મોકોકચુંગ (Mokokchung)

February, 2002

મોકોકચુંગ(Mokokchung) : ભારતના નાગાલૅન્ડ રાજ્યમાં તેના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 20´ ઉ. અ. અને 94° 32´ પૂ. રે.ની આજુબાજુનો 1,615 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વમાં તુએનસંગ જિલ્લો, દક્ષિણમાં ઝુન્હેબોટો જિલ્લો, નૈર્ઋત્ય અને પશ્ચિમમાં વોખા જિલ્લો તથા પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ આસામ રાજ્યની સરહદ આવેલાં છે. જિલ્લામથક મોકોકચુંગ જિલ્લાના દક્ષિણ ભાગમાં આવેલું છે.

મોકોકચુંગ

ભૂપૃષ્ઠ : જિલ્લાનો મોટો ભાગ પહાડી છે, મેદાની પ્રદેશ બહુ જ ઓછો છે. તેમાં આવેલી ટેકરીઓની ઊંચાઈ 1,000થી 2,000 મીટર વચ્ચેની છે. સરેરાશ ઊંચાઈ 1,500 મીટર જેટલી છે અને અહીંના મોટાભાગના લોકો 1,000થી 1,500 મીટરની ઊંચાઈવાળા ભાગોમાં વસે છે. જિલ્લામાં ઈશાન-નૈર્ઋત્યકોણીય પાંચ હારમાળાઓ તથા માત્ર બે ખીણપ્રદેશો આવેલાં છે. આ હારમાળાઓમાં ઉત્તર અને વાયવ્ય તરફ જાપુકોંગ હારમાળા, ત્યાંથી પૂર્વ તરફ ચંકીકોંગ હારમાળા, મધ્યમાં અસેતકોંગ હારમાળા, છેક પૂર્વ તરફ લાન્ગપોંગ હારમાળા અને દક્ષિણે આન્ગપોંગ હારમાળા આવેલી છે. જિલ્લાની પશ્ચિમ બાજુએ આસામનાં સિબસાગર મેદાનો નજીક ચાંગકી અને તુલી નામના બે ખીણપ્રદેશો આવેલા છે.

જંગલો : જિલ્લાના ભૂમિવિસ્તારનો મોટો ભાગ (મુખ્યત્વે ગ્રામીણ વિભાગ) જંગલોથી આચ્છાદિત છે. તે બધાં લગભગ ખાનગી માલિકીનાં છે. ભીનાં અને બારેમાસ લીલાં રહેતાં ઊંચાં વૃક્ષો ધરાવતાં આ જંગલો જિલ્લાને રમણીય બનાવે છે એટલું જ નહિ, તે આર્થિક પેદાશોની ર્દષ્ટિએ પણ સમૃદ્ધ છે. જિલ્લાનો ગ્રામીણ અને શહેરી વિસ્તાર જંગલપેદાશો પર નભે છે. ઊંચું આર્થિક મૂલ્ય ધરાવતાં અનેક જાતનાં વૃક્ષો અહીં જોવા મળે છે; તે ઉપરાંત વાંસ, ઘાસ, તાડપાંદડાં તેમજ રેતી અને પથ્થરો પણ ત્યાંથી જ મળે છે. 1,244 હેક્ટર વિસ્તારમાં રક્ષિત જંગલો પણ આવેલાં છે. વૃક્ષોમાંથી મળી રહેતાં લાકડાંને કારણે અહીં લાટીઉદ્યોગ મોટા પાયા પર વિકસ્યો છે. પોચાં લાકડાં અને પ્લાયવૂડ દીવાસળી અને તેનાં ખોખાં બનાવવાના ઉપયોગમાં લેવાય છે. અન્ય લાકડાં છતબંધી, રમકડાં, બાંધકામ, રાચરચીલું, ગાડાં, કૃષિસાધનો, થાંભલા, હોડીઓ, પેન્સિલ વગેરેની બનાવટમાં વપરાય છે. જંગલોમાં જાતજાતનાં પ્રાણીઓ અને પક્ષી પણ વસે છે.

જળપરિવાહ : જિલ્લામાં અગત્યની ગણી શકાય એવી નદીઓ તદ્દન ઓછી છે, પરંતુ નાળાંની સંખ્યા વધુ છે. દીખુ, મિલાક, સુમોક, મેનુગ વગેરે નદીઓ આ જિલ્લામાં આવેલી છે. અહીં માત્ર બે કુદરતી સરોવરો છે : મોકોકચુંગ નગર પાસે ફઝલ અલી કૉલેજની આગળ આવેલું, રમણીય ગણાતું ‘ઓમોક્લુશી (ઓમોક મુલુ)’ સરોવર, તથા બીજું મોપાંગચુક્તિ ગામ નજીક ‘યિમ્યુ અવતસંગ’. બંને સરોવરો સમુદ્રસપાટીથી આશરે 1,300 મીટરની ઊંચાઈએ આવેલાં છે. વર્ષાઋતુ દરમિયાન ટેકરીઓમાંથી અહીં ઘણા નાના નાના ધોધ પડે છે અને જિલ્લાની રમણીયતામાં વધારો કરે છે.

