મૃણાલિની સારાભાઈ (જ. 11 મે 1928, અન્નાકારા, પલાકડ જિલ્લો, કેરળ; અ. 21 જાન્યુઆરી 2016, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતાં ભરતનાટ્યમનાં સમર્થ નૃત્યાંગના, દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આટર્સનાં સ્થાપક-નિર્દેશક અને ગુજરાતમાં સાંસ્કૃતિક ક્રાંતિની પહેલ કરનાર સન્નારી. પિતા ડૉ. સ્વામીનાથન્ મદ્રાસ (હવે ચેન્નાઈ) ખાતે કાયદાની પ્રૅક્ટિસ કરતા અને માતા અમ્મુસ્વામીનાથન્ બહુમુખી પ્રતિભા ધરાવતાં મહિલા-અગ્રણી. સ્વતંત્ર ભારતની બંધારણ-સમિતિનાં સભ્ય અને રાષ્ટ્રીય કૉંગ્રેસનાં જાણીતાં કાર્યકર. મૃણાલિનીનો જન્મ કેરળ પ્રદેશના વિખ્યાત નાયર જ્ઞાતિમાં થયો હતો. ભરતનાટ્યમ્ નૃત્યનું પ્રાથમિક શિક્ષણ મૃણાલિનીબહેને બાળપણમાં ‘કલાક્ષેત્ર’ ખાતે મન્નારકોઈલ મુથુકુમારમ્ પિલ્લે, કાંજીવરમના એલપ્પા, સી. પિલ્લે અને મીનાક્ષી સુંદરમ્ પિલ્લે જેવા દક્ષિણ ભારતના જાણીતા ગુરુઓ પાસેથી લીધું હતું. સાથોસાથ તેમણે જાપાની નૃત્યશૈલીના પાઠ તેજો કોસેમો નામના જાપાનના નૃત્યશિક્ષક પાસેથી લીધા હતા. આ ઉપરાંત તેમણે ન્યૂયૉર્ક ખાતેના અમેરિકન અકાદમી ઑવ્ ડ્રામૅટિક આર્ટ સંસ્થામાં છ માસ સુધી અભિનય અને રંગભૂમિનું પ્રશિક્ષણ લીધું હતું. કથકલી નૃત્યશૈલીની તાલીમ પણ તેમણે ગુરુ કુંજુ કુરુપના માર્ગદર્શન હેઠળ લીધી હતી. રાષ્ટ્રકવિ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચિત કેટલીક નૃત્ય અને નાટ્ય-પ્રસ્તુતિમાં પણ તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી. રવીન્દ્રનાથ દ્વારા સ્થાપિત શાંતિનિકેતન ખાતે ગુરુદેવના સીધા માર્ગદર્શન હેઠળ પણ મૃણાલિનીબહેને નૃત્ય અને નાટ્યની તાલીમ લીધી છે અને તે દરમિયાન તેમનામાં રહેલા સુપ્ત કલાગુણો વિકાસ પામીને વ્યક્ત થયા છે. 1935માં તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ રંગમંચ પર ચેન્નાઈ ખાતે પ્રસ્તુત થયો હતો.

1942માં ભારતના જાણીતા ભૌતિકવિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. આ ઘટનાને કારણે તેમના જીવનમાં નવો વળાંક આવ્યો હતો. ડૉ. વિક્રમ સારાભાઈ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ગણાય છે. 1949માં મૃણાલિનીબહેને અમદાવાદ ખાતે ‘દર્પણ અકાદમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ’ નામની ર્દશ્યકલાઓને વરેલી સંસ્થાની સ્થાપના કરી હતી, જેની કેટલીક રંગમંચ નિર્મિતિઓએ તેમને દેશવિદેશમાં ખ્યાતિ અપાવી. જે ગાળામાં મૃણાલિનીબહેને અમદાવાદમાં નૃત્યપ્રવૃત્તિઓ શરૂ કરી હતી તે ગાળામાં સ્ત્રીઓએ જાહેરમાં નૃત્ય કરવાનું નિષિદ્ધ ગણવામાં આવતું; પરંતુ તેમના સસરા અને જાણીતા ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈ અને તેમના પતિ ડૉ. વિક્રમ સારાભાઈના સક્રિય પ્રોત્સાહનથી મૃણાલિનીબહેને પોતાની નૃત્યપ્રવૃત્તિઓ પોતે તો ચાલુ રાખી હતી જ; પરંતુ તે ઉપરાંત ગુજરાતના કલાપ્રેમી પરિવારોની યુવાન છોકરીઓને પણ તેમાં આકર્ષવામાં તેમણે સફળતા મેળવી હતી. નૃત્ય-નાટ્ય જેવી ર્દશ્યકલા પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં ગુજરાતે છેલ્લા છ દાયકામાં જે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે, તેનાં બીજ રોપવાનો જશ મહદ્અંશે મૃણાલિની સારાભાઈ અને તેમના નેજા હેઠળની ‘દર્પણ’ સંસ્થાને ફાળે જાય છે. તેમની સૂઝ અને અથાક પરિશ્રમને લીધે ગુજરાતના લોકોનો નૃત્ય-નાટ્ય પ્રત્યેનો અભિગમ સાવ બદલાઈ ગયો. એટલા માટે જ ગુજરાતમાં સાંસ્કૃતિક ક્રાંતિ લાવવાનો જશ તેમને આપવામાં આવે છે. 1949માં તેમણે ફ્રાન્સનો સાંસ્કૃતિક પ્રવાસ ખેડ્યો અને ત્યાંનાં કેટલાંક નગરોમાં ભરતનાટ્યમના જાહેર કાર્યક્રમો આપ્યા જેને ત્યાંની પ્રજાએ વધાવી લીધા.

મૃણાલિની સારાભાઈ

તેમને દેશવિદેશના અનેક પુરસ્કારોથી સન્માનવામાં આવ્યાં છે. જેમાં ‘નાટ્યકલા શિખામણિ’, ‘વીર શૃંખલા મેડલ’ (1955) જે મેળવનાર તેઓ એકમાત્ર કલાકાર છે. ‘પદ્મશ્રી’ (1965), ગુજરાત રાજ્ય ઍવૉર્ડ (1969), સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ ફૉર ક્રિયેટિવ ઍન્ડ એક્સપેરિમેન્ટલ ડાન્સ (1970), ફ્રેન્ચ આર્કાઇવ્ઝ ઇન્ટરનેશનલ નૃત્ય માટેનો ઍવૉર્ડ અને ડિપ્લોમા; શાંતિનિકેતન દ્વારા ડૉક્ટર ઑવ્ લેટર્સની માનદ ઉપાધિ (1979), વિશ્વગુર્જરી ઍવૉર્ડ (1984), વિજયશ્રી ઍવૉર્ડ (1991), પંડિત ઓમકારનાથ ઠાકુર ઍવૉર્ડ (1991), ‘પદ્મભૂષણ’ (1992) અને કેરળ કલામંડલમ્ ફેલોશિપ (1995), ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઈસ્ટ એગ્લિયા, દ્વારા અપાયેલ ડૉક્ટર ઑવ્ લેટર્સની માનદ ઉપાધિ ઇત્યાદિનો સમાવેશ થાય છે. 1990માં તેમને પૅરિસ ખાતેની ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલની કારોબારી પર સભ્ય તરીકે નીમવામાં આવ્યાં હતાં. મેક્સિકોની સરકારે તે જ વર્ષે તેમને સુવર્ણચંદ્રક અર્પણ કરીને તેમનું બહુમાન કર્યું હતું તથા 1994માં તેમને સંગીત નાટક અકાદમી – નવી દિલ્હી દ્વારા ફેલોશિપ પ્રદાન કરવામાં આવી હતી.

તેમણે લખેલાં પુસ્તકોમાં ‘લૉન્જિંગ ફૉર ધ બિલવિડ, હાઉ ટુ એચીવ યુનિયન વિથ ગૉડ થ્રૂ ભરતનાટ્યમ્’, ‘ધિસ અલોન ઇઝ ટ્ર્યૂ’ શીર્ષક હેઠળની એક નવલકથા; ‘ધ સેક્રેડ ડાન્સ ઑવ્ ઇન્ડિયા’, ‘ક્રિશ્ન, માય બિલવિડ’, ‘ક્રિયેશન્સ’, ‘કાન’, ‘સ્ટેજિંગ અ સંસ્કૃત ક્લાસિક’, ‘ધ વિઝન ઑવ્ વાસવદત્તા’, ‘નળદમયંતી’, ‘ક્રિશ્ન’, ‘કિરાતાર્જુન’, ‘રામાયણ’, ‘ગીતગોવિંદમ્’, ‘ઉષા અને અનિરુદ્ધ’ – બધી જ કૃતિઓ બાળકો માટે છે.

કલાક્ષેત્રની પ્રવૃત્તિઓ ઉપરાંત તેમણે કેટલીક સામાજિક જવાબદારીઓ પણ અત્યાર સુધી વહન કરી હતી; દા. ત., ગુજરાત હૅન્ડિક્રાફ્ટ ઍન્ડ હૅન્ડલૂમ કૉર્પોરેશનનાં ચૅરપર્સન, ટપાલટિકિટોના મુદ્રણ માટેની પસંદગી સમિતિનાં સભ્ય, નૅશનલ થિયેટર ફૉર પરફૉર્મિંગ આર્ટ્સનાં માનદ સલાહકાર, અમદાવાદ ખાતેની વૃક્ષમિત્ર સંસ્થાનાં પ્રમુખ, સંગીત-નાટક અકાદમીનાં સભ્ય, ગુજરાત સાંસ્કૃતિક અકાદમીનાં વાઇસ-ચૅરપર્સન ઇત્યાદિનો સમાવેશ થાય છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળની આઝાદ હિંદ ફોજ(INA)ની મહિલા પાંખ ‘રાની ઑવ્ ઝાંસી’નાં સેનાપતિ સ્વ. કૅપ્ટન લક્ષ્મી મૃણાલિનીબહેનનાં મોટાં બહેન તથા વિશ્વવિખ્યાત નૃત્યાંગના મલ્લિકા સારાભાઈ મૃણાલિનીનાં પુત્રી થાય છે.

મૃણાલિની સારાભાઈને વર્ષ 2014નો ‘શ્રી ધીરુભાઈ ઠાકર સવ્યસાચી સારસ્વત ઍવૉર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે