મૉરિસન, સ્ટૅન્લી (જ. 6 મે, 1889, વૅન્સ્ટીડ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 11, ઑક્ટોબર 1967) : બ્રિટનના નિપુણ ટાઇપોગ્રાફર તથા વિદ્વાન. પ્રારંભમાં તેઓ લંડનમાં કારકુન તરીકે નોકરી કરતા હતા. પછી 1923–44 તથા 1947 –59 દરમિયાન કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસના ટાઇપોગ્રાફિકલ સલાહકાર તરીકે હતા. 1923થી તેઓ મૉનોટાઇપ કૉર્પોરેશનમાં પણ સલાહકાર તરીકે સેવા આપતા રહ્યા. 1929થી તેઓ ‘ધ ટાઇમ્સ’ના સ્ટાફમાં જોડાયા અને તેમણે ‘ટાઇમ્સ ન્યૂ રોમન ટાઇપ’ની ડિઝાઇન તૈયાર કરી અને આ ટાઇપ 1932માં પ્રચલિત કર્યા. 1945–47 દરમિયાન તેમણે ‘ધ ટાઇમ્સ લિટરરી સપ્લિમેન્ટ’નું સંપાદનકાર્ય સંભાળ્યું. તેમણે ટાઇપોગ્રાફી તથા કૅલિગ્રાફી વિશે સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. 1935થી ’52 દરમિયાન તેમણે ‘ધ ટાઇમ્સ’ના ઇતિહાસનું સંપાદન કર્યું. 1961માં તેઓ ‘એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા’ના તંત્રીમંડળમાં નિમાયા.

મહેશ ચોકસી