રણ (desert)

તદ્દન ઓછો વરસાદ મેળવતા ગરમ, સૂકા અને ઉજ્જડ ભૂમિવિસ્તારો. આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અલ્પ રહેતું હોવા છતાં તે તદ્દન વેરાન કે ખરાબાના પ્રદેશો હોતા નથી. તેમાં ભૂમિસ્વરૂપોની વિવિધતા પણ જોવા મળે છે. દુનિયાનાં મોટાભાગનાં રણોમાં ઓછામાં ઓછી એક કાયમી નદી પણ હોય છે, તેમ છતાં ભેજવાળા પ્રદેશોની જેમ રણોમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિજીવન કે પ્રાણીજીવન નભી શકતું નથી.

પૃથ્વી પર સ્થાનભેદે જોવા મળતાં રણ માટે કોઈ એક ચોક્કસ વ્યાખ્યા આપી શકાય તેમ નથી. જુદા જુદા વિસ્તારનાં રણનું અર્થઘટન જુદી જુદી રીતે આપી શકાય છે; તેમ છતાં જ્યાં 250 મિમી.થી ઓછો વાર્ષિક વરસાદ પડતો હોય એવા પ્રદેશોને સર્વસામાન્યપણે રણ તરીકે ઓળખાવવામાં આવે છે. કેટલાક ભૂગોળવેત્તાઓ જે તે પ્રદેશને રણ કહેવા માટે જમીન કે વનસ્પતિના વિશિષ્ટ પ્રકારને પરિબળ તરીકે આગળ ધરે છે; તો વળી બીજા કેટલાક બધાં પરિબળોને લક્ષમાં લે છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે જ્યાં અપૂરતો વરસાદ પડતો હોય, જમીન સૂકી રહેતી હોય અને જૂજ પ્રમાણમાં વનસ્પતિ નભી શકતી હોય એવા પ્રદેશને જ રણ કહી શકાય.

દુનિયાનાં મોટાભાગનાં રણો ગરમ આબોહવાના પ્રદેશોમાં આવેલાં છે; તેમ છતાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવો નજીકના કેટલાક વિસ્તારો પણ રણ જેવા છે. તે એટલા બધા ઠંડા છે કે ત્યાં હવામાં રહેલો ભેજ ઠરી જાય છે અને તેથી વનસ્પતિ ઊગી શકતી નથી. આવાં રણો ઠંડાં રણો કહેવાય છે.

રણો દુનિયાના કુલ ભૂમિવિસ્તારનો સાતમો ભાગ (14 % ભૂમિભાગ) આવરી લે છે. બધાં રણો પૈકી ઉત્તર આફ્રિકામાં આવેલું સહરાનું રણ મોટામાં મોટું ગણાય છે. તે આશરે 90 લાખ ચોકિમી. વિસ્તાર ધરાવે છે. બીજાં મોટાં રણોમાં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના રણનો, અરબી દ્વીપકલ્પના રણનો, ચીન-મૉંગોલિયાના ગોબીના રણનો તથા દક્ષિણ આફ્રિકાના કલહરીના રણનો સમાવેશ કરી શકાય. એ જ રીતે ઉત્તર અમેરિકાના અંતરિયાળમાં આશરે 13 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર રણપ્રદેશોએ આવરી લીધેલો છે.

લોકજીવન : રણમાં વધુ વસ્તી હોતી નથી, તેમ છતાં જે લોકો રણપ્રદેશમાં રહે છે તેમને અતિશય ગરમી અને સૂકી આબોહવાથી ટેવાવું પડે છે. ઉત્તર અમેરિકાનાં રણોમાં ઘણા ઇન્ડિયનો અને મેક્સિકનો ગરમીનો અવરોધ કરી શકે એવાં પંકથી બનાવેલાં ઘરોમાં રહે છે. એવાં જ ઘરોમાં સહરાના તેમ જ અરેબિયન રણમાં રહેતા અરબી લોકો રહેતા હોય છે.

એશિયા અને આફ્રિકાની વિચરતી જાતિઓના જે લોકો રણપ્રદેશોમાં રહે છે, તેઓ પોતાનાં પશુઓને લઈને જ્યાં પાણી અને ઘાસચારો મળી રહે ત્યાં સ્થળાંતર કરતા રહે છે. સાથે રાખેલા તંબૂઓમાં તેઓ રહે છે. ચામડી બાળતા ધોમ ધખતા તડકાથી બચવા અને ફૂંકાતી રેતીથી રક્ષણ મેળવવા ઘૂંટણ સુધીના લાંબા ખૂલતા ઝભ્ભા તેઓ પહેરે છે તથા માથે કપડું વીંટાળે છે. રણપ્રદેશમાંથી મળી આવેલા ખનિજતેલના વેપારથી ધનાઢ્ય બનેલા લોકો હવે વાતાનુકૂલિત સાધનો તેમજ સિંચાઈ-પ્રકલ્પોની સુવિધા ઉપલબ્ધ થવાથી એશઆરામી જીવન પણ ભોગવે છે.

રણભૂમિ અને આબોહવા : દુનિયાનાં મોટાભાગનાં રણો પૈકી 10 %થી 20 % રણોમાં રેતીનું આવરણ જોવા મળે છે. બાકીનાં રણોની ભૂમિ-સપાટી મરડિયા (ગ્રૅવલ), લઘુગોળાશ્મો, ગુરુગોળાશ્મો, પાષાણ વગેરેથી બનેલી હોય છે. રણોની મોટાભાગની જમીનો એટલી તો સૂકી હોય છે કે તેમાં વનસ્પતિ ઊગી શકતી નથી. આવી જમીનો ક્ષારો અને ખનિજોથી સમૃદ્ધ હોય છે. કેટલાંક રણોમાં ખનિજતેલ કે કુદરતી વાયુના વિપુલ ભંડારો પણ મળી આવેલા છે.

પૃથ્વીનો 14 % ભૂમિભાગ આવરી લેતાં રણો : મોટાભાગનાં રણો કર્કવૃત્ત-મકરવૃત્તની આજુબાજુ વિસ્તરેલાં છે. આ વિસ્તારો ભારે દબાણના પટ્ટા ધરાવે છે. ત્યાં ઠંડી હવા નીચે ઊતરે છે અને ગરમ થતી જાય છે, તેથી તેની ભેજગ્રહણક્ષમતા વધે છે, પરિણામે વરસાદ પડતો નથી. બીજાં કેટલાંક રણો મહાસાગરોની નજીકના પર્વતોના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલાં છે. કેટલાંક કિનારા નજીક પણ છે.

ભૌગોલિક પર્યાવરણ મુજબ રણોના સ્થળભેદે ઘસારાનાં પરિબળોથી રચાયેલાં સ્થળર્દશ્યો વિવિધ ભૂમિઆકારો રજૂ કરતાં હોય છે. મુદતી જળપરિવાહ-રચનાને કારણે શુષ્ક બનેલા નદીપટ ક્યાંક નજરે પડતા હોય છે. આવા નદીપટને આરોયો (arroyos) કહે છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે આરોયો ભરાઈ જાય છે. અહીં પહાડોમાંથી આવતું પાણી ભૂમિને ખોતરતું જઈને ઢોળાવ મુજબ નીચે તરફ વહી જાય છે. ઘસારાના આ પરિબળને કારણે મરડિયા, ખડકટુકડા અને રેતી અનુકૂળ સ્થાનોમાં પથરાય છે. આવા નિક્ષેપો કાંપનાં પંખાકાર સ્વરૂપો(alluvial fans)ની રચના પણ કરે છે. વરસાદ પડી જાય પછી પહાડી ઝરણાં થોડા વખત માટે પાણી અને ક્ષારોનું વહન કરે છે, તેમાંથી શુષ્ક થાળાં (playa)  નિર્ગમમાર્ગ ન હોય એવા સરોવર-પટ  રચાય છે. સંગ્રહ થયેલા પાણીનું ધીમે ધીમે બાષ્પીભવન થાય છે અને/અથવા તે ભૂમિમાં શોષાઈ જાય છે અને સપાટી પર ક્ષાર-આચ્છાદનો જામેલાં રહી જાય છે.

રણભૂમિ પર પવનોથી ફૂંકાઈ આવેલી રેતીના ઢગ રચાતા હોય છે. તેને રેતીના ઢૂવા કહે છે. ક્યારેક તેમની ઊંચાઈ 250 મીટર સુધી પણ પહોંચી જતી હોય છે. રેતીના ઢૂવાનાં કદ અને આકારો વાતા પવનો સાથે બદલાતાં રહે છે. આ સિવાય રણોમાં વહેતા ઝરા કે ભૂગર્ભીય નદીઓની નજીકમાં ફળદ્રૂપ જમીનો ધરાવતા રણદ્વીપો પણ હોય છે. ત્યાં રહેતા લોકો થોડીઘણી ખેતી પણ કરે છે. હવે તો રણોમાં સિંચાઈની મદદથી કૃત્રિમ રણદ્વીપો પણ વિકસાવાયા છે.

દુનિયાનાં મોટાભાગનાં રણો અયનવૃત્તો પર આવેલાં હોવાથી ત્યાં વિષમ તાપમાન પ્રવર્તે છે. દિવસે ઊંચું અને રાત્રિએ નીચું તાપમાન તથા તદ્દન ઓછો વરસાદ – એ રણની આબોહવાનું મુખ્ય લક્ષણ છે. સામાન્ય રીતે રણમાં સરેરાશ વાર્ષિક વરસાદ 250 મિમી. કે તેથી ઓછો પડે છે. વરસાદના પ્રમાણમાં વર્ષોવર્ષ ફેરફાર પણ થતો રહે છે. કેટલાંક રણોમાં વર્ષો સુધી વરસાદ પડતો નથી, તો કેટલાંક રણોમાં થોડા જ કલાકોમાં વર્ષનો બધો જ વરસાદ પડી જતો હોય છે ! રણની વનસ્પતિ એકસાથે પડી જતું બધું પાણી ઉપયોગમાં લઈ શકતી નથી. એ જ રીતે રણની જમીનો પણ બધું પાણી શોષી શકતી નથી. આથી મોટાભાગનું પાણી વહી જાય છે. તેની સાથે જમીનકણો પણ ખેંચાઈ જાય છે.

દુનિયાના ગરમમાં ગરમ પ્રદેશો રણોમાં જ હોઈ શકે, કારણ કે ભેજવાળી આબોહવાવાળા અન્ય ભૂમિપ્રદેશોની તુલનામાં રણરેતી વધુમાં વધુ સૂર્યતાપ ગ્રહણ કરે છે. ઉનાળા દરમિયાન દિવસે તાપમાન 38° સે. જેટલું ઘણું ઊંચું પહોંચી જાય છે અને રાત્રે ખૂબ નીચું આવી જાય છે. શિયાળા દરમિયાન તાપમાનનો ગાળો 10°થી 21° સે. જેટલો રહે છે. સહરાના રણનું ઉનાળાના દિવસોનું સરેરાશ તાપમાન 32° સે.થી ઉપર અને શિયાળામાં 10°થી 16° સે. જેટલું રહે છે, પરંતુ તેના કેટલાક ભાગોમાં તાપમાન 43° સે.થી પણ ઊચું જાય છે. લિબિયાના અલ અઝીઝિયામાં 1922ના સપ્ટેમ્બરમાં 58° સે. તાપમાન નોંધાયેલું છે.

વનસ્પતિજીવન : રણમાં વરસાદ પડી ગયા પછી છૂટીછવાઈ થોડી વનસ્પતિ જોવા મળે છે. આ વનસ્પતિ ટકી રહેવા માટે, પાણી મેળવવા ઝૂઝે છે. કેટલીક વનસ્પતિ ઊંડી અધોભૂમિમાંથી પાણી મેળવે છે; જેમ કે, અમેરિકન મેસ્કવિટ વૃક્ષનાં મૂળ 12 મીટર જેટલાં ઊંડાં જતાં હોય છે. બીજી અમુક પ્રકારની વનસ્પતિ તેમનાં પાંદડાં, મૂળ કે થડ-ડાળીઓમાં પુષ્કળ પ્રમાણમાં જળસંચય કરી રાખે છે. બેરલ નામના થોરનું થડ વરસાદ આવી ગયા પછી પાણીનો સંચય કરીને ફૂલી જતું હોય છે, તેમાંથી જેમ જેમ પાણી વપરાતું જાય છે તેમ તેમ તે સંકોચાતું જાય છે.

રણની અમુક પ્રકારની વનસ્પતિ તેનામાંથી થતું બાષ્પોત્સર્જન ઓછા પ્રમાણમાં કરે છે. બાષ્પોત્સર્જન સામાન્ય રીતે પાંદડાં મારફતે થતું હોય છે. તેથી એવી વનસ્પતિ દુકાળ દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે, જેથી જળક્ષય ન થાય અને થાય તો ઓછા પ્રમાણમાં થાય. બીજી કેટલીક વનસ્પતિને માત્ર સૂક્ષ્મ કદનાં પાંદડાં હોય છે, જેથી ઓછામાં ઓછું જળ-ઉત્સર્જન થાય. રણના કેટલાક ભાગમાં વરસાદ પડી ગયા બાદ રંગીન ફૂલોવાળી, રસાળ, ભરાવદાર લીલીછમ વનસ્પતિ ઊગી નીકળતી હોય છે, પરંતુ દુકાળ વખતે તે ઊગતી હોતી નથી; તેનાં બીજ વેરાય છે અને પછી ઊગેલી વનસ્પતિ સુકાઈ જાય છે. આવી વનસ્પતિ અઠવાડિયાં પૂરતી જ ટકે છે.

સહરાના રણમાં જોવા મળતાં જુદાં જુદાં પ્રાણીઓ અને વનસ્પતિ

પ્રાણીજીવન : રણનાં પ્રાણીઓમાં ઘણા પ્રકારનાં કીટકો, કરોળિયા, સરીસૃપો, પક્ષીઓ અને કેટલાંક સસ્તન પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વરસાદ પડી ગયા બાદ હરણ, શિયાળ, વરુ અને બીજાં પ્રાણીઓ રણની મુલાકાત લઈ જાય છે. રણમાં મોટાભાગનાં પ્રાણીઓ બપોરની ગરમીમાં બહાર નીકળવાનું ટાળે છે. તેઓ તાપમાન નીચું જાય પછી જ, રાત્રે જ, પોતાના ખોરાકની ખોજમાં નીકળતાં હોય છે. નાના કદનાં પ્રાણીઓ ભૂમિમાં દર બનાવી રાખે છે. દિવસ દરમિયાન તેમાં રહે છે. કેટલાંક પ્રાણીઓ ઉનાળા દરમિયાન સુષુપ્ત (નિષ્ક્રિય) સ્થિતિમાં રહે છે, માત્ર વરસાદની મોસમ વખતે જ તેઓ સક્રિય બને છે. મોટા કદનાં પ્રાણીઓ દિવસે છાંયડો મળે એવા ભાગોમાં રહે છે. તેમના શરીરમાંથી નીકળતો પરસેવો શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ બને છે, પરંતુ પરસેવા મારફતે થતો શરીરનો જળઘટાડો તેમને જીવતાં રહેવા માટે પાછો ભરપાઈ થઈ જવો જોઈએ. રણનાં કેટલાંક પ્રાણીઓ તેમના શરીરમાં પાચનક્રિયા વખતે પેદા થતા જળનો પણ ઉપયોગ કરતાં હોય છે. ઊંટ આ માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઊંટ માટે આવો જળસ્રોત મહત્વનો બની રહે છે. ઊંટ અમુક વખત સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તેની ખૂંધમાં મોટા પ્રમાણમાં ચરબીનો સંચય થયેલો હોય છે. જરૂર પડે ત્યારે શરીરને ટકાવી રાખવા માટે સંચિત થયેલી આ ચરબી ખોરાક અને પાણીમાં ફેરવાય છે અને શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે.

રણનિર્માણ અને તેમાં થતા ફેરફારો :

પૃથ્વીના પટ પર જોવા મળતાં મોટાભાગનાં રણો વિષુવવૃત્તની બંને બાજુ 15° અને 35° અક્ષાંશો વચ્ચે આવેલાં હોઈ તેઓ ભારે દબાણના પટ્ટામાં આવે છે. વિષુવવૃત્ત પર ગરમ થઈને ઊંચે ગયેલી હવા ઠંડી થતાં અહીં નીચે ઊતરે છે અને ભારે દબાણનો પટ્ટો રચાય છે. તે પટ્ટાની ભેજવાળી હવા વિષુવવૃત્ત નજીકના ઉપઅયનવૃત્તીય વિસ્તારોમાં વરસાદ આપે છે, પરંતુ તે હવા જ્યારે 15° ઉત્તર કે દક્ષિણ અક્ષાંશો પર વહે છે ત્યારે નીચે ઊતરતાં ગરમ થવાથી ભેજસંગ્રહ કરતી જાય છે. આમ તેની ભેજસંગ્રહક્ષમતા વધતાં તે વરસાદ આપતી નથી. આ રીતે અહીં રણના ગરમ સંજોગો નિર્માણ પામે છે. આ જ રીતે પર્વતો દ્વારા મહાસાગરથી અલગ પડતા પ્રદેશો પણ સૂકા રહે છે. દરિયા પરથી ભૂમિ તરફ વાતા ભેજવાળા પવનો તેમની વાતાભિમુખ બાજુ પર વરસાદ નાખી દે છે, વાતવિમુખ બાજુ પર જતાં તે સૂકા બની ગયા હોય છે. બીજી બાજુ આ રીતે વર્ષાછાયાનો પ્રદેશ નિર્માણ પામે છે. ઉત્તર અમેરિકાનાં રણો આ જ રીતે વર્ષાછાયાની અસરથી વિકસેલાં છે.

પૃથ્વી પર રણો સર્જતાં કુદરતી પરિબળો છેલ્લાં હજારો વર્ષથી ખાસ ફેરફાર પામ્યાં નથી, પરંતુ વિવિધ જાતની માનવપ્રવૃત્તિઓથી રણો વિસ્તરી રહ્યાં છે. આ પ્રકારનું રણ-વિસ્તરણ રણોની ધાર પરની ફળદ્રૂપ ભૂમિમાં ઘટાડો થતો જવાથી ઉદભવ્યું છે. વિજ્ઞાનીઓએ એક એવો અંદાજ કાઢ્યો છે કે લોકો દર વર્ષે લાખો એકર ભૂમિ પર કુદરતી પર્યાવરણનો નાશ કરી રહ્યા છે. પશુઓ માટે ચારો, ખનનક્રિયા, ખેતી માટે અપનાવાતી અયોગ્ય પદ્ધતિઓ, વૃક્ષોની સાફસૂફી વગેરે આ માટેનાં મુખ્ય કારણો છે. રણો વધુ વિસ્તરે નહિ તે માટે કેટલાંક પગલાં લેવાયાં છે, કેટલીક વેરાન ભૂમિને નવસાધ્ય કરવાના પ્રયાસો પણ શરૂ થયા છે; દા.ત., ઇઝરાયલના દક્ષિણ ભાગમાં આવેલા રણવિસ્તારમાં વૃક્ષો ઉછેરવાની પ્રવૃત્તિ. ભૂમિના નીચલા સ્તરે પવનના મારાનું જોશ ઘટાડવા વૃક્ષો વાવવામાં આવે તો રેતીકણો ઊડી જવાની ક્રિયા ઘટી જાય છે; ખેતીના પાકોને રેતીથી આ રીતે રક્ષણ મળે છે. વિજ્ઞાનીઓ માને છે કે ખેતીની પરંપરાગત પદ્ધતિઓમાં સુધારો કરવાથી અને રણવિસ્તાર નજીક પશુઓનું પ્રમાણ ઘટાડવાથી રણ વિસ્તરતું અટકે છે.

રણમાં ખેતીના પાકો લેવા જરૂરી પાણી ઉપલબ્ધ કરાવી આપતો લિબિયાના રણનો સિંચાઈ-પ્રકલ્પ. અહીં આલ્ફાલ્ફા પ્રકારનું ઘાસ ઊગી નીકળે છે.

ટૂંકમાં, રણપ્રદેશો દેખાવે તો આકર્ષક જણાતા હોય છે, પરંતુ તેમનું વાસ્તવિક સ્વરૂપ રુક્ષ હોય છે. ભૌગોલિક પર્યાવરણનાં પરિબળોથી સર્જાયેલું તેમનું અસ્તિત્વ રહસ્યમય રેતીના એક એક કણમાં સમાયેલું હોય છે, પછી તે સહરાનું રણ હોય, કલહરીનું હોય કે થરનું રણ હોય ! તેમનો લાંબો-ટૂંકો ભૌગોલિક ઇતિહાસ પ્રવાસીઓને ઘડીભર આકર્ષે છે. રણપ્રદેશોમાં આવેલાં નગરો અને રણદ્વીપો અફાટ, સૂકા, ગરમ પરિસર વચ્ચે મિત્રો જેવાં બની રહે છે. ત્યાંના મહેલો અને કિલ્લાઓ રાજા-રાણીઓની પ્રેમગાથાઓ, તેમના વીતી ગયેલા ઇતિહાસ અને સંસ્કૃતિની ઝાંખી કરાવે છે.

એશિયાનાં રણ

1. કારાકુમ રણ (Karakum Desert) : વિભાજિત રશિયાઈ પ્રજાસત્તાક તુર્કમેનિસ્તાનનો મોટો ભાગ આવરી લેતું રણ. ભૌગોલિક સ્થાન : તે 40° ઉ. અ. અને 60° પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલું છે. તેનો કુલ વિસ્તાર આશરે 3,50,000 ચોકિમી. જેટલો છે. તેનો ઘણોખરો ભાગ અમુ દરિયા નદીમાંથી ઊડી આવેલી રેતીના જથ્થાથી બનેલો છે. આ ઉપરાંત આ રણમાં માટીનાં સમતળ મેદાનો, ક્ષારદ્રવ્યનાં થાળાં અને રેતીના ઢગ પણ જોવા મળે છે. ટૂંકી મુદતના છોડવા અને ઘાસ જેવી વનસ્પતિ વસંતઋતુ દરમિયાન અહીં ઊગી નીકળે છે. વન્ય જીવનમાં સાબર, વરુ, જંગલી બિલાડીઓ, સાપ, ગરોળીઓ, ટરેન્ટુલા, વીંછી અને વિવિધ જાતના ઉંદર જાતિનાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. રણનો મોટો ભાગ ઘેટાં, બકરાં અને ઊંટ માટેની ગોચરભૂમિ તરીકે ઉપયોગમાં લેવાય છે. નદીકિનારા નજીકના રણદ્વીપોમાં ખેડૂતો સિંચાઈ દ્વારા ખેતીના પાક લે છે. દુનિયાનાં મોટાં સિંચાઈમાળખાં પૈકીની એક ગણાતી 800 કિમી લાંબી કારાકુમ નહેર પાણીનો પુરવઠો પૂરો પાડે છે. ખનિજતેલ, કુદરતી વાયુ અને ગંધકનો અહીંની ખનિજસંપત્તિમાં સમાવેશ થાય છે.

કારાકુમ અને કિઝિલકુમ રણનું ભૌગોલિક સ્થાન

2. કિઝિલકુમનું રણ (Kyzyl-Kum) : વિભાજિત રશિયાઈ પ્રદેશો દક્ષિણ કઝાખસ્તાન અને ઉત્તર ઉઝબેકિસ્તાનમાં આવેલું રણ. ભૌગોલિક સ્થાન : 52° 0´ ઉ. અ. અને 94° 20´ પૂ. રે. ટર્કી ભાષામાં ‘કિઝિલ-કુમ’નો અર્થ ‘રાતી રેતી’ થાય છે. તે સીર દરિયા અને અમુ દરિયા વચ્ચે આવેલું છે અને તેનો વિસ્તાર 2,28,000 ચોકિમી. જેટલો છે. આ રણનું ભૂપૃષ્ઠ નીચી ટેકરીઓની હારમાળાઓથી, રેતાળ ખરાબાના ભાગોથી અને ઢૂવાઓથી બનેલું છે. તેના અગ્નિભાગમાં લોએસથી બનેલી છૂટક છૂટક જમીનો છે. સીર દરિયા નદીના મેદાનનો ઉત્તર ભાગ તથા પૂર્વની ઊંચાણવાળી કિનારીના ભાગોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થવાથી ત્યાંના ખેડૂતો ખેતીના પાક લે છે. આ ઉપરાંત તેના અર્થતંત્રમાં ખાણપેદાશોનું ઉત્પાદન અને પશુઉછેર પણ મદદરૂપ બની રહે છે.

3. ગોબીનું રણ : ઉત્તર ચીન અને દક્ષિણ મૉંગોલિયાના ભાગોમાં વિસ્તરેલું રણ. ભૌગોલિક સ્થાન : 43° ઉ. અ. અને 105° પૂ. રે.ની આજુબાજુનો આશરે 13,00,000 ચોકિમી. વિસ્તાર તે આવરી લે છે. તે ઉચ્ચપ્રદેશ પર આવેલું એક વિશાળ થાળું છે. તે સમુદ્રસપાટીથી સ્થાનભેદે 910થી 1,500 મીટરની ઊંચાઈ ધરાવે છે.

રણનો મધ્યભાગ સૂકી, ખડકાળ અને રેતાળ જમીનોથી બનેલો છે. રણનો ઘણો ભાગ વૃક્ષવિહીન છે. સૂકા ઘાસની ભૂમિ તરીકે ઓળખાતો સ્ટેપપ્રદેશ આ મધ્યભાગની આજુબાજુ પથરાયેલો છે. આ રણમાં રેતીના ઢૂવા વિશેષ પ્રમાણમાં જોવા મળતા નથી, જે થોડાક છે તે રણનો માત્ર 5 % ભાગ જ રોકે છે.

આ રણમાં ઉનાળા દરમિયાન ક્યારેક લાંબા ગાળા માટે પવનની ગરમ લહેરો અને શિયાળામાં ઠંડી લહેરો વાય છે. રણનું તાપમાન જુલાઈમાં સરેરાશ 21° સે. અને જાન્યુઆરીમાં12° સે. જેટલું રહે છે. રણનો મોટો ભાગ વાર્ષિક માત્ર 250 મિમી. કે તેથી ઓછો વરસાદ મેળવે છે. સામાન્ય રીતે જોતાં આ રણ ગરમ અને ઠંડાં  બેય રણનાં લક્ષણો ધરાવે છે.

રણનાં પ્રાણીઓમાં ગધેડાં, ગલગંડવાળાં (goitred) અથવા લાંબાં પુચ્છવાળાં હરણ (gazelles), રણ-હૅમસ્ટર (ઉંદરવર્ગનું પ્રાણી), રેત-ઉંદરો તથા ગરુડ, બાજ અને ગીધનો સમાવેશ થાય છે.

દક્ષિણ મૉંગોલિયા અને ઉત્તર ચીનના ભાગોમાં પથરાયેલું 13 લાખ ચોકિમી. વિસ્તાર આવરી લેતું ગોબીનું વિશાળ રણ

પશુપાલન એ રણમાં વસતા લોકોની મુખ્ય પ્રવૃત્તિ છે. સદીઓથી વિચરતી જાતિના લોકો અહીં વસે છે. તેઓ ઘેટાં-બકરાં અને ઢોર પાળે છે અને ઘાસચારાની ખોજમાં તેમને લઈને ભટકતું જીવન ગાળે છે. જે ભાગોમાં વરસાદ પડે છે ત્યાં વસંતઋતુ દરમિયાન ઘઉં, બાજરી, ઓટ અને ધાન્યઘાસ (gaoliang – ઊંચું ઘાસ) ઉગાડવામાં આવે છે. વીસમી સદીના મધ્ય ગાળાથી ચીન-મૉંગોલિયન સામ્યવાદી સરકારોએ અહીં રાજ્યખેતરોનો તથા ઢોરઉછેરની પ્રવૃત્તિનો વિકાસ કર્યો છે. રણના કેટલાક ભાગોમાંથી થોડા પ્રમાણમાં કોલસો, તૈલી શેલ, મીઠું અને સોડા જેવાં દ્રવ્યો મળી રહે છે.

મૉંગોલિયા અને દક્ષિણ ચીનના ભાગોને આવરી લેતું વિશ્વનું સૌથી ઉત્તર તરફ આવેલું ગોબીનું રણ. રેતાળ જમીનોની ધારે પહાડી પ્રદેશ પણ છે.

રણના અંતરિયાળ ભાગમાં કોઈ મોટાં શહેરો વિકસ્યાં નથી. તેની દક્ષિણ ધાર પર હોહોટ (Hohhot) અને બાઓટો (Baotou) નામનાં બે શહેરો આવેલાં છે, તે ચીનના જિનિયાંગ શહેર તથા મૉંગોલિયાના પાટનગર ઉલન બટોર સાથે રેલમાર્ગ દ્વારા સંકળાયેલાં છે તેમજ રણ નજીકના ચીની વિસ્તાર માટે વેપાર-વાણિજ્યનાં મથકો બની રહેલાં છે. ઉનાળા દરમિયાન ટ્રકો અને ઊંટની વણજારો રણની આરપાર માલસામાન લઈ જાય છે.

પુરાતત્વવિદોને ગોબીના રણમાંથી પ્રાચીન સંસ્કૃતિના પુરાવા ઉપલબ્ધ થયા છે. મધ્યકાલીન યુગ દરમિયાન, ચંગીઝખાન અને કુબલાઈખાન જેવા મૉંગોલ સરદારોનાં લશ્કરો આ રણમાં ફરતાં હતાં. ચીને ઉત્તર તરફથી ધસી આવતાં લશ્કરી ધાડાંથી રક્ષણ મળી રહે તે માટે ગોબી નજીક ‘ચીનની મોટી દીવાલ’ બાંધેલી, પરંતુ તેરમી સદીમાં ચંગીઝખાનના વિશાળ લશ્કરે આ દીવાલને પણ ઓળંગેલી અને ચીનના ઘણાખરા ભાગને જીતી લીધેલો.

4. નેગેવનું રણ (Negev Desert) : ઇઝરાયલનો દક્ષિણ તરફનો ત્રિકોણ આકારવાળો ભાગ. ભૌગોલિક સ્થાન : 32° ઉ. અ. અને 35° પૂ. રે. તે બેરશેબાના દક્ષિણથી અકાબાના અખાત પરના ઈલાત બંદર સુધી વિસ્તરેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 300થી 600 મીટરની ઊંચાઈ પર આવેલો અર્ધરણ જેવો, સપાટ શિરોભાગ ધરાવતો ઉચ્ચપ્રદેશીય વિસ્તાર છે. તેમાં સમતળ ભૂમિનો તેમજ ચૂનાખડકોથી બનેલા ઉચ્ચપ્રદેશનો સમાવેશ થાય છે. તેનો ઘણોખરો વિસ્તાર ફળદ્રૂપ ગોરાડુ જમીનોના આવરણથી બનેલો છે. ઇઝરાયલનિવાસીઓએ ગેલીલીના સમુદ્રમાંથી પાણી લાવવાની વ્યવસ્થા કરીને અહીંની ભૂમિ પર ખેતી વિકસાવી છે. નેગેવના આ પ્રદેશમાંથી તાંબાના અને ફૉસ્ફેટના નિક્ષેપોનું ખનનકાર્ય થાય છે.

નેગેવ અને સિનાઈનું રણ

5. રબઅલખાલી રણ : અરબી દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં આવેલો વિશાળ રણવિસ્તાર. તે નિર્જન (ખાલી) રહેતો હોવાથી તેને આ પ્રમાણેનું નામ અપાયેલું છે. તે આશરે 6,50,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રણનું ભૂપૃષ્ઠ ધરાવતું આ એક-રચનાત્મક થાળું છે, જેમાં સાઉદી અરેબિયા ઉપરાંત યેમેન (એડન), ઓમાન અને યુનાઇટેડ આરબ અમીરાતના થોડા થોડા ભાગોનો પણ સમાવેશ થાય છે. આ રણ સળંગ રેતીથી છવાયેલાં દુનિયાનાં રણો પૈકી મોટામાં મોટું ગણાય છે. તે સાઉદી અરેબિયાનો 25 %થી વધુ ભાગ આવરી લે છે. તે ઉપરાંત તેમાં અશ-શર્કિયાહ તેમજ નજિયાન પ્રાંતોના દક્ષિણ ભાગો પણ આવી જાય છે.

આ રણમાં સ્થળર્દશ્યોની ઘણી વિવિધતા જોવા મળે છે. પશ્ચિમ તરફની રેતી સૂક્ષ્મ અને સુંવાળી છે, ઊંચાઈ 610 મીટર જેટલી છે; જ્યારે પૂર્વ તરફ રેતીના ઢૂવા, રેતીના પટ અને ક્ષારપટ આવેલા છે. ઊંચાઈ 200 મીટર જેટલી છે. દુનિયાભરમાં તે સૂકામાં સૂકું રહેતું હોવાથી લગભગ નિર્જન રહે છે. સંશોધનાર્થે પણ તેમાં હજી અભિયાનો થયાં નથી. 1975માં દુનિયાનું મોટું તેલક્ષેત્ર અલ-ઘવાર અહીંથી મળેલું છે. તેના તેલકૂવાઓને જુદાં જુદાં સ્થાનિક નગરોનાં નામો અપાયાં છે.

6. રાજસ્થાનનું રણ : પશ્ચિમ રાજસ્થાન અને સિંધના પ્રદેશોને આવરી લેતું થર-પારકરનું રણ. ભારતનો આ વિશાળ રણપ્રદેશ ઊડી આવેલી રેતીથી ક્રમશ: નિર્માણ પામેલો છે અને ભારતનાં ગંગા-જમનાનાં મેદાનોના કાંપથી ભૂસ્તરીય દૃષ્ટિએ નવા વયનો છે.

રાજસ્થાનનું રણ

રાજસ્થાન(થર)નું રણ અરવલ્લી હારમાળાની પશ્ચિમ તરફથી શરૂ કરીને સિંધુ નદીના પટ સુધી તથા પંજાબનાં મેદાનોની દક્ષિણ સીમારૂપ સતલજના પટથી માંડીને દક્ષિણે 25° ઉત્તર અક્ષાંશ સુધીનો, 640 કિમી. લાંબો અને 160 કિમી. પહોળો, પવન દ્વારા ઊડી આવેલી રેતીનો તેમજ ખુલ્લા ખડકોનો વિસ્તાર છે. તેની નીચે તે પ્રદેશની ભૂસ્તરીય રચનાના ખડકો ઢંકાઈ ગયેલા છે. આ રણ એ માત્ર રેતીના ઢગનો સપાટ પ્રદેશ નથી, તેના વિવિધ ભાગોમાં ઓછી ઊંચાઈ ધરાવતા ખડકોના અનેક વિવૃત ભાગો આવેલા છે. તેની સપાટી પણ વાતા પવનોની ક્રિયા દ્વારા બદલાતાં રહેતાં વિવિધ સ્વરૂપોવાળી બનેલી છે.

રણપ્રદેશમાં વિચરતી પ્રજાનું જીવન

આ રણમાં ડુંગરધારો, ઢૂવાઓ અને નાની ટેકરીઓ પણ જોવા મળે છે. રેતીથી ઉપર તરી આવતા ખડકોના વિવૃત ભાગો આ પ્રદેશના જૂના સમયના ખડકોના છે, જે સ્પષ્ટ અને ગોળાકાર રૂપે દેખાઈ આવે છે. તે રણપ્રદેશની ઘસારાની ઘટનાના સ્પષ્ટ ઉદાહરણરૂપ છે તથા સ્થળર્દશ્યનો અનોખો દેખાવ ઊભો કરે છે. રેતીની ટેકરીઓ દ્વારા રજૂ થતું ર્દશ્ય પરિવર્ધિત વાયુ-તરંગચિહ્નોની પરંપરાનો ખ્યાલ આપે છે. તેમની સ્તરનિર્દેશક રેખા વાતા પવનોની દિશાને અનુપ્રસ્થ છે, જોકે કેટલીક જગાએ (રણના દક્ષિણ વિભાગમાં) સ્તરનિર્દેશક રેખા પવનની દિશાને સમાંતર છે. બંને ર્દષ્ટાંતોમાં રેતીની ટેકરીઓની રચના પવનની ક્રિયાથી થયેલી છે. અહીંનો અનુદીર્ઘ પ્રકાર પવનના વધુ પડતા બળની લાક્ષણિકતા દર્શાવે છે, જ્યારે અનુપ્રસ્થ પ્રકાર રણના વધુ દૂરના ભાગોમાં પવનના ઘટી જતા બળની લાક્ષણિકતા છે. વાતાભિમુખ ઢોળાવ લાંબો, આછો અને અનિયમિત છે; જ્યારે વાતવિમુખ ઢોળાવ સીધો અને  આકસ્મિક છે. રણના દક્ષિણ ભાગમાં આ ટેકરીઓ ઘણી મોટી છે, જે પૈકી કેટલીક 120થી 150 મીટરની ઊંચાઈ ધરાવે છે. રેતીના બધા જ ઢૂવા ધીમે ધીમે ખંડીય ભાગ તરફ વધતા જાય છે.

ખનિજબંધારણ : રણની રેતીનો મુખ્ય ખનિજઘટક ગોળાકાર કણોમાં મળતો ક્વાર્ટ્ઝ છે. ફેલ્સ્પાર અને હૉર્નબ્લેન્ડના કણો પણ મળે છે. આ ઉપરાંત ફોરામિનિફરનાં છીપલાંની કણિકાઓ ચૂનાવાળા કણો રૂપે રહેલી છે. આ કવચકણિકાઓ રેતીનું ઉત્પત્તિસ્થાન સૂચવે છે. પવનમાં ઊડી આવેલી રેતી સંનિઘર્ષણથી ગોળાકાર કણોમાં ફેરવાયેલી છે. આ સિવાય રાજસ્થાનના રણની રેતી દરિયાકિનારાની રેતીથી જુદી પાડી શકાય તેમ નથી.

