યિડિશ ભાષા અને સાહિત્ય

January, 2003

યિડિશ ભાષા અને સાહિત્ય : પૂર્વ અને મધ્ય યુરોપના યહૂદી ઍશ્કેનાઝીના લોકોની ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. યિડિશ ભાષા પર જર્મન ભાષાનો ઘણો પ્રભાવ છે. તેની વર્ણમાલા હીબ્રૂથી થોડી જુદી પડે છે. ‘યિડિશ’નો અર્થ હીબ્રૂ વંશનો કે યહૂદી ધર્મનો માણસ થાય છે. નવમી–બારમી સદીમાં નૈર્ઋત્ય જર્મનીમાં તે ઉદભવી. તેનો આદિસ્રોત મધ્ય અને ઊંચાણવાળા પ્રદેશની બોલીઓમાં મળે છે. ત્યાં વસવાટ કરતા યહૂદીઓએ તેને પોતાની વિશેષ જરૂરિયાતો મુજબ જર્મન બોલીઓમાંથી ધીમે ધીમે નિપજાવી. મૂળ જર્મનમાં યહૂદીઓના ધાર્મિક આચારવિચારને લગતા હીબ્રૂ શબ્દો ઉમેરાતા ગયા. પાછળથી યુરોપના યહૂદીઓ સ્લાવિક ભાષાઓ બોલતા લોકો સાથે ભળતા ગયા, એટલે સ્વાભાવિક રીતે સ્લાવિક અસરો ઝીલતા ગયા. પૂર્વ યુરોપમાં બોલાતી યિડિશ ભાષાના શબ્દકોશમાં 85 % જર્મન, 10 % હીબ્રૂ અને 5 % સ્લાવિક શબ્દો છે. જોકે તેમાં જૂજ રુમાનિયન, ફ્રેન્ચ અને અન્ય ભાષાઓના શબ્દો પણ મળે છે. કેટલાક અંગ્રેજી શબ્દો અને શબ્દસમૂહો યિડિશમાં સ્વીકારાયા છે. આનો બહોળો ઉપયોગ અમેરિકામાં થાય છે. આધુનિક યિડિશ આધુનિક જર્મન ભાષાથી જુદી પડે છે. યિડિશમાં વિભક્તિપ્રત્યયો અને વાક્યરચના વધુ સરળ બની છે. સ્લાવિક ભાષાનું વ્યાકરણ યિડિશમાં સ્વીકારાયું છે. જર્મન શબ્દોનાં વધુ સરળ ઉચ્ચારણો યિડિશમાં થયાં છે. ઉચ્ચારણની બાબતમાં યિડિશ ભાષા પર સ્લાવિક ભાષાઓનો મોટો પ્રભાવ છે.

યિડિશમાં પૂર્વ ભાગની બોલીઓના જૂથમાં ઉત્તર અને દક્ષિણમાં તેની વિસ્તરેલી શાખાઓ છે. ઈશાન તરફના વિસ્તારમાં બાલ્કન દેશોમાં અને રશિયાના વાયવ્ય પ્રદેશમાં યિડિશ બોલાય છે. દક્ષિણ શાખામાં પોલૅન્ડ, રુમાનિયા અને યુક્રેનમાં યિડિશ બોલીઓ પ્રચલિત છે. પશ્ચિમવાળું જૂથ પ્રમાણમાં નાનું છે અને ત્યાં મુખ્યત્વે જર્મન ભાષા બોલાય છે.

યિડિશ ભાષાને સહેલાઈથી ઘાટ આપી શકાય છે. તે અન્ય ભાષાઓના શબ્દોને સરળતાથી આત્મસાત્ કરી લે છે. તેની કહેવતો સમૃદ્ધ છે. તેના શબ્દો બળકટ અને સારગર્ભ છે. આ ભાષામાં તાજગી, તીખાશ અને તીવ્રતા અનુભવાય છે. તે પંડિતોની નહિ, પણ સામાન્ય લોકોની ભાષા છે. એટલે તેમાં ભાવવાચક શબ્દોનું ભંડોળ પ્રમાણમાં ઓછું છે. જોકે તેમાં લઘુતાદર્શક શબ્દોનું પ્રમાણ વધુ છે. તેમાં વહાલ અને શપથ વ્યક્ત કરતા શબ્દો પણ ભરપટ્ટે મળે છે. આ લક્ષણોથી યિડિશ ભાષા વિશિષ્ટ રીતે ઉષ્માસભર અને લાક્ષણિક ફોરમ ધરાવતી હોવાનું પ્રતીત થાય છે.

વીસમી સદીમાં યિડિશ બોલનારા લોકોની સંખ્યા અમેરિકા અને પૂર્વ યુરોપમાં આશરે 1 કરોડ 10 લાખ જેટલી હતી. જોકે યિડિશ બોલનારની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. આનું મુખ્ય કારણ પોલૅન્ડમાં નાઝીઓ દ્વારા થયેલ યહૂદીઓની કત્લેઆમ છે. અન્ય દેશોમાં પણ દ્વિતીય વિશ્વયુદ્ધ વખતે યહૂદીઓના આવા જ હાલહવાલ થયેલા. વળી યહૂદીઓએ તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં, અમેરિકા અને રશિયામાં પણ, તે તે પ્રદેશોની ભાષાઓને સ્વીકારી લીધી. 1984માં રશિયામાં રશિયન-યિડિશ શબ્દકોશ પ્રકાશિત થયો હતો. આમાં શબ્દવ્યુત્પત્તિ અને વ્યાકરણ વિશે અધિકરણો પણ અપાયાં છે. રશિયાના કેટલાક યહૂદીઓએ યિડિશ ભાષામાં નવલકથાઓ પ્રસિદ્ધ કરી છે. ઇઝરાયલમાં હિબ્રૂનો પ્રચાર વધતો ગયો છે, પરંતુ સાથે સાથે યિડિશનો બીજી ભાષા તરીકેનો દરજ્જો પણ સચવાયો છે. જૂની પેઢીઓ તેને જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહી છે, તેમ છતાં હવે બહુ થોડા ઇઝરાયલી કવિઓ યિડિશમાં લખે છે. હિબ્રૂ યુનિવર્સિટી ઑવ્ જેરૂસલેમમાં યિડિશ ભાષાનો વિભાગ છે. અમેરિકાની કેટલીક કૉલેજો અને શાળાઓમાં યિડિશ ભણાવાય છે. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઑવ્ પૅરિસમાં પણ યિડિશનો અભ્યાસ કરાવવામાં આવે છે. ઇવો ઇન્સ્ટિટ્યૂટ ફૉર જૂઇશ રિસર્ચ, પોલૅન્ડને છેલ્લે 1940માં ન્યૂયૉર્ક સિટીમાં ખસેડવામાં આવ્યું. આ સંસ્થા યિડિશ ભાષાના અભ્યાસને ઉત્તેજન આપે છે.

યિડિશ સાહિત્ય : અમેરિકા, પૂર્વ યુરોપ અને અન્ય દેશોમાં યિડિશ ભાષામાં પેઢી દર પેઢી રચાયેલું જે સાહિત્ય છે, તેને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (1) શરૂઆતનું યિડિશ સાહિત્ય; (2) શિષ્ટ યિડિશ સાહિત્ય અને (3) અનુશિષ્ટકાલીન સાહિત્ય. બારમી સદીમાં યહૂદી ગાયક ભાટ જર્મનીમાં ભમતાં ભમતાં યિડિશ ભાષામાં જૂની અને તત્કાલીન કાવ્યરચનાઓ ગાતા હતા. જોકે છેક ઓગણીસમી સદી પહેલાં યિડિશમાં ધાર્મિક પ્રાર્થનાઓ રચાતી હતી, જેમનું ધ્યેય યહૂદી ધર્મના કર્મકાંડ અને વિચારની સમજ આપવાનું હતું. ‘ઝેનાહ યુરેનાહ’ અને ‘મા સેહ બુચ’ એ યિડિશ વાર્તાઓ-કથાનકોના નોંધપાત્ર ગ્રંથો છે. ‘ઝેનાહ યુરેનાહ’માં પેન્ટાય્યુકની વાર્તાઓને આઇઝેક ઍશકેનાઝીએ સંગીતમાં સ્વરબદ્ધ કરી છે. ‘માસેહ બુચ’માં નીતિબોધ છે. સ્ત્રીઓને કરવાની પ્રાર્થનાઓ ‘ટેહિનોટ’માં સંગૃહીત કરવામાં આવી છે. બિનસાંપ્રદાયિક સાહિત્યમાં ઓગણીસમી સદીનું ‘ગ્લુકેલ ઑવ્ હેમેલ’ (1896) જર્મન-યહૂદી કુટુંબની સાંભરણો છે. તે યિડિશ સાહિત્યની, આરોન આઇઝેકે લખેલ પ્રથમ રોજનીશી છે.

