રાવલ, (શ્રીમતી) નીલા રમેશ

January, 2003

રાવલ, (શ્રીમતી) નીલા રમેશ (જ. 18 ફેબ્રુઆરી 1944, સૂરત) : જાણીતાં નૃત્યાંગના અને નૃત્ય-શિક્ષિકા. જીવનભારતી (સૂરત) શાળામાં અભ્યાસ કરીને 1960માં એસ.એસ.સી. થયાં. મોટાં બહેન કુ. ભક્તિબહેન શાહ (ચિત્રકાર) સાથે મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી પેઇન્ટિંગ્સ તેમજ 3 વર્ષની શિલ્પકલાની પરીક્ષા પાસ કરી.

6 વર્ષ સુધી નૃત્યનિકેતનમાં ગુરુજી કટ્ટીકૃષ્ણન્ પાસે કથકલી તેમજ ભરતનાટ્યમની સઘન તાલીમ લીધી. તે પછી તેજપાલ ઑડિટૉરિયમ, મુંબઈ ખાતે મોટાં બહેન ઉષા શાહ સાથે કથકલી અને ભરતનાટ્યમ તેમજ મોહિનીઅટ્ટમ સાથે આરંગેત્રલ કર્યું. ત્યારબાદ શ્રીમતી વૈજયંતીમાલાની નૃત્યનાટિકા ‘ચાંડાલિકા’માં સહકલાકાર તરીકે ભાગ લીધો. તેમણે તેમના ગુરુ કટ્ટીકૃષ્ણન્ની નૃત્યસંસ્થાના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો.

1972માં નારગોળ ખાતે ચિત્રશિક્ષિકા તરીકે, 1973માં ડી.ટી.સી. તાલીમવર્ગમાં તથા બારડોલીની સેસેરીતે હાઇસ્કૂલમાં ચિત્ર-નૃત્યનાં શિક્ષિકા તરીકે સેવા આપી. 1974થી સૂરતમાં સ્થાયી થયાં, અને ‘ફેલિસિટી આર્ટ’ નામની નૃત્યસંસ્થાની સ્થાપના કરી. 16 વર્ષ સુધી લૂડઝૅ કૉન્વેન્ટ સ્કૂલમાં નૃત્ય-શિક્ષિકા તરીકે કાર્ય કર્યું. આ સંસ્થાની તેમની પાસેથી તાલીમ પામેલી વિદ્યાર્થિનીઓએ રાજ્ય કક્ષાનાં તેમજ રાષ્ટ્રીય કક્ષાનાં ઇનામો પ્રાપ્ત કર્યાં છે.

આ શાળા તેમજ તેમની સંસ્થા દ્વારા રજૂ કરાયેલ નૃત્યનાટિકાઓમાં ‘ફૂલરાણી’, ‘જય સોમનાથ’, ‘સોનાનું ઝાંઝર’, ‘ઋતુચક્ર’, ‘ક્રિસમસ પ્લે’, ‘લેડી બર્નાદિત’, ‘અસ્તિત્વનો આનંદ’, ‘વસંતોત્સવ’ અને ‘ચાંડાલિકા’ ઉલ્લેખનીય છે.

તેમની આવી કલાસાધના બદલ ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમી તરફથી તેમને 1997-98ના વર્ષનો ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયો છે.

બળદેવભાઈ કનીજિયા