રણની ઉત્પત્તિ : પ્રથમ દૃષ્ટિએ જોતાં, અરબી સમુદ્ર પરથી વાતા નૈર્ઋત્યના મોસમી પવનો અહીં પહોંચે તે અગાઉ તેમાં રહેલો ભેજ વરસાદ રૂપે અન્યત્ર પડી જાય છે. અહીં આવતા પવનો રેતીકણો ખેંચી લાવે છે અને અહીં સ્થાનભેદે જુદા જુદા આકારોમાં તેમને પાથરે છે. આ વિસ્તારમાં ચાલી આવતી લાંબા ગાળાની શુષ્કતાને કારણે રણના સંજોગો સતત પ્રભાવક રહ્યા છે. અહીં વાતા પવનો દરિયાકિનારા પરથી, કચ્છના રણમાંથી તેમજ સિંધુની નીચલી ખીણના થાળામાંથી રેતીકણો અને રજકણો પોતાની સાથે લઈ આવે છે. રાજસ્થાનમાં સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 125 મિમી.થી વધતું નથી. પરિણામે દરિયા તરફ શિલાચૂર્ણ(debris)ની વહનક્રિયા પાણી દ્વારા થતી નથી. આથી રેતીનો વિપુલ જથ્થો દર વર્ષે એકઠો થતો જાય છે. બધા સૂકા પ્રદેશોની લાક્ષણિકતા પેઠે આ પ્રદેશની ઊંચી ખડકાળ જગાઓ પર દૈનિક તેમ ઋતુભેદે થતા તાપમાનના ફેરફારોની અસર થાય છે. આ રીતે ખડકોમાંથી થતા ખવાણમાંથી ઉદભવેલા શિલાચૂર્ણમાંથી રણની રેતીનું અમુક પ્રમાણ મળી રહે છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં ગરમી-ઠંડીનો દૈનિક ફેરફાર થોડા જ કલાકના ગાળામાં 37° કે 38° સે. જેટલો થઈ જાય છે. વળી ઋતુભેદે તાપમાનનો ગાળો તેથી વધુ હોય છે. પરિણામે ખડકોનું વિભંજન અને પડખવાણ થાય છે; છૂટા શિલાચૂર્ણનો વિપુલ જથ્થો પેદા થાય છે અને  તેને જમીન-આવરણમાં ફેરવવા માટે કોઈ રાસાયણિક કે જીવજન્ય ક્રિયા થતી નથી.

આ રણ એ તેના નામ પ્રમાણે તદ્દન એકાકી વૃક્ષવિહીન વેરાનભૂમિ માત્ર નથી. તેમાં કોઈ કોઈ સ્થળે પાતળી હલકી વનસ્પતિ જોવા મળે છે, જે રણના અમર્યાદ વિસ્તારના ઘણુંખરું નિર્જન અને એકસરખા દેખાવને ઓછો કરે છે. વળી આ રણની નજીકનાં મોટાં શહેરોની જમીન, તેમાં ઠીક ઠીક પ્રમાણમાં ખેતી થઈ શકે એટલી ફળદ્રૂપ છે. કેટલાંક સ્થળે મીઠા પાણીના અનેક કૂવાઓ છે, જે કેટલેક અંશે સિંચાઈ માટે ઉપયોગી નીવડે છે.

ભારતના મોટા રણનાં ઉપર વર્ણવેલાં લક્ષણો ઉપરાંત થરનું રણ પવનનાં બળોની ક્રિયાનું સૂચનાત્મક ર્દષ્ટાંત પૂરું પાડે છે. જેમ જેમ ગુજરાત કે મધ્યપ્રદેશથી અરવલ્લીની પશ્ચિમે અને દક્ષિણે જતા જઈએ તેમ તેમ સ્થળર્દશ્યમાં સ્પષ્ટ ફેરફારો થતા જોવા મળે છે. આ ફેરફારો સ્વચ્છ આકાશ નીચે ઘણા કિલોમીટરના અંતર સુધી ખુલ્લા બનેલા ટેકરાળ પ્રદેશો અને રેતીના ઘસારાથી વિલક્ષણ બનેલાં વૃક્ષવિહીન ભૂમિ-ર્દશ્યો-સ્વરૂપે સ્પષ્ટ રીતે દેખાય છે. પડખવાણ દ્વારા ખુલ્લી ખડકસપાટીનું વિભંજન, ઉગ્ર સૂર્યાઘાત (insolation) દ્વારા ઉત્પન્ન થતા શિલાચૂર્ણનો વિપુલ જથ્થો તેમજ ઘણા ભાગોમાં મળતો ક્ષારમય અને આલ્કલીયુક્ત સફેદ પોપડો રણની લાક્ષણિકતા બની રહેલ છે, એ જ રીતે ઉપજાઉ જમીન તેમજ જીવજન્ય દ્રવ્યનો અભાવ પણ સ્પષ્ટ છે. વળી રાજસ્થાનના આ રણમાં દરિયાકિનારેથી પવન દ્વારા ઊડી આવેલી ક્ષારરજ તેનાં સરોવર-થાળાંની ક્ષારતાના પ્રમાણને વધારે છે.

ક્વચિત્ ક્વચિત્ પ્રવર્તતા વરસાદી વાયુવંટોળ સિવાય આ પ્રદેશ જલાભિસરણથી વંચિત રહ્યો છે, કારણ કે અહીંથી પસાર થતા નૈર્ઋત્યના ભેજવાળા મોસમી પવનોને અવરોધી શકે એવા ઊંચા પર્વતોનો અભાવ છે. આંતરિક જળપરિવહનનું પ્રમાણ ઓછું હોવાથી અહીં એકઠા થતા જતા રેતીજથ્થાની સમુદ્ર તરફ વહનક્રિયા થતી નથી અને તેથી રણ-પરિસ્થિતિ સમયની સાથે સાથે વધુ ને વધુ વિકસતી ગયેલી છે. સિંધુ નદીની પૂર્વે આવેલા આજના રણના મોટા ભાગમાં મળી આવતા પુરાણા સમયના નદીતળના અવશેષો એક સમયના ફળદ્રૂપ પ્રદેશની અને તે પછીથી ક્રમશ: થયેલા જલશોષણની ખાતરી આપે છે.

રાજસ્થાનના રણની ઉત્પત્તિ અર્વાચીન કાળની છે. કચ્છની ઉત્તરનો અને પંજાબની દક્ષિણનો વિસ્તાર ઍલેક્ઝાન્ડર(ઈ. પૂ. 323)ના આક્રમણ સુધી તો ગીચ વસ્તી ધરાવતા શહેરી વસવાટવાળો, ઉપજાઉ અને જંગલપ્રદેશ હતો. રાજસ્થાનમાં થઈને વહેતી જૂની નદીઓ (સંભવત: હિન્દુ શાસ્ત્રોની પવિત્ર સરસ્વતી નદી) અંદર તરફ વધતા જતા રણ સામે, તેમના અસ્તિત્વ માટે ઝૂઝતી હતી; જે આજે તેમના શુષ્ક અને ત્યજી દેવાયેલા પ્રવહનમાર્ગો દ્વારા જાણી શકાય છે.

7. સિનાઈ દ્વીપકલ્પનું રણ : સુએઝ નહેર અને સુએઝના અખાતની પૂર્વ તરફ આવેલો રણપ્રદેશ. તેની ઉત્તર તરફનો ભાગ સમતળ ભૂમિવાળો રેતાળ કાંઠાનો મેદાની વિસ્તાર છે. મધ્યભાગનું ભૂપૃષ્ઠ ઊંચાણવાળું છે, જે ચૂનાખડકથી બનેલા ઉચ્ચપ્રદેશવાળું છે. દક્ષિણ ભાગ પહાડી છે. અહીં ઇજિપ્તનો ઊંચામાં ઊંચો ભાગ જબલ કત્રિનાહ 2,637 મીટરની ઊંચાઈ ધરાવે છે. તે દક્ષિણ સિનાઈમાં આવેલો છે. આખોય સિનાઈ દ્વીપકલ્પ વેરાન છે, પરંતુ તે તેલભંડારોથી સમૃદ્ધ છે. આ દ્વીપકલ્પમાં આશરે 2,00,000 લોકો વસે છે.

8. સીરિયાનું રણ : ઉત્તર અરબસ્તાનના અને નાફદ રણમાંથી ઉત્તર તરફ વિસ્તરતો ત્રિકોણાકાર રણપ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 30°થી 36° ઉ. અ. વચ્ચેનો અને 40° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. રણનો ઉચ્ચપ્રદેશ તેના પશ્ચિમ ભાગમાં 610 મીટરની ઊંચાઈવાળો છે, જે પૂર્વ તરફ આવેલી યૂફ્રેટીસ નદી તરફ જતાં ઢાળવાળો બની 90 મીટરની ઊંચાઈવાળો બની રહેલો છે. યૂફ્રેટીસ નદીની ખીણ તેની પૂર્વ સરહદ રચે છે. રણના ઉચ્ચપ્રદેશનું દક્ષિણ તરફનું 33 % ભૂપૃષ્ઠ ખડકાળ છે. પશ્ચિમ તરફ જ્વાળામુખીજન્ય કાળા બેસાલ્ટ ખડકોના મહાગોળાશ્મો પથરાયેલા છે. 910 મીટરની ઊંચાઈ ધરાવતો જબલ ઉનયઝાહનો પહાડી વિભાગ ઉચ્ચપ્રદેશના મધ્ય ભાગથી ઉપર તરફ આવેલો છે. અહીંના શુષ્ક બની રહેલા જૂના નદીપટ પવનના મારાથી ખોતરાતા જઈને ઊંડાં કોતરો(ઘાટી)માં ફેરવાયેલા છે, અહીંથી ઊડી જતા રેતીકણો યૂફ્રેટીસ તરફ જાય છે.

ત્રિકોણાકાર ઉચ્ચપ્રદેશનો 2 ભાગ સપાટ રેતાળ મેદાન રૂપે જોવા મળે છે, વાસ્તવમાં તે સીરિયા અને ઇરાક વચ્ચે સેતુ બની રહેલો છે. ચૂનાખડકની શ્રેણીબદ્ધ ટેકરીઓ આ મેદાનની પશ્ચિમ ધાર પર અલગ તરી આવે છે. આ રણમાં ઐતિહાસિક ભગ્નાવશેષો અને તેના રણદ્વીપો પર વિકસેલાં નગરો પણ જોવા મળે છે. આ પૈકી પાલમીરાનું વણજાર-નગર વધુ જાણીતું છે. આ ઉપરાંત આ રણની આરપાર બે માર્ગો પણ બાંધવામાં આવ્યા છે.

આફ્રિકાનાં રણ

9. કલહરીનું રણ : આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું રણ. ભૌગોલિક સ્થાન : 23° દ. અ. અને 23° પૂ. રે.ની આજુબાજુના શુષ્ક થાળાનો આશરે 5,00,000 ચોકિમી. વિસ્તારને આવરી લેતો પ્રદેશ. કલહરીનો આ રણપ્રદેશ બોત્સવાના, નામિબિયા અને દક્ષિણ આફ્રિકામાં પથરાયેલો છે. અહીંની ભૂમિસપાટી જળવિહીન છે તથા રાતા રંગની રેતીવાળી અને રેતીના સેંકડો ઢૂવાવાળી છે. વૈજ્ઞાનિકો કલહરીને ખરા અર્થમાં રણ તરીકે ગણાવતા નથી. તેઓ કહે છે કે જ્યાં વાર્ષિક 250 મિમી. જેટલો કે તેથી ઓછો વરસાદ પડતો હોય તેને જ રણની વ્યાખ્યામાં મૂકી શકાય; પરંતુ કલહરીના ઘણા ભાગોમાં તો 250 મિમી.થી પણ વધુ વરસાદ પડે છે. અહીંનું ઉનાળાનું તાપમાન સરેરાશ 20°થી 30° સે. વચ્ચેના ગાળાનું રહે છે. શિયાળાની આબોહવા સૂકી અને ઠંડી રહે છે તેમજ રાત્રે ધુમ્મસ જામે છે. શિયાળાનું સરેરાશ તાપમાન ઓછામાં ઓછું 4° સે.થી પણ નીચું થઈ જાય છે.

બૉત્સવાના, નામિબિયા અને દક્ષિણ આફ્રિકાના ભાગોમાં પથરાયેલું, 5 લાખ ચોકિમી. વિસ્તાર આવરી લેતું કલહરીનું રણ

કલહરીનો વિસ્તાર આફ્રિકાના વન્ય જીવન માટે સ્વર્ગ સમાન ગણાય છે. અહીં વસતાં પ્રાણીઓમાં જરખ, સિંહ, મિયરકૅટ્સ, સાબરની ઘણી જાતિઓ, ઘણી જાતનાં જુદાં જુદાં પક્ષીઓ અને સરીસૃપોનો સમાવેશ થાય છે. વનસ્પતિ પૈકી સૂકા ઘાસના પ્રદેશો અને ઠીંગરાયેલા બાવળ જોવા મળે છે. અહીં ઉનાળા દરમિયાન પડી જતા વરસાદથી ઘાસ ઊગી નીકળે છે, થોડોક વખત ટકે છે અને સુકાઈ જાય છે.

આફ્રિકાના દક્ષિણ ભાગમાં આવેલું કલહરીનું રણ ત્યાંના વન્યજીવન માટે સ્વર્ગસમું ગણાય છે. ત્યાંના પર્યાવરણમાં ટકી રહેલાં સાબર અહીં ચરતાં નજરે પડે છે.

