મેથોડિસ્ટ : ખ્રિસ્તી ધર્મની એક વિચારધારા. મેથોડિસ્ટ ચળવળના પ્રણેતા જૉન વેસ્લીના મતે મેથોડિસ્ટ એટલે બાઇબલમાં દર્શાવેલી ‘મેથડ’ પ્રમાણે જીવનારા. તેઓ (વેસ્લી) ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’ના પુરોહિત હતા. ઈ. સ. 1738માં એક પ્રાર્થનાસભા દરમિયાન તેમને મુક્તિ મળ્યાનો એક ઊંડો આધ્યાત્મિક અનુભવ થયો. તે પછી તેમણે લંડનમાં એક સંઘની સ્થાપના કરી. આ સંઘનો હેતુ હતો ‘ચર્ચ ઑવ્ ઇંગ્લૅન્ડ’ના પૂરક બનવાનો. પછી તો આવા અનેક સંઘો અસ્તિત્વમાં આવ્યા. પ્રભુની શક્તિ પ્રાપ્ત કરવા, સાથે મળી પ્રાર્થના કરવા, ઉપદેશ સાંભળવા, પરસ્પરની દેખરેખ રાખી પોતાની મુક્તિ સાધવા માટે આ સંઘો રચાયા હતા. સંઘસંચાલન માટે વેસ્લીએ ઘણા ગૃહસ્થોને અને થોડાક પુરોહિતોને નીમ્યા. તેઓ ઉપદેશકાર્ય પણ કરતા હતા. ઠેર ઠેર ઉપદેશાર્થે ઘૂમતા આ ઉપદેશકોની વેસ્લીએ એક મહાસભા બોલાવી, જેમાં કયા ધર્મસિદ્ધાંતોનો ઉપદેશ આપવો તે નક્કી કરવામાં આવ્યું. એ ધર્મસિદ્ધાંતો હતા–શ્રદ્ધાને કારણે મુક્તિ; સારાં કાર્યો દ્વારા મુક્તિની બાંયધરી; પવિત્ર આત્મા દ્વારા પાપોમાંથી મુક્તિ અને પરીક્ષણો સામે શક્તિ; ખ્રિસ્તી જીવનની પૂર્ણતા એટલે પ્રભુ અને માનવ પ્રત્યે પ્રેમ. આ મહાસભામાં એ અનેક સંઘોને એકસૂત્રે બાંધવા યાત્રિક ઉપદેશકો કેવી રીતે સાંકળરૂપ બની શકે તેના અંગે પણ વિચાર-નિર્ણય થયા.

લોકોને હવે તેમના ઉપદેશકોને હસ્તે સંસ્કાર-ગ્રહણ કરવાની ઇચ્છા જાગી. એનો અર્થ એ થયો કે આ સંઘને હવે ધર્મસંઘ (church) બનાવવો પડે. પણ તે વખતે આવી કોઈ હિલચાલનો વેસ્લીએ સદંતર વિરોધ કર્યો. આ સમય દરમિયાન આયર્લૅન્ડના રહીશો અમેરિકામાં જઈને સ્થાયી થયા. તેઓ પોતાનો મેથોડિસ્ટ સંઘ પણ સાથે લેતા ગયા. ઈ. સ. 1785માં અમેરિકામાં મળેલી એક મહાસભામાં મેથોડિસ્ટ સંઘ ધર્મસંઘ બની ગયો; પણ ઇંગ્લૅન્ડમાં તો વેસ્લીના અવસાન (ઈ. સ. 1791) બાદ જ ઈ. સ. 1795માં મેથોડિસ્ટ સંઘ ધર્મસંઘનું રૂપ ધારણ કરી શક્યો. આ ધર્મસંઘનું માળખું સુગ્રથિત હતું : કેન્દ્રસ્થાને જે અધિકારીઓ હતા તેઓ જુદા જુદા સ્થાનિક ધર્મસંઘો સાથે સંકળાયેલા હતા, ગૃહસ્થોને ઉપદેશકો તરીકે જોતરવામાં આવ્યા હતા.

વેસ્લીના અવસાનના એકાદ સૈકામાં તો ઇંગ્લૅન્ડ અને અમેરિકાના એટલા બધા રહીશો અને મિશનરીઓએ સ્થળાંતર કર્યું કે દરેક ખંડના લગભગ દરેક દેશમાં મેથોડિસ્ટ ધર્મસંઘની સ્થાપના થઈ. સર્વત્ર ફેલાયેલા મેથોડિસ્ટ ધર્મસંઘો એકસૂત્રે બંધાયેલા રહ્યા. વેસ્લીને પગલે પગલે તેમણે પણ ગૃહસ્થોને મોટી જવાબદારીઓ સોંપી, સ્ત્રીઓને આગેવાન અને ઉપદેશક બનાવી, મૂળભૂત નિયમોને કોઠે બાંધ્યા : દરેક પ્રકારનું અનિષ્ટ અટકાવો, શક્ય એટલું સત્કૃત્ય આચરો.

ધીમે ધીમે માનવસહજ નબળાઈએ દેખા દીધી. પૂર્ણતા પામવા ઝૂઝતા રહેવાનો આદર્શ ભુલાવા લાગ્યો. દરેક ધર્મસંઘ પોતાનું અલગ અસ્તિત્વ વિચારવા લાગ્યો. વીસમી સદીમાં તો દરેક દેશનો ધર્મસંઘ ઇંગ્લૅન્ડ કે અમેરિકાની માતૃસંસ્થાથી અલગ થઈ ગયો. જે ધર્મસંઘો અમેરિકાની માતૃસંસ્થાને કારણે અસ્તિત્વમાં આવ્યા તેઓ ઇંગ્લૅન્ડની માતૃસંસ્થાને કારણે અસ્તિત્વમાં આવેલા ધર્મસંઘોની સરખામણીમાં વિસ્તાર અને વસ્તીની ર્દષ્ટિએ વિશાળ છે.

આજે આ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા ધર્મસંઘોને પુન: એક સૂત્રે બાંધવા ધીમા પણ મક્કમ પ્રયત્નો પ્રત્યેક દેશમાં થઈ રહ્યા છે. બધા જ ધર્મસંઘો બધા જ ધર્મસિદ્ધાંતોને સમાન રીતે સ્વીકારે એવો આગ્રહ રાખવામાં આવતો નથી. હા, કેટલાક ધર્મસિદ્ધાંતો અતિ અગત્યના હોઈ એ બાબતે સર્વસંમતિ પર ભાર મૂકવામાં આવે છે. એવા ધર્મસિદ્ધાંતો છે : શ્રદ્ધા મજબૂત કરવાની અને હૃદયપલટો કરાવવાની પવિત્ર આત્માની શક્તિ; ધર્મનું હાર્દ તે પ્રભુ સાથેનો વ્યક્તિગત સંબંધ; પૂજાપાઠમાં સાદગી; સંઘસંચાલનમાં દીક્ષિત-ગૃહસ્થવર્ગની સહિયારી ભાગીદારી; ટાંચાં સાધનવાળા લોકો પ્રત્યે હમદર્દી અને સમાજસુધારણા; પરસ્પરનાં પ્રોત્સાહન અને ઘડતર માટે નાનાં જૂથોની રચના; કેન્દ્ર સાથે ધર્મસંઘના સર્વ સેવકોનું સંકલન તેમજ જૉન વેસ્લી પ્રત્યેની વફાદારી.

જેમ્સ ડાભી