યોસેમિટે (યોસેમાઇટ) :

January, 2003

યોસેમિટે (યોસેમાઇટ) : યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલો વેરાન પ્રદેશ. ભૌગોલિક સ્થાન : 37o 51´ ઉ. અ. અને 119o 33´ પ. રે. વગડા જેવો આ પ્રદેશ સાન ફ્રાન્સિસ્કોથી પૂર્વમાં આશરે 320 કિમી. અંતરે સિયેરા નેવાડા પર્વતોમાં આવેલો છે. આ વિસ્તારમાં આશરે 1,100 જેટલી તો પગદંડીઓ પડેલી છે. તે પૈકીની મોટાભાગની પગદંડીઓ ‘હાઇ સિયેરા’ તરફ જાય છે. હાઇ સિયેરા ભાગમાં ઝગમગતી જળસપાટીવાળાં સરોવરો, વેગીલાં ઝરણાં અને નદીઓ તથા ગિરિશિખરો જોવા મળે છે. યોસેમિટે રાષ્ટ્રીય ઉદ્યાન (Yosemite National Park) આ પ્રદેશનું અનેરું આકર્ષણ છે. તેમાં આવેલા સંગ્રહસ્થાનમાં અહીંના વન્ય જીવનને તેમજ ઇન્ડિયન સંસ્કૃતિને પ્રદર્શિત કરેલ છે.

આ પ્રદેશનાં જંગલોમાં અને પર્વતોમાં 60થી વધુ પ્રકારનાં પ્રાણીઓ અને 200થી વધુ જાતનાં પક્ષીઓ વસે છે. રીંછ અને હરણ તો અહીં પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે. યોસેમિટેમાં 30થી વધુ પ્રકારનાં વૃક્ષો અને 1,300થી વધુ પ્રકારના છોડ નજરે પડે છે. દુનિયાભરમાં ખૂબ જાણીતાં બનેલાં વિરાટ વૃક્ષો સિકવોઇઆ ડેન્ડ્રૉન જાઇજોન્શિયાનાં ત્રણ વિશાળ ઝુંડ અહીં આવેલાં છે. આ પૈકીનું મેરીપોસા ઝુંડ વધુ જાણીતું છે. તે યોસેમિટે ખીણની દક્ષિણે 56 કિમી. અંતરે ફાલેલું છે. તેમાં રાક્ષસી કદનું એક વૃક્ષ (ગ્રિઝલી જાયન્ટ ટ્રી) છે. તેના થડના નીચેના ભાગનો વ્યાસ 10 મીટરથી પણ વધુ છે.

યોસેમિટે નૅશનલ પાર્ક : યુ.એસ. કૉંગ્રેસે 1890માં યોસેમિટે રાષ્ટ્રીય ઉદ્યાનનું નિર્માણ કરેલું. તે વખતે તેમાં યોસેમિટે ખીણ અને મૅરીપોસા ગ્રોવનો સમાવેશ કર્યો ન હતો. કૅલિફૉર્નિયાએ આ ભાગો ફેડરલ ગવર્નમેન્ટને પાછા સોંપી દીધેલા; પરંતુ 1906માં આ બંને ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં પ્રવાસીઓ માટે જરૂરી બધી જ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. હાઇ સિયેરામાં બરફ પર સરકવાની (સ્કીંઇગ) રમત ખૂબ જ લોકપ્રિય બની રહેલી છે. પ્રવાસીઓના મનોરંજન માટેની અન્ય પ્રવૃત્તિઓમાં ઘોડેસવારી, ગૉલ્ફ, ટેનિસ, હાઇકિંગ, તરણ અને માછીમારીનો સમાવેશ થાય છે.

યોસેમિટે ખીણ : યોસેમિટે નૅશનલ પાર્કનું અતિ આકર્ષક સ્થળ તેની ખીણ ગણાય છે. આ ખીણ પાર્કના મધ્યભાગમાં આવેલી છે. સમુદ્ર-સપાટીથી તેની ઊંચાઈ 1,200 મીટર જેટલી છે. 1851માં સ્વયંસેવકોનું એક લડાયક દળ ‘મેરીપોસા બટાલિયન’ યોસેમિટે ઇન્ડિયનોના સમૂહને પકડવા નીકળી પડેલું. યોસેમિટેનો નેતા તેનાયા સિયેરા નેવાડાની પર્વત તળેટીમાં વસતા શ્વેત વસાહતીઓ પર ટુકડીઓ લઈ જઈને ધાડ પાડ્યા કરતો હતો. તેને પકડી લેવામાં આવેલો, પરંતુ પછીથી તેને ખીણમાં પાછો જવા છોડી દીધેલો; એ કારણે આ ખીણનું નામ યોસેમિટે ખીણ પડેલું છે.

લાખો વર્ષો અગાઉના અરસામાં કૅલિફૉર્નિયાનો આ સિયેરા નેવાડા પ્રદેશ પોપડાનું ક્રમિક ઉત્થાન થવાથી રચાયેલો છે. જેમ જેમ ઉત્થાન થયે જતું હતું, તેમ તેમ અહીંથી પશ્ચિમ તરફ વહેતી મર્સિડ નદીનો કાયાકલ્પ (rejuvenation) પણ થતો રહેતો હતો. પરિણામે ઘસારો, ધોવાણ અને સ્થાનાંતરનાં પરિબળોની ક્રિયાશીલતા પણ વધતી જતી હતી. આ રીતે આ નદીએ V-આકારનું સાંકડું ‘મર્સિડ મહાકોતર’ તૈયાર કરેલું. પછીથી આ કોતરમાં થઈને દળદાર હિમનદીઓ પણ વહેતી થઈ હતી. હિમનદીના બોજથી કોતરનો તળભાગ લીસો બની રહ્યો છે; એટલું જ નહિ, પાર્શ્વઘસારાને કારણે આ ખીણ V-આકારમાંથી ફેરવાઈને U-આકારની બની ગઈ છે. તેની સહાયક નદીઓએ આવાં ઊંડાં કોતરો રચ્યાં નથી, પરંતુ ત્યાં ઝૂલતી ખીણો (hanging valleys) તૈયાર થયેલી છે. સહાયક નદીખીણો મર્સિડ નદીખીણ કરતાં ઊંચાઈએ આવેલી છે.

જળધોધ : અહીં બ્રિડાલવિલ ધોધ આવેલો છે. આ ધોધ ખીણની દક્ષિણ દીવાલમાંથી 189 મીટરની ઊંચાઈ પરથી પડે છે. યોસેમિટે ધોધ યોસેમિટે નદી પરથી બે તબક્કે પડે છે. તેનો ઉપલો ધોધ (upper fall) 436 મીટરની ઊંચાઈએથી અને નીચલો ધોધ (lower fall) 98 મીટરની ઊંચાઈએથી પડે છે. આ બંને વચ્ચે જળપ્રપાતો પણ રચાયેલા છે, જેમાં બીજા 206 મીટરનો ઉમેરો થાય છે. આમ તેનો છેક ઉપરથી છેક નીચે સુધીનો તફાવત 740 મીટર જેટલો થાય છે.

ભૂપૃષ્ઠ : આ પ્રદેશ ઉત્થાન પામેલો હોવાથી અહીંનું ભૂપૃષ્ઠ ખીણતળથી ઘણી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ખીણને મથાળે આશરે 2,700 મીટરની ઊંચાઈ ધરાવતો એક ઘૂમટ ‘હાફ ડોમ’ જોવા મળે છે. અખંડિત ગ્રૅનાઇટનો એક વિરાટ કદનો ‘અલ કૅપ્ટન’ ખડકજથ્થો પણ છે, તે મહાકોતરથી આશરે 1,100 મીટરની ઊંચાઈ ધરાવે છે. યોસેમિટે ખીણ-પ્રદેશનું સર્વોચ્ચ સ્થાન ‘ક્લાઉડ્ઝ રેસ્ટ’ ખીણતળથી આશરે 3,000 મીટરની ઊંચાઈએ રહેલું છે.

હેચ હેચી ખીણ : આ ખીણ યોસેમિટે નૅશનલ પાર્કના વાયવ્ય ભાગમાં આવેલી છે. યોસેમિટે ખીણની જેમ જ આ ખીણ પણ તોલમ્ની નદીથી તેમજ જૂની હિમનદીઓથી કોતરાયેલી છે. આ નદી હેચ હેચી ખીણથી પૂર્વ તરફ ઘણી ઝડપથી મહાકોતરમાં થઈને વહે છે અને 6 કિમી.ના અંતરે 1,200 મીટરની ઊંચાઈએથી નીચે ખાબકે છે, તે ઘણા પ્રપાતો અને ધોધનું નિર્માણ કરતી આગળ વધે છે. આ પૈકીનો વૉટરવ્હીલ ધોધ અજાયબીભર્યું ર્દશ્ય રચે છે. તેમાં વમળો અને જળઉછાળાની શ્રેણી રચાય છે. કેટલાક જળઉછાળા 12 મીટર જેટલી ઊંચાઈના હોય છે. જ્યારે નદીમાં પ્રપાતો રચાતા હોય ત્યારે ગ્રૅનાઇટની ઊભી દીવાલ પરથી નીચે પડતો જળજથ્થો બીજા ખડકના અવરોધથી અથડાઈને જળઉછાળામાં પરિણમે છે. તોલમ્ની નદી વિશાળ ઘાસભૂમિવાળાં તોલમ્ની મેદાનોમાં થઈને પણ વહે છે. આ પ્રદેશ રમણીય ર્દશ્યોવાળો હોવાથી પ્રવાસીઓ અહીં રોકાય છે, પર્વતારોહકોની છાવણીઓ પણ અહીં જ નખાતી હોય છે. તિઓગા રોડ પર આવેલાં મેદાનો નજીકનું તેનાયા સરોવર પણ ઘણું જ વિશાળ છે; એટલું જ નહિ, યોસેમિટે વિસ્તારમાંનાં આશરે 300થી વધુ સરોવરો પૈકીનું અત્યંત રમણીય સરોવર પણ ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા