રાવ, ઉડિપી રામચંદ્ર

January, 2003

રાવ, ઉડિપી રામચંદ્ર (જ. 10 માર્ચ 1932, એડમર [કર્ણાટક]) : વિખ્યાત અવકાશવિજ્ઞાની અને ભારતીય અવકાશ-કાર્યક્રમના પૂર્વ અધ્યક્ષ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના રાજ્યમાંથી લીધું. વિજ્ઞાન સાથે સ્નાતક થયા પછી અનુસ્નાતક અભ્યાસ માટે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી ભૌતિકવિજ્ઞાન સાથે 1953માં એમ.એસસી. થયા. તે પછી અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળામાં તેમણે બ્રહ્માંડ કિરણો (cosmic rays) ઉપર ડૉ. વિક્રમ સારાભાઈના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય શરૂ કર્યું અને 1960માં પીએચ.ડી. થયા. 1961-62માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(મૅસેચૂસેટ્સ)માં રહી અનુસ્નાતક સંશોધન કર્યું.

1963માં સાઉથ ડલ્લાસ(હવે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી)માં મુખ્ય અન્વેષક તરીકે; 1966માં મદદનીશ પ્રાધ્યાપક; 1966-67માં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાના ફેલો; 1967થી ’70 સુધી એસોસિયેટ પ્રાધ્યાપક અને 1970 થી ’72 સુધી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. તે પછી 1974 થી ’84 સુધી બૅંગાલુરુ સ્થિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ISRO)ના ઉપગ્રહ કેન્દ્રના નિર્દેશક; 1984 સુધી ભારત સરકારના અવકાશ વિભાગના સચિવ; અવકાશ પંચ, ઇસરો અને નૅશનલ રિમોટ સેન્સિંગ એજન્સીના અધ્યક્ષ; બાહ્ય અવકાશના શાંતિમય ઉપયોગોને લગતી રાષ્ટ્ર સંઘ(United Nations)ની સમિતિના અધ્યક્ષ; 1994 સુધી ભારત સરકારના અવકાશ વિભાગમાં ડૉ. વિક્રમ સારાભાઈ વિશ્રુત પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું.

ઉડિપી રામચંદ્ર રાવ

ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી અને ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના ફેલો; વર્લ્ડ એરોસ્પેસ એજ્યુકેશન ઑર્ગેનાઇઝેશન (કેરો)ના અધ્યક્ષ; ઇન્ડિયન નૅશનલ એકૅડેમી ઑવ્ એન્જિનિયરિંગ તથા ભારતની એરોમેડિકલ સોસાયટીના માનાર્હ ફેલો તરીકે સેવાઓ આપી.

ઇન્ડિયન જીયોફિઝિકલ યુનિવર્સિટીની કારોબારીના સભ્ય; ઇન્ડિયન જીયોફિઝિકલ યુનિયનના અધ્યક્ષ; એરોનૉટિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયાના અધ્યક્ષ અને ઇન્ટરનૅશનલ એરોનૉટિકલ ફેડરેશનના ઉપાધ્યક્ષ તરીકે પણ ફરજો બજાવી.

નાસા સ્પેસ સેન્ટર ઍવૉર્ડ (1973); તત્કાલીન યુ.એસ.એસ.આર. એકૅડેમી ઑવ્ સાયન્સીઝનો સન્માન-પદક, હરિ ઓમ્ આશ્રમ પ્રેરિત વિક્રમ સારાભાઈ ઍવૉર્ડ (1975) એનાયત થયા છે. મૈસુર, કોલકાતા, મૅંગલોર અને અન્ય યુનિવર્સિટીઓએ તેમને ડી.એસસી.ની માનાર્હ ઉપાધિ આપી છે. કર્ણાટક રાજ્યે વિવિધ ઍવૉર્ડ આપી તેમનું સન્માન કર્યું છે. મહલાનોબિસ, યુરિ ગાગારિન અને મેઘનાદ સહા પદકો અનુક્રમે 1987, 1990 અને 1993માં આપવામાં આવ્યા. આ સાથે બીજાં અનેક પારિતોષિકો, પદકો અને ઍવૉર્ડ તેમને મળેલાં છે.

સિત્તેરના દાયકાથી આજ સુધી તેમણે ઇસરોને જે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે તે બદલ તેમને ઇસરોના પર્યાય ગણી શકાય. ‘આર્યભટ્ટ’ ઉપગ્રહનાં રચના, નિર્માણ અને પ્રમોચનમાં તેમનો અમૂલ્ય ફાળો છે. તેને યુ.એસ.એસ.આર. કૉસ્મોડ્રૉમ ઉપરથી તેમની દેખરેખ હેઠળ છોડવામાં આવ્યો હતો. ‘રોહિણી’, ‘ભાસ્કર’ જેવા દૂરસંવેદનશીલ ઉપગ્રહો તથા ઇન્સેટ-શ્રેણીના ઉપગ્રહોના નિર્માણ અને પ્રમોચનમાં તેમનો ફાળો મહત્વનો રહ્યો છે.

1984થી 1998 દરમિયાન તેમણે ઇન્ડિયન સ્પેસ પ્રોગ્રામના અધ્યક્ષની હેસિયતથી રૉકેટ ટૅક્નૉલૉજીના વિકાસને પ્રવેગિત કર્યો. પરિણામે ઑગ્મેન્ટેડ સૅટેલાઇટ લૉચિંગ વેહિકલ (ASLV) અને પોલર સૅટેલાઇટ લૉંચિંગ વેહિકલ(PSLV)નું સફળ પ્રમોચન કરી શકાયું.

સંદેશાવ્યવહાર, મોસમવિજ્ઞાન, પૂર્વાનુમાન, પ્રાકૃતિક સંસાધનોના પ્રબંધન માટે અવકાશ ટૅક્નૉલૉજીના ઉપયોગો પરત્વે પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવામાં તે અગ્રેસર રહ્યા છે.

હાલ (2002) તેઓ અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(PRL)ની ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષપદે છે.

પ્રહલાદ છ. પટેલ