યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ

January, 2003

યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ : સામુદ્રિક તોફાન સમયે જહાજને તરતું રાખવા અને બચાવવા માટે તેમાં ભરેલા માલમાંથી કેટલોક માલ સમુદ્રમાં ફેંકી દેવાથી તે માલના માલિકને થયેલી નુકસાની જહાજમાલિક અને બચી ગયેલા માલના માલિકો પાસેથી વરાડે વસૂલ કરવા અંગે યૉર્ક અને ઍન્ટવર્પનાં સંમેલનોમાં 1877માં બનાવેલા નિયમો. જળમાર્ગે પરિવહન કરતાં જહાજોમાં અનેક માલિકોનો માલ હોય છે. તેથી સમુદ્રમાં તોફાન થાય ત્યારે જહાજ અને તેમાં ભરેલા માલમાંથી કયા માલને બચાવવો તેનો નિર્ણય જહાજના કપ્તાન કરે છે અને બાકીનો માલ સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે. આમ થવાથી ફેંકી દેવાયેલા માલના માલિકને જ એકલાને નુકસાન થાય છે. તેને જહાજમાલિક અને બચી ગયેલા માલના માલિકો માટે કરેલો ત્યાગ કહેવાય છે, તેથી તેને થયેલી હાનિ તેની અંગત હાનિ નહિ, પરંતુ જહાજમાલિક સહિત બચી ગયેલા માલના બધા માલિકોની સર્વસામાન્ય હાનિ (ફ્રેન્ચ ભાષાના avarie એટલે damage શબ્દના આધારે general average) તરીકે ઓળખાય છે. વિશ્વનાં બધાં રાષ્ટ્રોમાં આ સિદ્ધાંત અંગે સર્વસંમતિ છે, પરંતુ આવી હાનિથી થયેલા નુકસાનની ફાળવણી અંગે દરેક રાષ્ટ્રે બનાવેલા કાયદાઓમાં એકસૂત્રતા ન હતી. આ વૈધાનિક સંઘર્ષ દૂર કરવા માટે જહાજમાલિકો અને અન્ય રસ ધરાવતા લોકોનાં આંતરરાષ્ટ્રીય સંમેલનો ઈ. સ. 1877માં પ્રથમ યૉર્કમાં અને ત્યારપછી ઍન્ટવર્પમાં મળ્યાં હતાં. તેમાં સર્વસંમતિથી જે નિયમો બનાવવામાં આવ્યા તે યૉર્ક-ઍન્ટવર્પ રૂલ્સ તરીકે ઓળખાય છે. આ નિયમોને આંતરરાષ્ટ્રીય કાયદાનું બળ મળેલું નથી, પરંતુ જળપરિવહન સાથે સંકળાયેલા વ્યાપારીઓ અંદરોઅંદર કરેલા કરારમાં આ નિયમોને અનુરૂપ શરતો ઉમેરે છે; તેથી જળપરિવહનની સર્વસામાન્ય હાનિથી સમુદ્રમાં ફેંકી દેવાયેલા માલના માલિકને થયેલું નુકસાન વીમો ઉતારનાર અથવા બાંયધરી-દલાલ (under writer) ચૂકવી આપે છે, જેના બદલામાં માલિકને જહાજમાલિક અને અન્ય માલના માલિકો પાસેથી વસૂલાત કરવાનો મળતો હક બાંયધરી-દલાલને આપવામાં આવે છે.

જયન્તિલાલ પો. જાની