રસેલ, બર્ટ્રાન્ડ

January, 2003

રસેલ, બર્ટ્રાન્ડ (જ. 18 મે 1872, ટ્રેલેક, મૉનમથશાયર, વેલ્સ, યુ. કે.; અ. 2 ફેબ્રુઆરી 1970) : સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક, ગણિતજ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક.

બર્ટ્રાન્ડ રસેલ વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખક તરીકે જાણીતા છે. સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર વિજેતા (વર્ષ 1950) રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, શિક્ષણ, ધર્મ, નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજકારણ જેવા અનેકવિધ વિષયો પર 40થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેઓ મુક્ત વ્યાપાર, મહિલા-મતાધિકાર જેવા એ સમયના બ્રિટનના રાજકારણના મુદ્દાઓથી માંડીને વિશ્વશાંતિ, સમાજવાદ, અણુનિ:શસ્ત્રીકરણ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના પ્રમુખ જૉન કૅનેડીની હત્યા, વિયેટનામ યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય રાજકારણના મુદ્દાઓની છણાવટ કરનાર ચિંતનશીલ અને સક્રિય લેખક હતા.

બર્ટ્રાન્ડ રસેલ

બર્ટ્રાન્ડ રસેલ ઇંગ્લૅન્ડના એક ઉમરાવ પરિવારમાં જન્મ્યા હતા. તેમના દાદા લૉર્ડ જૉન રસેલ બે વખત ઇંગ્લૅન્ડના વડાપ્રધાન બન્યા હતા. તેમનાં દાદીમા ચુસ્ત ધાર્મિક વૃત્તિનાં હતાં. બર્ટ્રાન્ડ રસેલનાં માતાપિતા પણ વિચારશીલ અભ્યાસી હતાં. રસેલની ખૂબ નાની વયે તેમનાં માતાપિતાનું અવસાન થયું અને તે તથા તેમના મોટા ભાઈ તેમનાં દાદા-દાદી પાસે ઊછર્યા. દાદીમાના ધાર્મિક વિચારોની તેમના પર ઊંડી અસર તો પડી, પરંતુ કિશોરાવસ્થા દરમિયાન જ તેમને ધાર્મિક માન્યતાઓ વિશે પ્રશ્ર્નો, શંકાઓ ઊભાં થયાં. એ જ સમયે તેમના મોટા ભાઈએ તેમને ગણિતનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું અને રસેલની વૈચારિક ભૂમિકા રચાવાની શરૂઆત થઈ.

1890માં રસેલ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ માટે જોડાયા અને 1893માં ગણિતશાસ્ત્રમાં પ્રથમ વર્ગ સાથે સ્નાતક બન્યા. 1894માં તેમણે એલિસ પિયરસાલ સ્મિથ સાથે લગ્ન કર્યું અને અર્થશાસ્ત્રના વધુ અભ્યાસ માટે જર્મની ગયા. ત્યાંથી પાછા ફરીને તેઓ લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ઍન્ડ પૉલિટિકલ સાયન્સમાં અધ્યાપક બન્યા. 1896માં તેમનું પ્રથમ પુસ્તક ‘જર્મન સોશ્યલ ડેમૉક્રસી’ પ્રકાશિત થયું. આ પુસ્તકમાં તેમણે કાર્લ માર્કસના સમાજવાદના સિદ્ધાંત વિશે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. 1898માં ‘ઍન એસે ઑન ધ ફાઉન્ડેશન ઑવ્ જ્યૉમેટ્રી’ વિષય પર અભ્યાસ-નિબંધ માટે તેમને ટ્રિનિટી કૉલેજમાં ફેલોશિપ મળી.

બર્ટ્રાન્ડ રસેલે તેમની કારકિર્દીની શરૂઆત ગણિતશાસ્ત્રથી કરી; પરંતુ ધીમે ધીમે તેઓ તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર તરફ અને રાજકીય તથા સામાજિક ચિંતન તરફ વળ્યા. 1903માં રસેલનો તત્ત્વચિંતક તરીકેનો પહેલો ગ્રંથ ‘પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ’ લખાયો. એ પછી સતત એક દાયકાના અભ્યાસ બાદ આલ્ફ્રેડ નૉર્થવ્હાઇટની સાથે તેમણે ‘પ્રિન્સિપિયા મૅથેમૅટિકા’ના 3 ગ્રંથો લખ્યા, જે અનુક્રમે 1910, 1912 અને 1913માં પ્રકાશિત થયા. ‘પ્રિન્સિપિયા મૅથેમૅટિકા’માં રસેલે ગણિતશાસ્ત્રને તર્કશાસ્ત્ર સાથે સાંકળીને સૈદ્ધાંતિક ચર્ચા કરી છે. આ ગ્રંથોની આધુનિક ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન પર ઊંડી અસર પડી છે. આ 3 ગ્રંથો વિશ્વના જ્ઞાનભંડારમાં એક મહત્ત્વનું પ્રદાન છે. જોકે આ શાસ્ત્રોના વિશેષજ્ઞો સિવાય જૂજ લોકો આ ગ્રંથોને વાંચી કે સમજી શક્યા છે.

