રાઠોડ, કાનજીભાઈ

January, 2003

રાઠોડ, કાનજીભાઈ : ભારતીય ફિલ્મોના આરંભના દાયકાઓમાં જે ગુજરાતી ફિલ્મસર્જકોનું પ્રદાન સ્થાપક તરીકે ગણવામાં આવે છે તે પૈકીના એક સ્ટિલ ફોટોગ્રાફર. તેઓ અમેરિકાથી ફિલ્મકલાની ટૅક્નીક શીખીને આવેલા સુચેતસિંહની ઑરિયેન્ટલ ફિલ્મ કંપની સાથે 1918માં જોડાયા. અહીં 1920 સુધીમાં ‘મૃચ્છકટિક’, ‘શકુંતલા’ અને ‘નરસિંહ મહેતા’ ફિલ્મોમાં અભિનય કર્યો અને પ્રસિદ્ધિ પામ્યા. દરમિયાન એક મોટર-અકસ્માતમાં સુચેતસિંહનું અવસાન થતાં કાનજીભાઈની કારકિર્દીમાં વળાંક આવ્યો. દ્વારકાદાસ સંપટે તેમને પોતાની નિર્માણસંસ્થા કોહિનૂર ફિલ્મ કંપનીમાં સારા પગાર સાથે દિગ્દર્શક તરીકે રોકી લીધા. ભારતીય ફિલ્મ-ઉદ્યોગમાં કોઈ દિગ્દર્શકને પગાર આપી રોકવામાં આવ્યો હોય એવો આ પહેલો બનાવ હતો અને આમ તેઓ પ્રથમ વ્યવસાયી દિગ્દર્શક ગણાયા. 1921થી તેમણે કોહિનૂર ફિલ્મ કંપનીમાં ઝડપભેર ફિલ્મો બનાવવા માંડી. પહેલા જ વર્ષે 10, 1922માં 9, 1923માં 8 અને 1924માં 5 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. ‘વિક્રમ ઉર્વશી’, ‘મીરાંબાઈ’, ‘પુંડલિક’, ‘ભક્ત વિદૂર’, ‘કૃષ્ણમાયા’, ‘રુક્મિણીહરણ’, ‘ચન્દ્રહાસ’, ‘ભક્ત અંબરીષ’, ‘માલતીમાધવ’, ‘સતી તોરલ’, ‘શ્રી સત્યનારાયણ અજામિલ’, ‘દેવી તોડી’, ‘પરશુરામ’, ‘સુકન્યા સાવિત્રી’, ‘સૂર્યકુમારી’, ‘સતી નર્મદા’, ‘કર્મદેવી’, ‘મીનળદેવી’ સહિત અનેક ફિલ્મો બનાવી. કાનજીભાઈ દિગ્દર્શિત ‘ભક્ત વિદુર’ ફિલ્મ સ્વાતંત્ર્યસંગ્રામના એ તબક્કામાં ખૂબ ચર્ચિત થઈ હતી. દ્વારકાદાસ સંપટે વિદુરની ભૂમિકા ભજવી હતી જ્યારે માણેકલાલ પટેલે કૃષ્ણની. ગાંધીજીની ચળવળને રજૂ કરતી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો હતો. 9 જાન્યુઆરી, 1923ના રોજ કોહિનૂર સ્ટુડિયો આગમાં નાશ પામ્યો. કાનજીભાઈ રાઠોડ રાજકોટની સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં જોડાયા. તે પહેલાં 1924 સુધી કોહિનૂરની ‘ગુલે બકાવલી’, ‘કાલા નાગ’, ‘સદગુણી સુશીલા’ અને ‘સતી સીતા’એ તેમને મૂંગી ફિલ્મોના મહત્વના દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ બનાવી દીધા હતા. ‘ગુલે બકાવલી’ અને ‘કાલા નાગ’ સફળ ફિલ્મો પુરવાર થયેલી. અભિનેત્રી ઝુબૈદાની ‘ગુલે બકાવલી’ પ્રથમ ફિલ્મ હતી તો ‘કાલા નાગ’માં પાછળથી દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ થનાર હોમી માસ્ટરે મુખ્ય ભૂમિકા ભજવી ખૂબ ખ્યાતિ મેળવેલી. હોમી માસ્ટર ઉપરાંત ભવનાની જેવા પછીથી વિખ્યાત થયેલા દિગ્દર્શકો કાનજીભાઈના સહાયક હતા.

કાનજીભાઈ રાજકોટની સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં ‘શરીફ બદમાશ’ અને ‘અનાથ અબલા’ ફિલ્મોના દિગ્દર્શન બાદ કોહિનૂર ફિલ્મના જ ભાગીદાર માણેકલાલ પટેલે કૃષ્ણ ફિલ્મ કંપની સ્થાપી, ત્યારે ફરી મુંબઈમાં સક્રિય થયા અને ‘બાપકમાઈ’, ‘કામલતા’, ‘સ્વપ્નસુંદરી’ ફિલ્મોનું 1925માં દિગ્દર્શન કર્યું. 1925થી 1930 દરમિયાન તેમણે જે અન્ય ફિલ્મોનું દિગ્દર્શન કર્યું તેમાં ‘રાજાને ગમી તે રાણી’, ‘ખૂબસૂરત બલા’, ‘વીર કેસરી’, ‘બુરખાવાલી’, ‘બોલતું બુલબુલ’, ‘કુળદીપક’, ‘મર્દાના ઘા’, ‘મહાસતી અનસૂયા’થી માડી ‘ચન્દ્રહાસ’, ‘દેવકન્યા’, ‘કાલરાત્રિનું ખૂની ખંજર’, ‘વીર રાઠોડ’, ‘રાજહંસ’, ‘કોનો વાંક ?’ સહિતની ઘણી ફિલ્મો છે. 1928માં તેમણે ‘બોડકું માથું’ અને ‘કુંજ કિશોરી’ ફિલ્મોનું દિગ્દર્શન કર્યું તે ગુજરાત સ્ટુડિયોની હતી. એ જ રીતે 1930માં કોહિનૂર યુનાઇટેડ ફિલ્મ કંપનીની ‘મઠનો સાધુ’ અને ‘રાજકુમારીની રણગર્જના’ ફિલ્મોનું દિગ્દર્શન તેમણે કર્યું. 1921થી 1930 સુધીમાં કાનજીભાઈ રાઠોડે 59 જેટલી મૂંગી ફિલ્મોનું દિગ્દર્શન કર્યા બાદ 1931માં બોલતી ફિલ્મોનો યુગ શરૂ થતાં તે વર્ષે કુલ 24 ફિલ્મો રજૂ થઈ, તેમાંથી પાંચનું દિગ્દર્શન કાનજીભાઈએ કર્યું હતું. 1940 સુધીમાં તેમણે ભારત મૂવિટોન, કૃષ્ણાટોન, સરોજ મૂવિટોન, સરલા સિનેટોન, સાગર મૂવિટોન અને વિષ્ણુ સિનેટોન સહિતની નિર્માણ-સંસ્થાઓની 16 હિન્દી ફિલ્મો દિગ્દર્શિત કરી જેમાં મુખ્યત્વે પૌરાણિક કથાનકોવાળી ફિલ્મો હતી. 1949માં તેમણે ‘શેઠનો સાળો’ નામે ગુજરાતી ફિલ્મનું દિગ્દર્શન કર્યું જે તેમની કારકિર્દીની પણ છેલ્લી ફિલ્મ હતી. પાછલાં વર્ષોમાં તેઓ ધીરુભાઈ દેસાઈની ફિલ્મ કંપનીમાં પ્રોડક્શન મૅનેજર તરીકે સક્રિય રહ્યા હતા.

કાનજીભાઈનું મુખ્ય પ્રદાન મૂંગી સિનેમાના મહત્વના દિગ્દર્શક તરીકે છે. તેમની ફિલ્મોમાં કામ કરી ચૂકેલા યા તેમના સહાયક રહી ચૂકેલા અનેક દિગ્દર્શકો પછીથી બોલતી સિનેમાના કાળે ઝળહળતી પ્રસિદ્ધિ પામ્યા છે.

હરીશ રઘુવંશી