યુગધર્મ : ગુજરાતી સામયિક. 1922માં ઇન્દુલાલ યાજ્ઞિક અને એ પછી ડૉ. સુમંત મહેતા અને રામનારાયણ પાઠક સંપાદિત આ સામયિકે પ્રજાની રાષ્ટ્રભાવનાને સક્રિય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રભક્તિને પ્રજાહૃદયમાં દૃઢમૂલ કરવા માટે વિશ્વઇતિહાસ, વૈશ્વિક રાજકારણના પ્રવાહો અને સ્વાતંત્ર્ય અર્થે લડતી પ્રજાઓની ભાવનાનું પ્રકટીકરણ ‘યુગધર્મ’નો વિશેષ બની રહ્યા.

‘યુગધર્મ’માં પ્રસિદ્ધ લખાણો ઇન્દુલાલની વિશાળ દૃષ્ટિના પરિચાયક છે. ‘ઇંગ્લૅન્ડના પ્રજાકીય સાહિત્યના આદિ કવિ લૅંગ લૅન્ડ’, ‘એશિયાની એકતા : કાર્લ માર્કસ’, ‘અમેરિકાના સીદીઓની પ્રગતિ’, ‘અફઘાનિસ્તાનની આઝાદી’, ‘જાપાનની શાળાઓ’, ‘રશિયન સાહિત્યનાં સીમાચિહ્નો’  એનાં ઉદાહરણો છે.

મહિલાવર્ગને થયેલો કાયદાવિષયક અન્યાય, ડાંગનાં જંગલો અને ભીલો, કવિતાશિક્ષણ, અસહકાર અને સમાજજીવન, કેળવણીના કેટલાક મૂળ દોષો, ન્હાનાલાલનું નાટક ‘ઇન્દુકુમાર’ જેવા વિધવિધ વિષયનાં લખાણો પ્રકાશિત કરવા પાછળ સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, રાજકારણ, ધર્મ અને તત્વજ્ઞાનના પ્રસારની ‘યુગધર્મ’ની ખેવના જોઈ શકાય છે.

મહાત્મા ગાંધીજીથી માંડીને મહાદેવ દેસાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર જેવા એ સમયના તેજસ્વી સર્જકોનાં લખાણો ‘યુગધર્મ’ને ધ્યાનાર્હ સામયિક ઠેરવે છે. રામનારાયણની વાર્તાસર્જનની ગંગોત્રી ‘યુગધર્મ’માં છે.

યુગભાવનાને સમજીને ઉત્તમને કઈ રીતે પોષી શકાય એ વિચારવાની દૃષ્ટિ અને ઇન્દુલાલના વિભૂતિમત્ સત્વનું દર્શન ‘યુગધર્મ’માં જોવા મળે છે. ઇન્દુલાલે યુગ પ્રત્યેના સ્વધર્મનું પૂરી નિસબતથી ‘યુગધર્મ’ દ્વારા પાલન કરતાં જે તે સર્જકો પાસેથી અભ્યાસ અને પ્રતિભાના ફળરૂપ લખાણો મેળવ્યાં. ઇન્દુલાલના પ્રભાવક વ્યક્તિત્વનો આલેખ ‘યુગધર્મ’માંથી સાંપડે છે.

આ સામયિક સમાન હેતુ ધરાવતા ક. મા. મુનશીના ‘ગુજરાત’ સામયિક સાથે ઈ. સ. 1925માં ભળી ગયું.

કિશોર વ્યાસ