રિગ્લી, વિલિયમ્સ, જુનિયર

January, 2004

રિગ્લી, વિલિયમ્સ, જુનિયર (જ. 1861, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 1932) : ચૂઇંગ-ગમના અમેરિકન ઉત્પાદક. તેમના પિતાની સાબુ-ઉત્પાદનની કંપની હતી; ત્યાં તેમણે સેલ્સમૅન તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ શિકાગો ગયા અને પોતાના માલના વેચાણ માટે ચૂઇંગ-ગમ આપવા લાગ્યા.

મનભાવન અને લોકભોગ્ય સ્પિરમિન્ટનો સ્વાદ ધરાવતા ચૂઇંગ-ગમના વેચાણમાં 1899માં તેમને ખૂબ સફળતા મળી, પરિણામે તેમણે આ પ્રકારના ગમની મૂળ ઉત્પાદક કંપની ઝેનો મૅન્યુફૅક્ચરિંગ 1911માં ખરીદી લીધી અને વિલિયમ રિગ્લી જુનિયર કંપનીની સ્થાપના કરી.

1925માં તેઓ નિવૃત્ત થયા ત્યારે તેમની કંપની ચૂઇંગ-ગમના ઉત્પાદન તથા વિતરણક્ષેત્રે વિશ્વની સૌથી મોટી કંપની તરીકે નામના પામી ચૂકી હતી.

મહેશ ચોકસી