મૅગ્માજન્ય ખનિજો (Pyrogenetic Minerals) : મૅગ્માના સ્ફટિકીકરણની પ્રારંભિક કક્ષાએ બનતાં ખનિજો. અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં નિર્જલીય ખનિજો, જે મૅગ્મામાંથી ઘણા ઊંચા તાપમાને તૈયાર થયેલાં હોય અને જેમાં બાષ્પશીલ ઘટકોનું પ્રમાણ તદ્દન નજીવું હોય એવાં ખનિજોને મૅગ્માજન્ય ખનિજો કહે છે. ઑલિવિન, પાયરૉક્સિન અને ફેલ્સ્પાર તેનાં વિશિષ્ટ ઉદાહરણો છે. સામાન્ય રીતે મૅગ્માના બંધારણમાં ઑક્સિજન અને સિલિકોન તત્વોનું પ્રમાણ ઘણું જ વિપુલ હોય છે, બંને સંયોજાઈને સિલિકા અને વિવિધ સિલિકેટ બને છે, ઑક્સાઇડ પણ તૈયાર થાય છે, અન્ય સંયોજનોનું પ્રમાણ નહિવત્ હોવા છતાં ઉત્પત્તિના સંદર્ભમાં ખડકવિદ્યાત્મક ર્દષ્ટિએ તે મહત્વનાં બની રહે છે.

અગ્નિકૃત ખડકોમાં જોવા મળતાં મોટાભાગનાં ખનિજો સિલિકેટ બંધારણવાળાં હોય છે. સિલિકોન સ્વયં, અનેક ઍસિડ બનાવવાની ક્ષમતા ધરાવે છે, જે પૈકી ખડકવિદ્યાત્મક ર્દષ્ટિએ વધુ મહત્વના ત્રણ સિલિકેટ સમૂહો આ પ્રમાણે છે : (1) ઑર્થૉસિલિસિક ઍસિડ H4SiO4 અથવા 2H2O·2SiO2. ઉદાહરણ–ઑલિવિન : 2(MgFe)O·SiO2 : ઑર્થૉસિલિકેટ. (2) મેટાસિલિસિક ઍસિડ H4Si2O6 અથવા 2H22SiO2 ઉદા. એન્સ્ટેટાઇટ : (MgFe)O·SiO2 : મેટાસિલિકેટ (3) પૉલિસિલિસિક ઍસિડ H4Si3O8 અથવા 2H2O·3SiO2 : ઉદા. ઑર્થૉક્લેઝ : K2O·Al2O3·6SiO2 પૉલિસિલિકેટ.

ઉપર દર્શિત ઉદાહરણોમાંથી સ્પષ્ટ થાય છે કે બેઇઝના ઑક્સિજનનું સિલિકાના ઑક્સિજન સાથેનું પ્રમાણ (ગુણોત્તર) 1:1, 1:2, અને 1:3 બની રહે છે. ઑલિવિન ઉપરાંત નેફેલીન Na2O·Al2O3·2SiO2 અને ઍનૉર્થાઇટ CaO·Al2O3·2SiO2 પણ ઑર્થૉસિલિકેટનાં ઉદાહરણો છે; ડાયૉપ્સાઇડ CaO·(MgFe)O·2SiO2, હાઇપરસ્થિન (MgFe)O·SiO2 અને લ્યુસાઇટ K2O·Al2O3·4SiO2 કે પછી પાયરૉક્સિન, ઍમ્ફિબોલ એ મેટાસિલિકેટનાં ઉદાહરણો છે; આલ્બાઇટ Na2O·Al2O3·6SiO2 એ પૉલિસિલિકેટનું ઉદાહરણ છે.

ટૂંકમાં, મૅગ્માજન્ય ખડકનિર્માણ ખનિજોને ઓછા અને વધુ સિલિકાધારક ખનિજોના બે સમૂહોમાં ગોઠવી શકાય, જે નીચેના પરિવર્તી (reversible) પ્રક્રિયાત્મક સમીકરણથી સ્પષ્ટ બને છે.

ઓછા સિલિકાધારક ખનિજો + સિલિકા ⇄ વધુ સિલિકાધારક ખનિજો.

સારણી

ઓછા સિલિકાધારક ખનિજો વધુ સિલિકાધારક ખનિજો
લ્યુસાઇટ ઑર્થોક્લેઝ
નેફેલીન આલ્બાઇટ
ઍનલ્સાઇટ એનૉર્થોક્લેઝ
ઑલિવિન ઑર્થૉરહોમ્બિક પાયરૉક્સિન, ઑગાઇટ
બાયોટાઇટ એજિરિન, હૉર્નબ્લેન્ડ

કેટલાંક સિલિકેટ ખનિજો – ઍનલ્સાઇટ, અબરખ અને હૉર્નબ્લેન્ડ–જલસંયોજિત હોય છે, જે તેમના બંધારણ માટે આવશ્યક છે. હેલોજન તત્વો, ખાસ કરીને ફ્લોરિન, કેટલાંક અબરખની રચનામાં ભળે છે. ખનિજો બનવા માટે જરૂરી સિલિકા વપરાયા પછી પણ સિલિકા વધે તો ક્વાર્ટ્ઝ તરીકે સ્ફટિકીકરણ પામે છે; પરંતુ લ્યુસાઇટ, નેફેલીન, ઍનલ્સાઇટધારક ખડકોમાં ક્વાર્ટ્ઝ હોઈ શકે નહિ. ઇલ્મેનાઇટ, એપેટાઇટ, સ્ફીન, ઝિર્કોન, જો મૅગ્મામાં તે તે ઘટકો હોય તો, અનુષંગી ખનિજો તરીકે ગૌણ પ્રમાણમાં તૈયાર થાય છે. ખનિજો બની રહેતાં, ઍલ્યુમિનાનું પ્રમાણ વધે તો કોરંડમ તરીકે તૈયાર થઈ તે મૅગ્માજન્ય ખનિજો સાથે ભળે છે.

ગિરીશભાઈ પંડ્યા