મૅટિંગ્લી, ટૉમસ કૅનેથ (જ. 17 માર્ચ 1936, શિકાગો) : અમેરિકાના અવકાશયાત્રી. ઍપોલો પ્રોગ્રામના ચંદ્ર પર ઉતરાણના પાંચમા મિશનમાં તેમણે ઉડ્ડયન કર્યું હતું. 1966માં અવકાશયાત્રી તરીકે તેમની પસંદગી થઈ ત્યારે તેઓ નૌસેનામાં ટેસ્ટ પાઇલટ હતા. આમ તો ઍપોલો–13માં તેમને અવકાશયાત્રી તરીકે મોકલવાનું નક્કી થયેલું, પરંતુ તેમને ઓરીનો રોગ થતાં એ ઉડ્ડયનમાંથી પડતા મૂકવામાં આવેલા. તે પછી 16થી 27 એપ્રિલ, 1972 દરમિયાન ઍપોલો–16ના કમાન્ડ મૉડ્યૂલ પાઇલટ તરીકે તેમણે અવકાશમાં ચાલવામાં એકાદ કલાક ગાળ્યો હતો. પછીથી ‘સ્પેસ શટલ’ વિકાસના કાર્યક્રમ માટે તેમની ફાળવણી કરાઈ હતી અને જુલાઈ, 1982ની ‘સ્પેસ શટલ કોલંબિયા’ના ચોથા ઉડ્ડયનમાં તેમણે કમાન્ડરની જવાબદારી સંભાળી હતી.

મહેશ ચોકસી