મૅગ્માજન્ય ખવાણ (magmatic stopping) : પ્રાદેશિક ખડકો પર મૅગ્માથી થતી આત્મસાતીકરણની ક્રિયા. પોપડાના અંદરના ભાગોમાં નાના કે મોટા પાયા પર મૅગ્માની અંતર્ભેદનક્રિયા યજમાન (પ્રાદેશિક) ખડકો પર થતી હોય છે. મૅગ્માને ઉપર કે આજુબાજુ તરફ જવા માટે જગા કરવી પડે છે. સામાન્ય રીતે તો ફાટો કે સાંધા કે અન્ય નબળા વિભાગો મારફતે મૅગ્મા આગળ વધતો હોય છે. તે વખતે પ્રાદેશિક ખડકોને તોડીને જગા કરે છે, તૂટેલા ખડકોના નાના નાના ટુકડા મૅગ્મામાં પડીને ડૂબતા જાય છે અને આત્મસાત્ થઈ જાય છે. આ કારણે મૅગ્માનું મૂળ બંધારણ ક્રમશ: બદલાતું જાય છે. મોટા પરિમાણવાળા ખડક-ટુકડા પૂરા શોષાય નહિ તો ઠરતા મૅગ્મામાં જડાયેલા રહી જાય છે, પરિણામે આગંતુક તરીકે જોવા મળે છે. નાના પાયા પર થતી આ પ્રકારની ક્રિયામાં તૂટતા ટુકડાઓ નાના પરિમાણવાળા હોવાથી સંપૂર્ણપણે શોષાઈ જાય છે. વલય અધોગમન(cauldron subsidence)માં તૂટેલા પોપડાનો ઘણો મોટો નળાકાર વિભાગ જ્યારે દબતો જાય ત્યારે તેની ગોળાકાર બાહ્ય કિનારીઓ પર મૅગ્માજન્ય ખવાણ થતું હોય છે. મૅગ્મા દ્વારા પ્રાદેશિક ખડકો પર થતી આ પ્રકારની આત્મસાતીકરણની ક્રિયાને મૅગ્માજન્ય ખવાણ કહે છે.

ગિરીશભાઈ પંડ્યા