રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની સંસદમાં સભ્ય બન્યા. રિકાર્ડોએ ધર્માંતર કરેલું, જેને લીધે તેમને પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યા હતા. ધંધા-વ્યાપારમાંથી નિવૃત્તિ લીધા બાદ તેમણે પોતાનું બાકી જીવન બૌદ્ધિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં ગાળ્યું હતું. તેમના સફળ જીવનના રહસ્યમાં તનતોડ મહેનત કરવાની તેમની ક્ષમતા, સૂક્ષ્મ નિર્ણયશક્તિ, ગણતરી કરવાની વિચક્ષણતા જેવા તેમના અંગત ગુણોએ ભાગ ભજવ્યો હતો. મોટી ઉંમરે તેમણે ગણિત, રસાયણશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્રનો અભ્યાસ કરેલો.

ડેવિડ રિકાર્ડો

બૅંકિંગ ક્ષેત્રની સમસ્યાઓને કારણે અર્થશાસ્ત્રમાં તેમણે યુવા અવસ્થામાં જ રુચિ કેળવી. 1799માં ઍડમ સ્મિથના ગ્રંથ ‘વેલ્થ ઑવ્ નેશન્સ’ના સંપર્કમાં આવતાં ત્યારપછીના જીવનના બાકીનાં ચોવીસ વર્ષો સુધી તેમણે મુખ્યત્વે અર્થશાસ્ત્રના અધ્યયનમાં પોતાનો સમય પસાર કર્યો. ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહના તેઓ સભ્ય હતા, પરંતુ વક્તૃત્વ-શૈલીમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા. 1821માં તેમણે ‘અર્થશાસ્ત્ર મંડળ’(Political Economy Club)ની સ્થાપના કરી અને અવસાન (1823) સુધી તેની પ્રવૃત્તિમાં તેમણે સક્રિય રસ લીધો હતો.

‘પ્રિન્સિપલ્સ ઑવ્ પોલિટિકલ ઇકૉનોમી’ (1817) તેમનો સૌથી વધારે જાણીતો બનેલો ગ્રંથ છે. તે ઉપરાંત તેમણે ઘણાં લેખો અને પુસ્તિકાઓ પ્રગટ કર્યાં હતાં. ઈ. સ. 1800માં પ્રકાશિત તેમની સર્વપ્રથમ પુસ્તિકાનું શીર્ષક હતું ‘ધ હાઈ પ્રાઇસ ઑવ્ બુલિયન – અ પ્રૂફ ઑવ્ ધ ડિપ્રીસિયેશન ઑવ્ બૅંક નોટ્સ’, જેને કારણે તેમને દેશભરમાં પ્રસિદ્ધિ મળી. 1811માં પ્રકાશિત તેમની બીજી પુસ્તિકા ‘રિપ્લાય ટુ મિ. બોઝાંકે’ઝ પ્રૅક્ટિકલ ઑબ્ઝર્વેશન ઑન ધ રિપૉર્ટ ઑવ્ ધ બુલિયન કમિટી’ને  કારણે તેમને વધારે પ્રસિદ્ધિ મળી. 1815માં તેમની ‘એસે ઑન ધી ઇન્ફલ્યૂઅન્સ ઑવ્ અ લો પ્રાઇસ ઑવ્ કૉર્ન ઇન ધ પ્રૅક્ટિસ ઑવ્ સ્ટૉક’ અને 1816માં ‘પ્રપોઝલ્સ ફૉર ઍન ઈકોનૉમિકલ ઍન્ડ સિક્યૉર કરન્સી’ પુસ્તિકાઓ પ્રકાશિત થઈ. 1817માં તેમના મિત્રના આગ્રહને કારણે ઘણી આનાકાની બાદ રિકાર્ડોએ તેમનો જાણીતો ગ્રંથ ‘ધ પ્રિન્સિપલ્સ ઑવ્ પોલિટિકલ ઇકૉનોમી’ પ્રકાશિત કરવાની સંમતિ આપી. 1822માં ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’માં તેમનો એક લેખ છપાયો અને તે જ વર્ષે (1822) તેમની એક વધારાની પુસ્તિકા ‘પ્રોટેક્શન ઑવ્ ઍગ્રિકલ્ચર’ પ્રકાશિત થઈ. આ પુસ્તિકા સર્વત્ર પ્રશંસાને પાત્ર બની હતી. તેમની છેલ્લી પુસ્તિકા ‘પ્લાન ફૉર ધી એસ્ટાબ્લિશમેન્ટ ઑવ્ અ નૅશનલ બૅંક’ 1823માં તેમના અવસાનના થોડાક સમય અગાઉ પ્રકાશિત થઈ હતી.

મૂલ્યના સિદ્ધાંતોની બાબતમાં રિકાર્ડોએ ઍડમ સ્મિથની વિચારસરણીનો પુરસ્કાર કર્યો હતો; પરંતુ રાષ્ટ્રીય આવકની વહેંચણીના ક્ષેત્રમાં ભાડું, વેતન અને નફાના સિદ્ધાંતો માટે અને તેમાં પણ વિશેષે કરીને તેમના ભાડાના સિદ્ધાંત માટે તેમનું નામ યાદગાર બની રહ્યું છે. રિકાર્ડોના મૂલ્યના સિદ્ધાંતને આધુનિક સમાજવાદની વિચારસરણીનું પ્રથમ બિંદુ ગણવામાં આવે છે.

ઇંગ્લૅન્ડમાં તેમના નામ સામે જાગેલા વંટોળ અને તેમના સિદ્ધાંતોમાં રહેલાં અધકચરાં તત્વો છતાં રિકાર્ડોનું નામ અર્થશાસ્ત્રમાં ચિરસ્થાયી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે