રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR)

January, 2003

રક્તકોષઠારણ-દર (erythrocyte sedimentation rate, ESR) : ઊભી કાચની નળીમાં લોહીને ગંઠાઈ ન જાય તેવા દ્રવ્ય સાથે ભરીને મૂકવાથી તેમાંનાં ઘનદ્રવ્યોનો નીચેની તરફ ઠરવાનો દર. લોહી જ્યારે નસમાં વહેતું હોય છે ત્યારે તેમાંનાં ઘનદ્રવ્યો, મુખ્યત્વે રક્તકોષો, એકસરખી રીતે રુધિરપ્રરસ(blood plasma)માં નિલંબિત (suspended) રહે છે. પરંતુ જ્યારે શરીરમાંથી બહાર કઢાયેલા લોહીને તે જામી ન જાય માટે પ્રતિસંગુલ્મક (anticoagulant) રસાયણ સાથે ભેળવવામાં આવે અને તેને કાચની નળીમાં ભરીને હલાવ્યા વગર મૂકી રાખવામાં આવે તો તેમાંનું લોહી ગઠ્ઠો બનતું નથી, પરંતુ તેના રક્તકોષો ધીમે ધીમે નીચે તરફ ઠરે છે. આ પ્રકારનું રક્તકોષોનું ઠારણ થવાનું કારણ તેઓ રુધિરપ્રરસ કરતાં વધુ ઘનતા ધરાવે છે તે છે. રક્તકોષો કાચનળીના તળિયે બેસે છે ત્યારે ઉપર સ્વચ્છ અધિસ્તરીય પ્રવાહી (supernatant fluid) રહે છે. રક્તકોષોના નીચે તરફ ઠરવાના દરને ESR કહે છે. તે ઠારણદર પ્રથમ કલાકમાં કેટલા મિલિમીટર ઠારણ થયું છે તેના હિસાબે દર્શાવાય છે (મિમિ./પ્રથમ કલાક).

રક્તકોષઠારણના 3 તબક્કાઓ છે : (1) રક્તકોષ એકત્રીકરણ(aggregation)નો અને ન જેવા ઠારણનો ટૂંકો તબક્કો, (2) મુખ્ય ઠારણનો તબક્કો, જેમાં ઠારણનો વેગ સૌથી વધુ હોય અને (3) છેલ્લો ધીમો ઠારણનો તબક્કો, જેમાં ક્રિયા સંપૂર્ણપણે પૂરી થઈ હોય. ESR ની વધઘટ પર વિવિધ પરિબળોની અસર હોય છે. (અ) રક્તકોષો અને રુધિરપ્રરસની ઘનતાઓમાંનો તફાવત, (આ) રક્તકોષોની એકબીજા સાથે ચોંટવાની કક્ષા (એકત્રીકરણ ઘટના, rouleaux formation), જેનો મુખ્ય આધાર લોહીમાંના પ્રોટીનના પ્રમાણ સાથે છે અને (ઈ) રુધિરપ્રરસ દ્વારા રક્તકોષોની સપાટી પર દર્શાવાતો અવરોધ.

રક્તકોષોની સપાટી પર ઋણ વીજભાર હોય છે. તેથી રુધિરપ્રરસમાં જે પરિસ્થિતિ ધન વીજભાર વધારે તેમાં ESR વધે છે. તેને કારણે ઑક્સિજન, કોલેસ્ટેરૉલ, ફાઇબ્રિનોજન કે આલ્ફાગ્લૉબ્યુલિનનું પ્રમાણ વધે તો ESR વધે છે. જ્યારે લોહીમાં કાર્બન ડાયૉક્સાઇડ વધે, આલ્બ્યુમિન વધે, ન્યૂક્લિયોપ્રોટીન વધે કે લેસિથિન વધે તો ESR ઘટે છે.

તેને માપવા માટે વિન્ટ્રોબ, વેસ્ટગ્રીન કે કટલરની પદ્ધતિ વપરાય છે. તેમાંની પ્રથમ બે પદ્ધતિઓ વધુ વપરાશમાં છે. પ્રતિસંગુલ્મકવાળા લોહીને એકસરખા વ્યાસવાળી કાચની નળીમાં સીધેસીધું ઊભું મુકાય છે. તેના નીચલા છેડે રબરનો બૂચ હોય છે અને ઉપલો છેડો ખુલ્લો રખાય છે. રક્તકોષો ઠરે ત્યારે ઉપર રહેલા રુધિરપ્રરસના સ્વચ્છ અધિસ્તરની જાડાઈને મિલિમીટરમાં મપાય છે. એક કલાકે તે જેટલા મિલિમીટર હોય તેટલો ESR કહેવાય છે. વિન્ટ્રોબની પદ્ધતિમાં સામાન્ય ESR 0.0થી 6.5 મિમિ./પ્રથમ કલાક (પુરુષો) તથા 0.0થી 15.0 મિમિ./પ્રથમ કલાક (સ્ત્રીઓ) ગણાય છે. તેથી તેઓમાં સરેરાશ ESR 3.7 અને 9.6 ગણાય છે.

કેટલીક સામાન્ય દેહધાર્મિક સ્થિતિઓમાં ESRમાં વધઘટ થાય છે; જેમ કે તે નવજાત શિશુમાં સૌથી ઓછો હોય છે (0.0થી 2.0) બાળકોમાં તે વધીને 3થી 13 મિમી./પ્રથમ કલાક (સરેરાશ 9 મિમી. / પ્રથમ કલાક) થાય છે. સગર્ભાવસ્થાના 10થી 12 અઠવાડિયે તે ઘટે છે અને પ્રસૂતિ પછી ધીમે ધીમે 3થી 4 અઠવાડિયે સરખો થઈ રહે છે. વૃદ્ધોમાં તે વધુ હોય છે.

ESR વિવિધ રોગોમાં વધે અથવા ઘટે છે. તે કોઈ ચોક્કસ રોગની હાજરી સૂચવતો નથી પણ તેમના વિકાસ/નિયંત્રણ અંગે અગત્યની માહિતી આપે છે. વિવિધ ઉગ્ર ચેપમાં તથા ક્ષયરોગ જેવા દીર્ઘકાલી ચેપમાં તે વધે છે. વિવિધ પ્રકારના પીડાકારક સોજો (શોથ, inflammation) કરતા રોગોમાં ચેપની ગેરહાજરીમાં પણ વધે છે; દા.ત., આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematosus). તે મૂત્રપિંડનું કૅન્સર તથા બહુમજ્જાર્બુદ (multiple myeloma) જેવા રોગોમાં વધે છે. જો દર્દીને હૉજકિનનો રોગ હોય તો ઘણી વખત ESRનો વધારો રોગની સક્રિયતા અને ઘટાડો રોગ પરનું નિયંત્રણ સૂચવે છે.

ધવલ જેટલી

શિલીન નં. શુક્લ