મૂળચંદ મામા (નાયક મૂળચંદ વલ્લભ) (જ. 1881, કલોલ, ઉત્તર ગુજરાત; અ. 1935) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કુશળ કલાકાર, સંગીતકાર, દિગ્દર્શક. જ્ઞાતિએ નાયક હોવાથી નાટ્યકળાના સંસ્કાર મળ્યા હતા. સંગીતકળાનું વિશેષ જ્ઞાન મેળવ્યા પછી કાવસજી ખટાઉની નાટક કંપનીમાં સંગીત-વિભાગમાં હાર્મોનિયમવાદક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1913માં પ્યારેલાલ વિઠ્ઠલરાય મહેતાના શ્રીવિદ્યા વિનોદ નાટક સમાજમાં દિગ્દર્શક તરીકે, નકુભાઈ કાળુભાઈ શાહના શ્રી આર્યનૈતિક નાટક સમાજમાં 1915માં, શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજમાં 1920માં તથા શ્રી દેશી નાટક સમાજમાં 1928માં કામગીરી સંભાળ્યા બાદ ફરીથી શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજમાં દિગ્દર્શક તરીકે જોડાયા.

રંગમંચ પર હાસ્યરસની ભૂમિકામાં તેઓ ખૂબ લોકપ્રિયતા પામ્યા. ‘સરસ્વતીચંદ્ર’માં નરભેરામ, ‘બોલતો કાગળ’માં ભડભડ, ‘પરશુરામ’માં કેશવરામ શાસ્ત્રી, ‘માલતીમાધવ’માં નંદન, ‘ભક્ત પુંડલીક’માં પુંડલીક તથા ‘સૂર્યકુમારી’માં વસંતક તેમજ ‘અહલ્યાબાઈ’માં જીભાઈ પટેલ, ‘અરુણોદય’માં મનોહરદાસ તેમજ ‘માલવપતિ’માં ગૌતમ તરીકે તેમણે યાદગાર અભિનય આપ્યો હતો.

તેમની યશસ્વી કામગીરીમાં 5 નાટ્યસંસ્થાઓમાં વિવિધ રસનાં અંદાજે 26 જેટલાં નાટકોનું દિગ્દર્શન તથા 3 નાટ્યસંસ્થાઓમાં 8 નાટકોનું સંગીતનિયોજન તથા બહુવિધ પાત્રોના કરેલા હાસ્યરસિક અભિનયનો સમાવેશ થાય છે. તેમણે રચેલી સંગીત-તરજોને પણ લોકચાહના સાંપડી હતી.

ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના આ નામાંકિત કલાકાર ‘મામા’ને નામે લોકખ્યાતિ પામ્યા હતા.

ધીરેન્દ્ર સોમાણી