રસાયણોનું પૅકિંગ

January, 2003

રસાયણોનું પૅકિંગ : ગ્રાહક સુધી ઓછામાં ઓછા ખર્ચે, સારામાં સારી સ્થિતિમાં અને સલામત રીતે એક રાસાયણિક નીપજ જોઈતા જથ્થામાં વિતરિત થાય તેવી વ્યવસ્થા. હાલના હરીફાઈના બજારમાં પૅકેજે ઉત્પાદનની સુરક્ષા ઉપરાંત પણ અનેક જરૂરિયાતો પૂરી પાડવાની હોય છે એટલે પૅકેજિંગની પદ્ધતિએ નીચેના તબક્કે મહત્તમ કાર્યક્ષમતા દાખવવી જરૂરી છે : (i) માલ-રક્ષણ, (ii) સુપ્રચાલન વિજ્ઞાન (logistics), (iii) વેચાણ, (iv) વપરાશ, અને (v) ઓછામાં ઓછા પારિસ્થિતિક પ્રશ્ર્નો સાથે અપશિષ્ટનો નિકાલ.

ઉત્પાદિત માલ સુસંગતતા (compatibility), નિધાની આયુ (shelf-life), ગ્રાહકની જરૂરિયાતો અને નિકાસની દૃષ્ટિએ અને તે માટેના વિનિર્દિષ્ટ (specified) માનકો(standards)ને સંતોષે તેવો હોવો જરૂરી હોઈ તે કોઈ પણ પ્રકારની બાહ્ય કે આંતરિક અસરોથી મુક્ત હોવો જોઈએ. દા.ત., પૅકિંગ એવું હોય કે ભેજ કે હવા જેવા ઘટકો તેની અંદર જઈ શકે નહિ. આને લીધે માલનું નિધાની આયુ વધે છે અને તેની ગુણવત્તા જળવાઈ રહે છે. પૅકિંગ એવું પણ ન હોવું જોઈએ કે તેમાંથી દ્રવ્યનું ક્ષરણ (leakage) થાય.

ઉદ્યોગના પૅકેજિંગ વિભાગમાં બે પ્રકારની વ્યવસ્થા હોય છે : (1) પાઉડર સ્વરૂપના માલનું અને (2) પ્રવાહી સ્વરૂપની પેદાશનું પૅકેજિંગ.

(1) પાઉડર સ્વરૂપના માલનું પૅકેજિંગ : આ માટેની પીપમાં અને કોથળી(pouch)માં પૅક કરવાની પદ્ધતિઓ છે. આમાં ઑર્ડર પ્રમાણે માલની ગુણવત્તાની (દા. ત., ટેક્નિકલ, શુદ્ધ, અતિ શુદ્ધ વગેરે) ચકાસણી બાદ માલનું વજન કરી તેને પ્લાસ્ટિકની કોથળી અથવા ડ્રમમાં, કાચની શીશીમાં, કે લોખંડના પીપમાં પૅક કરવામાં આવે છે. ખાદ્ય પદાર્થો અને ઔષધો માટે ઍલ્યુમિનિયમનાં પાતળાં પતરાં (foils) પણ વપરાય છે. માલને યોગ્ય વજનમાં ભર્યા બાદ કોથળીને મશીન વડે સીલ (seal) કરવામાં આવે છે. સીલ કરેલ કોથળી, કે શીશીને રક્ષણ આપવા માટે તેને કાગળના ખોખામાં મૂકવામાં આવે છે. કોથળીમાં (કે શીશીમાં) કયો પદાર્થ કેટલો ભરવામાં આવ્યો છે અને તેની ગુણવત્તા કેવી છે તથા તે કેટલા સમયમાં વાપરી નાંખવો જરૂરી છે તેમજ બૅચ નંબર, માલની કિંમત, માલ તૈયાર કર્યાની તારીખ, કંપનીનું નામ, સરનામું વગેરે વિગતો દર્શાવતાં લેબલ પણ કોથળી, શીશી કે ખોખા પર લગાવવામાં આવે છે. જરૂર પડ્યે તેની વિષાળુતા, તેને વાપરવાની સૂચના વગેરે દર્શાવતી ચબરખી પણ ખોખામાં મૂકવામાં આવે છે. આ રીતે તૈયાર કરેલો માલ પરિવહન માટે તૈયાર ગણાય છે.

કોથળીઓ અનેક પ્રકારની બનાવવામાં આવે છે; પણ મોટાભાગની કોથળીઓનું ચાર ભાગમાં વર્ગીકરણ કરી શકાય : (i) શિરોધાની (pillow), (ii) ત્રણ બાજુથી સીલ કરેલી, (iii) ચારે બાજુથી સીલ કરેલી, અને (iv) ઊભી (stand up) કોથળી. શિરોધાની કોથળીમાં પાછળ (back), શીર્ષ (top) ભાગે, અને નળીએ સાંધ (seam હોય છે). સાંધ અનેક રીતે કરી શકાય, પણ ઉષ્મા સીલ એ સૌથી વધુ પ્રચલિત છે. સીલ કરવાની પદ્ધતિ પ્રમાણે તેમને સપાટ સીલ (flat seal), પાંખ (fin) સીલ, લૅપ (lap) સીલ  એ રીતે ઓળખવામાં આવે છે. આ પૈકી લૅપ સીલ ઓછો પદાર્થ વાપરે છે પણ નબળું હોય છે. તેમાં કોથળીનાં બાહ્ય અને આંતરિક એમ બંને સ્તરો ગરમીથી સીલ થઈ શકે તેવાં હોવા જોઈએ. કોથળી કદમાં વધી શકે તે માટે તેમાં કળીઓ (gussets) રાખવામાં આવે છે.