હસ્કેલા, હૅસિડવાદ અને પ્રતિસેમિટિકવાદ (Haskalah, Hasidism, anti-Semitism)ની અસર યિડિશ સાહિત્ય પર થઈ છે. હસ્કેલાનો અર્થ હીબ્રૂમાં તર્ક અથવા બુદ્ધિનો પ્રકાશ થાય છે. અઢારમી સદીની આ ચળવળનું ધ્યેય યહૂદી પ્રજાને પશ્ચિમની સંસ્કૃતિથી જાણીતી કરવાનું હતું. તેના મુખ્ય કાર્યકર્તા જર્મન-યહૂદી ફિલસૂફ મોઝિઝ મેન્ડેલસ્સોહન હતા. હસ્કેલાના ચળવળકારો યિડિશને ભાષા તરીકે નહિ સ્વીકારતાં, હિબ્રૂને અથવા પોતે જે દેશમાં રહેતા હોય તે ભાષાને જ અગત્યની ગણતા હતા. છતાંય તેમને યિડિશમાં જ લખવું પડતું હતું. કારણ કે આખરે તો તે યહૂદી લોકોની જ ભાષા હતી. હૅસિડવાદ લોકપ્રિય ધાર્મિક ચળવળ હતો અને તે જૂડેઇઝમ-યહૂદીઓના એકેશ્વરવાદી ધર્મની વિરુદ્ધ હતો. યિડિશ ભાષા અને સાહિત્ય માટે તે ગૌરવ અનુભવતો હતો. વળી પ્રતિસેમિટિકવાદે યહૂદીઓને પોતાની જાત માટે સભાન કર્યા અને તેથી તેઓ યહૂદી સંસ્કૃતિ અને પરંપરાની યોગ્ય કદર કરતા થયા. જોકે ઝારની સરકારે 1881માં મુકરર કરેલી ‘પોગ્રમ’ (pogrom)  સામૂહિક કતલની નીતિએ પૂર્વ યુરોપના યહૂદીઓના યુરોપની સંસ્કૃતિમાં ભળવાના મનસૂબાને બર ન આવવા દીધો.

ઓગણીસમી અને વીસમી સદીમાં યિડિશ સાહિત્યમાં શિષ્ટ કૃતિઓ રચાઈ. તે સમયના મહાન નવલકથાકારોમાં શેલૉમ જેકબ અબ્રામોવિટ્ઝ, શેલૉમ એલીચેમ અને આઇઝેક લીબ પેરેટ્ઝનાં નામ નોંધપાત્ર છે. આ બધા સાહિત્યકારોએ પશ્ચિમ રશિયામાં રહેતા યહૂદીઓના જીવનની અને ખાસ કરીને યહૂદીઓની અલગ છેવાડાના વસવાટવાળી  ‘ઘેટો’ જેવી ‘શેટી’(shteti)ની ત્રાસદાયક અને અત્યંત વસમી પરિસ્થિતિની રજૂઆત કરી છે. અહીં લેખક પોતાની વસ્તી વિશે તો સારી પેઠે સભાન છે, પરંતુ સાથે સાથે બહારની દુનિયા સાથે તેની તાલમેલની બાબતમાં કેવી પરિસ્થિતિ છે તેનો તાગ મેળવવા પ્રયત્ન કરે છે.

મેન્ડેલ મોબેર સેફારિમની યિડિશમાં લખાયેલી ટૂંકી વાર્તાઓમાં યહૂદીઓ પ્રત્યે લાગણીસભર સંવેદના પ્રગટ થઈ છે. શહેરમાં છેવાડે આવેલા યહૂદી લોકોની વસ્તીવાળા ભાગને ‘ઘેટો’ એટલે કે યહૂદી વાડો કહે છે. મેન્ડેલ યહૂદી પરંપરાઓને જાળવવાના પક્ષમાં છે. શેલૉમ ઍશ્ચ યિડિશ લેખકોમાં સૌથી વધુ વંચાતો લેખક છે. તેના લખાણમાં હાસ્ય સાથે કરુણ ઘૂંટાયો હોય છે. તે યહૂદીઓના સ્વભાવની ઋજુતા વ્યક્ત કરે છે. પેરેટ્ઝ રશિયન લેખકોનો ચાહક છે. પશ્ચિમ યુરોપના સાહિત્યનો પણ તે આશક છે. અત્યંત બુદ્ધિશાળી વર્ગનો આ લેખક સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ભૂમિકા ધરાવતો યહૂદી લેખક છે. પશ્ચિમ યુરોપના સમર્થ સાહિત્યકારોની રચનાઓની હરોળમાં ઊભી રહી શકે તેવી, મનોવિશ્લેષણયુક્ત ટૂંકી વાર્તાઓનું તેણે સર્જન કર્યું છે. ‘કિડ્ડુશ-હૅશૅમ’, ‘ધ ગૉડ ઑવ, વેન્જન્સ’, ‘ધ નેઝરીન’, ‘ધી ઍપોસ્ટલ’, ‘ધ પ્રોફેટ’ વગેરે તેમની નોંધપાત્ર કૃતિઓ છે.

પ્રથમ વિશ્વયુદ્ધની અસર તળે, અન્ય દેશોમાં વિસ્થાપિત થવાથી, સ્થાનિક ક્રાન્તિઓ અને જુલ્મોથી યહૂદી જીવન છિન્નભિન્ન થઈ ગયું હતું. આ યાતનાઓમાંથી ઊગરેલા અને માંડ માંડ જીવ બચાવીને ભાગી છૂટેલા યહૂદીઓ અમેરિકામાં, સવિશેષ ન્યૂયૉર્ક સિટીમાં, જઈને ઠરીઠામ થયા. વૉર્સો પછી ન્યૂયૉર્ક યહૂદીઓ માટેનું સાહિત્યધામ બન્યું. કેટલાક પશ્ચિમ યુરોપ અને વેસ્ટ બૅન્ક અને ગાઝાપટ્ટીના વિસ્તારમાં વસ્યા. કેટલાક રશિયામાં રહ્યા. કેટલાક બૉલ્શેવિક ક્રાન્તિની અસર તળે પણ આવ્યા. અબ્રાહમ રીઝેન સમર્થ યિડિશ કવિ છે. પોતાના શૈશવની ગરીબીને એમણે કાવ્યો અને ટૂંકી વાર્તાઓમાં ઢાળી છે. શેલૉમ ઍશ્ચ ખ્રિસ્તી ધર્મના મંડાણની ઉષ:કાળની નવલકથાઓ બિનયહૂદીઓ માટે લખે છે. ઇઝરાયલ જોશુઆ સિંગરે મોટા કદની નવલકથા ‘ધ બ્રધર્સ એશ્કેનાઝી’ (1936) લખી છે. ઝૅલમેન શ્યૂર ઇન્દ્રિયગમ્ય લખાણના લેખક છે. વાસ્તવવાદી લેખક મોશે કુલ્બેક કવિ, નાટ્યકાર અને નવલકથાકાર છે. ડેવિડ બર્ગેલસન નવલકથાકાર અને પત્રકાર છે. સ્ટાલિનના એકહથ્થુ શાસનથી પીડિત લેખકોમાંના તેઓ એક છે.

અમેરિકામાં કેટલાક યિડિશ લેખકો ‘યંગવન્સ’ તરીકે ઓળખાય છે. તેમાં લીવિક હાલ્પર્ન અને જોસેફ ઓયાતોશુ નોંધપાત્ર છે. સામાજિક અન્યાયને બદલે તેમનો ઝોક વ્યક્તિગત સર્જન અને ‘કલાને ખાતર કલા’ પર છે. અન્ય દેશમાં જઈને વસેલા યિડિશ કવિઓ અને લેખકોમાં જેકબ ગ્લેટસ્ટાઇન અને આરૉન ગ્લેન્ઝ વિશ્વવ્યાપી વિષયવસ્તુઓ પર લખે છે. આઇઝેક બેશેવિસ સિંગર ભવ્ય અને કરુણને ઘૂંટે છે અને તેમ કરતાં કલ્પનાવિહારમાં સરી પડે છે.

આઇઝેક બેશેવિસ સિંગર

વીસમી સદીમાં કેટલાક યહૂદી કવિઓ અમેરિકા અને વેસ્ટ બૅન્ક અને ગાઝાપટ્ટીમાં વસવાટ કરવા ગયા. તેમાં સાઇમન સૅમ્યુઅલ ફ્રગ, મૉરિસ રોઝૅનફેલ્ડ તથા હૈયિમ બિયાબિકનાં નામ નોંધપાત્ર છે. ફ્રગે રાજા ડેવિડે વસાવેલ ‘સિટી ઑવ્ ડેવિડ’ એટલે કે જેરૂસલેમનાં અને ઇઝરાયલની સ્મૃતિ અને અસ્મિતાનાં ગીતો રચ્યાં છે. મૉરિસે ન્યૂયૉર્કના મૅનહટન વિસ્તારમાં રહેતા યહૂદી શ્રમજીવીઓ, તેમની ઝૂંપડપટ્ટીઓ અને નાની નાની હાટડીઓ પર કવિતા રચી છે. બિયાલિક મોટા ગજાના યહૂદી કવિ છે અને તેમણે યિડિશમાં કવિતા લખી છે. મેલેચ રેવિટ્ચ કૅનેડામાં મૉન્ટ્રિયલમાં રહે છે. આરૉન ઝીટલિન, ઇટઝિક મેન્જર અને ચેમગ્રેડ ઉલ્લેખનીય કવિઓ છે. ગ્રેડ મનુષ્યો ઉપર થતા ત્રાસની કવિતા લખે છે. તેમની ટૂંકી વાર્તાઓમાં યહૂદી વિદ્યાર્થીઓના જીવનનું હૂબહૂ ચિત્રણ મળે છે.

શોલેમ ઍશ્વ

યિડિશમાં નાટ્યકારો તરીકે જેકબ ગૉર્ડિન, શ્લૉઇમ ઍન્સ્કી અને ડેવિડ પિંસ્કી નોંધપાત્ર છે. અબ્રાહમ ગોલ્ડફેડને રુમાનિયામાં ‘લાસી’ (1876) નામની યિડિશ રંગભૂમિની સ્થાપના કરી હતી. પછી ઑડેસા, વૉર્સો અને વિલિનિયસમાં પણ રંગભૂમિ માટેની પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ છે. 1883માં રશિયન સરકાર યિડિશ રંગભૂમિને સંપૂર્ણપણે બંધ કરે છે. તે પછી કેટલાક કલાકારો ન્યૂયૉર્ક સિટીમાં જઈ ચડે છે. ન્યૂયૉર્કમાં યિડિશ રંગભૂમિનું મુખ્ય કેન્દ્ર શરૂ થાય છે. 1980 પછી યિડિશ નાટકો અને સંગીતરૂપકો લખાય છે. આની રજૂઆત માટે ‘વિલ્ના ટ્રૂપ’, ‘ધ મૉસ્કો યિડિશ સ્ટેટ થિયેટર’ અને ‘ધ યિડિશ આર્ટ થિયેટર ઑવ્ ન્યૂયૉર્ક’ નામાંકિત રંગભૂમિઓ છે. 1915થી ‘ન્યૂયૉર્ક સિટી ધ ફૉક્સબીન’ અથવા ‘પીપલ્સ સ્ટેજ’ મોસમમાં એકથી વધુ નાટકોની રજૂઆત કરે છે.

