રતનબાઈ : આ એક જ નામની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલી ત્રણ કવયિત્રીઓ. એક રતનબાઈએ ઈ. સ. 1579માં રેંટિયાની પ્રશસ્તિ કરતી 24 કડીની ‘રેંટિયાની સજ્ઝાય’ રચેલી. તે જૈન પરંપરાની જણાય છે. બીજી રતનબાઈ ઈ. સ. 1781ના અરસામાં હયાત એક જ્ઞાનમાર્ગી નાગર કવયિત્રી હતી, જે અમદાવાદની વતની અને અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજીની પુત્રી અને શિષ્યા હતી. તેણે સંસારત્યાગ કરેલો. તેનાં ગુરુમહિમા તેમજ જ્ઞાનવૈરાગ્યનાં 11 પદો મળે છે. આ બે સિવાય, અઢારમી સદીમાં રતનબાઈ નામની એક ત્રીજી કવયિત્રી વોરા કોમમાં થઈ ગઈ. તે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પાછિયાપુરની વતની અને શાહ કાયમુદ્દીનની શિષ્યા હતી. તેના તરફથી જ્ઞાન-વૈરાગ્યને લગતાં કલામ, ગરબી, ભજન વગેરે મળે છે. તેની કવિતા પર પ્રેમલક્ષણા ભક્તિની પ્રબળ અસર છે. વળી તેની કાવ્યબાનીમાં અરબી-ફારસી શબ્દોની છાંટ પણ જોવા મળે છે. તેનાં ભજનોમાં ઉચ્ચપ્રકારની કલ્પનાશક્તિ અને વાક્-સામર્થ્ય દેખાય છે.

ગીતા પરીખ