રાણપુરા, દિલીપ નાગજીભાઈ

January, 2003

રાણપુરા, દિલીપ નાગજીભાઈ (જ. 14 નવેમ્બર 1931, ધંધુકા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતા છબલબહેન. પ્રાથમિક શાળાંત પાસ (1959) પછી જુનિયર પી.ટી.સી. થઈને શિક્ષક બન્યા. લગ્ન 1951માં મનુભાઈ જોધાણીની ભત્રીજી સવિતાબહેન સાથે. તેઓ પણ લેખિકા. ઉત્તમ ગૃહિણી પણ. શિક્ષક હોવાથી પંચાયતીરાજ પછી અનેક સ્થળોએ બદલી થઈ. છેલ્લે દસાડા તાલુકાના બજાણા ગામેથી આચાર્યપદેથી નિવૃત્ત. કૅન્સરમાં સવિતાબહેનનું અવસાન થયું. હાલ ગાંધીનગરમાં સ્થાયી.

દિલીપ રાણપુરા

ગુજરાતના વિવિધ વર્તમાનપત્રોએ જે નવલકથાકારો આપ્યા તેમાં દિલીપ રાણપુરા ખાસા લોકપ્રિય. એમણે ચાલીસથી વધુ નવલકથાઓ લખી છે. એમાં ગણનાપાત્ર છે આ નવલકથાઓ : ‘સૂકી ધરતી, સૂકા હોઠ’ (1967), ‘આ કાંઠે તરસ’, ‘પળના પડઘા’, ‘નિયતિ’ (1976), ‘આંસુભીનો ઉજાસ’ (1984), ‘મીરાંની રહી મહેક’ (1985), ‘પીઠે પાંગર્યો પીપળો’ (1987), ‘વાસંતી ડૂસકાં’, ‘અંતરિયાળ’ (1989),  ‘રમત’, ‘રસ્તો’ ઇત્યાદિ. મહદ્અંશે તેઓ વાસ્તવિક અનુભૂતિને કથારૂપ આપે છે. ગ્રામપ્રદેશની ચીખ, ભાવનાનો પુટ, પ્રણયભાવ, નિયતિનો સ્વીકાર, સંઘર્ષ, વેદના એમની નવલકથાઓનો સ્થાયીભાવ છે. તેઓ પાત્રનું આલેખન સહજતયા કરે છે. તેઓ એમાં સમાજની વાસ્તવિકતાને પણ છતી કરે છે. ભાષામાં આયાસ નથી. ક્યારેક નિરૂપણમાં તળપદી બોલીનો સાર્થ વિનિયોગ કરે છે. એમનું ગદ્ય પરિવેશ મુજબનું હોય છે. એમની યશસ્વી નવલકથા ‘મીરાંની રહી મહેક’ છે. એ આત્મકથનાત્મક કૃતિ છે. પત્ની સવિતાબહેનની કૅન્સરની માંદગી અને પછી મૃત્યુ – એ કથાનો વિષય છે. મૃત્યુનો સામનો અને ખુમારીભર્યા જીવનની ગાથા આ નવલકથામાં છે. એ પત્નીના વિયોગની કથા છે. એનું સાહિત્યિક મૂલ્ય ઓછું નથી.  ‘વાસ્તવિકતાને અવગણ્યા સિવાય ગ્રામપ્રદેશની ચીખ’ રજૂ કરવાની એમની વિશેષતા દર્શકને રુચિર લાગી છે.

‘રાતોરાત’, ‘આંખમાં દેખાવું એટલે’, ‘સરનામું’, ‘ખોટી આંગળી’ ઇત્યાદિ એમના વાર્તાસંગ્રહો છે. એ લોકપ્રિય વાર્તાકાર નથી પરંતુ ઘટનાનું સુયોગ્ય આલેખન એમની ટૂંકી વાર્તાઓનું જમા પાસું છે. અકૃત્રિમ રીતિ અને અનલંકૃત ભાષા દિલીપ રાણપુરાની વાર્તાકાર તરીકેની વિશેષતા છે. નવલકથા અને ટૂંકી વાર્તા ઉપરાંત એમણે અન્ય કથાત્મક-કથનાત્મક સાહિત્ય-સ્વરૂપો ખેડ્યાં છે. ‘રૂપ-અરૂપ’, ‘અડોઅડ’, ‘પડખોપડખ’, ‘હારોહાર’, ‘કાળે કોર્યાં નામ’ ઇત્યાદિમાં પ્રસંગકથાઓ આલેખી છે. પ્રણયકથાઓનો સંગ્રહ છે ‘પણ માંડેલી વાર્તાનું શું ?’ (1986). ‘જીવનવલોણું’ બોધકથાઓનો સંગ્રહ છે. ‘ધોળી મજૂરી, કાળું લોહી’ અને ‘સૂકા દુકાળની ભીની વાતો’માં લોકજીવનની વાસ્તવિક વાતો છે.

‘દીવા તળે ઓછાયા’ એમની સંસ્મરણકથા છે, જેમાં એમના શિક્ષકજીવન અને સવિતાબહેનનાં સ્મરણોની યાત્રા છે. ‘આ ભવની ઓળખ’, ‘ભીતર ભીતર’ અને ‘શિક્ષકકથાઓ’માં પણ સ્મરણો જ છે. જોકે એમાં એમનો કથાજીવ દેખા દે છે. ‘વાત એક માણસની’ (1985) એ ચરિત્રનિબંધોનો સંગ્રહ છે. ‘લાગણીનાં ફૂલ’, ‘છવિ’ (1989) અને ‘સુગંધ સંબંધોની’માં રેખાચિત્રો છે. સાહિત્યના કોઈ પણ સ્વરૂપને એ ખેડે ત્યારે એમની ભીતર બેઠેલો કથાલેખક સતત હાજર રહે છે. વાસ્તવિકતા અને કલ્પનાનો સુમેળ થવાથી એ રચનાઓ રસપ્રદ જરૂર બને છે. અન્ય સ્વરૂપોમાં ખેડાણ-પ્રદાન હોવા છતાં દિલીપ રાણપુરા મુખ્યત્વે લોકપ્રિય નવલકથાકાર છે.

પ્રફુલ્લ રાવલ