રેણુ, ફણીશ્વરનાથ (જ. 4 માર્ચ 1921, ચૌરાહી; અ. 11 એપ્રિલ 1977) : આધુનિક હિંદી ગદ્યસાહિત્યમાં આંચલિક વિષયો પર આધારિત નવલકથા-વાર્તાઓના સફળ સર્જક. રેણુનું 20–25 પરિવારનું ગામ ચૌરાહી શહેરની બધી જ સવલતોથી વંચિત હતું. ત્યાં અમૃત મંડલનો પરિવાર રહેતો હતો. તેમના પુત્ર શિલાનાથ મંડલના ત્રણ પુત્રોમાં ફણીશ્વરનાથ સૌથી મોટા હતા. 11 માસ સુધી ગર્ભમાં રહેલા તેથી તે અદભુત થશે એવી લોકવાયકા થયેલી. પિતા શિલાનાથ સંપન્ન ખેડૂત હતા તથા સાહિત્ય અને રાજનીતિમાં રસ પણ ધરાવતા હતા. પિતાનો આ વારસો રેણુમાં પણ ઊતર્યો. તેઓ 1942ની સ્વાધીનતાની ચળવળમાં સક્રિય હતા. તેના કારણે તેમને ત્રણ વર્ષની કેદની સજા પણ થઈ હતી. તેમનું લગ્નજીવન સુખદાયક નહોતું. પહેલી પત્ની રેખાની લકવાની માંદગીમાં રેણુએ ખૂબ જ ચાકરી કરેલી. બીજી પત્ની પદ્માવતી સાથેનો તેમનો સંબંધ તણાવપૂર્ણ રહ્યો. નર્સ લતિકા સાથેના સંબંધમાં એમને થોડીક મીઠાશ મળી.

તેઓ સાપ્તાહિક પત્રિકા ‘વિશ્વમિત્ર’(ઑગસ્ટ 1944)માં પ્રકાશિત ‘બટબાબા’ને પોતાની પહેલી રચના (વાર્તા) માને છે. તેઓ પહેલી નવલકથા ‘મૈલા આંચલ’(1954)થી જ પ્રસિદ્ધિ પામેલા. તેઓ  કથાકાર છે, જેમની આ રચનાથી હિંદીમાં આંચલિક નવલકથાના રૂપવિધાનનું શાસ્ત્ર નક્કી થયું.

‘મૈલા આંચલ’ સિવાય અન્ય નવલકથાઓમાં ‘પરતી : પરિકથા’ (1957), ‘દીર્ઘતપા’ (1963) પછી ‘કલંકમુક્તિ’ નામે 1986માં પ્રકટ થઈ તે તથા ‘જુલૂસ’ (1965), ‘કિતને ચૌરાહે’ (1966) અને ‘પલ્ટૂબાબૂ રોડ’(1979)નો સમાવેશ થાય છે. એમના વાર્તાસંગ્રહો ‘ઠુમરી’ (1959), ‘આદિમ રાત્રિ કી  (1967), ‘અગિન ખોર’ (1974), ‘એક શ્રાવણી દોપહરી કી ધૂપ’ (1984), ‘અચ્છે આદમી’ (1986), ‘પ્રાણોં મેં ધુલ રંગ’ (1993) પણ પ્રકાશિત થયા છે. એ સિવાય પૂર અને દુષ્કાળ પર ‘ઋણજલ ધનજલ’ (1982) અને નેપાળી રાજાશાહીના વિરોધમાં ચાલેલા ગૃહયુદ્ધ પર ‘નેપાલી ક્રાંતિકથા’ (1977) જેવાં સંસ્મરણાત્મક રિપૉર્તાજ ઉલ્લેખનીય છે. એમના મૃત્યુ પછી  ‘યાયાવરે’ એમનું ઘણું અપ્રકાશિત સાહિત્ય સંપાદિત કરી પ્રકાશિત કર્યું છે, જેમાં ‘કવિ રેણુ કહે’ (1988) કવિતાસંગ્રહ, ‘ઉત્તર-નેહરુચરિતમ્’ (1988) વ્યંગ્ય અને ‘વનતુલસી કી ગંધ’ (1984) રેખાચિત્રસંગ્રહ ઉલ્લેખનીય છે. અત્યારે એમનું સમગ્ર સાહિત્ય ભારત ‘યાયાવર’ દ્વારા ‘રેણુ રચનાવલી’ નામે પાંચ ખંડોમાં સંપાદિત થઈ પ્રકાશિત થયું છે.

રેણુએ હિંદી નવલકથા ક્ષેત્રે ‘મૈલા  દ્વારા આંચલિક નવલકથાની અવધારણા સ્પષ્ટ કરી આપી. આ નવલકથાનો સમય ભારતને સ્વતંત્રતા મળી ત્યારનો છે. ભારતના એક પછાત ક્ષેત્ર પૂર્ણિયા જિલ્લાનું મેરીગંજ ગામ નવલકથાના કેન્દ્રમાં છે. ત્યાં મલેરિયા સેન્ટર ખોલવાના નિર્ણયના કારણે આવેલ સરકારી માણસોને જોઈ ગામના જાતિવાદી માનસમાં ભય અને આશંકાનો ભાવ વ્યાપી જાય છે. આ મલેરિયા સેન્ટરમાં  મેડિકલ કૉલેજનો સર્વોત્તમ વિદ્યાર્થી ડૉ. પ્રશાંત વિદેશની સ્કૉલરશિપ છોડી મલેરિયા અને કાળા જ્વર પર સંશોધન કરવા આવે છે. વાચક ડૉ. પ્રશાંત દ્વારા મેરીગંજના સમગ્ર જીવનને જુએ છે. રચનાવિધાન એવું છે. જાતિગત સંઘર્ષ, વૈમનસ્ય, અંધવિશ્વાસ, દમન, મહંતનો અનાચાર, અનૈતિક સંબંધોની સાથે લોકજીવનના ઉમંગ અને ઉત્સાહના પ્રસંગો નવલકથાને મહાકાવ્યાત્મક બનાવે છે.  કથાવસ્તુ મેરીગંજનું સાચું ચિત્ર ઉપસાવવામાં સહાયક બને છે. પ્રશાંત મલેરિયાના મચ્છરો પર સંશોધન કરતાં કરતાં સમાજજીવનની વિડંબનાપૂર્ણ સ્થિતિ વિશે સભાન થાય છે. કથક કહે છે કે પ્રશાંતનું સંશોધન પૂરું થઈ ગયું છે. ગરીબી અને જહાલત મલેરિયા અને કાળા જ્વરથી પણ વધુ ખતરનાક કીટાણુઓ છે. ‘મૈલા આંચલ’ પોતાના સ્થાનીય રંગની  સાથે સ્વતંત્ર થઈ રહેલા ભારતીય ગામડાનું પ્રતીક બની રહે છે. આવો વિષય લઈ ભાગ્યે જ કોઈ ભાષામાં આંચલિક નવલકથા લખાઈ હશે.

હરિયાળી બીજી નવલકથા ‘પરતી : પરિકથા’માં પરાનપુર ગામ કેન્દ્રમાં છે. કોસી નદીની ઉજ્જડ (પરતી) ભૂમિની સાથે માનવમનની ઉજ્જડતાની ચિંતા અહીં કરવામાં આવી છે. જમીનદારનો પુત્ર જિતેન્દ્ર આ ધરતીને ફરી  બનાવવાનું સ્વપ્ન લઈને પરાનપુર પાછો આવે છે. અહીં એને જે પરિસ્થિતિઓનો  સામનો કરવાનો છે, તેમાં અજ્ઞાનતા અને ભ્રષ્ટાચાર મુખ્ય છે. સ્વાર્થ, અંધવિશ્વાસ, ભ્રષ્ટાચાર, અજ્ઞાનતા અને રાજનૈતિક કાવાદાવા પરાનપુરના જીવનને બદહાલ બનાવી રહ્યાં છે. આ નવલકથામાં જિતેન્દ્ર, તાજમની અને ઇરાવહીના સંબંધો અને સાંસ્કૃતિક જીવનનાં ચિત્રોએ પણ સારી એવી જગ્યા રોકી છે. રેણુની અહીં મુખ્ય ચિંતા છે કે જમીનની ઉજ્જડતાનો વિકાસ કાર્યોથી દૂર થઈ જશે, પણ મનની ઉજ્જડતા માટે પ્રયત્ન કરવા પડશે. બંને નવલકથાઓમાં રેણુ આશાવાદી સર્જક તરીકે ઊપસી આવે છે.

એમની વાર્તાઓ પણ ગ્રામ-કેન્દ્રિત છે. નવલકથાની જેમ હિંદીમાં ‘નઈ કહાની આંદોલન’માં મુખ્યત્વે નગરજીવનને મહત્વ આપવામાં આવતું હતું. એવા સમયમાં તેઓ  વાર્તાઓ લઈને આવ્યા. એમની વાર્તાઓનો એક મહત્ત્વનો વિષય પ્રેમ રહ્યો છે. ‘તીસરી કસમ’, ‘રસપ્રિયા’, ‘પંચલેંટ’ અને ‘નૈના જોગન’ જેવી વાર્તાઓ આ પ્રકારની છે. પણ અહીં પ્રેમ એક વૈયક્તિક અનુભૂતિની સાથે સામાજિક પરિવેશને પણ છતો કરે છે, જે મોટા ગજાના રચનાકાર દ્વારા જ સંભવે છે. (‘તીસરી કસમ’ પરથી ફિલ્મ પણ ઊતરી હતી.) હિંદી કથાસાહિત્યને ભારતીય સાહિત્ય સાથે જોડનારા હિંદીના સર્જકોમાં ફણીશ્વરનાથ મોખરે છે.

આલોક ગુપ્તા

રજનીકાન્ત જોશી