રંગના, કથ્થાઈ, પીળાશ પડતા, આછા ગુલાબી કે સફેદ રંગોમાં જોવા મળે છે. મલેચીમાતાનો રેતીખડક ચૉકલેટ કે લાલ-કથ્થાઈ રંગવાળો છે અને 8થી 10 મીટરની જાડાઈ ધરાવે છે. તે ચર્ટયુક્ત, રેતીખડકનાં પાતળાં પડો સહિતના અશુદ્ધ ચૂનાખડકવાળો તથા મૃણ્યમ છે. સિલિકાકરણથી મૃણ્મય થરો સખત બની રહેલા છે. મલેચીમાતા ટેકરીમાં તેમજ સુરેન્દ્રનગરની પશ્ચિમે સૌથી ઉપરનો ભાગ 8થી 10 મીટરવાળા ચામરજ રેતીખડકથી બનેલો છે. આ રેતીખડક ખૂબ જ સખત છે, તેથી તેને ક્વાર્ટ્ઝોઝ રેતીખડક કહે છે. તે ઝાંખા જાંબલી કે ગુલાબી સફેદ રંગનો છે. તેમાં પ્રવાહ-પ્રસ્તરરચના અને કાંકરીયુક્ત (લઘુગોળાશ્મનાં) પડ  મળે છે.

ભોગાવો નદીના છેદોમાં તેમજ ખડસલિયા, ભડુકા અને સોમસર ગામોની આજુબાજુ આ રચનામાં ગૅસ્ટ્રોપૉડ, પેલિસીપૉડ, બ્રાયોઝોઆ, શૂળત્વચી અને પરવાળાંના ટુકડા મળ્યા હોવાનું શ્રીવાસ્તવ જણાવે છે. આ અવશેષો અહીં દરિયાઈ સંજોગો હોવાનું સૂચવે છે. ધ્રાંગધ્રા-રેતીખડકની રચના વખતે જમાવટના જે ત્રિકોણપ્રદેશીય સંજોગો હતા, તે વઢવાણ-રેતીખડકની રચના વખતે છીછરા દરિયાઈ સંજોગોમાં ફેરવાઈ ગયેલા.

અગાઉ ફેડને વઢવાણ-રચનાને નર્મદા ખીણના બાઘ-સ્તરો (સેનોમેનિયનથી સેનોનિયન) સાથે સરખાવેલી, ફૉક્સે તેને નિમ્ન ક્રિટેશિયસ વયના નિમાડ રેતીખડક સાથે સરખાવેલી. શ્રીવાસ્તવે તેને આલ્બિયનથી સેનોમેનિયન કક્ષામાં મૂકી છે. બિશ્વાસે તેને કચ્છના ઉક્રા-સ્તરો સાથે સરખાવી છે. ચિપ્લુનકર અને બોરકરે વઢવાણ-રેતીખડકના ત્રણ વિભાગોને ચડતા ક્રમમાં સુરેન્દ્રનગર-રેતીખડક, નવાણિયા-ચૂનાખડક અને ભડુકા-ચૂનાખડક તરીકે ગોઠવી આપ્યા છે અને તેમને નર્મદા ખીણના બાઘ-સ્તરોના નિમાડ-રેતીખડક, ગઠ્ઠાદાર ચૂનાખડક અને પ્રવાળયુક્ત ચૂનાખડક વિભાગો સાથે સરખાવી આપ્યા છે. પ્રાણી-અવશેષોના સામ્ય પરથી વઢવાણ-રેતીખડકોને હેઠવાસની નર્મદા ખીણના બાઘ-સ્તરોનું વિસ્તરણ ગણાવ્યું છે. બિશ્વાસે તે કચ્છની ભુજ-રચનાને સમકક્ષ હોવાનું નિર્દેશ્યું છે.

