રાંદેરિયા, મધુકર રંગીલદાસ (જ. 3 એપ્રિલ 1917; અ. 7 સપ્ટેમ્બર 1990) : નવી ગુજરાત રંગભૂમિના સમર્થ અભિનેતા અને નાટ્યકાર, ગઝલકાર તથા ગદ્યલેખક. ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા બાદ થોડોક સમય પત્રકારત્વને ક્ષેત્રે તથા આકાશવાણી પર ગાળ્યા પછી મુંબઈની જયહિંદ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવન કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થિર થયા. સન 1964માં ત્રણ વર્ષ માટે શ્રી બૃહદ્ ભારતીય સમાજના ડિરેક્ટરની કામગીરી બજાવી. સન 1967થી 1977 દરમિયાન દેના બૅંકમાં વિકાસ-અધિકારી તરીકે સંકળાયેલા રહી, બૅંકનાં બે મુખપત્રો ‘દેના જ્યોતિ’ તથા ‘દેના બૅંક ગૅઝેટ’નું સંપાદન કર્યું અને તેના હિન્દી કક્ષના અધિકારપદે પણ રહ્યા.

ભારત નવજીવન ઍમેટર્સ સંસ્થા દ્વારા ભાંગવાડી ખાતે ભજવાયેલા નાટક ‘હિંદુ સમાજ’માં આઠ વર્ષની વયે પ્રાગજી ડોસા સાથે ‘સાહેલી’ના પાઠમાં મંચ ઉપર પ્રથમ વાર પ્રવેશ કરી, 12 વર્ષની વયે રાણા પ્રતાપની ભૂમિકા ભજવી. સન 1927માં રજૂ થયેલા નાટક ‘પ્રજાતંત્ર’માં ખેડૂતના દીકરાની તથા સન 1929માં રજૂ થયેલા નાટક ‘નેપોલિયન બોનાપાર્ટ’માં યૂજીનની ભૂમિકા ભજવી. સન 1933માં 16 વર્ષની ઉંમરે ‘શંકિત હૃદય’ નાટકમાં નાયિકા ચંદ્રિકાનો પાઠ ભજવ્યો. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસકાળ દરમિયાન ‘સંધ્યાકાળ’માં કરણ વાઘેલા, ‘જક્ષણી’માં વીશીવાળો, ‘શંકિત હૃદય’માં કવિ, ‘પુનરાવર્તન’માં સત્યમૂર્તિ, ‘પુત્રસમોવડી’માં કચ, ‘મુકુન્દરાય’માં મુકુન્દરાય – એમ વિવિધ ભૂમિકાઓ ભજવી. 1941માં કૉલેજ છોડ્યા પછી ‘નાગાબાવા’નું દિગ્દર્શન કર્યું અને ‘બાદશાહ’નો પાઠ ભજવ્યો. તે પછી 1942માં વનિતા વિશ્રામ ઇંગ્લિશ સ્કૂલ તથા કબીબાઈ સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા અને ‘મંગલસૂત્ર’ તથા ‘સંતાકૂકડી’ નાટકો ભજવ્યાં. 1948માં આઈ.એન.ટી.ના પ્રસિદ્ધ નાટક ‘લગ્નની બેડી’માં તિમિરની ભૂમિકા ભજવી વ્યવસાયી રંગભૂમિ પર પગરણ માંડ્યાં. 1950માં પ્રાગજી ડોસા કૃત ‘સમયનાં વહેણ’ નાટકનું દિગ્દર્શન કર્યું અને તેમાં વિલાસની ભૂમિકા ભજવી. તે જ વર્ષે ‘સ્નેહનાં ઝેર’ નાટકમાં ડૉ. મહેતા, 1951માં ‘રજનું ગજ’ નાટકમાં જગદીશ, ‘મનુની માશી’માં દીનુ, ‘ભાડૂતી પતિ’માં ડૉ. ચંદ્રકાન્તની મુખ્ય કૉમિક ભૂમિકા તથા પ્રભુલાલ દ્વિવેદી કૃત ‘વિદ્યાવારિધિ ભારવિ’ નાટકમાં વિલન કશ્યપની ભૂમિકા ભજવી. 1952માં ગુજરાતી રંગભૂમિની શતાબ્દીના અવસરે યોજાયેલા નાટ્ય મહોત્સવમાં પ્રાગજી ડોસા કૃત ‘ઘરનો દીવો’ નાટકનું દિગ્દર્શન કરી તેમાં હસમુખ જુગારીની ભૂમિકા ભજવી ‘શ્રેષ્ઠ નટ’નું બિરુદ મેળવ્યું. 1954માં આઈ.એન.ટી. દ્વારા રજૂ થયેલા નવી ગુજરાતી રંગભૂમિના પ્રથમ વ્યવસાયી વૈતનિક અને શતપ્રયોગી નાટક ‘રંગીલો રાજ્જા’માં હીરાલાલની ચિરસ્મરણીય ભૂમિકા ભજવી. તે જ વર્ષે ‘માઝમ રાત’ નાટકમાં ‘વિનાયક’ની ભૂમિકા ભજવી, જે ‘રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ’ માટે વિધિવત્ પસંદ થયું. એ જ વર્ષે જયહિંદ કૉલેજના વિદ્યાર્થીઓને લઈ આચાર્ય અત્રેનું ‘સાષ્ટાંગ નમસ્કાર’ રજૂ કર્યું. મુંબઈ રાજ્ય દ્વારા માર્ચ 1955માં આયોજિત નાટ્યસ્પર્ધામાં આઈ.એન.ટી. દ્વારા રજૂ થયેલ નાટક ‘વડલાની છાયા’માં કાકાજીની ભૂમિકા ભજવી. એ જ વર્ષે ડિસેમ્બરમાં મુંબઈ રાજ્ય સંચાલિત નાટ્યસ્પર્ધામાં રજૂ થયેલ આઈ.એન.ટી.ના નાટક ‘મંગલ મંદિર’માં અંધ પ્રકાશની ભૂમિકા માટે શ્રેષ્ઠ નટનું પારિતોષિક મેળવ્યું. 1957માં પોતે લખેલા મૌલિક નાટક ‘અંતે તો તમારી જ’માં પ્રો. દેસાઈની, તો એ જ વર્ષે ‘ભારેલો અગ્નિ’ નાટકમાં રુદ્રદત્તની ભૂમિકા ભજવી. 1957માં જ રજૂ થયેલાં અન્ય નાટકો ‘વૈજયંતી’ અને ‘વડીલોના વાંકે’માં અનુક્રમે ‘મહારાજા જયપાલ’ અને ખલનાયક ‘કીર્તિકુમાર’નો પાઠ ભજવ્યો. 1962માં ‘પૃથિવીવલ્લભ’માં મુંજ, ‘કાકાની શશી’માં મનહરલાલ તથા ‘વાહ રે મેં વાહ’માં વિવિધ ભૂમિકાઓ ભજવી. 1966માં પોતે જ લખેલું બહુધા આત્મકથાત્મક એકપાત્રી ત્રિઅંકી નાટક ‘તું અલ્યા કોણ ?’ ભજવ્યું, જે પુસ્તક રૂપે પ્રગટ પણ થયું. 1967માં ડાહ્યાભાઈ ધોળશાજી જન્મશતાબ્દી સમારોહ નિમિત્તે ભજવાયેલા નાટક ‘વીણાવેલી’માં મુંબઈ, અમદાવાદ, સૂરત, વડોદરા અને નડિયાદનાં નામી નટનટીઓ સાથે ભૂમિકા ભજવી. એ જ વર્ષે ‘શુભદા’ નાટકમાં પદ્મારાણી સાથે રાવસાહેબનો પાઠ ભજવ્યો. 1970માં ‘અગનપથ’ નાટકમાં બૉસ રૉબિન મરચંટની નાનકડી દસ મિનિટની પણ અત્યંત વિલક્ષણ ભૂમિકામાં રજૂ થયા. 1973માં ‘સંઘર્ષ’ નાટકમાં લક્ષ્મીદાસ શેઠ, ‘હું, તું અને તે’માં બોગસ સિને પ્રોડ્યુસર તરીકે ઝળક્યા. 1974માં ‘સંસાર છે ચાલ્યા કરે’ નાટકમાં ચંદ્રકાંત-શેઠની ભૂમિકામાં અને ‘તરસ્યો સંગમ’ નાટકમાં દારૂડિયા કુંદનની ભૂમિકામાં રજૂ થયા. 1975માં ‘ખાધું પીધું ને તારાજ કર્યું’, ‘એક જ દે ચિનગારી’ અને પુન: રજૂ થયેલા ‘રંગીલો રાજ્જા’માં ભૂમિકાઓ ભજવી, પણ 1977માં લકવાનો હુમલો થતાં નટ તરીકેની કારકિર્દી ઉપર પૂર્ણવિરામ મુકાયું. આમ 1925થી 1975 – એમ 50 વર્ષના પ્રલંબ ગાળા દરમિયાન અનેક નાટકોમાં અત્યંત સફળતાથી હળવી ગંભીર ભૂમિકાઓ ભજવી, નવી ગુજરાતી રંગભૂમિના એક અગ્રિમ અભિનેતા તરીકે કીર્તિ સંપાદિત કરી.

અભ્યાસકાળ દરમિયાન કૉલેજના મુખપત્ર ‘રશ્મિ’માં લખતા રહી તેમણે અક્ષરની આરાધના શરૂ કરી અને તેના પરિપાક રૂપે પ્રથમ પુસ્તક લખાયું અને છપાયું – ‘પહેલું પારણું’. તે પછી ‘સુભાષચંદ્ર બોઝ’ની હિંદી કથાનું ‘ક્રાંતિના માર્ગે’ એ નામે ગુજરાતી ભાષાંતર પ્રગટ કર્યું. 1948માં ‘જન્મભૂમિ’ના તંત્રીવિભાગમાં પણ જોડાયેલા. 1953માં ‘ગુજરાતી નાટ્ય’ માસિકના તંત્રી તરીકે પ્રવૃત્ત થયા. 1955માં ‘ધ મૅન હૂ કેઇમ ટુ ડિનર’ નાટકનું ફીરોઝ આંટિયા સાથે ‘ભલે પધાર્યા’ શીર્ષકથી રૂપાંતર કર્યું. ગુજરાતી નાટ્યમંડળ-આયોજિત દ્વિતીય નાટ્યલેખન-સ્પર્ધામાં ભાગ લીધો અને તેમણે લખેલા મૌલિક નાટક ‘અંતે તો તમારી જ’ને ત્રીજું ઇનામ પ્રાપ્ત થયું. મુંબઈ સરકારે 1958માં તેને ઉત્તમ ગુજરાતી નાટકનું પારિતોષિક એનાયત કર્યું. 1957માં રમણલાલ વસંતલાલ દેસાઈની લોકપ્રિય નવલકથા ‘ભારેલો અગ્નિ’નું નાટ્યરૂપાંતર કર્યું. 1957-58માં પુસ્તક રૂપે પ્રગટ થયાં ‘પથ્થરના દેવ’ – ગુજરાતી સાહિત્યકારોનાં રેખાચિત્રો ‘ઘરદીવડા’, અંગ્રેજી વાર્તાનો અનુવાદ ‘નવવધૂના પગલે’, સામ્યવાદનું સાચું સ્વરૂપ સમજાવતા પુસ્તક ‘ધ ગૉડ ધૅટ ફેઇલ્ડ’નો ગુજરાતી અનુવાદ તથા ઇબ્સનની અમર નાટ્યકૃતિ ‘ધ માસ્ટર બિલ્ડર’નો ગુજરાતી અવતાર ‘અનંતને આરે’. 1960માં ‘દેના જ્યોતિ’ના તંત્રીસ્થાનેથી લખેલા તંત્રીલેખો ‘મનોયાત્રા’ના નામે પ્રગટ થયા. 