ખેતી : આ જિલ્લામાં મુખ્યત્વે પરંપરાગત ચાલતી આવતી ઝૂમ પ્રકારની ખેતી (ફરતી ખેતી – shifting cultivation) થાય છે. બીજો પ્રકાર સીડીદાર ખેતરોનો (terrace cultivation) પણ છે, પરંતુ તે ખેડાણયોગ્ય જમીનોનો માત્ર 10 % ભાગ જ રોકે છે. ખેડૂતો અહીંનાં ગીચ જંગલોને કાપીને ખેતરોમાં ફેરવે છે, તેમાં બે કે ત્રણ વર્ષ મિશ્ર પ્રકારની ખેતી કરે છે. બીજા અને ત્રીજા વર્ષે પાકની ઊપજમાં ઘટાડો થતો જાય છે; તેથી તેઓ બીજાં નવાં ખેતરો તૈયાર કરે છે. તેઓ પોતાની જરૂરિયાત પૂરતું જ ધાન્ય અનાજ વાવે છે. ચોખા, મરચાં, બટાટા, નારંગી, શાકભાજીનું વાવેતર પણ છે. અગાઉના વખતમાં અહીં કપાસનું વાવેતર થતું, તેને બદલે હવે સરસવ, મરચાં અને નાગરવેલનાં પાનની ખેતી કરે છે. અહીંની આબોહવા ફળોના વાવેતરને વધુ માફક આવે છે. તેથી કેટલાક લોકો ઘરઘરાઉ નાની વાડીઓમાં નારંગી કે પાઇનેપલ વાવે છે. આ ઉપરાંત તુલી ખીણપ્રદેશમાં હવે સરકારે બાગાયતી ખેતી શરૂ કરાવી છે, જ્યાં મોસંબી, નારંગી, પાઇનેપલ, લીંબુ, જરદાળુ અને કેળાંનું વાવેતર થાય છે.

પશુપાલન : અહીં પળાતાં પ્રાણીઓમાં મુખ્યત્વે ડુક્કર, મરઘાં અને કેટલાંક ઢોરનો સમાવેશ થાય છે. પશુપાલન માટે અહીંની પ્રમાણમાં ઠંડી આબોહવા માફક આવે છે. ચરિયાણ સ્થળો અને ઘાસ પણ મળી રહે છે. બહારથી લાવીને ડુક્કરોનો ઉછેર કરવામાં આવે છે. તળેટી-ટેકરીઓના ભાગોમાં ભેંસોનો ઉછેર થાય છે. અહીં પ્રાણીઓના વાળ ભેગા કરીને સુશોભન તેમજ શૃંગાર-સજાવટ માટે ઉપયોગમાં લેવાય છે. સરકાર તરફથી પશુખાતું શરૂ કર્યું છે, તે ઉછેરમાં વિકાસ અને વૃદ્ધિ થાય તેનું ધ્યાન રાખે છે.

ઉદ્યોગ–વેપાર : આ જિલ્લામાં ઉદ્યોગો તદ્દન નાના પાયા પર વિકસ્યા છે. જંગલો અને ખેતી માટે ઊજળી તકો છે. હમણાં અહીં ગૃહઉદ્યોગોના વિકાસ પર ધ્યાન અપાય છે. મુખ્ય ગૃહઉદ્યોગોમાં વણાટકામ, વાંસ અને નેતરકામ, કાષ્ઠકોતરકામ, કાગળનો માવો અને કાગળની મિલો, લુહારીકામ, માટીનાં પાત્રો વગેરેનો સમાવેશ થાય છે. ખનિજોમાં મુખ્યત્વે કોલસો, તેલનાં સ્રાવસ્થાનો, તેમજ જૂજ માત્રામાં જસત, આર્સેનિક અને પારો ધરાવતા રેતીખડકો મળે છે.

અગાઉના વખતમાં અહીંના લોકો વધારાની ચીજવસ્તુઓ લઈને બહાર જતા અને તેના બદલામાં પોતાને જરૂરિયાતની વસ્તુઓ લઈ આવતા. આજે મોકોકચુંગ, ચાંગતાંગ્યા, ચુચુથીમલાંગ, તુલી અને મેરાંગકોંગ જેવાં સ્થળો નાનાંમોટાં વેપારી કેન્દ્રો બની રહ્યાં છે.

પરિવહન : જિલ્લામથક મોકોકચુંગ રાજ્ય પરિવહન બસ-સેવાનું અગત્યનું મથક છે. માલની હેરફેર માટે ટ્રકસેવા ઉપલબ્ધ રહે છે. આઝાદી પછી અહીં ઘણા માર્ગો તૈયાર કરાયા છે. બે રાજ્યમાર્ગો આ જિલ્લામાંથી પસાર થાય છે. જિલ્લામથક, જિલ્લાનાં અગત્યનાં સ્થળો અને લગભગ બધાં જ ગામડાં અન્યોન્ય જોડાયેલાં છે. અહીંથી કોઈ રેલમાર્ગ પસાર થતો નથી. આસામનાં સિબસાગર અને મરીઆની આ જિલ્લા માટે નજીકનાં રેલમથકો ગણાય છે.

પ્રવાસન : આ જિલ્લાનું લુંઘુમ ગામ ઐતિહાસિક તેમજ દંતકથાઓની ર્દષ્ટિએ ખૂબ જ જાણીતું સ્થળ ગણાય છે. તે મોકોકચુંગથી નૈર્ઋત્યમાં 17 કિમી. અંતરે 1,800 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ ગામની મધ્યમાં ‘ચક્રમા’ નામની પહાડી ભેખડ છે, ત્યાં અસુર રિખોમ દરવાજેથી જઈ શકાય છે. ‘માતા યિમિકસોંગ’ નામની બીજી પણ એક નાની ટેકરી છે. પ્રાચીન કાળમાં ત્યાં એક ગામ વસેલું હતું. આ ટેકરી પરથી બે ઊંચાં શિખરો તેમજ આજુબાજુનો ઘણો વિસ્તાર જોઈ શકાય છે. અહીં દર વર્ષે મે અને ઑગસ્ટના પ્રથમ સપ્તાહમાં અનુક્રમે ‘મો આત્સુ’ અને ‘સુંગ્રેન્મોંગ’ નામના બે મહોત્સવો યોજાય છે. તે વખતે હાથવણાટની શાલો વેચાય છે.

વસ્તી : 2011 મુજબ જિલ્લાની કુલ વસ્તી 1,93,171 જેટલી છે, તે પૈકી 55 % પુરુષો અને 45 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તી અનુક્રમે 85 % અને 15 % જેટલી છે. કુલ વસ્તી પૈકીના આશરે 90 % અનુસૂચિત જનજાતિના છે. જિલ્લામાં અંગ્રેજી, કોણ્યક, અંગામી, સીમા અને લોથા ભાષાઓ બોલાય છે. ધર્મવિતરણ મુજબ અહીં ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ (90 %થી વધુ), જ્યારે હિન્દુ, મુસ્લિમ, શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા આશરે 70 % જેટલી છે. અહીં મોટાભાગનાં ગામડાંઓમાં નીચે પ્રમાણેની સુવિધાઓ છે : શૈક્ષણિક 96 %, તબીબી 70 %, પીવાના પાણીની 100 %, તાર-ટપાલ કચેરીઓ 29 %, સંદેશાવહેવાર 38 %, પાકા રસ્તા 41.5 % અને ઊર્જા-પુરવઠો 100 %. વહીવટી સરળતા માટે જિલ્લાને 8 મંડળોમાં અને 3 ગ્રામીણ વિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 1 નગર અને 107 (1 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : મોકોકચુંગ નગરના નામનો એક અનોખો ઇતિહાસ છે. ઔસ લોકો અહીં પહેલવહેલા આવ્યા ત્યારે તેમણે સોયિમ નામનું ગામ વસાવેલું. તેમના અગ્રેસર(મુખી)ના મૃત્યુ બાદ લોકોએ આ ગામ છોડી દીધું, તેઓ કોરીડાંગ નામના સ્થળે જઈને વસ્યા. ત્યાંથી પણ કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું. કેટલાક ‘સોયિમ’માં પાછા ફર્યા, પણ તેને અગ્રેસરની યાદમાં ‘ઊંગમા’ નામ આપ્યું (ઊંગમા = ઊંગેર = મુખી). ત્યાંના કુરાડી નામનો એક માણસ શિકાર અર્થે ગયેલો, ત્યાં તેને એક સ્થળ પસંદ પડ્યું. તેના સૂચનથી ગામલોકો ત્યાં વસવા ગયા; પરંતુ કેટલાક લોકોને પોતાનું મૂળ સ્થળ છોડવાનું રુચ્યું નહિ. ત્યાં વસવા ગયેલા કેટલાક પાછા ફર્યા નહિ અને આ નવા સ્થળને તેમણે મોકોકચુંગ નામ આપ્યું (મોકોક = અવગણના, ચુંગ = જુદા પડવું; મૂળ ગામના લોકોની ઇચ્છા વિરુદ્ધ જુદા પડીને વસાવેલું નવું ગામ).

1889માં મોકોકચુંગનો ઉપવિભાગ રચાયો. મોકોકચુંગ જિલ્લાની રચના 1957માં થઈ. નાગાલૅન્ડનું અલગ રાજ્ય 1963ના ડિસેમ્બરની પહેલી તારીખે અસ્તિત્વમાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા