રૂની, મિકી (જ. 1920, ન્યૂયૉર્ક સિટી, યુ.એસ.) : અમેરિકાના નામી ફિલ્મ-અભિનેતા. મૂળ નામ જૉ યુલ, જુનિયર. મનોરંજક વૃંદ તરીકેનો વ્યવસાય કરનારા પરિવારમાં તેમનો જન્મ થયો હતો, તેથી અભિનય-સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા.

‘મિકી મૅકગ્વાયર’ (1927–’33) તથા ‘ઍન્ડી હાર્ડી’ (1937–’38) જેવી શ્રેણીઓમાંના તેમના અભિનય બદલ તેઓ ઘણી નામના પામ્યા. ‘બૉઇઝ ટાઉન’ નામક તેમની ફિલ્મમાંના અભિનય બદલ 1938માં તેમને સ્પેશિયલ ઑસ્કર ઍવૉર્ડ અપાયો હતો. તેમણે 8 વખત લગ્ન કર્યાં હતાં. તેમાં અભિનેત્રી આવા ગાર્ડનરનો પણ સમાવેશ થાય છે. 1979માં ‘સુગર બૅબ્ઝ’ જેવી સંગીતપ્રધાન હાસ્યનાટિકા સાથે તેઓ રંગભૂમિક્ષેત્રે પાછા ફર્યા. 1979માં ‘ધ બ્લૅક સ્ટૅલિયન’ ફિલ્મમાંના અભિનય બદલ તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકે ઑસ્કર નૉમિનેશન મળ્યું હતું. ‘બિલ’ નામક ટેલિવિઝન શ્રેણીમાંના અભિનય બદલ તેઓ ઍમી ઍવૉર્ડના વિજેતા બન્યા હતા.

મહેશ ચોકસી