રત્નાકર : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. ‘બાલબૃહસ્પતિ’ ઉપાધિ ધારણ કરનાર કાશ્મીરાધિપતિ મિપ્પટ જયાપીડ(800)ના આ સભાપંડિત અત્યંત પ્રતિભાશાળી કવિ હતા. તેઓ અમૃતભાનુના પુત્ર હતા. એમણે લખેલા ‘હરવિજય’ મહાકાવ્યમાં 50 સર્ગો સાથે 4,351 પદ્યરત્નો સમાયેલાં છે. તે મહાકાવ્ય નિર્ણયસાગર પ્રેસે મુંબઈથી પ્રસિદ્ધ કરેલું છે. કવિની અન્ય બે રચનાઓનાં નામ છે – ‘वक्रोक्ति-पञ्चाशिका’ અને ‘ध्वनिगाथापाञ्जिका’. આ મહાકવિ રત્નાકર પ્રણીત ‘હરવિજય’ પ્રસિદ્ધ મહાકાવ્ય છે. સંક્ષેપમાં તેનું કથાનક આ પ્રમાણે છે : નગાધિરાજ હિમાલય પર બેઠેલા મહાદેવની આંખો ભગવતી પાર્વતી પાછળથી આવીને બંધ કરે છે. ભગવાન શંકરની ચંદ્રસૂર્યરૂપી આંખો ઢંકાઈ જવાથી સમસ્ત બ્રહ્માંડમાં અંધારું છવાઈ જાય છે – તેવા સમયે ર્દષ્ટિહીન બાળક અંધકનો જન્મ થાય છે. તે તપસ્વી હિરણ્યાક્ષને આપવામાં આવે છે અને પિતામહ બ્રહ્માની કૃપાથી તે બાળકને ર્દષ્ટિ પ્રાપ્ત થાય છે. પોતાના અગાધ સામર્થ્યથી ધીમે ધીમે અંધક સમગ્ર વિશ્વમાં રહેલા દેવો અને માનવોને ત્રાસ આપવા લાગે છે. તેનાથી ભયભીત થઈને બધા દેવો ભગવાન શંકરને પ્રાર્થના કરે છે અને મહાદેવજી અંધકનો સહજતાથી વધ કરે છે. એથી સમગ્ર સૃષ્ટિમાં આનંદ અને શાંતિનું વાતાવરણ છવાય છે.

કવિ રત્નાકરે પ્રસ્તુત મહાકાવ્યમાં લલિતમધુર પદાવલીમાં વિવિધ અલંકારો પ્રયોજી ચંદ્રોદય, સમુદ્રવર્ણન, સંધ્યા, જલક્રીડા ઇત્યાદિનું મનોહર વર્ણન કર્યું છે. ‘હરવિજય’ કાવ્યના અનુશીલનથી અકવિ કવિ અને કવિ મહાકવિ થઈ શકે છે એવો રત્નાકરનો દાવો છે ! આ રત્નાકરને ‘તાલરત્નાકર’નું બિરુદ આપ્યું છે, કારણ કે તેમણે સૂર્ય અને ચંદ્રને કાંસાનાં બે મંજીરાં સાથે સરખાવ્યા છે.

સંક્ષેપમાં વિદ્વત્તા અને કાવ્ય-કુશળતાનો જેમાં સોહામણો સમન્વય છે, એવું રત્નાકરવિરચિત ‘હરવિજય’ સાયાસ શૈલીના મહાકાવ્ય લેખે સંસ્કૃત સાહિત્યક્ષેત્રમાં અનેરું સ્થાન ધરાવે છે. ‘રાજતરંગિણી’ના લેખક મહાકવિ કલ્હણ રત્નાકરનો ઉલ્લેખ કરે છે. કાશ્મીરના જ કવિવર ક્ષેમેન્દ્રે રત્નાકરના વસન્તતિલકા છન્દના પ્રભુત્વની પ્રશંસા કરી છે.

ઉમા દેશપાંડે