રશીદુદ્દીન : મૉંગોલ શાસકનો અલાઉદ્દીન ખલજીના દરબારમાં આવેલ રાજદૂત. દિલ્હીના સુલતાનો જેમ બગદાદના ખલીફાઓને ધાર્મિક કારણોસર રાજી રાખતા હતા તેમ માગોલ રાજ્યકર્તાઓનાં આક્રમણોથી બચવા એમને પણ ખુશ રાખવા પ્રયત્નો કરતા હતા.

મૉંગોલ રાજ્યકર્તા ઘાઝાન મહમૂદે (1295-1304) રશીદુદ્દીન નામના વિદ્વાનને પોતાના પ્રતિનિધિ તરીકે અલાઉદ્દીન ખલજીના દરબારમાં (1296-1316) હિંદ મોકલ્યો હતો. આ પ્રતિનિધિ મોકલવા પાછળનો ઘાઝાન મહમૂદનો ઉદ્દેશ સુલતાન અલાઉદ્દીન ખલજીની મિત્રતા પ્રાપ્ત કરવાનો તથા ઉપયોગી ઔષધિઓ મેળવવાનો હતો. અલાઉદ્દીન ખલજીએ રશીદુદ્દીનને કીમતી વસ્તુઓની ભેટ આપી. એ ઉપરાંત, એને ચાર ગામોનું જમીનમહેસૂલ કાયમ માટે આપ્યું, જે વેપારીઓએ ઉઘરાવીને તેને પહોંચાડવાનું હતું. આમ, અલાઉદ્દીન ખલજીએ રશીદુદ્દીનનું સન્માન કરીને મૉંગોલ સરદાર ઘાઝાન મહમૂદને ખુશ કર્યો હતો.

દિલ્હીના સુલતાનોના આવા મૈત્રીભર્યા પ્રયાસો છતાં હિંદ પરનાં માગોલ લોકોનાં આક્રમણો અટક્યાં નહોતાં. તિમૂરે હિંદ પર ડિસેમ્બર 1398માં ચઢાઈ કરી, દિલ્હીને ક્રૂરતાપૂર્વક લૂંટ્યું અને અનેક માણસોની કતલ કરી. આ લૂંટની અસરમાંથી દિલ્હી લાંબા સમય સુધી મુક્ત થઈ શક્યું ન હતું. આમ 14મી સદીમાં હિંદ મૉંગોલ લોકોના આક્રમણના ભય નીચે જીવતું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી