યુકાતાન : મેક્સિકોના અગ્નિ છેડા પર આવેલો દ્વીપકલ્પીય ભૂમિભાગ. ભૌગોલિક સ્થાન : તે 19° 30´ ઉ. અ. અને 89° 00´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,97,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ અને ઉત્તર તરફ મેક્સિકોનો અખાત તથા પૂર્વ તરફ કૅરિબિયન સમુદ્ર આવેલા છે. આ ભૂમિભાગમાં યુકાતાન, ક્વિન્તાના રૂ, કૅમ્પેક જેવાં મેક્સિકન રાજ્યો તથા દક્ષિણમાં બેલિઝ અને ગ્વાટેમાલાના પ્રદેશોનો સમાવેશ થઈ જાય છે. આ દ્વીપકલ્પની સરેરાશ પહોળાઈ આશરે 320 કિમી. અને દરિયાકિનારાની લંબાઈ 1,100 કિમી. જેટલી છે.

યુકાતાનનો ઉત્તર અને પશ્ચિમ દરિયાકિનારો નીચો, રેતાળ, અર્ધવેરાન અને ખંડિત છે. આ કિનારા પર વચ્ચે વચ્ચે નાનાં નાનાં નગરો કે બંદરો આવેલાં છે. પૂર્વ કિનારો ભેખડોથી રચાયેલો છે. ત્યાં ઉપસાગરો કે અખાતો આવેલા છે. આ કિનારે ઘણા ટાપુઓ પણ છે. તે પૈકી સૌથી મોટો ટાપુ કોઝુમલ (Cozumel) છે. તેને કિનારે કિનારે લોકો મચ્છીમારીનો વ્યવસાય કરે છે. આ કિનારા પર સારા રેતાળ કંઠારપટ આવેલા છે.

આખોય દ્વીપકલ્પ લગભગ સંપૂર્ણપણે પરવાળાંના થરોથી તેમજ છિદ્રાળુ ચૂનાખડકોથી બનેલો છે. તેના ઉપર પાતળું સૂકું જમીનપડ તૈયાર થયેલું છે. દક્ષિણ તરફ જતાં ભૂપૃષ્ઠ ક્રમશ: ઊંચું બનતું જાય છે અને પઠારપ્રદેશમાં ફેરવાય છે. જ્યાં જ્યાં ચૂનાખડકો દ્રવીભૂત થઈને ધોવાણ પામ્યા છે ત્યાં કુદરતી કૂવાઓ અને ગુફાઓનું નિર્માણ થયું છે.

દ્વીપકલ્પના વાયવ્ય ભાગની આબોહવા ગરમ અને સૂકી છે. પૂર્વ અને દક્ષિણ તરફ જતાં ભેજનું પ્રમાણ વધતું જાય છે. ત્યાં નાના નાના છોડવાઓથી બનેલાં જંગલો આવેલાં છે. તે ક્રમે ક્રમે (મેહૉગની) ઊંચાં વૃક્ષોમાં ફેરવાય છે. આખાય દ્વીપકલ્પમાં વર્ષભર પૂરતો વરસાદ પડે છે. આ એ જ પ્રદેશ છે, જ્યાં પ્રાચીન મય સંસ્કૃતિ વિકસેલી. મય અને તોલ્તેક લોકોએ તેમનાં નગરો તેમજ સામાજિક કે અન્ય વિધિવિધાનો કરવા માટેનાં મથકો બાંધેલાં. ઘણા લાંબા વખત સુધી મેક્સિકન લોકો દ્વારા માયાપાન નામથી ઓળખાતા રહેલા આ દ્વીપકલ્પમાં 1519માં સર્વપ્રથમ વાર સ્પેનના લોકો આવેલા. 1519માં કોઝુમલના વતનીઓ સાથે હર્નાન કૉર્ટિસ સંઘર્ષમાં ઊતર્યો. તે પછીથી તે છ વર્ષ બાદ આ દ્વીપકલ્પના અંતરિયાળમાં આવેલા પ્રદેશોને ખૂંદી વળેલો. 1542માં યુકાતાનના પશ્ચિમ છેડા પર મેરિડા સ્થપાયું, પરંતુ 1549 સુધી અહીં સ્પૅનિશ શાસન સ્થપાયું ન હતું. તેમ છતાં દ્વીપકલ્પના આશરે અર્ધા ભાગ પર તેમનું આંશિક વર્ચસ્ તો જામી ગયું હતું. અહીંની અગાઉ વિકસેલી સંસ્કૃતિ ક્ષય પામી રહી હતી. તેના ભગ્ન અવશેષો સ્પેનના લોકોએ શોધી કાઢ્યા. કેટલાંક ઉજ્જડ બની ગયેલાં શહેરો ખંડિયેરોમાં ફેરવાયેલાં હતાં, પરંતુ ચિચેન ઇત્ઝા (Chichen Itza), ઉક્સમલ (Uxmal) અને તુલુમ (Tulum) જેવાં કેટલાંક નગરોમાં હજી અગાઉની મય વસ્તીના ગણ્યાગાંઠ્યા લોકો વસતા હતા. વસાહતોની સ્થાપનાના સમય દરમિયાન અહીં શાસનાધિકારીઓ નિમાયા હોવા છતાં યુકાતાન મહત્વવિહીન, એકલાઅટૂલા પ્રદેશ તરીકે રહેલું. મય લોકો આ પ્રદેશના અંતરિયાળ ભાગોમાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં, ખાસ કરીને ક્વિન્તાન રૂ વિસ્તારમાં જતા રહેલા. આ બધા જ સમયગાળા દરમિયાન તેઓ પોતાના પ્રદેશમાં વધતા જતા સ્પેનના શાસનનો સતત પ્રતિકાર કરતા રહેલા.

અહીંની આર્થિક પ્રવૃત્તિઓ વિવિધતાથી ભરેલી છે. આ પ્રદેશમાં મકાઈ, શેરડી, તમાકુ, કપાસ, કૉફી અને હેનક્વેન(રેસાદાર છોડ)ની ખેતી થાય છે. 1502માં કોલંબસે તેના લખાણમાં આ હેનક્વેન વિશે નોંધ કરેલી છે. અહીંના ઇન્ડિયનો તેના રેસામાંથી તેમની હોડીઓ બાંધવા માટેનાં દોરડાં બનાવતા હતા. 1811 સુધી તો આ રેસાઓની નિકાસ થતી ન હતી. 1880 પછી યાંત્રિક મદદથી તેનાં દોરડાં બનાવવાનું શરૂ થતાં તેનો વેપાર વિકસતો ગયો. તે પછીથી યુકાતાનના ઘણા ભાગોમાં તેલની ખોજ શરૂ થઈ; પરંતુ 1970ના દસકા સુધી તો અહીંથી મર્યાદિત પ્રમાણમાં માત્ર કુદરતી વાયુ જ મળતો હતો. ધીમે ધીમે યુકાતાનનો વિકાસ થતો ગયો. પ્રાચીન સંસ્કૃતિ ધરાવતાં પુરાતત્વીય સ્થળો જેમ જેમ શોધાતાં ગયાં અને અવરજવર માટેના વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ થતી ગઈ, તેમ તેમ અહીં મુલાકાતીઓની સંખ્યા પણ વધતી ગઈ. અહીંનાં કુદરતી દૃશ્યો માણવા પ્રવાસીઓ આવવા લાગ્યા. આ રીતે યુકાતાનમાં પ્રવાસનનું મહત્વ પણ વધ્યું.

વીસમી સદીના મોટાભાગના સમયગાળા માટે યુકાતાન મેક્સિકો કરતાં વધુ તો યુરોપ સાથે સંકળાયેલું હતું. 1949માં મેક્સિકોની મુખ્ય ભૂમિ સાથે નૅરોગેજ રેલમાર્ગ બંધાયો હતો ખરો, પરંતુ 1957 સુધી તે વિકસ્યો ન હતો. ત્યારબાદ આ રેલમાર્ગને મીટરગેજમાં ફેરવવામાં આવ્યો. હજી આજે પણ અહીં ધોરી માર્ગોનું પ્રમાણ મર્યાદિત છે; તેમ છતાં અહીંનાં મોટાભાગનાં શહેરો તેમજ મથકો મેક્સિકો શહેર સાથે હવાઈ માર્ગે સંકળાયેલાં છે.

યુકાતાન સામુદ્રધુની : કૅરિબિયન સમુદ્ર અને મેક્સિકોના અખાતને જોડતી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 20° 45´ ઉ. અ. અને 89° 00´ પ. રે. તેની લંબાઈ 217 કિમી. જેટલી છે. તે મેક્સિકોની કેટોક ભૂશિર અને ક્યૂબાની સાન ઍન્ટોનિયો ભૂશિર વચ્ચે વિસ્તરેલી છે. અહીં ઉત્તર અને દક્ષિણ વિષુવવૃત્તીય સમુદ્રપ્રવાહો અગ્નિ દિશા તરફથી પ્રવેશે છે અને ત્યારબાદ મેક્સિકોના અખાતમાં તે અખાતી પ્રવાહ તરીકે ઓળખાય છે.

જાહ્નવી ભટ્ટ