1961માં યુસિસના ઉપક્રમે રૉબર્ટ શેરવુડના નાટક ‘એબ લિંકન ઇન ઇલિનૉય’નો અનુવાદ કર્યો તો એ જ વર્ષે સિગમંડ મિલરના નાટકનું રૂપાંતર કર્યું, ‘એક સોનેરી સવાર’. 1962માં વૉલ્ટર સલિવાનના અંગ્રેજી પુસ્તક ‘વ્હાઇટ લૅન્ડ ઑવ્ ઍડ્વેન્ચર’નો ગુજરાતી અનુવાદ ‘સાહસની શ્ર્વેતસૃદૃષ્ટિમાં’ રૂપે પ્રગટ કર્યો. એ જ વર્ષે ક. મા. મુનશીની નવલકથા ‘પૃથિવીવલ્લભ’નું નાટ્ય-રૂપાંતર કર્યું. પ્રાગજી ડોસાના સથવારે તે પુસ્તક રૂપે ભારતીય વિદ્યા ભવન તરફથી પ્રકાશિત પણ થયું. 1964-65માં યુસિસના ઉપક્રમે અમેરિકાના સુપ્રસિદ્ધ નાટ્યકાર થૉર્નટન વાઇલ્ડરનાં ત્રણ નાટકો ‘અવર ટાઉન’, ‘ધ સ્ક્રીન ઑવ્ અવર ટીથ’ અને ‘મૅચમેકર’નાં ભાષાંતર ‘અમારું ગામ’, ‘સર્જન-વિસર્જન’ અને ‘અમે પરણ્યાં’ શીર્ષકથી પ્રગટ કર્યાં. 1966માં આત્મકથાત્મક એકપાત્રી ત્રિઅંકી નાટક ‘તું અલ્યા કોણ ?’ લખ્યું, જે પુસ્તક રૂપે પણ પ્રકાશિત થયું. 1973માં શં. ના. નવરેના મરાઠી નાટક ‘સૂર રાહુ દે’નું ગુજરાતી રૂપાંતર કર્યું ‘સ્નેહ વિનાનું સગપણ સૂનું’. 1967માં કુલીન વોરાએ ‘ગુલઝારે શાયરી’ની 14મી પુસ્તિકા રૂપે તેમની ગઝલો પ્રકાશિત કરી. નટ તરીકે નિવૃત્ત થયા પછી ગુજરાતમિત્રમાં ‘કંડારેલી કેડીએથી’ તથા ‘મુંબઈ સમાચાર’માં ‘ઇતિહાસની અટારીએથી’ કૉલમો લખતા રહ્યા. 1977માં પોતાના રંગમંચીય જીવનની અને તે મિષે ગુજરાતી રંગભૂમિની ઝાંખી કરાવતું પુસ્તક ‘ઘંટડી રણકે છે, પડદો ઊપડે છે’ પ્રગટ થયું.

1961માં કેરોમાં ભરાયેલી આફ્રો-એશિયન સૉલિડારિટી કૉન્ફરન્સમાં ભાગ લીધો, તો 1963માં કંપાલા કલા કેન્દ્ર (પૂર્વ આફ્રિકા) યોજિત નાટ્યસ્પર્ધામાં એકમાત્ર નિર્ણાયક તરીકે સેવાઓ આપી.

1970થી 1972 દરમિયાન ગુજરાત રાજ્ય સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના સભ્ય બની મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું. 15મી ઑગસ્ટ, 1972ના દિવસે મુંબઈ રાજ્યે તેમની સાંસ્કૃતિક, સાહિત્યિક, શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રોમાંની સેવાઓ લક્ષમાં રાખી જે. પી. બનાવ્યા અને તે બાદ સ્પે. એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ પણ.

મહેશ ચંપકલાલ શાહ