હિંમતનગર-રેતીખડકરચના : મિડલમિસે અગાઉ જે રચનાને અહમદનગર રેતીખડક નામ આપેલું તેને ગુપ્તા અને મુખરજીએ પછીથી હિંમતનગર-રેતીખડક તરીકે ઓળખાવી છે. તેમાંથી મળી આવેલા વેલ્ડન-કક્ષાના વનસ્પતિ-અવશેષો મૅટોડિનિયમ ઇન્ડિકમ અને વિશેલિયા રેટિક્યુલેટમને આધારે પ્રો. બીરબલ સાહનીએ આ રચનાને નિમ્ન ક્રિટેશિયસ વયની ગણાવી છે.

આ રચનાના ખડકો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આજુબાજુ હાથમતી નદીના બંને કાંઠા પર આશરે 200 ચોકિમી. વિસ્તારમાં ક્ષિતિજ-સમાંતર સ્તરોરૂપે સ્થાનભેદે 30થી 60 મીટર જાડાઈમાં રેતીખડક  અને કૉંગ્લોમરેટ તરીકે વિવૃતિ પામેલા જોવા મળે છે. હિંમતનગરની પશ્ચિમે આ ખડકો નવવિવૃતિઓ તરીકે ઘણી સંખ્યામાં મળે છે; જ્યારે પૂર્વ તરફ 5 કિમી. અને 12 કિમી.ને અંતરે અનુક્રમે આવેલી બેરણા અને વંતરાની ટેકરીઓ ખાતે પણ મળે છે. તેની નીચે ગ્રૅનાઇટ નાઇસ ખડકો રહેલા છે, તે હિંમતનગર ખાતે વિવૃત થયેલા નથી પરંતુ વંતરા ખાતે ભૂમિસપાટીથી 22 મીટર ઊંચાઈ ધરાવતો નાઇસ મળે છે અને ત્યાં તેની ઉપર જળકૃત સ્તરો રહેલા છે. બંને વચ્ચે 3 મીટરની જાડાઈનો કૉંગ્લોમરેટનો થર આવેલો છે. હિંમતનગરની આજુબાજુ આવેલી સપાટી-ખાણોમાં ચડતા ક્રમમાં ગ્રૅનાઇટ-નાઇસ, કૉંગ્લોમરેટ, શેલ અને સિલ્ટસ્ટોન રેતીખડક જોવા મળે છે. હિંમતનગર-રેતીખડકની રચના બે સમયગાળાઓમાં થયેલી છે. નીચેનો વિભાગ 12 મીટરની જાડાઈનો છે, તેની ઉપર 3 મીટર જાડાઈના પૂરના મેદાની નિક્ષેપો રહેલા છે. ઉપરનો વિભાગ 4 મીટરની જાડાઈનો છે અને તેની ઉપર ફરીને પૂરના મેદાની નિક્ષેપો રહેલા છે. આ પૈકીના કેટલાક રેતીખડકો શક્ય છે કે કિનારાના દરિયાઈ નિક્ષેપો પણ હોય; પરંતુ મોટાભાગના રેતીખડકો નદીજન્ય ઉત્પત્તિવાળા છે. આ ખડકો વયના સંદર્ભમાં વડોદરા જિલ્લાના સોંગીર રેતીખડક સાથે, નિમાડ (મ. પ્ર.) રેતીખડક સાથે, સૌરાષ્ટ્રના ધ્રાંગધ્રા-રેતીખડક સાથે તેમજ કચ્છની ભુજ-રચના સાથે સરખાવી શકાય તેમ છે. બિશ્વાસ જણાવે છે કે આ ખડકો નિમ્ન ક્રિટેશિયસ કાળ દરમિયાનના પશ્ચિમી સમુદ્રમાં મળતી અરવલ્લી ટેકરીઓમાંથી નીકળતી નદીઓના મુખ આગળના ત્રિકોણપ્રદેશોની પેદાશ છે.

સોંગીર-રેતીખડક : વડોદરા જિલ્લામાં  નજીક મળતો રેતીખડક ધ્રાંગધ્રાના અને હિંમતનગરના રેતીખડક જેવો જ ગણાય છે. વડોદરામાં આવેલી કેટલીક મોટી ઇમારતો આ રેતીખડકમાંથી બાંધેલી છે. તે મધ્યપ્રદેશના નિમાડ રેતીખડકને સમકક્ષ છે.

ગિરીશભાઈ પંડ્યા