સાન અથવા બુશમૅન તરીકે ઓળખાતા આફ્રિકન લોકો કલહરીના પ્રથમ નિવાસીઓ હતા. આવા ભેંકાર રણમાં વિષમ આબોહવામાં વસવા, જીવવા અને ટકી રહેવા માટેની તેમની ક્ષમતા આજે તો એક દંતકથા બની રહેલી છે. હવે સાન લોકો અહીં તદ્દન ઓછી સંખ્યામાં રહે છે, પણ જેઓ રહે છે તેઓ પરંપરાગત રીતે તેમનું જીવન નિભાવે છે.

કલહરીના રણની કુદરતી સંપત્તિ આધુનિક સંસ્કૃતિ સામે પડકારરૂપ બની રહેલી છે. ખનિજ કંપનીઓએ રણપ્રદેશમાંથી મોટા પ્રમાણમાં કોલસો, તાંબા અને નિકલના અયસ્કજથ્થા શોધી કાઢ્યા છે. ઈશાન કલહરીના મક્ગાદિક્ગાદી (Makgadikgadi) નામના એક થાળામાંના ઓર્પા (Orpa) ખાતેથી દુનિયાની મોટી ગણાતી હીરાની ખાણ મળી આવેલી છે.

10. નુબિયન રણ : આફ્રિકામાં સુદાનના ઈશાન ભાગમાં આવેલો સૂકો પ્રદેશ. તેની પૂર્વમાં રાતો સમુદ્ર અને પશ્ચિમમાં નાઇલ નદી છે. 720 કિમી. લંબાઈ ધરાવતું આ રણ 2,50,000 ચોકિમી. વિસ્તારને આવરી લે છે. ઉત્તર તરફ તે પૂર્વ ઇજિપ્તના રણ સાથે ભળી જાય છે.

અત્યંત અલ્પ વરસાદ, વનસ્પતિ-જીવનનો અભાવ તથા પાતળી વસ્તી – આ ત્રણ તેની ખાસિયતો ગણાય છે. તેની પૂર્વ તરફનો રાતા સમુદ્રના કિનારાથી અંદર તરફનો ભાગ પવનના ઘસારાથી ખરબચડા થઈ ગયેલા ઊંચા ડુંગરોથી છવાયેલો છે, જ્યારે બાકીનો ભાગ લગભગ નિર્જન અને ઉજ્જડ છે. વાયવ્ય તરફ નાસર સરોવર તથા અગ્નિ છેડે રાતા સમુદ્ર પર પૉર્ટ સુદાન આવેલાં છે. પૂર્વ ભાગમાં આવેલું જેબેલ ઓડા આ રણપ્રદેશનું ઊંચામાં ઊંચું (2,259 મીટર) સ્થાન છે. નાસર સરોવરથી અબુ હમાદ સુધીનો રેલમાર્ગ આ રણપ્રદેશમાં થઈને પસાર થાય છે.

પશ્ચિમી રણ : તે ઇજિપ્તની કુલભૂમિનો આશરે 2/3 ભાગ આવરી લે છે. અહીંના છૂટાછવાયા રણદ્વીપો નાના કસબાઓ માટે આશીર્વાદરૂપ બનેલા છે.

11. લિબિયાનું રણ : ઉત્તર આફ્રિકાની આરપાર સહરાના વિશાળ રણના એક ભાગરૂપ ઇજિપ્તના પૂર્વમાં વિસ્તરેલું રણ. ભૌગોલિક સ્થાન : 25° ઉ. અ. અને 25° પૂ. રે. ઇજિપ્તમાં રાતા સમુદ્ર તરફ અરેબિયન રણનો ભાગ આવેલો હોવાથી અરેબિયન રણને પૂર્વનું રણ પણ કહે છે. જ્યારે આ રણ પશ્ચિમ તરફ આવેલું હોવાથી લિબિયાના રણને પશ્ચિમી રણ કહે છે. આ રણ ઇજિપ્તના કુલ વિસ્તારનો આશરે 2/3 (66 %) ભાગ આવરી લે છે.

આ આખુંય પશ્ચિમી રણ રેતીવાળા વિશાળ ઉચ્ચપ્રદેશીય ભાગમાં આવેલું છે. તેમાં ડુંગરધારો, થાળાં તેમજ ગર્ત જોવા મળે છે. આ પૈકીનું કતારા-થાળું સમુદ્રસપાટીથી 133 મીટર નીચે તરફ આવેલું છે. તેમાં ક્ષારવાળા પંકવિસ્તારો, સરોવરો અને ઉગ્ર ઢોળાવવાળી નાની ટેકરીઓ તેમજ નાનાં નાનાં ઊંડાં કોતરો પણ છે. આ રણમાં આવેલા રણદ્વીપોમાં છૂટાંછવાયાં નાનાં ગામો વસેલાં છે.

પૂર્વનું રણ : અહીં પૂર્વ તરફ આવેલું અરબસ્તાનનું રણ ‘પૂર્વીય રણ’ નામથી પણ ઓળખાય છે, તે પણ સહરાના રણનો જ ભાગ ગણાય છે. ભૌગોલિક સ્થાન : 28° ઉ. અ. અને 32° પૂ. રે.ની આજુબાજુ વિસ્તરેલા આ રણની લંબાઈ સ્થાનભેદે 80થી 130 કિમી. જેટલી છે. તેનું ભૂપૃષ્ઠ ઢોળાવવાળા રેતાળ ઉચ્ચપ્રદેશથી બનેલું છે. ત્યાં તે ખડકાળ ટેકરીઓ અને વાદીઓ તરીકે ઓળખાતી ઊંડી ખીણોની શ્રેણીમાં ફેરવાય છે. અહીં ખેતી કરવાનું લગભગ અશક્ય છે, તેથી તે વસવાટવિહીન છે. માત્ર રાતા સમુદ્રની કાંઠાની ધાર પર થોડાંક ગામ આવેલાં છે.

12. સહરાનું રણ : આફ્રિકા ખંડના લગભગ બધા જ ઉત્તર ભાગને આવરી લેતું, દુનિયાનું મોટામાં મોટું રણ. ભૌગોલિક સ્થાન : તે ઉત્તર આફ્રિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનો આશરે 90 લાખ ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આફ્રિકાના આ વિશાળ રણમાં પર્વતમાળાઓ, ખડકાળ ઉચ્ચપ્રદેશો, કંકરયુક્ત મેદાની પ્રદેશો અને ખરાબાના રેતાળ પ્રદેશો પણ આવેલા છે. વેરાન ગણાતા આ રણમાં નાઇલ નદીને કિનારે તથા છૂટાછવાયા રણદ્વીપોમાં ક્યાંક ક્યાંક ખેતી પણ થાય છે.

સહરાનું રણ ઉત્તર આફ્રિકાની આરપાર એક તરફ ઍટલાંટિક મહાસાગરથી બીજી તરફ રાતા સમુદ્ર સુધી વિસ્તરેલું છે. તે પશ્ચિમ સહરાના બધા જ ભાગોને અને પૂર્વમાં આખા ઇજિપ્તને આવરી લે છે. આ ઉપરાંત તે મોરૉક્કો, અલ્જીરિયા, ટ્યૂનિસિયા, લિબિયા, સુદાન, ચાડ, નાઇજર, માલી અને મૉરિટાનિયાના ભાગોમાં પણ પથરાયેલું છે.

‘સહરા’ શબ્દનો અર્થ જ રણ થાય છે. સહરાના જુદા જુદા ભાગો માટે પણ જુદાં જુદાં નામો અપાયેલાં છે; જેમ કે, લિબિયાનું રણ, અરબસ્તાનનું રણ, સાહેલનું રણ વગેરે.

ભૂમિ અને આબોહવા : સહરાના મધ્ય ભાગમાં પર્વતો અને ઊંચાણવાળા પ્રદેશો છે. અલ્જીરિયામાં આવેલા અહગ્ગર (Ahaggar) પર્વતો 2,918 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતોથી ઈશાન તરફ તસ્સિલી-ન-અજ્જર નામથી ઓળખાતો ઊંચાણવાળો પ્રદેશ આવેલો છે. ચાડમાં આવેલા તિબેસ્તી પર્વતોની ઊંચાઈ 3,415 મીટર જેટલી છે. સહરાનો ઘણોખરો વિસ્તાર વેરાન, ખડકાળ ઉચ્ચપ્રદેશોવાળો તેમજ મરડિયાયુક્ત મેદાનોથી બનેલો છે. બાકીનું સહરા તેનાં વિશાળ થાળાંમાં આવેલા રેતીના અફાટ વિસ્તારથી બનેલું છે. રેતીના આ વિસ્તારો અર્ગ (erg) નામથી ઓળખાય છે.

સહરાના લગભગ બધા ભાગોમાં રણદ્વીપો આવેલા છે. તેમાં કૂવાઓ-ઝરાઓમાંથી પાણી મળી રહેતું હોવાથી તે ફળદ્રૂપ ભાગો તરીકે વિકસી શક્યા છે. સહરાના રણમાં ઓછામાં ઓછા આશરે 90 જેટલા વિશાળ રણદ્વીપો છે, ત્યાંના કસબાઓમાં લોકો રહે છે અને ખેતીપાકો લે છે. આ ઉપરાંત નાના નાના રણદ્વીપો પણ છે; જેમાં એક-બે કુટુંબો જ વસે છે.

અલ્જીરિયા અને લિબિયામાં સહરાના રણના ભૂસ્તર હેઠળ ખનિજતેલ અને કુદરતી વાયુના વિશાળ ભંડારો આવેલા છે. દુનિયાના તેલ-ઉત્પાદક દેશોમાં આ પ્રદેશનો પણ સમાવેશ થયેલો છે. આ ઉપરાંત અહીં તાંબાના, લોહઅયસ્કના તથા ફૉસ્ફેટના નિક્ષેપો તેમજ યુરેનિયમ અને અન્ય ખનિજો પણ મળે છે; પરંતુ તે પૈકીનાં ઘણાંખરાંનું ખનન કરવામાં આવતું નથી.

સહરા રણપ્રદેશ હોવાથી તેની આબોહવા ગરમ, સૂકી રહે છે. અહીં વાર્ષિક વરસાદનું સરેરાશ પ્રમાણ 200 મિમી.થી ઓછું રહે છે, તેમ છતાં પૂર્વ અને પશ્ચિમના વિશાળ વિસ્તારોમાં તો વાર્ષિક 250 મિમી. કરતાં ઓછો વરસાદ પડે છે; પરંતુ મધ્યના પહાડી પ્રદેશો રણના અન્ય ભાગો કરતાં થોડો વધુ વરસાદ મેળવે છે. ક્યારેક ત્યાંનાં શિખરો પણ હિમવર્ષાથી છવાઈ જાય છે.

સહરાનો રણપ્રદેશ દિવસ પૂરતો અતિગરમ રહે છે, પરંતુ અહીંની રાત્રિઓ ઠંડી બની જતી હોય છે. ઉનાળાનું સરેરાશ તાપમાન ઘણી વાર 32° સે.થી ઉપર જાય છે, કેટલાક ભાગોમાં તો 43° સે.થી પણ ઊંચું તાપમાન વરતાય છે. આજ સુધીમાં આ રણનું વિક્રમ તાપમાન 1922ના સપ્ટેમ્બરમાં લિબિયાના અલ અઝીઝિયા ખાતે 58° સે. નોંધાયેલું છે. શિયાળાનું સરેરાશ તાપમાન 10° સે.થી 16° સે. જેટલું રહે છે.

રણમાં ફૂંકાતા પ્રચંડ વાવંટોળથી સરજાતા રેતીના ઢગ

લોકો : સહરાના રણની વસ્તી આશરે 20 લાખથી થોડીક ઓછી છે. ગ્રેટ વેસ્ટર્ન અર્ગ તથા અલ્જીરિયામાંના તાન્ઝેરાઉફટનાં મરડિયાયુક્ત મેદાનોના વિશાળ વિસ્તારોમાં કોઈ કાયમી વસાહતો નથી.

નુબિયા, સહરા, લિબિયા અને રબ અલ ખાલીનું રણ

સહરાના મોટાભાગની વસ્તી આરબો તથા બાર્બેરી પ્રદેશના બર્બર જાતિના લોકોની તેમજ તેમાંથી ઉદભવેલા મિશ્ર વંશજોની બનેલી છે. રણમાં કેટલાક નીગ્રૉઇડ લોકો પણ વસે છે. અહીંના મુખ્ય નિવાસીઓમાં મૂર, તુઆરેગ અને તોઉબોઉ લોકોનો સમાવેશ થાય છે. વાયવ્ય ભાગોમાં રહેતા મૂર મિશ્ર જાતિની પ્રજા છે. મધ્યના પહાડી ભાગોમાં તેમજ ઊંચાણવાળા પ્રદેશોમાં રહેલા તુઆરેગ બર્બર જાતિના છે અને બર્બરા ભાષા બોલે છે. મિશ્ર જાતિની નીગ્રૉઇડ પ્રજા તિબેસ્તી પર્વતોમાં રહે છે.

સહરાના ઘણાખરા લોકો વિચરતી જાતિના છે. તેઓ ઘેટાંબકરાં, ઊંટ અને ઢોર લઈને પાણી અને ઘાસભૂમિની ખોજમાં ફરતા રહે છે. વિચરતી જાતિ પૈકીના કેટલાક લોકો રણદ્વીપોમાં પોતાની માલિકીની જમીનો પણ ધરાવે છે. તેઓ વિચરતા રહે છે, પરંતુ બીજા લોકો તેમના વતી ખેતીનું કામ કરે છે.

સહરાના રણ-ભાગનું ર્દશ્ય : રણદ્વીપ ધરાવતું ગામ રેતીના ઢૂવાઓની તળેટીમાં વસેલું છે.

રણદ્વીપો પરની ઘણીખરી વસાહતોમાં 2,000 લોકોથી ઓછી વસ્તી હોય છે. લોકો અહીં ખજૂર, જવ, ઘઉં તેમજ અન્ય કેટલાક પાકોની ખેતી કરે છે. કેટલાક રણદ્વીપોમાં ખજૂરીનાં હજારો વૃક્ષો જોવા મળે છે, પરંતુ જ્યાં પાણીની અછત હોય ત્યાં ખજૂરીના એક વૃક્ષમાં ઘણા માલિકોની ભાગીદારી પણ હોય છે.

રણમાં અવરજવર માટે અહીંના લોકો મુખ્યત્વે ઊંટોનો ઉપયોગ કરે છે. અહીંના કેટલાક મુખ્ય રણદ્વીપોને જોડતા પાકા રસ્તાઓ પણ થયા છે. જ્યાં કાચા રસ્તાઓ છે ત્યાં અવરજવરની ખૂબ મુશ્કેલી પડે છે. સહરાની આરપાર જવા-આવવા હવે તો હવાઈ સેવાની સુવિધાઓ પણ વિકસી છે.

વનસ્પતિજીવન – પ્રાણીજીવન : બીજાં કેટલાંક રણોમાં જોવા મળે છે એવું વનસ્પતિજીવન આ રણમાં નજરે પડતું નથી. અહીંના કેટલાક ભાગોમાં ઊગતી વૃક્ષો, છોડવા કે ઘાસ જેવી વનસ્પતિએ ટકી રહેવા માટે ત્યાંના પર્યાવરણ સાથે અનુકૂળતા સાધી લીધી છે. અહીં અમુક વનસ્પતિ માત્ર ટૂંકા ગાળા માટે જ ઊગી નીકળે છે. ત્યાંની ભૂમિ પર વેરાઈને પડી રહેલાં બીજ વરસાદ પડતાની સાથે ઝડપથી ઊગી નીકળે છે. તેમનો આયુષ્યકાળ માત્ર છથી આઠ સપ્તાહ પૂરતો જ રહે છે. સહરામાં ઊગતી અને વર્ષથી વધુ ટકતી વનસ્પતિ તેને જોઈતું પાણી પોતાનાં જમીનમાં ઊંડે ગયેલાં મૂળ દ્વારા કે પાંદડાં દ્વારા હવામાંથી ભેજ શોષીને મેળવે છે.

સહરાના રણપ્રદેશનું ર્દશ્ય : વિચરતી જાતિઓ સાથેની ઊંટની વણઝાર – પશ્ચાદભૂમાં ‘ઍર’નો પહાડી પ્રદેશ દેખાય છે.

અહીં પ્રાણીઓનું પણ વૈવિધ્ય જોવા મળે છે. શ્વેત હરણ અને વિરલ સાબર (addax) રેતીના ઢૂવાઓની આજુબાજુ ભટકતાં નજરે પડે છે. ઢૂવાઓમાં સાપ, ગરોળીઓ, જરબિલ અને નાના કદનાં શિયાળ (fennecs) પણ રહે છે. ખડકાળ ઉચ્ચપ્રદેશોમાં બર્બરી ઘેટાં પોતાનાં રહેઠાણો બનાવીને રહે છે. રણનાં ઘણાંખરાં પ્રાણીઓ પાણી (કે અન્ય પ્રવાહી) વિના લાંબો વખત ચલાવી શકે છે. તેઓ જ્યારે છોડ કે વનસ્પતિ ખાય છે ત્યારે તેમનાં શરીર તેમાંથી જરૂરી પાણી મેળવી લે છે. ગરમીથી બચવા દિવસ દરમિયાન નાના કદનાં પ્રાણીઓ તેમના દરમાં રહે છે, પરંતુ રાત્રે ખોરાકની ખોજમાં બહાર નીકળે છે.

ઇતિહાસ : 10,000 વર્ષ અગાઉ વીતી ગયેલા પ્લાયસ્ટોસીન કાળ દરમિયાન, આજના આ સહરાના રણને સ્થાને ઘણી ભીની આબોહવા પ્રવર્તતી હતી; એટલું જ નહિ, ત્યાં ઘણાં સરોવરો અને નદીઓ હતાં. અહીં ઘણા મોટા વિસ્તારને આવરી લેતાં જંગલો અને ઘાસના પ્રદેશો હતાં, જેમાં હાથી, જિરાફ તેમજ અન્ય પ્રાણીઓ રહેતાં હતાં. ઈ. પૂ. 5000ના ગાળા સુધી તો અહીં નીગ્રૉઇડ જાતિના લોકો રહેતા હતા, તેઓ શિકાર કરેલાં પ્રાણીઓ અને માછલીઓ પર નભતા હતા. તે પછીથી અહીં મધ્યપૂર્વના દેશોમાંથી લોકો આવ્યા, ખેતીની પદ્ધતિ વિકસાવી અને પશુપાલન શરૂ થયું. જ્યાં આજે માલી છે ત્યાંના (આજના) સહરાના દક્ષિણ ભાગમાં ખેતીનો સ્વતંત્ર રીતે વિકાસ થયો.

ઈ. પૂ. 4000ના અરસામાં, આફ્રિકાના આ વિસ્તારની આબોહવા શુષ્ક બનતી ગઈ અને સહરાનો વિસ્તાર રણમાં ફેરવાતો ગયો. ત્યારથી આ રણ ક્રમશ: વિકસતું અને વિસ્તરતું ગયું છે. સૈકાઓ દરમિયાન, અહીંના લોકોએ રણની ધાર પર તેમનાં ઢોરોને વધુ પડતાં ચરાવ્યાં તેથી તેમજ છોડવાઓ અને વૃક્ષોના છેદનથી આ વિસ્તાર મોટા રણમાં ફેરવાતો ગયો. સહરાનો પ્રદેશ જેમ જેમ શુષ્ક બનતો ગયો, તેમ નીગ્રૉઇડ લોકો વધુ ને વધુ દક્ષિણ તરફ ખસતા ગયા. આફ્રિકાના વાયવ્ય ભાગમાં રહેતા બર્બરો અહીં આવ્યા અને ક્રમે ક્રમે આખા સહરામાં ફેલાઈ ગયા.

ઈસુ ખ્રિસ્તના સમયગાળામાં મધ્ય પૂર્વના દેશોમાંથી અહીં ઊંટો લાવવામાં આવ્યાં. ઊંટોની વણજારો સહરાના તત્કાલીન વેપારી માર્ગો પર અવરજવર કરતી રહી. તેમણે બર્બરો પર વર્ચસ્ જમાવ્યું. ઉત્તરથી દક્ષિણ કાપડ, મીઠું, કાચના મણકા તેમજ બીજી ચીજવસ્તુઓ વણજારો મારફતે લવાતી ગઈ. દક્ષિણ તરફથી વણજારો દ્વારા ગુલામો, સોનું, કોલા નટ, ચામડાં અને મરી લાવવામાં આવતાં હતાં અને ઉત્તર તરફના આફ્રિકામાં પહોંચાડાતાં હતાં.

રોમન સામ્રાજ્ય જ્યારે તેની ઉન્નતિની ટોચ પર હતું ત્યારે, ઈ. સ. 40થી 235 દરમિયાન, સહરાનો ઉત્તર સરહદવાળો ભાગ રોમનોની હકૂમત હેઠળ હતો. તેમણે અહીં શહેરો અને રસ્તા બાંધ્યાં, ખેતીની રીતો વિકસાવી. પાંચમી સદીના અરસામાં જર્મનીના વન્દાલ લોકોએ ઉત્તર આફ્રિકા જીતી લીધું.

સાતમા-આઠમા સૈકા દરમિયાન, અરબસ્તાનના લોકોએ ઉત્તર આફ્રિકા પર આક્રમણ કર્યાં; તેમણે અહીંના લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો. આ રીતે અગિયારમી સદી સુધીમાં, આરબોએ સહરાની દક્ષિણ સરહદો સુધી ઇસ્લામને વિસ્તાર્યો. સહરાના લોકોની મુખ્ય ભાષા પણ અરબી બની રહી.

ઓગણીસમી સદીના પ્રારંભમાં યુરોપિયન અભિયાનો શરૂ થયાં. ફ્રાન્સ, સ્પેન, ઇટાલી અને ગ્રેટ બ્રિટને ઓગણીસમી સદીના અંતભાગમાં અને વીસમી સદીના મધ્ય ભાગ સુધીમાં સહરાના ભાગો પર કબજો મેળવ્યો. 1960–70ના અરસા સુધીમાં, સ્પૅનિશ સહરા સિવાયના સહરાના બાકીના લગભગ બધા જ ભાગો પર યુરોપિયનોએ જ્યાં જ્યાં કબજો મેળવી લીધો હતો, ત્યાંના દેશો સ્વતંત્ર બની રહ્યા. સ્પેને પણ 1976માં સ્પૅનિશ સહરા પરથી પોતાનો કબજો છોડી દીધો. આ પ્રદેશ તે પછી વેસ્ટર્ન સહરા તરીકે ઓળખાતો થયો.

1960–70થી સહરાની દક્ષિણ સરહદે આવેલા સાહેલમાં ઘણા દુકાળ પડ્યા. આથી કેટલાક લોકોએ સહરા વિસ્તરતું ગયું તે માટે દુકાળને જવાબદાર ઠેરવ્યા, પરંતુ વાસ્તવમાં તો દુકાળની પરિસ્થિતિ માત્ર આબોહવાના ફેરફારોની એક સામયિક અને સામાન્ય ઘટના જ રહી છે.

13. સાહેલનું રણ (Sahel Desert) : સહરાના રણની દક્ષિણે ભયંકર દુકાળ ધરાવતો આફ્રિકાનો વિસ્તાર. તે સેનેગલ, મૉરિટાનિયા, માલી, બુર્કીના ફૅસો, નાઇજર, નાઇજીરિયા, ચાડ અને સુદાનના વિશાળ પ્રદેશોને આવરી લે છે. કેટલાક ભૂગોળવિદો ઈથિયોપિયા, કેન્યા અને સોમાલિયાના સૂકા ભાગોને પણ સાહેલમાં મૂકે છે.

સાહેલમાં આજ સુધીમાં સંખ્યાબંધ દુકાળ પડી ગયા છે. 1968થી તો તે વિશેષે કરીને સૂકો જ પ્રદેશ રહ્યો છે. સાહેલના લાખો લોકો દુકાળથી પાક નિષ્ફળ જવાને કારણે મોતને શરણ થયેલા. અહીંના ખેડૂતોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક તો ત્યાં વરસાદ પડતો જ નથી, જ્યારે પડે છે ત્યારે પાક માટે જે તે ઋતુમાં જરૂરી હોય એટલો વરસાદ પણ પડતો નથી; તો વળી ક્યારેક ભારે વરસાદ પણ પડી જાય છે, જેના કારણે ખેડૂતોએ વાવેલાં બીજ પણ ધોવાઈ જાય છે, તેમનાં પશુઓ રોગના વાવરમાં સપડાય છે. ક્યારેક આવી જતાં તીડનાં ટોળાં ઊભા પાકનો નાશ કરી નાખે છે. પવનનાં વાવાઝોડાં પણ આવી જાય છે. પશુઓ દ્વારા થતા વધુ પડતા ચરાણથી ભૂમિ વેરાન બની જાય છે. કૃષિનિષ્ણાતોએ આ દુકાળવાળા પ્રદેશમાં ખેતીની સુધારી શકાય એવી પદ્ધતિઓ વિકસાવી છે, તેમ છતાં આ પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય તે માટે તે તે વિસ્તારોની સરકારોની મદદ અને સહકારની ખૂબ જરૂર છે.

ઑસ્ટ્રેલિયાનાં રણ

14. ઑસ્ટ્રેલિયન રણ : મધ્ય અને પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના મોટા ભાગને આવરી લેતાં ગ્રેટ સૅન્ડી રણ, ગ્રેટ વિક્ટોરિયા રણ અને ગિબ્સન રણથી બનેલો વિસ્તાર. આ રણપ્રદેશો આશરે 20°થી 30° ઉ. અ. અને આશરે 115°થી 140° પૂ. રે. વચ્ચેનો ઘણોખરો વિસ્તાર આવરી લે છે. આ ઉપરાંત અહીં સિમ્પ્સનનું રણ પણ આવેલું છે. દુનિયાનાં અન્ય રણોની તુલનામાં આ રણો વધુ ગરમ નથી. અહીં વનસ્પતિનું આછું આવરણ જોવા મળે છે. ઉત્તર તરફ આવેલું ગ્રેટ સૅન્ડી રણ દક્ષિણ તરફ પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગ સુધી વિસ્તરેલું છે. ગ્રેટ સૅન્ડી રણનો વિસ્તાર આશરે 4,15,000 ચોકિમી. જેટલો છે. ગિબ્સનનું રણ આશરે 6,47,000 ચોકિમી.માં વિસ્તરેલું છે. ગિબ્સનના રણની દક્ષિણે ગ્રેટ વિક્ટોરિયન રણ નલ્લારબોર મેદાન સુધી વિસ્તરેલું છે. 1873માં ગિબ્સનના રણમાં પહોંચનાર પ્રથમ યુરોપિયન અર્નેસ્ટ ગિલીસ હતો, એ જ વર્ષે પી. ઇગર્ટન વૉરબર્ટને પણ આ રણને પગે ચાલીને પસાર કરેલું.

જીવન : રણોમાં ઓછો વરસાદ અને પુષ્કળ સૂર્યપ્રકાશ પડે છે, રોજેરોજ તાપમાનનું પ્રમાણ બદલાતું રહે છે. આબોહવાના આ પ્રકારના સંજોગો હેઠળ થોર જેવી કાંટાળી વનસ્પતિ અને પ્રાણીઓ અહીં ટકી શકે છે.

15. ગિબ્સનનું રણ : પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના પૂર્વ-મધ્ય ભાગમાં આવેલું રણ. તે ઉત્તરમાં આવેલા ગ્રેટ સૅન્ડી રણ અને દક્ષિણમાં આવેલા ગ્રેટ વિક્ટોરિયન રણની વચ્ચેના ભાગમાં મકરવૃત્ત નજીક આવેલું છે. તેની એક તરફ ડિસએપૉઇન્ટમેન્ટ સરોવર અને બીજી તરફ મૅકડૉનાલ્ડ સરોવર પણ છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 840 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 400 કિમી. જેટલી છે. તેની પૂર્વ તરફ નૉર્ધર્ન ટેરિટરીનો રાજ્ય-વિસ્તાર આવેલો છે. આખોય રણવિસ્તાર રેતીની ટેકરીઓથી બનેલો છે. તેનો તળભાગ ખડકાળ છે. આ શુષ્ક, વસ્તીવિહીન વિસ્તાર રણનાં ઘણાં પ્રાણીઓનું રહેઠાણ બની રહેલો હોવાથી હવે ‘ગિબ્સન ડેઝર્ટ નેચર રિઝર્વ’ તરીકે ઓળખાય છે.

ઑસ્ટ્રેલિયા ખંડના મધ્યમાં આવેલાં મુખ્ય રણ. અહીં વરસાદ ઓછો પડે છે અને તાપમાન વધુ રહે છે. તેમ છતાં, અમુક પ્રકારનાં પ્રાણીઓ અને વનસ્પતિ રણમાં તેમજ સમકક્ષ શુષ્ક વિસ્તારોમાં નભે છે.

1874માં અર્ન્સ્ટ ગિલ્સ અહીં આવેલો અને 1876માં તેણે સર્વપ્રથમ વાર આખાય રણને પાર કરવામાં સફળતા મેળવેલી. આ અભિયાનમાં તેને સાથ આપનાર આલ્ફ્રેડ ગિબ્સન અહીં પાણીની ખોજમાં મૃત્યુ પામેલો. ગિલ્સે તેની યાદમાં આ રણને ‘ગિબ્સન રણ’નું નામ આપ્યું હતું.

16. ગ્રેટ વિક્ટોરિયન રણ : ઑસ્ટ્રેલિયાની મધ્યમાં તેમજ નૈર્ઋત્ય ખૂણામાં આવેલા અનેક નાનામોટા રણપ્રદેશો પૈકી છેક દક્ષિણે આવેલું રણ. સાગરકિનારાની નિકટતા તેમજ નલારબૉર મેદાનની નજીકના તેના સ્થાનને કારણે તેનું મહત્વ વધ્યું છે. વળી સિડની-પર્થ રેલમાર્ગ નજીકમાંથી પસાર થાય છે, તેથી પણ તેની અગત્ય વધી છે. તેની નજીકમાં કાલગુર્લી-કુલગાર્ડીનાં સુવર્ણક્ષેત્રો આવેલાં છે. લેવર્ટન રેલમથકથી આ રણભૂમિનો પ્રારંભ થાય છે. તેની ઉત્તરે ગિબ્સન રણ અને પિર્ટમાન પર્વતમાળા આવેલાં છે.

17. ગ્રેટ સૅન્ડી રણ : ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ ભાગમાં આવેલો રણપ્રદેશ. તે નામ પ્રમાણે ગુણ ધરાવે છે. સાગરકિનારાની નિકટતા તેમજ નજીકમાંથી વહેતી ફિટ્ઝરૉય નદીને કારણે અહીં માનવવસ્તી અલ્પ માત્રામાં વસે છે. આ રણના પશ્ચિમ છેડે પિલબારા અને મારબલબારનાં સુવર્ણક્ષેત્રો આવેલાં છે. પૉર્ટહેડલૅન્ડ આ વિશાળ રણમાં પ્રવેશવાનું દ્વાર છે. ગ્રેટ સૅન્ડી રણની પ્રતિકૂળ આબોહવા છતાં થોડી ખેતી, પશુપાલન અને ખાણ-ઉદ્યોગની પ્રવૃત્તિઓ વિકસી છે.

18. સિમ્પ્સનનું રણ : દક્ષિણ ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ તથા નૉર્ધર્ન ટેરિટરી પર આવેલું રણ. ભૌગોલિક સ્થાન : તે 24° ઉ. અ. અને 136° પૂ. રે.ની આજુબાજુનો આશરે 320 કિમી. લાંબો અને આશરે 160 કિમી. પહોળો 51,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. રણનો મધ્ય ભાગ વાવાઝોડાંથી ફૂંકાઈ આવતી રેતીથી બનેલો છે. રણના બહારના ભાગોમાં 15 મીટરની ઊંચાઈ સુધીની ખડકાળ ટેકરીઓ, રેતીથી બનેલી ડુંગરધારો અને વનસ્પતિવિહીન વિસ્તાર આવેલાં છે. અહીંના ખડકોના ભાગોએ પવનના મારાથી ગોળાકાર સ્વરૂપો ધારણ કરેલાં છે, જે ગિબ્બર્સ (gibbers) નામથી ઓળખાય છે.

મધ્ય રણનો વિસ્તાર (The Central Desert Area) : અહીંના મધ્ય રણ વિસ્તારના બે વિભાગ પડે છે. અહીંથી સિમ્પ્સન રણ અગ્નિકોણમાં આવેલું છે. દુનિયાભરનો આ એક એવો પ્રદેશ છે, જ્યાં પ્રવેશનિષેધ છે. તનામી અને ગિબ્સન રણો એલિસ ઝરાઓથી ઉત્તર અને પશ્ચિમ તરફ આવેલાં છે. તે પશ્ચિમ તરફ વિસ્તરે છે અને છેવટે પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ગ્રેટ સૅન્ડી રણમાં ભળી જાય છે. આ વિસ્તારમાં આયર્સ રૉક(Ayers rock)નો અજાયબ ભૂમિ-આકાર નજરે પડે છે. ઉત્તર તરફ તેમજ આ બે વિષમ આબોહવાવાળા સૂકા વિસ્તારોની વચ્ચે ઘાસ ચરાવનારાઓ તેમનાં ઢોર લઈને આવે છે અને અહીંના ભૂગર્ભીય જળનો લાભ મેળવે છે. રણના મધ્ય ભાગોમાં મૅકડૉનેલ પર્વતમાળા નજીકના એમેડિયસ થાળાના વિસ્તારમાં ખનિજતેલ અને કુદરતી વાયુના વિશાળ ભંડારો આવેલા છે.

19. ગ્રેટ બેસિન : પશ્ચિમ યુ.એસ.માં આવેલો વિશાળ રણપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 40° ઉ. અ. અને 116° પ. રે. તે નેવાડા, કૅલિફૉર્નિયા, ઇડાહો, ઑરેગાંવ, ઉટાહ અને વાયોમિંગના આશરે 5,20,000 ચોકિમી. જેટલા વિસ્તારને આવરી લે છે. આ રણમાં ઘણાં સરોવરો અને નદીઓ આવેલાં છે. નદીઓનાં પાણી સુકાઈ જાય છે અથવા તે અહીંનાં સરોવરોમાં ઠલવાય છે. સરોવરોમાં પણ પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. આ રીતે આ વિશાળ થાળું અંતરિયાળ ભૂમિની જળપરિવાહરચનાનું એક વિશિષ્ટ માળખું રચે છે.

20. ગ્રેટ સૉલ્ટ લેક રણ : યુ.એસ.ના ઉટાહ રાજ્યના રણના થાળામાં છોડવા જેવી વનસ્પતિ જોવા મળે છે. થાળાની આજુબાજુમાં જ્યાં ઊંચા પહાડો છે ત્યાં વૃક્ષો પણ નજરે પડે છે. થાળાના ખીણભાગોમાં જ્યાં ગર્ત છે ત્યાં પાણી ભરાઈ રહે છે. તે પૈકી ગ્રેટ સૉલ્ટ લેક, કાર્સન, હમ્બોલ્ટ ગર્ત અને પિરામિડ સરોવર મુખ્ય છે. ડેથ વૅલી એ કૅલિફૉર્નિયામાં આવેલો ઊંડામાં ઊંડો રણપ્રકારનો ગર્ત છે.

 વાયવ્ય ભાગમાં સૉલ્ટ લેક શહેરની તદ્દન નજીકમાં આવેલો નીચાણવાળો, સમતળ શુષ્ક પ્રદેશ. ગ્રાઉસ ક્રીક માઉન્ટન્સ અને નેવાડાની સીમાથી તે દક્ષિણ તરફ આશરે 177 કિમી. અંતર સુધી વિસ્તરેલું છે. આ રણ આશરે 10,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. અગાઉનાં વર્ષોમાં, ઘણા લાંબા સમય સુધી આ રણ પશ્ચિમ તરફ જવા માટે અવરોધરૂપ બની રહેલું.

ગ્રેટ સૉલ્ટ લેક ડેઝર્ટ(રણ)નું સ્થાન

નેવાડાની સરહદની અડોઅડ વેનડોવર નજીક આ રણમાં તદ્દન સમતળ ક્ષારસ્તરો જામેલા જોવા મળે છે; આ ‘બૉનવિલે સૉલ્ટ ફ્લૅટ્સ’(ક્ષારપડો)એ અહીં આશરે 180 ચોકિમી. જેટલો વિસ્તાર રોકેલો છે. બૉનવિલે સૉલ્ટ ફ્લૅટ આંતરરાષ્ટ્રીય ઝડપી માર્ગ અહીંથી પસાર થાય છે. આ ક્ષારપડો ખૂબ જ સખત થઈ ગયેલાં હોવાથી તેના પર વાહન-સ્પર્ધા યોજાય છે; તેમ છતાં જ્યારે ગ્રેટ સૉલ્ટ લેકમાં જળસપાટી વધી જાય છે ત્યારે નજીકના રણભાગનો કેટલોક વિસ્તાર નરમ અને ભીનો બની રહે છે. બૉનવિલેના આ ઝડપી માર્ગ પર મોટર-સ્પર્ધાના ચાલકો(drivers)એ આંતરરાષ્ટ્રીય ઝડપના વિક્રમો નોંધાવેલા છે.

પેઇન્ટેડ ડેઝર્ટ (રણ)

21. પેઇન્ટેડ રણ (Painted desert) : યુ.એસ.ના મધ્ય-ઉત્તર એરિઝોનામાં આવેલી કૉલોરાડો નદીની નજીકમાં આશરે 320 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલો રંગબેરંગી કુદરતી દેખાવવાળો ઉચ્ચપ્રદેશીય વિભાગ. ભૌગોલિક સ્થાન : 35° 40´ ઉ. અ. અને 111° પ. રે. જૂના સ્પૅનિશ અભિયંતાઓએ તેનાં રંગબેરંગી ખડકર્દશ્યો પરથી તેને અલ-ડેઝિયર્ટો પિન્ટેડો નામ આપેલું. તે પરથી આવું નામ પડેલું છે. ખરાબા ધરાવતી આ એક અદભુત ભૂમિ છે. અહીં વર્ષો સુધી ફૂંકાતા રહેલા પવનોના અને વર્ષાજળના મારાથી શેલ સમકક્ષ જ્વાળામુખી ભસ્મનો પ્રદેશ તૈયાર થયેલો છે. ઘસારાનાં પરિબળોને કારણે અહીં બ્યૂટ (છૂટીછવાઈ ઉગ્ર ઢોળાવવાળી ટેકરીઓ), મેસા (સપાટ શિરોભાગવાળી ટેકરીઓ), અણિયાળી શિખરિકાઓ (pinnacles) તેમજ ખીણોથી ખૂબ જ વિવિધતાવાળાં ભૂમિર્દશ્યોનું નિર્માણ થયેલું છે. અહીં આ ભૂમિર્દશ્યો ભૂરો, એમીથિસ્ટ, પીળો, લવંડર અને રાતા રંગોનો ચિત્રાત્મક દેખાવ રજૂ કરે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે તો તે બધાં અતિ રમણીય રંગીન સ્વરૂપોવાળાં દેખાય છે અને તેમના પડછાયા ઘેરા રંગના જણાય છે. આ પ્રદેશમાં રહેલા લોહ ઑક્સાઇડ(હેમેટાઇટ અને લિમોનાઇટ)ને કારણે રાતા અને પીળા રંગોનું એક આભાસી ચિત્ર ઊભું થાય છે.

પેઇન્ટેડ રણમાં યુ.એસ.નાં ઘણાં રાષ્ટ્રીય સ્મારકો પણ છે. તેમાં જ્વાળામુખી ભસ્મશંકુ જેવા સૂર્યાસ્ત જ્વાળામુખી(Sunset Crater)નો  તથા ઇન્ડિયન પ્રાગ્-ઐતિહાસિક આવાસો ધરાવતા વુપાતકી રાષ્ટ્રીય સ્મારકનો સમાવેશ થાય છે.

મોજેવનું રણ

22. મોજેવનું રણ (Mojave desert) : અગ્નિ કૅલિફૉર્નિયા(યુ.એસ.)માં આવેલો રણ સમકક્ષ ખરાબાનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 34° 40´ ઉ. અ. અને 118° 0´ પ. રે.ની આજુબાજુનો આશરે 65,000 ચોકિમીનો વિસ્તાર આવરી લે છે. અગાઉ તે મોહેવના રણ તરીકે ઓળખાતું હતું. એક કાળે આ વિસ્તાર પર પેસિફિક મહાસાગર પથરાયેલો હતો. તે પછીના લાંબા ગાળે અહીં પર્વતો ઊંચકાઈ આવ્યા અને મહાસાગરનાં જળ પાછાં ધકેલાયાં. જ્વાળામુખી-પ્રસ્ફુટનો થયાં અને આ પ્રદેશ લાવા, જ્વાળામુખી-પંક અને ભસ્મથી છવાઈ ગયો.

રણનો આ પ્રદેશ સિયેરા નેવાડા અને કૉલોરાડો નદીની વચ્ચે આવેલો છે. અહીં નાની નાની ઘણી ગિરિમાળાઓ તેમજ જ્વાળામુખીના ભાગો પણ આવેલા છે. અહીંના રેતાળ વિસ્તારમાં મૃત જ્વાળામુખીઓ જોવા મળે છે. વળી અહીંના પ્રદેશમાં શુષ્ક સરોવર-પટોમાં દુનિયાના બોરૉનના મુખ્ય સ્રોત જામેલા નજરે પડે છે. તે જેટ એંજિન તથા રૉકેટના ઇંધન તરીકે તેમજ આણ્વિક રિઍક્ટર કન્ટ્રોલ માટે ઉપયોગમાં લેવાય છે.

ડેથ વૅલીનું સ્થાન

23. મૃત્યુખીણ (Death-Valley) : કૅલિફૉર્નિયા(યુ.એસ.)ના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું રણ. તેનો થોડોક ભાગ નેવાડામાં પણ વિસ્તરેલો છે. ભૌગોલિક સ્થાન : 36° ઉ. અ. અને 177° 10´ પ.રે. 1849માં કેટલાક લોકો અહીંથી પસાર થયેલા તેમણે તેનું ઉજ્જડ રણસમકક્ષ પર્યાવરણ જોઈને તેને ‘ડેથ-વૅલી’ (મૃત્યુ-ખીણ) નામ આપેલું. 1933માં આ વિસ્તારમાં ઊભા કરાયેલા ડેથ-વૅલી રાષ્ટ્રીય સ્મારકમાં તેના કેટલાક ભાગનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.

ડેથ-વૅલી વાસ્તવમાં આશરે 209 કિમી. લાંબું અને સ્થાનભેદે 10થી 23 કિમી. પહોળું, સમુદ્રસપાટીથી 86 મીટર ઊંડું થાળું છે. થાળાનો ઊંડાઈવાળો ભાગ પશ્ચિમ ગોળાર્ધના બૅડવૉટરના સ્થાનમાં આવેલો છે. આ ખીણની પશ્ચિમ તરફ પાનામિન્ટ પર્વતો આવેલા છે. આ હારમાળામાં આવેલું ‘ટેલિસ્કોપ શિખર’ 3,368 મીટરની ઊંચાઈ ધરાવે છે; પૂર્વ તરફ અમરગોસા હારમાળાનો ગ્રેપવિન, ફ્યૂનરલ અને બ્લૅક માઉન્ટ્સના પહાડોને સમાવતો પ્રદેશ આવેલો છે.

ગર્તસ્વરૂપની આ ખીણનો ઊંડાણવાળો આખોય ભાગ બે સ્તરભંગો વચ્ચે અવતલન પામેલો છે. અર્થાત્ આ એક-રચનાત્મક ઉત્પત્તિવાળું થાળું છે. તેની બંને બાજુ તરફ ઉગ્ર ઢોળાવો ધરાવતી ભેખડો અને કોતરો જોવા મળે છે. ગર્તની ઉત્તર તરફ ઉબહેબ (Ubehebe) જ્વાળામુખી છે. પશ્ચિમ-તરફી સ્તરભંગ બાજુ પર પણ નાનાં જ્વાળામુખો (craters) છે. તેમાંથી નીકળેલા લાવાનું વહન દક્ષિણ તરફની સ્તરભંગશ્રેણીમાં થયેલું છે.

કૅલિફૉર્નિયા(યુ.એસ.)માં પાનામિન્ટ પર્વતોની તળેટીમાં આવેલી મૃત્યુખીણ

હિમયુગ (પ્લાયસ્ટોસીન કાળ) દરમિયાન જ્યારે આબોહવા ભેજવાળી બનેલી ત્યારે આ થાળાની જગાએ એક વિશાળ સરોવર હતું. આજે અહીં આશરે વાર્ષિક 50 મિમી. જેટલો વરસાદ પડે છે. યુ.એસ.માં 57° સે. જેટલું વિક્રમ તાપમાન 1913ના જુલાઈની 10મી તારીખે આ સ્થળે નોંધાયેલું. ઉનાળામાં અહીં 52° સે. જેટલું તાપમાન એક સામાન્ય ઘટના ગણાય છે.

ડેથ-વૅલીની ભૂસ્તરીય રચનાઓ અને હૂંફાળા ગરમ શિયાળાનો સૂર્યતાપ જેવાં કારણોથી તેને શિયાળાના વિહારધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ક્રિયોસોટ બુશ, ડેઝર્ટ હોલી અને મેસ્કવિટ જેવી વનસ્પતિ જોવા મળે છે. અહીંનું વન્યજીવન વૈવિધ્યભર્યું છે. તેમાં બૉબકૅટ્સ, કોઇયોટ (coyotes), લોંકડી, ઉંદર, સસલાં, સરીસૃપો અને ખિસકોલીઓનો સમાવેશ થાય છે.

1873માં ડેથ-વૅલીમાંથી ટંકણખારના નિક્ષેપો મળેલા. 1880માં તેનું ખનનકાર્ય શરૂ થયેલું. ઊંડાઈએ મળતો આ ટંકણખાર 20 ખચ્ચરોની જોડીઓ દ્વારા બહાર કાઢવામાં આવતો હતો. પૂર્વેક્ષકો(prospectors)એ તાંબા, સોના, ચાંદી અને સીસાનાં અયસ્ક પણ નજીકના પર્વતોમાંથી શોધી કાઢેલાં. તે પછી ડેથ-વૅલીની આજુબાજુ ખાણનગરો વસ્યાં. તેમને ‘બુલફ્રૉગ’, ‘ગ્રીનવૉટર’, ‘રહાયોલાઇટ’ અને ‘સ્કિડૂ’ જેવાં વિશિષ્ટ નામો અપાયેલાં. ખનિજ-જથ્થા ખલાસ થવા સાથે આ નગરો પણ ઉજ્જડ બન્યાં છે. માત્ર તેના અસ્તિત્વના અવશેષો જ આજે જોવા મળે છે.

સોનોરન અને ગ્રેટ બેસિન રણનું સ્થાન

24. સોનોરન રણ : યુ.એસ.ના નૈર્ઋત્ય ઍરિઝોના અને અગ્નિ કૅલિફૉર્નિયામાં 3,10,000 ચોકિમી. વિસ્તાર આવરી લેતો સૂકો રણપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 29° 30´ ઉ. અ. અને 110° 30´ પ. રે. તેમાં દક્ષિણ કૅલિફૉર્નિયા(નૉર્ટેના ‘બાજા’ મેક્સિકન રાજ્ય)નો તથા સોનોરા રાજ્યના પશ્ચિમ તરફના અર્ધા ભાગનો તથા ગરમ સૂકા વિસ્તારના ઉત્તર વિભાગનો અને યુમા (yuma) રણનો પણ સમાવેશ થાય છે. અહીં સિંચાઈની સગવડ મળતી હોવાથી ઘણા ફળદ્રૂપ પ્રદેશો ખેતીલાયક બનાવી શકાયા છે. તેમાં કોચેલા અને ઇમ્પીરિયલ ખીણો વિશેષ ઉલ્લેખનીય છે. અહીં ઊભાં કરેલાં રણ-વિહારધામો અને ગરમ હૂંફાળા ઉનાળા પ્રવાસીઓને આવવા માટે આકર્ષે છે. અહીંના પામ સ્પ્રિંગ્ઝ (કૅલિફૉર્નિયા), ટસ્કન અને ફિનિક્સ(ઍરિઝોના)નાં સ્થળો જોવાલાયક છે. પાપાગો અને પિમા જેવાં કેટલાંક ઇન્ડિયન સ્થળોને આરક્ષિત તરીકે જાહેર કરવામાં આવેલાં છે.

25. આતાકામાનું રણ : દક્ષિણ અમેરિકામાં આવેલું રણ. ભૌગોલિક સ્થાન : 25° દ. અ. અને 69° પ. રે. તે ઉત્તર ચિલી અને પેરૂના દક્ષિણ છેડે આવેલો વેરાન ભૂમિવાળો ખનિજસમૃદ્ધ પ્રદેશ છે. તે પેરૂ-ચિલીની સરહદ નજીક આવેલા ટૅકનાથી શરૂ થઈ દક્ષિણ તરફ આશરે 970 કિમી.ના અંતર સુધી વિસ્તરેલું છે. તેની પશ્ચિમે પૅસિફિક મહાસાગર અને પૂર્વ તરફ ઍન્ડીઝ પર્વતમાળા આવેલાં છે. આ રણપ્રદેશમાં સરેરાશ વાર્ષિક વરસાદ માત્ર 13 મિમી. જેટલો જ પડે છે. તેની સપાટી પુષ્કળ રેતી અને ગ્રૅવલના આવરણવાળી છે. આ ઉપરાંત આખાય રણમાં ઠેર ઠેર ક્ષારનાં પડ પણ જામેલાં જોવા મળે છે.

આતાકામાનું રણ

આ રણ કુદરતી સોડિયમ નાઇટ્રેટ(NaNO3)નો વિપુલ સ્રોત ધરાવે છે. તે કૃત્રિમ ખાતરો અને બારૂદ(gunpowder)ની બનાવટમાં વપરાય છે. 1920ના દાયકા સુધી માત્ર આ ખનિજદ્રવ્ય તે માટે વપરાતું હતું, તે પછીથી કૃત્રિમ સોડિયમ નાઇટ્રેટ બનાવવાનું શરૂ થયેલું છે. આ ઉપરાંત અહીંથી તાંબા, લોહ અને ચાંદીનાં અયસ્ક તથા લિથિયમ પણ મળે છે.

1879–1883ના પેસિફિક યુદ્ધ દરમિયાન ચિલીએ પેરૂ અને બોલિવિયાને હરાવ્યાં તે અગાઉ આ રણ પેરૂ-બોલિવિયાને હસ્તક હતું, પરંતુ વિજય મેળવ્યા પછી ચિલીએ આખા રણનો કબજો મેળવી લીધેલો; પરંતુ 1929માં ચિલીએ રણના ઉત્તર ભાગનો કબજો પેરૂને પાછો સોંપ્યો છે.

* રણોમાં સામાન્ય રીતે પ્રાકૃતિક સીમાઓ સ્પષ્ટપણે મળી શકતી ન હોવાથી વિસ્તારના આંકડાઓ અંદાજે આપવામાં આવેલા છે.

જાહ્નવી ભટ્ટ

મહેશ મ. ત્રિવેદી

ગિરીશભાઈ પંડ્યા

બાળકૃષ્ણ માધવરાવ મૂળે