મેટાસ્ટાઝિયો, પિયેટો (જ. 3 જાન્યુઆરી 1698, રોમ; અ. 12 એપ્રિલ 1782) : ઇટાલીના કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ પિયેટો ઍન્ટૉનિયો ડૉમેનિકો બૉનવેન્ચુરા હતું. કાવ્યલેખનની તેમની નૈસર્ગિક શક્તિથી ગ્રૅવિન નામના સાક્ષર તેમની તરફ આકર્ષાયા હતા અને પિયેટોના શિક્ષણ માટે તેમણે પ્રબંધ કર્યો હતો; વળી તેઓ પોતાનો વારસો પણ પિયેટોને આપતા ગયા (1718). અઢારમી સદીના ગંભીર ઑપેરાના નાટ્યલેખક તરીકે તેઓ સૌથી વધુ પ્રતિષ્ઠિત લેખાતા હતા. 32 વર્ષની વયે તો તેઓ બહોળી ખ્યાતિ પામ્યા હતા. તેઓ વિયેનાના રાજવી ચાર્લ્સ છઠ્ઠાના રાજકવિ તરીકે નિમાયા હતા. ઑપેરાના ગંભીર વિષયના કથાનકો(libretto)માં સર્વોત્તમ સંપૂર્ણતા હાંસલ કરીને તેમણે નવાં યશ-શિખરો સર કર્યાં. તેમનો અભિગમ અને મનોવલણ પ્રશિષ્ટતાવાદી હતાં અને ઑપેરા-કથાનક માટે તેમણે અત્યંત સુશ્લિષ્ટ રચનાબંધ વિકસાવ્યો હતો અને તેમાં પ્રાચીન કથાઓ, પુરાણ કથાઓ કે દંતકથાઓનાં પાત્રો–પ્રસંગો તેઓ ગૂંથી લેતા હતા. ધાર્મિક તથા ગૌણ વિષયોની 47 અર્ધનાટકી સંગીત-રચનાઓ સહિત તેમણે 27 જેટલાં ઑપેરા-કથાનકો રચ્યાં હતાં. તે રચનાઓમાંની ઊર્મિમયતા તથા નાટ્યછટાની પ્રબળતા તેમની વિશેષતા બની રહી હતી અને તેથી સંગીત-નિયોજકો માટે તે આકર્ષણરૂપ અને પ્રથમ પસંદગી પણ બની હતી.

હૅન્ડૅલ, પર્ગોલેસી, ગ્લક, હૅડન, મૉઝાર્ટ, મેરૂબિની તથા મેરબીર જેવા સંગીત-નિયોજકોએ આ ઑપેરાઓ સંગીતબદ્ધ કરીને રજૂ કરી હતી; દા.ત., ‘ધ ક્લિમન્સી ઑવ્ ટિટ્સ’ નામની ઑપેરાને મોઝાર્ટે સંગીતબદ્ધ કરી તે પહેલાં બીજા પાંચ સંગીત-નિયોજકોએ તેનું સંગીતનિયોજન કર્યું હતું.

મહેશ ચોકસી