રેડિયો-નાટક

January, 2004

રેડિયો-નાટક : સમૂહપ્રત્યાયન(સંચાર)નાં સાધનો પૈકીનું એક સાધન. મુદ્રણ (કહેતાં છાપું, સામયિક, પુસ્તક), ફિલ્મ, ટેલિવિઝન અને ઇન્ટરનેટ જેવું એ એક સમૂહમાધ્યમ છે. એટલે કે પ્રત્યાયક (communicator) પાસેથી એકસાથે એક સમયે અનેક સ્થળોએ વિવિધ પ્રકારના શ્રોતાઓ–ભાવકો સુધી પહોંચતું એ માધ્યમ છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મુદ્રણ અને ફિલ્મ પછી રેડિયોના માધ્યમનો પ્રારંભ વીસમી સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં થયો. એના પ્રસારણ માટેના આવા ત્રણ ઉદ્દેશો પહેલેથી વિચારાયા : માહિતી, શિક્ષણ અને મનોરંજન. મનોરંજન આપવામાં રેડિયોનું માધ્યમ બે દિશામાં આગળ વધ્યું : સંગીત અને કાલ્પનિક કથા દ્વારા પ્રસ્તુત થતો નાટ્યપ્રકાર.

શ્રાવ્ય માધ્યમ તરીકે રેડિયોનો વિકાસ થતો હતો ત્યારે તેના દ્વારા કથા/નાટ્ય પ્રસ્તુત કરવા માટે પ્રારંભે કશો સ્પષ્ટ ખ્યાલ કે રેડિયો-નાટકનું બંધારણ નિશ્ચિત ન હતાં. તેથી જગતના પ્રથમ રેડિયો-નાટકમાં તો, થિયેટરના રંગમંચ ઉપરથી એક માઇક્રોફોન લટકાવી જે કંઈ એનાથી ઝિલાયું તે શ્રોતાઓએ સાંભળ્યું, પરંતુ રંગમંચ પર નટો જે ગતિ કરે કે એકબીજાથી અમુક અંતરે રહીને બોલે, ત્યારે એ સમયનાં ઓછાં વિકસિત અને ઓછી ક્ષમતા ધરાવતાં માઇક્રોફોનથી આખું નાટક પકડાયું નહિ, છતાં પ્રેક્ષકોને કશુંક સાંભળ્યાનો આનંદ જરૂર આવ્યો, અને તેથી માત્ર કથાનું વાચન જ નહિ, પરંતુ કથાની નાટ્યાત્મક રજૂઆત શ્રોતાઓને રસપ્રદ બનશે એ વિચાર બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કંપની(બી.બી.સી.)ના સૂત્રધારોના મનમાં દૃઢ થઈ ગયો. આ આખી નાટ્યમંડળીને તમણે સ્ટુડિયોમાં બોલાવી જીવંત નાટ્યપ્રસારણ કરી જોયું, જેમાં જીવંત સંગીત પણ સાથે રજૂ કરવામાં આવ્યું. તો પણ ‘રેડિયો-નાટક’ તરીકે હજી એનો સંપૂર્ણ રસાનુભવ ન તો શ્રોતાઓ કરી શક્યા કે ન નટમંડળીને સંતોષ થયો. જોકે એ પછી તો રેડિયો માટે મૌલિક નાટ્યલેખન પણ શરૂ થયું.

જગતના સર્વપ્રથમ રેડિયો-નાટકમાં કંઈક આવી વાર્તા હતી. કોલસાની એક ખાણમાં અકસ્માત થતાં ચાર-પાંચ મજૂરો બહાર નીકળવાનો રસ્તો ન રહે એવી રીતે ફસાય છે, અને તેઓ એ અંધારામાં હાથવગાં સાધનો વડે બહાર નીકળવાનો સાહસિક પ્રયત્ન કરે છે. લેખકે અંધારામાં ઝઝૂમતા ખાણમજૂરોનાં જે પ્રકારનાં સંવાદો અને સ્થિતિ સર્જ્યાં અને એના દિગ્દર્શક અને નટોએ જે રીતે એ સંવાદોની રજૂઆત કરી, એમાં સંવાદની શ્રાવ્યશક્તિ અને એ દ્વારા ઊભાં થયેલાં શબ્દચિત્રો રેડિયો-નાટકના સ્વરૂપને ખૂબ બંધ બેસી ગયાં. સુસંગત સંગીતને કારણે આ નાટક સર્વ સર્જકો  લેખક, નટ અને દિગ્દર્શક માટે ઉદાહરણરૂપ બની રહ્યાં.

રેડિયોના આ શ્રાવ્ય માધ્યમમાં ચાર તત્વો છે : માનવ-અવાજ (એટલે કે સંવાદ, કૉમેન્ટ્રી અથવા ગીતોના શબ્દો), સંગીત (કંઠ્ય અને વાદ્ય), ધ્વનિ-અસરો (sound effects) અને મૌન (શાંતિ). જગતના એ પ્રથમ રેડિયો-નાટકમાં જાણ્યે-અજાણ્યે આ ચારેય તત્ત્વોનો સુમેળ હતો. રેડિયો-નાટક એટલે માત્ર સંવાદોથી રજૂ થતું નાટક નહિ, પરંતુ આ ચારેય તત્ત્વોને લીધે ઊભાં થતાં એવાં શબ્દચિત્રો, વ્યક્તિચિત્રો કે પરિસ્થિતિ જે પ્રેક્ષકોની કલ્પનાને ઉત્તેજે અને દરેક શ્રોતા-ભાવક પોતાની કલ્પનાથી સહભાગી બનીને એ પાત્ર, પરિસ્થિતિ અને વાતાવરણ સર્જે. રંગમંચ પર ક્યારેક વાસ્તવિકતા સર્જવા થતો સન્નિવેશનો ફેરબદલો મર્યાદા સર્જી શકે, પરંતુ રેડિયો-નાટકનાં કલ્પના-જગત અને કલ્પના-વિહાર એટલાં કમનીય અને ઝડપી બની શકે કે જેથી સ્થળ, સમયનાં અંતરો નાનાં, ટૂંકાં કે સામાન્ય ઇંગિતોથી બદલી શકે, કારણ કે રેડિયો દ્વારા નાટકનું ‘સ્થળ’ કે પાત્રો વચ્ચેનું અંતર, એમની સ્થિતિ, ગતિ કે ભાવો પ્રેક્ષકોના મનમાં સર્જાય છે. નટો, દિગ્દર્શકોએ તો એના સર્જનમાં મદદરૂપ થવા મસાલો પૂરો પાડવાનો હોય છે.

આ શ્રાવ્ય માધ્યમ ખુદ સમયના તત્વનો ઉપયોગ કરે છે અને એનાં એ ચારેય તત્વો પણ સ્થળ, પાત્રો, સ્થિતિ, ગતિ વગેરેથી નાટ્યાત્મક રસાનુભવ કરાવી આપે છે.

રેડિયો વાચ્ય અને શ્રાવ્ય માધ્યમ હોવાથી, ગીત-સંગીતની જેમ જ, પદ્યાત્મક પ્રસારણ માટે ખૂબ ઉચિત સાધન છે અને તેથી કેટલાંય સારાં રેડિયો-નાટકો પદ્યમાં લખાયેલાં છે. એનાં ખૂબ નોંધપાત્ર ઉદાહરણોમાં લૂઈસ મેક્નીસ, ધર્મવીર ભારતી, ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોશી વગેરેને ગણી શકાય.

એ જ રીતે સંગીત અને ધ્વનિ-અસરોથી સ્થળ-સમયનાં અંતરોને નવી રીતે પ્રયોજવામાં કલ્પનાવિહારી કે પ્રશિષ્ટ કલાકૃતિઓનાં નાટકો પણ રેડિયો-નાટક તરીકે શ્રોતાઓ દ્વારા ખૂબ આવકાર પામ્યાં છે. જૂલે વર્નની જાણીતી નવલકથા ‘ઍન ઇન્વેઝન ફ્રૉમ માર્સ’(મંગળના ગ્રહવાસીઓનો હુમલો)ના બી.બી.સી. પરથી જાણીતા ફિલ્મદિગ્દર્શક સિસિલ દ’મિલે દ્વારા પ્રસ્તુત રેડિયો-નાટકમાં મંગળગ્રહવાસીઓના હુમલાની એવી ઉચિત ધ્વનિ-અસરોનો ઉપયોગ થયો હતો કે લંડનવાસીઓએ બેબાકળાં થઈને બી.બી.સી. ઉપર ફોન કર્યો હતો કે ખરેખર લંડન ઉપર આક્રમણ થયું છે કે શું ?

ગુજરાતમાં સ્વ. ચંદ્રવદન મહેતાનાં અનેક રેડિયો-નાટકો (‘એચ.એમ.એસ.’ જેવાં) ઉદાહરણરૂપ દસ્તાવેજી રૂપકો છે, તો એમનું ‘અત્ર લુપ્તા સરસ્વતી’ કે નંદકુમાર પાઠકનું ‘રુદ્રમાળ’ જેવું નાટક સ્થળ, સમય, ઇતિહાસ, ભૂગોળ, પાત્રો બધાંને બળૂકી રીતે રજૂ કરતા રેડિયો-નાટકનાં ઉદાહરણો છે. રેડિયોના માધ્યમને અનુરૂપ સુંદર રચનાઓ જયન્તિ દલાલે પણ આપી છે.

માનવ-અવાજનું એક વ્યક્તિત્વ હોય છે. એની એક ઉંમર હોય છે. એનાં આરોહ, અવરોહ અને હાસ્યક્રંદન કે ‘વ્હિસ્પર’થી ચીસ સુધીનાં બહોળા પરિમાણમાં રહેલા પ્રયોજનથી રેડિયો પરનાં નાટકોનાં પાત્રાલેખનોને એક વિશેષ ઊંડાણ, એક સશક્ત અભિવ્યક્તિ મળતી હોય છે અને એટલે તો રેડિયો-નાટક એક નાટ્યપ્રકાર તરીકે પોતાનું આગવું સ્થાન કોતરીને બેઠું છે.

આજે ટેલિવિઝન કે નવા મીડિયાના આટલા પ્રસાર-પ્રચાર છતાં, સમજુ ભાવકો માટે કાલ્પનિક કથાપ્રકારને રજૂ કરતા માધ્યમ તરીકે રેડિયો-નાટક એટલે તો હજી આવકાર્ય ને મનોરંજનનું સાધન રહ્યું જ છે.

હસમુખ બારાડી