યમુના (નદી)

January, 2003

યમુના (નદી) : ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલી ઉત્તર ભારતની અગત્યની પ્રસિદ્ધ નદી. તે ‘જમુના’ નામથી પણ ઓળખાય છે. આ નદી હિમાલયના જમનોત્રી સ્થળેથી નીકળે છે. ત્યાંથી હિમાલયની તળેટીમાં તે દક્ષિણ તરફ વહે છે. તે ઉત્તરપ્રદેશ અને હરિયાણા રાજ્યોની સીમા રચે છે અને ઉત્તર ભારતનાં મેદાનોમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં તેનાં જળ પશ્ચિમી અને પૂર્વીય યમુના નહેરોને મળતાં રહે છે. દિલ્હી પસાર કર્યા પછીથી તે આગ્રા નહેરને પાણી પૂરું પાડે છે. મથુરા નજીક આવતાં તે અગ્નિકોણી વળાંક ગ્રહણ કરે છે અને આગ્રા, ફીરોઝાબાદ અને ઇટાવામાંથી પસાર થાય છે. ઇટાવાથી હેઠવાસમાં ગયા પછી તેને ઘણી શાખાનદીઓ મળે છે. તે પૈકી ચંબલ, સિંધ, બેટવા અને કેન ઉલ્લેખનીય છે. મૂળથી સંગમ સુધી 1,375 કિમી. જેટલી લંબાઈમાં વહ્યા પછી અલ્લાહાબાદ (પ્રયાગ) ખાતે તે ગંગા નદીમાં ભળી જાય છે. અહીંનું ગંગા-જમનાનું સંગમસ્થળ પ્રયાગ હિન્દુઓ માટે અતિ પવિત્ર ગણાય છે.

યમુના નદીમાં જળવાહનવ્યવહારનું પ્રમાણ ઘણું જ ઓછું રહે છે. આગ્રાથી ઉપરવાસ તરફ તેનાં પાણી નહેરોમાં વહી જતાં હોવાથી, ઉનાળાની ઋતુ દરમિયાન તો તે સાંકડી અને નાનકડી નદી બની રહે છે.

આ પ્રસિદ્ધ અને પવિત્ર નદીનો ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. ઋગ્વેદાનુસાર ત્રિત્સુ રાજા સુદાસે યમુનાતટે શત્રુઓ પર મહાન વિજય મેળવ્યો હતો. ત્રિત્સુઓનું રાજ્ય યમુના અને સરસ્વતી નદીઓની વચ્ચે આવેલું હતું. ઐતરેય બ્રાહ્મણ તથા શતપથ બ્રાહ્મણ મુજબ ભરતોની ખ્યાતિ યમુનાતટના વિજયથી થઈ હતી. અન્ય બ્રાહ્મણ ગ્રંથોમાં પણ યમુનાના ઉલ્લેખો મળે છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે યમ(સૂર્ય)ની પુત્રી હોવાને કારણે આ નદી યમુના કહેવાય છે. ભારતની સાત પવિત્ર નદીઓમાં તેની ગણના થાય છે. ભાગવત પુરાણમાં વર્ણવેલ શ્રીકૃષ્ણની બાળલીલાને લીધે યમુનાનું મહત્વ ઘણું વધી ગયું છે.

સમ્રાટ હર્ષે ગંગા-યમુનાના સંગમ પર છઠ્ઠી પંચવાર્ષિક મોક્ષપરિષદ ઈ. સ. 644માં ભરી હતી. ગુર્જરેશ્વર કુમારપાલનાં અસ્થિ, તેના વારસદાર રાજા અજયપાળે ગંગા-યમુનાના પવિત્ર જાળમાં પધરાવ્યાં હતાં.

જાહ્નવી ભટ્ટ

જયકુમાર ર. શુક્લ