આ ગ્રંથોના સર્જન પછી રસેલ સાંપ્રત બનાવો સાથે વધુ સંકળાતા ગયા. ઇંગ્લૅન્ડના દક્ષિણ આફ્રિકાના બોઅર યુદ્ધમાં તેઓ બોઅરતરફી રહ્યા અને શાંતિવાદની હિમાયત કરી. આ દાયકામાં લેડી ઑટોલાઇન મૉરેલ સાથેની તેમની સાહિત્યિક મૈત્રી ગાઢ અને દીર્ઘજીવી બની. 1907માં રસેલ મહિલા-મતાધિકાર અને મુક્ત વ્યાપારની હિમાયત સાથે પાર્લમેન્ટની ચૂંટણીમાં ઊભા રહ્યા, પણ ચૂંટાયા નહિ. વળી તેમને શાંતિવાદી મુક્ત વિચારોની અભિવ્યક્તિ માટે તથા શાંતિકૂચ(Peace March)માં ભાગ લેવા બદલ 20 પાઉન્ડનો દંડ અને 6 માસની કારાવાસની સજા થઈ. ટ્રિનિટી કૉલેજમાંથી તેમને બરતરફ કરવામાં આવ્યા. જેલવાસ દરમિયાન તેમણે ‘ઇન્ટ્રોડક્શન ટુ મૅથેમૅટિકલ ફિલૉસૉફી’ પુસ્તક લખ્યું, જે 1919માં પ્રકાશિત થયું. રસેલ રશિયન સમાજવાદી વિચારસરણીના કડક ટીકાકાર અને લોકશાહીના પ્રખર હિમાયતી હતા.

1920ના દાયકામાં રસેલે મહદંશે સામાન્ય વાચકો માટે વિવિધ વિષયો પર લખ્યું. તેમનાં ‘ધી એબીસી ઑવ્ ઍટમ્સ’ (1923) ‘વૉટ આઇ બિલીવ’ (1925), ‘વ્હાય આઇ ઍમ નૉટ અ ક્રિશ્ચિયન ?’ (1927), ‘મૅરેજ ઍન્ડ મૉરલ્સ’ (1929), ‘ધ કૉન્ક્વેસ્ટ ઑવ્ હૅપિનેસ’ (1930), ‘એજ્યુકેશન ઍન્ડ સોશ્યલ ઑર્ડર’ (1932) જેવાં પુસ્તકો વિચારશીલ, સામાન્ય વાચકોમાં ઘણાં લોકપ્રિય બન્યાં છે. રસેલના ધર્મ અને નીતિ વિશેના વિચારોએ એ સમયના પ્રસ્થાપિત, રૂઢિચુસ્ત સમાજમાં ખાસ્સો ઊહાપોહ મચાવ્યો હતો. ‘વ્હાય આઇ ઍમ નૉટ અ ક્રિશ્ચિયન ?’ એ 1927માં નૅશનલ સેક્યુલર સોસાયટીની દક્ષિણ-લંડન શાળા દ્વારા આયોજિત પ્રવચન છે, જે પછીથી આ જ વિષયના અન્ય લેખો સાથે પ્રકાશિત થયું હતું. આ લેખોમાં રસેલ તર્કપૂર્ણ દલીલો દ્વારા બુદ્ધિ, વિચારશક્તિ, જ્ઞાન, હિંમત અને માનવીય મૂલ્યો સાથે જીવવાની હિમાયત કરે છે. વાચકને મુક્ત મનથી વિચાર કરવા પ્રેરતા આ નિબંધો નિખાલસ અને નિર્ભીકપણે ખ્રિસ્તી ધર્મની કેટલીક માન્યતાઓ વિશે પ્રશ્ર્નો ઉઠાવે છે. ‘મૅરેજ ઍન્ડ મૉરલ્સ’ પણ ચિંતનાત્મક નિબંધો છે. જાતીય વૃત્તિને ભૂખ અને તરસ જેટલી જ સ્વાભાવિક વૃત્તિ ગણાવતા રસેલ આ વૃત્તિનું દમન ન કરવા, બલકે તેનું વધુ ઉચ્ચતર સ્વરૂપે પ્રગટીકરણ કરવાની હિમાયત કરે છે. આ નિબંધોમાં રસેલની લેખનશૈલી બુદ્ધિચાતુર્યયુક્ત અને રસિક છે. તેઓ તર્કપૂર્ણ દલીલો સાથે અતિગંભીર અને ઊંડાણભર્યા ચિંતનને પણ રસમય અને સરળ છતાં માર્મિક રીતે રજૂ કરી શકે છે.

રસેલના ધર્મ વિશેના અને જાતીય સંબંધોમાં નૈતિકતા વિશેના વિચારો ચર્ચાસ્પદ બન્યા હતા. ટ્રિનિટી કૉલેજમાંથી બરતરફી બાદ થોડાં વર્ષો સક્રિય રાજકારણમાં ગાળીને 1920ના દાયકા દરમિયાન તેમણે ઇંગ્લૅન્ડમાં અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વિવિધ સ્થળોએ પ્રવચનો આપ્યાં અને રશિયાનો પ્રવાસ કર્યો. 1927માં તેમણે પોતાનાં સંતાનો અને મુક્ત વિચારો ધરાવતાં અન્ય પરિવારોનાં સંતાનો માટે પીટર્સફીલ્ડ નજીક બેકન હિલ ખાતે એક શાળા શરૂ કરી. એ શાળામાં પરંપરાગત શિક્ષણપ્રણાલીથી કંઈક જુદી રીતે શિક્ષણ આપવામાં આવતું હતું. આ શાળામાં શિક્ષકોને માર્ગદર્શન આપવાના હેતુ સાથે રસેલે શિક્ષણપ્રણાલી અને શિક્ષકની ફરજો વિશે વિચારપ્રધાન લેખો લખ્યા. આ લેખો[‘એજ્યુકેશન ઍન્ડ સોશ્યલ ઑર્ડર’ (1932)]માં રસેલે લોકશાહી પદ્ધતિના વિકાસ અને મુક્ત વિચારશીલ વ્યક્તિત્વના ઘડતરમાં શિક્ષણની ભૂમિકા વિશે ચર્ચા કરી છે. પાછળથી તેમણે નાણાંના અભાવે આ શાળા બંધ કરી હતી.

બીજા વિશ્વયુદ્ધ(1939-45) દરમિયાન રસેલને ન્યૂયૉર્કમાં સિટી કૉલેજમાં અધ્યાપકપદ મળ્યું અને રદ થયું.  એ પછી તેમણે પેનસિલ્વેનિયામાં બાર્ન્સ ફાઉન્ડેશનમાં 5 વર્ષ વ્યાખ્યાનો આપવાનું કામ ઉપાડ્યું. તે પણ 1943માં રદ થયું. આ દરમિયાનના તેમના અનુભવો અને અભ્યાસના આધારે 1945માં તેમનો ‘હિસ્ટરી ઑવ્ વેસ્ટર્ન ફિલૉસૉફી’ ગ્રંથ લખાયો.

1944માં રસેલ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા અને ટ્રિનિટી કૉલેજમાં અધ્યાપક બન્યા. આ પછીનો દોઢ દાયકો રસેલ માટે પ્રસિદ્ધિ અને સન્માનનો દાયકો હતો. 1948 પછી રસેલે તેમનું ધ્યાન તત્ત્વચિંતનથી હઠાવીને આંતરરાષ્ટ્રીય રાજકારણ તરફ વાળ્યું. રસેલના વિચારો અને તેમની જીવનશૈલીએ યુવાનો અને ડાબેરીઓને ખૂબ આકર્ષ્યા. બીજા વિશ્વયુદ્ધ બાદ તેઓ શાંતિ અને અણુનિ:શસ્ત્રીકરણના હિમાયતી બન્યા. બીબીસીના ‘બ્રેન ટ્રસ્ટ’ના કાર્યક્રમો દ્વારા તેઓ વિશ્વભરમાં એક વક્તા તરીકે પ્રસિદ્ધ થયા. 1954માં તેમણે બીબીસી પરથી આપેલ વ્યાખ્યાન ‘ધ મૅન્સ પેરિલ’ વિશ્વપ્રસિદ્ધ બન્યું હતું. 1958માં, શાંતિવાદ અને અણુનિ:શસ્ત્રીકરણ વિશેના એક સત્યાગ્રહ બદલ તેમને કારાવાસની સજા પણ કરવામાં આવી હતી. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સની વિયેટનામ નીતિના કડક ટીકાકાર અને વિરોધી હતા. આ વર્ષો દરમિયાન પણ રસેલનું લેખનકાર્ય ચાલુ જ હતું.

ઊર્જા અને શક્તિના ઓઘ સમાન રસેલ વૃદ્ધ-વયે પણ રાજકીય ઝુંબેશોમાં સક્રિય હતા. 1960ના દાયકામાં તેમણે પોતાની આત્મકથા ‘ઑટોબાયૉગ્રાફી’ (1967-69) લખી.

બર્ટ્રાન્ડ રસેલ અત્યંત મેધાવી હતા. પોતે વાંચેલું લગભગ બધું જ તેઓ શબ્દશ: યાદ રાખી શકતા હતા અને દિવસના 3,000 શબ્દો જેટલું લખી શકતા હતા. તેમાંનું મોટાભાગનું લખાણ પ્રકાશન-યોગ્ય રહેતું. આવી કુશાગ્ર બુદ્ધિ સાથેની વિચારશક્તિ અને સંવેદનશીલતા મહદંશે સામાજિક પરિવર્તન માટે પ્રયોજાઈ. રસેલના નીતિ, ધર્મ, રાજકારણ, શિક્ષણ અને માનવીય મૂલ્યો વિશેના વિચારોથી તત્કાલીન સમાજને વિચાર માટેની એક દિશા મળી; એટલું જ નહિ, આ વિચારો એકવીસમી સદીના પ્રારંભકાળે હજી પણ ઘણે અંશે સુસંગત છે.

સ્વાતિ મેઢ