ત્રણ બાજુ સાંધવાળી કોથળીઓમાં બે બાજુ પર અને ઉપર અથવા નીચે સાંધ હોય છે. બાકીની એક બાજુએ ગડ (fold) હોય છે. જો તેની ડિઝાઇન કળીઓ(gussets)વાળી હોય તો આવી કોથળી ઊભી રહી શકે છે. કેટલાક કિસ્સામાં આવી કોથળીઓ વપરાય છે, પણ ઘણુંખરું ગડવાળી બાજુ પણ સીલ કરવામાં આવે છે.

ચાર બાજુ સાંધવાળી કોથળીઓ તે માટેના પદાર્થના બે વીંટામાંથી બનાવવામાં આવે છે. આવી કોથળીની આગળની અને પાછળની બાજુ જુદા જુદા પદાર્થની બનેલી હોઈ શકે છે. આવી કોથળીઓ ચોરસ, લંબચોરસ કે એવા અન્ય આકારની હોય છે.

ઊભી કોથળી સ્વ-આધારિત (self-supporting) હોય છે. તે છૂટાં પડો(laminates)માંથી બનાવાતી હોઈ અક્કડ (rigid) સંવિષ્ટન (packaging)ની હરીફાઈમાં ઊભી રહે છે. તે આર્થિક રીતે પોસાય તેવી હોય છે અને ઓછી જગા રોકે છે. તેનો દેખાવ આકર્ષક બનાવી શકાતો હોવાથી વેચાણ-આકર્ષણ (sales appeal) ધરાવે છે. તેમને ખોલવાનું અને વાપરવાનું (handling) સરળ છે. તે નાળચું (spout) અને ઢાંકણ પણ ધરાવી શકે.

કોથળીનું કદ તેમાં ભરવામાં આવનાર પદાર્થ પ્રમાણે નાનુંમોટું હોય છે. ઘન અને પ્રવાહી પેદાશોના મોટા જથ્થાના પૅકેજિંગ માટે મોટી અને ભારે ઘસારો સહી શકે તેવી (heavy duty) થેલીઓ બનાવવામાં આવે છે. કેટલીક તો 5,000 કિગ્રા. પદાર્થ સમાવી શકે તેવી હોઈ તેમનું તનનસામર્થ્ય ઊંચું હોય છે. વણેલા પૉલિપ્રૉપિલીન (PP) કાપડનો અથવા HDPE કે PVC(polyvinyl chloride)નો આ માટે ઉપયોગ થાય છે. કેટલીક (દા. ત., સિમેન્ટની) કોથળીઓમાં અંદર પ્લાસ્ટિક અને બહારનો ભાગ કાગળનો હોય છે. ઘણી વાર કાગળ ઉપર HDPE, LDPE, PPનું આવરણ પણ ચઢાવવામાં આવે છે.

મોટા પૅકિંગ માટે વપરાતાં ડ્રમ HDPE (high density polyethylene) કે એવા બહુલકનાં બનાવેલાં હોય છે, જેથી વજનમાં હલકાં રહે અને તેમાં ભરેલ માલની ગુણવત્તા જળવાઈ રહે. જોખમી દ્રવ્યોના પૅકિંગ તથા પરિવહન માટે આવાં પીપ વધુ અનુકૂળ રહે છે.

(2) પ્રવાહી સ્વરૂપની પેદાશોનું પૅકિંગ : પાઉડર કરતાં પ્રવાહી સ્વરૂપના પદાર્થોનું પૅકિંગ પ્રમાણમાં અઘરું છે. જોઈતી ગુણવત્તા ચકાસણી બાદ મોટા પૅકિંગ માટે HDPE જેવા બહુલકના ડ્રમમાં તેમને ભરવામાં આવે છે. ઘણી વાર તૈયાર માલ મોટા પૅકિંગમાં જમાવી તેમાંથી કાચ કે પ્લાસ્ટિકની નાની શીશી કે પ્લાસ્ટિકની કોથળીમાં તેને ભરવામાં આવે છે. શીશીમાં ભર્યા બાદ તેના મોઢા ઉપર પ્લાસ્ટિક કે ઍલ્યુમિનિયમનું પડ (foil) લગાવી બંધ કરવામાં આવે છે. આ પછી આંટાવાળું ઢાંકણ વાપરી તેને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે. ઘણી વાર આ ઢાંકણને પણ પ્લાસ્ટિકની પટ્ટી વડે શીશી સાથે જડી દેવામાં આવે છે.

બનાવવાની દૃષ્ટિએ નળાકાર શીશીઓ સહેલી હોય છે, પણ તે વધુ જગા રોકે છે, જ્યારે ચોરસ શીશીઓને ખોખામાં ગોઠવવાનું સરળ પડે છે.

પ્રવાહી માલ ભરવાનાં પાત્રો (ડ્રમ કે કોથળી કે શીશી) પર પણ આગળ દર્શાવેલા પ્રકારની વિગતો સહિત છાપેલાં લેબલ લગાડવામાં આવે છે. વળી જો પ્રવાહી દહનશીલ હોય તો તે દર્શાવતી સંજ્ઞા અને શબ્દો પણ લેબલમાં છાપવામાં આવે છે.

ખાદ્ય પદાર્થો તેમજ ઔષધીય બનાવટોના પૅકિંગ માટે ખાસ પ્રકારનાં દ્રવ્યોનાં બનાવેલાં પાત્રો વાપરવામાં આવે છે.

અમૃતભાઈ પટેલ

અનુ. જ. દા. તલાટી