રસાયણાનુવર્તન (chemotropism)

January, 2003

રસાયણાનુવર્તન (chemotropism) : રાસાયણિક ઉત્તેજનાને લઈને થતું વાનસ્પતિક રચનાઓનું દિશાત્મક (directive) વૃદ્ધિરૂપ હલનચલન. આ પ્રકારના હલનચલનમાં અનુક્રિયા(response)ની દિશા ઉત્તેજનાની દિશા સાથે સંબંધિત હોય છે. પરાગાસન અને પરાગવાહિનીમાં થઈને પરાગનલિકાની ભ્રૂણપુટ (embryosac) તરફ થતી વૃદ્ધિ રસાયણાનુવર્તનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સ્ત્રીકેસરોમાં રહેલા રાસાયણિક પદાર્થો પરાગનલિકાની વૃદ્ધિ માટે દિશાત્મક બળ તરીકે વર્તે છે. પરાગરજનું સ્ત્રીકેસરોના ટુકડા ધરાવતી પોષક જેલીમાં અંકુરણ કરાવતાં પરાગનલિકાઓ હવાની વિરુદ્ધ સ્ત્રીકેસરના ટુકડાઓ તરફ વૃદ્ધિ દાખવે છે. આમ, પરાગનલિકા ઋણ વાતાનુવર્તન (aerotropism) અને ધન રસાયણાનુવર્તન દર્શાવે છે.

પરોપજીવીઓનાં ચૂષક મૂળો અને પરોપજીવી ફૂગની કવકજાલ (hyphae) પોષિતા વનસ્પતિની પેશીઓમાં રહેલા કેટલાક રાસાયણિક પદાર્થો ઉત્તેજનાની અનુક્રિયા-સ્વરૂપે પોષિતાની પેશીમાં પ્રવેશ પામે છે. ફૂગ જે જીવાધાર (subsratum) ઉપર વિકાસ પામે છે, તેમાં તે પોષક કવકતંતુઓ મોકલી પોષણ મેળવે છે. આવા કવકતંતુઓને મૂલાંગો કહે છે. તેઓ બ્રેડ કે અન્ય ખાદ્ય પદાર્થમાં ઉત્સેચકોનો સ્રાવ કરી સ્ટાર્ચ અને પ્રોટીનનું અનુક્રમે શર્કરા અને પેપ્ટોનમાં રૂપાંતર કરી કાર્બનિક પોષક તત્ત્વો ચૂસે છે. ફૂગના કવકતંતુઓ શર્કરા અને પેપ્ટોન તરફ વૃદ્ધિ પામતા હોવાથી તે ધન રસાયણાનુવર્તન દાખવે છે.

ડ્રૉસેરા નામની કીટભક્ષી વનસ્પતિમાં તેની પર્ણકિનારીએ આવેલાં સૂત્રાંગો (tentacles) દ્વારા ધન રસાયણાનુવર્તન થાય છે. કીટકમાં રહેલા વિવિધ કાર્બનિક (દા. ત., પ્રોટીન) અને અકાર્બનિક (દા. ત., ફૉસ્ફેટ અને એમોનિયાના ક્ષારો) સૂત્રાંગોના વક્રતારૂપ હલનચલન માટે જવાબદાર છે. પર્ણ દ્વારા શોષાતા રાસાયણિક પદાર્થને કારણે જીવરસ ઉત્તેજિત થાય છે અને અર્ધ-ચાલક (semi-motor) સંવેદના પર્ણમાંથી આસપાસ રહેલાં સૂત્રાંગોના તલભાગમાં વહન પામે છે, જેથી સૂત્રાંગો પર્ણદલ ઉપર રહેલા પદાર્થ કે કીટક તરફ વળે છે. આમ, સૂત્રાંગોનાં શીર્ષ કીટક અને કાર્બનિક દ્રવ્યના સંપર્કમાં આવે છે અને ઉત્સેચકોના સ્રાવ દ્વારા તેમનું પાચન કરે છે. અંતે પાચિત પોષક તત્ત્વોનું શોષણ અને સ્વાંગીકરણ (assimilation) થાય છે. ડ્રૉસેરામાં થતી સૂત્રાંગોની હલનચલનની પ્રક્રિયા અંશત: અનુવર્તી (tropic) અને અંશત: અનુકુંચિત (nastic) હોય છે.

વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર