રમકડું : સામાન્યત: બાળકો દ્વારા રમવા માટે ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુ કે સાધન. વિશ્વના દરેક સમાજમાં બાળક રમકડે રમે છે. ધાવણી, ઘૂઘરો, દડો, ઢીંગલી, રથ કે ગાડી, કોયડા જેવાં રમકડાં પ્રાચીન કાળથી બાળકોનાં જીવનમાં મહત્વનો ભાગ ભજવતાં રહ્યાં છે. રમકડું બાળકનું મનોરંજન કરે છે. તે બાળકને જ્ઞાન પણ આપે છે અને તેનું કૌશલ વિકસાવે છે. તે બીજાં બાળકો સાથે હળીમળીને રહેતાં શીખવે છે. ઉત્પાદકો હજારો પ્રકારનાં રમકડાં બનાવે છે. બાળક તેની વય અને વિકાસના ચરણને અનુરૂપ સરળથી માંડીને અટપટાં રમકડાં રમવા માટે પસંદ કરી શકે છે. બાળકની વય અનુસાર રમકડાંના ત્રણ વર્ગ પડે છે : (1) શિશુ માટેનાં, (2) મધ્યવયનાં બાળકો માટેનાં અને (3) ઉપલી વયનાં બાળકો માટેનાં.

શિશુનાં રમકડાંનો આરંભ ભભકદાર રંગોવાળાં પોચાં રમકડાંથી થાય છે. તરત તેમાં ધાવણી તથા ઘૂઘરાનો ઉમેરો થાય છે. ઘોડિયા પર બાળકની દૃષ્ટિ સામે આવું રમકડું ઝૂલતું રખાય છે. તેનાથી શિશુ રંગ, ગતિ અને ધ્વનિ પારખતાં શીખે છે. ધીરે ધીરે રમકડું પકડતાં શીખે છે. આ તબક્કે ધાવણી તથા ઘૂઘરો તેને વિશેષ ફાવે છે. બાળક પગ માંડતું થાય ત્યારે તેને ધક્કો મારીને રગડાવવાનાં રમકડાંનું આકર્ષણ થાય છે. એનાથી એ સંતુલન જાળવવાનું શીખે છે. એથી ઊલટું, ગાડી, રથ, મોટર જેવાં રમકડાંને દોરી બાંધી પાછળ ખેંચવામાં પણ બાળકને ગમ્મત પડે છે. પકડવામાં અઘરી વસ્તુઓ તેને ગમે છે. રંગીન ચિત્રો જોવાં ગમે છે. એનાથી તેના મનને ઉત્તેજના મળે છે અને તે તેના મનોવિકાસમાં સહાયક બને છે.

બાળક ચાલતાં અને દોડતાં શીખે એ પછી તેની શોધયાત્રાનો આરંભ થાય છે. આસપાસના વિશ્વને જોવા-સમજવા તે નાનાં નાનાં સાહસો આરંભે છે. હલનચલનની રમતોમાં તેને આકર્ષણ થાય છે. એથી તેના સ્નાયુઓને વ્યાયામ મળે છે અને તેનું હલનચલન સુધરે છે. હાથ અને પગમાં બળ આવે છે. ટુકડા જોડવાની, ઉપાડવાની અને ખસેડવાની રમતો બાળકો પસંદ કરે છે. ભિન્ન અને અસંબદ્ધ રમકડાં એકત્ર કરી તેમાંથી સંકલિત રમત રચવા બાળક તેની કલ્પનાશક્તિ કામે લગાડે છે; ઉદા., ખેતરનું, હાટનું, માર્ગનું કે નિશાળનું ર્દશ્ય. જેમાં ગણવાનું, બોલવાનું, વાંચવાનું, કથવાનું કે એવું કામ આવતું હોય તથા ટેબલ, ખુરસી, ખાટલા કે ટેકરા પર ચડઊતર કરવાની આવતી હોય એવી રમકડાંરચના આ વયજૂથવાળાં બાળકોને આકર્ષે છે. ચિત્રવાર્તાઓ બાળકને વિચારતાં અને વિચારોને સંકલિત કરતાં શીખવે છે. ઉખાણાં, કોયડા અને એ પ્રકારની રમતો બાળકને વિશ્લેષણ અને સંશ્લેષણ કરવા પ્રેરે છે. આવાં રમકડાં રમતાં બાળકો વિવિધ આવેગોનો અનુભવ કરે છે. ઢીંગલી તથા પ્રાણી-રમકડાં જીવંત હોય તેવું માની બાળકો તેમની લાગણીઓની કલ્પના કરતાં થાય છે.

ઉત્તરવયનાં બાળકો માટે રમકડાં તેમની કલ્પિત રમતોના અંશો કે પાત્રોનું સ્થાન લે છે. ઘર ઘર રમે તેમાં રમકડાંનું રાચરચીલું તથા ઢીંગલીઓ ઘરનાં માનવીનું સ્થાન લે છે. ચાવીવાળાં રમકડાં તેમને આનંદ આપે છે. માટી, ચાક, રંગો અને પેન-પેન્સિલ વડે લીટા કરતાં બાળકો તેમની કલાભાવના પ્રગટ કરે છે. માટી-રેતીના ઢગલા બનાવવા અને તોડીપીંખી નાખવામાં તેઓ આનંદ અનુભવે છે. પાટિયા, પૂંઠા કે ભૂમિ ઉપર આલેખેલાં ખાનાંમાં કૂકરી, ટીકડી વડે રમવું, પાસા ફેંકવા અને વ્યૂહરચનાઓ વિચારવી એ બધું એમને આકર્ષે છે. બાળપણની સમાપ્તિ સમયે બાળકની રચનાત્મક શક્તિ પ્રગટ થવા મથે છે. વીણી આણેલાં અથવા ખાસ કિટ રૂપે મળતા છૂટા ટુકડા જોડી અમુક વસ્તુનું નિર્માણ કરતાં બાળકો વિશેષ વિષયોમાં રુચિ કેળવતાં થાય છે. આગળ જતાં આ રુચિ તેમને તેમના અભ્યાસનું ક્ષેત્ર પસંદ કરવા પ્રેરે છે અથવા તે તેમનો જીવનનો મહત્વનો શોખ બની રહે છે.

હજારો વર્ષો સુધી વિશ્વના બધા દેશોમાં લગભગ સમાન ઢાંચાનાં રમકડાંમાં યંત્રની અને તે પછી વીજળીની શોધો થયા પછી મોટું પરિવર્તન આવ્યું. પણ, 1904માં લી દ ફૉરેસ્ટે રેડિયો વાલ્વની શોધ કરી તે સાથે ઇલેક્ટ્રૉનિક્સના એક નવા જ વિજ્ઞાનના વિકાસનો આરંભ થયો. તેણે બીજાં અનેક ક્ષેત્રોની જેમ રમકડાંના ક્ષેત્રે નવી ક્રાંતિ પ્રેરી. ઇલેક્ટ્રૉનિક્સે કમ્પ્યૂટર અને સંચારક્ષેત્રે નવી દિશાઓ ખોલી આપી. બીજી પ્રૌદ્યોગિકીથી ઊલટું, સંગણક પ્રૌદ્યોગિકીમાં ઝડપી વિકાસથી

વિવિધ રમકડાં

ઉપકરણો ચડિયાતાં બનવા છતાં ભાવમાં તથા વાપરવાની સગવડોમાં વધારે અનુકૂળ બનતાં, વિશ્વમાં ભારે વેગથી ખૂણે ખૂણે પહોંચી ગયાં. નવા યુગનાં આ રમકડાં વિશે સંતાનો માતાપિતાને સમજણ પાડે તેવી અદભુત સ્થિતિ સર્જાઈ. વીજાણુ-રમકડાંમાં ભાવ, કદ, સુરક્ષા અને વિવિધતાનો અનોખો મેળ જામ્યો. બાળકની કલ્પના, બુદ્ધિ, તર્ક, હસ્તકૌશલ આદિને પડકારે અને ખીલવાનો અવસર આપે તેવાં રમકડાં ઉપલબ્ધ બન્યાં. વયના પ્રમાણમાં બાળકો વધારે ચપળ બન્યાં. જોકે પરંપરાગત રમકડાંનું સ્થાન આ નવાં રમકડાં છીનવી શક્યાં નથી.