યિડિશ ભાષામાં અનેક પત્ર-પત્રિકાઓ પ્રગટ થાય છે અને કૉલમો લખાય છે. ‘ધ વૉઇસ ધૅટ બ્રિંગ્ઝ ટાઇડિંગ્ઝ’ 1863માં અને ‘ઑડેસા’ 1865માં પ્રગટ થયાં. ન્યૂયૉર્કમાં પ્રથમ યિડિશ દૈનિક ‘યિડિસીઝ ટેજબ્લાટ’ શરૂ થયું. ‘ધ જૂઇશ ફૉરવર્ડ’ (1897) દૈનિકના તંત્રી અબ્રાહમ કેહાન અમેરિકન હતા. આજે પણ તે અઠવાડિક તરીકે યિડિશ અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થાય છે.

યિડિશ સાહિત્યમાં મહદંશે છેવાડાની વસ્તીનું દર્શન થાય છે. કોઈ ને કોઈ ગ્લાનિથી પીડાતી વ્યક્તિઓ અને તેમની અસુરક્ષિતતાની લાગણી અને કુંઠિતપણું અહીં અભિવ્યક્ત થયાં કરે છે. આ એવા લોકો છે, જે પોતાના માદરે વતનમાંથી ફેંકાઈ ગયા છે. બહારની તકનીકી સંસ્કૃતિ સાથે તેમનો સંબંધ પૂરેપૂરો સ્થપાયો નથી. છતાંય ધીરે ધીરે યિડિશ સાહિત્યની સીમાઓ વિસ્તરતી જાય છે. નવી સંસ્કૃતિની નિકટની સમજથી સભાન ઇતિહાસકાર મૅક્સ વીનરીચ, તત્વચિંતક અને ધર્મવેત્તા અબ્રાહમ જોશુઆ હેશ્ચેલ અને જેરૂસલેમની અસ્મિતાને હરહંમેશ નજર સમક્ષ રાખતા નિબંધકાર હેન ગ્રીનબર્ગ સમકાલીન સાહિત્યકારો છે.

યિડિશ સાહિત્યમાં વંશનિકંદનની કાળરાત્રિઓનાં દુ:સ્વપ્નો વારંવાર ર્દષ્ટિગોચર થાય છે. તેમાં શહીદો અને વીરપુરુષોની ગાથા પણ છે. અસતનાં કરતૂતોની તપાસ થાય છે. ઇટ્ઝૅક કૅત્ઝેનેલ્સન નાટ્યકાર અને કવિ છે. વૉર્સોના યહૂદીવાડાઓએ કરેલા બળવામાં તેમણે સક્રિય ભાગ ભજવેલો. તેમને યાતનાશિબિર(કૉન્સન્ટ્રેશન કૅમ્પ)માં ફાંસીએ ચડાવી દેવાયા હતા. 1943–44માં તેમણે સામૂહિક કતલની કરુણકથાનું સૌથી મહાન ગીત લખ્યું. ઇમૅન્યુઅલ રિંગેલબ્લમ બળવામાં માર્યા ગયા હતા. તેમણે ‘નોટ્સ ફ્રૉમ ધ વૉર્સો ઘેટો’ (1952) લખ્યું. એલી વાઇઝલ યહૂદીઓની સામૂહિક કતલના નવલકથાકાર છે. તેઓ ફ્રાન્સ અને ન્યૂયૉર્કમાં આંટાફેરા કરે છે. તેઓ યિડિશ ઉપરાંત ફ્રેન્ચમાં પણ લખે છે. પૂર્વ યુરોપની યહૂદી સંસ્કૃતિના તે જીવ છે. લેબેલ બોટવિનિક જેવા કેટલાક યિડિશ લેખકો ‘ન્યૂ જનરેશન’ (1978) નામનું સામયિક ચલાવે છે. એલિનૉર રૉબિનસન યહૂદી નથી, પણ યિડિશમાં કાવ્યો રચે છે. મેલેક રેવિટ્ચે ત્રણ ભાગમાં યિડિશ કવિઓની કૃતિઓનું સંપાદન (1954–58) કર્યું છે. અમેરિકન વિવેચકો અરવિંગ હાવે અને ઇલાયઝર ગ્રીનબેરીએ યિડિશ વાર્તાઓ, નિબંધો અને આત્મકથનાત્મક સ્મરણોનું સંપાદન કર્યું છે.

વિ. પ્ર. ત્રિવેદી