યેઝોફ, નિકોલાઈ ઇવાનોવિચ

January, 2003

યેઝોફ, નિકોલાઈ ઇવાનોવિચ (જ. 1895, પીટર્સબર્ગ, રશિયા; અ. જાન્યુઆરી, 1939) : રશિયાના જાસૂસી પોલીસતંત્રના વડા. પ્રારંભમાં તેઓ પક્ષના માત્ર પ્રાંતીય અધિકારી હતા. સ્ટાલિને તેમને 1936માં પીપલ્સ કૉમિસેરિયટ ઑવ્ ઇન્ટર્નલ અફેર્સ(NKVD)ના વડા તરીકે નિયુક્ત કર્યા. તેમના નેજા હેઠળ લશ્કરી અધિકારીઓની સાફસૂફી (purge) કરવામાં આવી. 1937–38 દરમિયાન તેમણે તાકાતના પ્રદર્શન-રૂપ અદાલતી ખટલા યોજ્યા અને તેમાં સ્ટાલિનના સંભવિત રાજકીય પ્રતિસ્પર્ધીઓને હઠાવવામાં આવ્યા. ડિસેમ્બર 1938માં બેરિયાએ તેમનું સ્થાન સંભાળી લીધું. 2 મહિના પછી તેઓ અદૃશ્ય થઈ ગયા. તેમની નિષ્ઠુર કાર્યરીતિનો ભોગ બનેલી વ્યક્તિઓ જેવી જ તેમની દશા થઈ હોવાનું અને ઘણું કરીને તેમને ફાંસી આપવામાં આવી હોય એવું મનાય છે.

મહેશ ચોકસી