મૅકૅરૉવ, નૅતૅલિયા (જ. 21 નવેમ્બર 1940, લેનિનગ્રાડ) : સાંપ્રત સમયનાં અગ્રણી બૅલે નર્તિકા. નાટ્યાત્મક નૃત્ય-શૈલીથી પ્રભાવિત કરનારાં અને નૃત્યકલાની ર્દષ્ટિએ સર્વાંગસંપૂર્ણ નિપુણતા ધરાવનારાં બૅલે-નૃત્યાંગના તરીકે તેઓ વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. 1959માં તેમણે લેનિનગ્રાડ કૉરિયોગ્રાફિક સ્કૂલમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી અને તુરત જ કિરૉવ બૅલે કંપનીમાં જોડાયાં. ‘કિરૉવ’ની પ્રારંભિક યુરોપ-યાત્રા (1961) દરમિયાન લંડનમાં તેમણે સૌપ્રથમ વાર ‘ગિઝેલ’ના મુખ્ય પાત્ર તરીકે નૃત્ય રજૂ કર્યું અને સાર્વત્રિક પ્રશંસા પામ્યાં. 1965માં તેઓ બલ્ગેરિયામાં યોજાયેલી દ્વિતીય આંતરરાષ્ટ્રીય બૅલે-સ્પર્ધામાં સુવર્ણચંદ્રકનાં વિજેતા બન્યાં. કિરૉવ નૃત્યસંસ્થામાં રહ્યાં ત્યાં સુધી તેમણે મોટેભાગે ‘સ્વાન લેક’, ‘સ્લીપિંગ બ્યૂટી’, ‘રૅમૉન્ડા’ જેવી સંપૂર્ણ કથાનકવાળી પ્રશિષ્ટ બૅલે-રચનાઓમાં નૃત્ય પ્રસ્તુત કર્યું.

કિરૉવ નૃત્યસંસ્થાના દ્વિતીય યુરોપ-પ્રવાસ દરમિયાન 4 સપ્ટેમ્બર, 1970ના રોજ તેમણે કલાવિષયક મન-મોકળાશ મેળવવાના કારણસર લંડનમાં જ રહેવાનું પસંદ કર્યું. એ જ વર્ષે નવેમ્બરમાં તેઓ અમેરિકન બૅલે-થિયેટર(ABT)માં જોડાયાં; ત્યાં ઍન્થની ટ્યૂડર-કૃત ‘લાઇલક ગાર્ડન’, ‘ડાર્ક એલિજિઝ’ તથા ‘પિલર ઑવ્ ફાયર’ જેવી સાંપ્રત રચનાઓમાં તથા અન્ય પ્રશિષ્ટ રચનાઓમાં નૃત્ય પ્રસ્તુત કરીને ભારે પ્રશંસા મેળવી. 1972થી તેઓ બ્રિટનની રૉયલ બૅલે નૃત્યમંડળીમાં પણ નૃત્ય પ્રસ્તુત કરતાં રહ્યાં છે. ત્યાં કેનેથ મૅકમિલન-રચિત’ મૅનન તથા સર ફ્રેડરિક ઍશ્ટન-રચિત ‘સિન્ડ્રેલા’માં તેમને પુષ્કળ નામના મળી.

સાંપ્રત તેમજ પ્રશિષ્ટ એમ બંને પ્રકારનાં પાત્રોના ઊર્મિસભર ભાવવાહી અર્થઘટન માટે તેઓ નિર્વિવાદ નામના પામ્યાં છે; ‘ગિઝેલ’માંના પ્રમુખ પાત્રનો તેમનો નૃત્યાભિનય અવિસ્મરણીય લેખાય છે.

મહેશ ચોકસી