ટૂંકમાં, સૌથી વધારે પ્રચલિત રમકડાંમાં ધાવણી, ઘૂઘરો, ઢીંગલી, દડો, સિસોટી, પૈડાંવાળાં પ્રાણી (કે વાહન), પતંગ, સંતુલનલક્ષી પદાર્થો, ભમરડો, વૈજ્ઞાનિક ઉપકરણોના સરળ નમૂના, સંગીતમય પદાર્થો, યાંત્રિક રમકડાં. બાંધકામના સેટ, ઇલેક્ટ્રૉનિક અને શોખપોષક પદાર્થોનો સમાવેશ થાય છે. રમકડાં બનાવવામાં અત્યારે પ્લાસ્ટિક સૌથી વધારે વપરાય છે. પતરું તથા લાકડું પણ વપરાય છે. માટી, ઊન, કાગળ, કાચ, રૂ, બરુ, ઘાસ, વાંસ, છીપ, રબર, કાપડ, ચામડું તથા બીજા પદાર્થો પણ વપરાય છે.

બાળકો હજારો વર્ષોથી રમકડે રમતાં આવ્યાં છે. વિશ્વનાં સૌથી પ્રાચીન રમકડાં સિંધુ સંસ્કૃતિના અવશેષોમાં મળ્યાં છે. તેમાં બળદગાડું અદભુત છે. ગાડું ચાલે ત્યારે બળદ તેનું માથું હલાવે તેવી સરળ યાંત્રિક રચના તેમાં છે. ધાવણી, ઘૂઘરો, દડો, ઢીંગલી, પ્રાણી, ગાડી જેવાં રમકડાં પ્રારંભિક કાળનાં રમકડાં છે. તે આજે પણ એટલાં જ લોકપ્રિય છે. પ્રારંભિક કાળમાં તથા મધ્યકાળમાં બધા સમાજોમાં રમકડાંમાં ઘણું મળતાપણું હતું. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી યાંત્રિક રમકડાં વિવિધ રૂપે પ્રચલિત બન્યાં. ઓગણીસમી સદી સુધી બાળકોને હાથકારીગરીનાં અને ઘેર બનાવેલાં તથા કારખાનામાં બનેલાં – એમ બેઉ પ્રકારનાં રમકડાં ઉપલબ્ધ હતાં. સમય જતાં હસ્તકલાનાં રમકડાં હવે ઓછાં મળતાં થયાં છે.

વસ્ત્રપરિધાન કરાયેલી ઢીંગલીઓ

રમકડાંનું ઉત્પાદન અને વેચાણ જ્યારે ધંધો બન્યું ત્યારે સરકારે એક વિશેષ જવાબદારીનો અનુભવ કર્યો. પૈસા કમાવાના લોભમાં રમકડાંના ધંધામાં અનૈતિક વ્યવહારો વધવા માંડ્યા. સરકારે બાળકના હિતમાં ધારા ઘડ્યા. પણ હજુ રમકડાં ઉપયોગી છે તેટલાં જ ભયજનક પણ છે. અત્યારે મોટેભાગે પ્લાસ્ટિક વપરાય છે. બાળક ઘણી વાર રમકડું મોઢામાં મૂકે છે; ચાટે છે; દાંતો વચ્ચે દબાવે છે; હાથ વડે પછાડે છે. કેટલાંક રમકડાં રંગવા માટે વપરાતા પદાર્થો વિષયુક્ત હોય છે. કેટલાંક સળગી ઊઠે એવાં હોય છે. કેટલાંકમાં છૂટા નાના ભાગો હોય છે, જે બાળક ગળી જઈ શકે છે અને એ રીતે ભયમાં મુકાય છે. પતરાનાં તથા એવા પદાર્થોનાં રમકડાંમાં કેટલીક વાર અણીદાર અથવા ધારદાર અંશોથી બાળકને ઈજા પહોંચવાનો ભય રહે છે. કેટલાંક રમકડાં એવાં હોય છે જે વડીલની ઉપસ્થિતિમાં  તેમની દેખરેખ હેઠળ જ બાળકને રમવા આપી શકાય.

માનસિક વ્યવહારો સાથે સંલગ્ન હોવાથી માનસશાસ્ત્રમાં રમકડાંના પ્રભાવ વિશે અભ્યાસ કરવામાં આવે છે. સંગ્રહાલયોમાં રમકડાંના વિશેષ વિભાગો હોય છે. ગુજરાતમાં અમરેલીના પ્રતાપરાય ગિરધરલાલ બાળસંગ્રહાલયમાં રમકડાંનો સંગ્રહ છે.

બંસીધર શુક્લ