મૂત્રપિંડ-નિષ્ફળતા, દીર્ઘકાલી

(Chronic Renal Failure, CRF)

લાંબો સમય ચાલતી મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતા. તેને દીર્ઘકાલી મૂત્રપિંડ અનુપાત અથવા અપર્યાપ્તતા (chronic renal insufficiency) પણ કહે છે. તેના નિદાન માટે મુખ્ય આવશ્યકતાઓ રૂપે કેટલીક સ્થિતિઓ, ચિહનો અને લક્ષણો છે; જેમ કે, મહિનાઓ કે વર્ષો સુધી સતત વધતી જતી નત્રલવિષરુધિરતા (azotaemia), મૂત્રવિષરુધિરતા(uraemia)નાં લાંબા સમય સુધી ચાલતાં લક્ષણો અને ચિહનો. મોટાભાગના કિસ્સામાં જોવા મળતું લોહીનું ઊંચું દબાણ, પેશાબમાં બૃહદ્ ઘાટરૂપદ્રવ્ય (broad cast) અને મૂત્રની દરેક સમયે એકસરખી રહેતી વિશિષ્ટ ઘનતા (specific gravity), ધ્વનિચિત્રણ (sonography) દ્વારા દર્શાવી શકાતા સંકોચાયેલા બંને મૂત્રપિંડો તથા એક્સ-રે-ચિત્રણો દ્વારા દર્શાવી શકાતો મૂત્રપિંડી અસ્થિવિકાર (osteodystrophy) વગેરે. મૂત્રપિંડની ક્રિયાનિષ્ફળતાને કારણે શરીરમાં ઉત્પન્ન થતાં નત્રલ(protein)જન્ય અને અન્ય વિષ શરીરમાંથી બહાર ફેંકી શકાતાં નથી. તેથી તેમનું પ્રમાણ લોહીમાં વધે છે. તેને કારણે ઉદભવતા શારીરિક વિકારને નત્રલવિષરુધિરતા કે મૂત્રવિષરુધિરતા કહે છે. મૂત્રપિંડનું કાર્ય વિષમ બનવાને કારણે પેશાબમાં વિવિધ દ્રવ્યો વહે છે અને અવક્ષેપો જોવા મળે છે. તેમાંના પહોળા ઘાટરૂપ દ્રવ્યને બૃહદ્ ઘાટરૂપ દ્રવ્ય કહે છે.

દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતા(અનુપાત)નાં મુખ્ય કારણો છે : મધુપ્રમેહ (30 %) અને લોહીનું ઊંચું દબાણ (25 %). અન્ય 20 %થી 25 % કારણોમાં મૂત્રપિંડના રોગો, દા.ત., સગુચ્છ મૂત્રપિંડી શોથ (glomerulonephritis), મૂત્રપિંડી કોષ્ઠીય રોગ (renal cystic disease) તથા મૂત્રમાર્ગના રોગોનો સમાવેશ થાય છે. આશરે 15 %થી 16 % દર્દીઓમાં દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતાનું કોઈ કારણ જાણમાં આવતું હોતું નથી. CRFની સારવારમાં પારગલન (dialysis) દ્વારા શરીરમાંનું વિષ દૂર કરાય છે અને પાણી તથા ક્ષારોનું સંતુલન સરખું કરાય છે. સંભવિત હોય તે કિસ્સામાં મૂત્રપિંડ-પ્રતિરોપણ-(kidney transplant)ની સારવાર અપાય છે. અમેરિકામાં દર વર્ષે આશરે 68,000 નવા દર્દીઓને પારગલનની સારવાર શરૂ કરાય છે તથા દર વર્ષે કુલ આશરે 2,57,000 દર્દીઓને તે સારવાર અપાય છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : દીર્ઘકાલી મૂત્રપિંડ-નિષ્ફળતાનાં લક્ષણો અને ચિહનો ધીમે ધીમે અને અવિશિષ્ટ સ્વરૂપે વિકસે છે.  મૂત્રપિંડમાંના મૂત્રકગુચ્છોમાં લોહીનું ગાળણ થાય છે. તેના દરને ગુચ્છીગલનદર (glomerular filtration rate, GFR) કહે છે. ગુચ્છીગલનદર 10થી 15 મિલી/મિનિટ સુધી ઘટી જાય ત્યાં સુધી ઘણી વખત કોઈ ખાસ તકલીફ હોતી નથી. દર્દીને થાક, અશક્તિ તથા માંદા હોવાની લાગણી (malaise) થઈ આવે છે. તેની ભૂખ ઘટે છે. તેને ઊબકા અને ઊલટી થાય છે. મોઢામાં ધાતુમય સ્વાદ થઈ આવે છે અને હેડકી થાય છે. તે સહેલાઈથી ઉશ્કેરાય છે. તે એકાગ્રતા રાખવામાં મુશ્કેલી અનુભવે છે; તેની ઊંઘ ઘટે છે; તેના પગમાં કળતર થાય છે અને ખાલી ચઢે છે. શરીરમાં ખૂજલી થાય છે અને સહેલાઈથી ઊઝરડા પડે છે. સારવાર કરવા છતાંય ખૂજલીને મટાડવી અઘરી પડે છે. ચામડીમાં ફિકાશ હોય છે. ચકામાં પડે છે. ઉઝરડાને કારણે પોપડી ઊખડે છે. ચામડીમાં સોજો આવે છે. તે રુક્ષ બને છે (xerosis). મૂત્રવિષરુધિરતા વધે એટલે દર્દીની કામોત્તેજના (libido) ઘટે છે. ઋતુસ્રાવ અનિયમિત બને છે. હૃદયના આવરણમાં પીડાકારક સોજો (શોથ) આવવાને કારણે છાતીમાં દુખે છે અને હાથપગમાં ઝણઝણાટી થઈ આવે છે. મૂત્રપિંડ દ્વારા ઉત્સર્ગ પામતી દવાઓનું શરીરમાં પ્રમાણ વધે છે અને તેથી તેમની ઝેરી અસર થઈ આવે છે. દર્દીને શ્વાસ ચઢે છે તથા રાત્રે પેશાબ કરવાની હાજત થાય છે. મૂત્રપિંડ-નિષ્ફળતા વધે ત્યારે દર્દીના હાથમાં પંખ-કંપન (flapping tremor, asterixis) થઈ આવે છે. દર્દીનું લોહીનું દબાણ વધે છે. દર્દીના શ્વાસમાંથી માછલી જેવી ગંધ આવે છે. તેનાં ફેફસાંમાં વિવિધ પ્રકારના ધ્વનિ સંભળાય છે. હૃદય પહોળું થાય છે, સોજા આવે છે, હૃદયના આવરણ(પરિહૃદ્, pericardium)માંથી ઘર્ષણરવ (friction rub) સંભળાય છે. વધુ તકલીફ થાય ત્યારે દર્દી ઘેનમાં પડે છે અને ભાન ગુમાવે છે. તેના મગજનું કાર્ય વિષમ બને છે. તેને મૂત્રવિષરુધિરતાજન્ય મસ્તિષ્કરુગ્ણતા (uraemic encephalopathy) કહે છે.

સારણી 1 : દીર્ઘકાલી મૂત્રપિંડ-નિષ્ફળતાનાં મુખ્ય કારણજૂથો

1. પ્રારંભિક સગુચ્છ મૂત્રપિંડશોથ (primary glomerulonephritis)

2. મૂત્રપિંડના દ્વૈતીયિક વિકારો

– મધુપ્રમેહજન્ય મૂત્રપિંડરુગ્ણતા (diabetic nephropathy), એમિલોઇડતા (amyloidosis), ‘હીરોઇન’જન્ય મૂત્રપિંડરુગ્ણતા, સંક્રમણોત્તર સગુચ્છમૂત્રપિંડશોથ (post-infective glomerulonephritis), શ્વેતતંતુ-વાહિની વિકારો (collagen vascular disease), દાત્રકોષી મૂત્રપિંડરુગ્ણતા (sickle cell nephropathy)

3. મૂત્રકનલિકાસહ અંતરાલીય મૂત્રપિંડશોથ (tubulointerstitial nephritis)

– ઔષધો તરફ અતિસંવેદિતા, ભારે ધાતુઓથી ઉદભવતો વિકાર, પીડાશામક ઔષધજન્ય મૂત્રપિંડરુગ્ણતા, વિપરીતમાર્ગી મૂત્રવહનજન્ય સદ્રોણીમૂત્રપિંડશોથ (reflux pyelonephritis), અજ્ઞાતમૂલ (idiopathic)

4. વારસાજન્ય રોગો

– બહુકોષ્ઠી રોગ, આલ્પોર્ટનું સંલક્ષણ

5. મૂત્રમાર્ગરોધજન્ય મૂત્રપિંડરુગ્ણતા (obstructive nephropathy)

– પુર:સ્થગ્રંથિ(prostate gland)ના રોગો, મૂત્રપિંડમાં પથરી, પશ્ચપરિતની તંતુતા કે ગાંઠ(retroperitoneal fibrosis or tumour)

6. વાહિની-વિકારો (vascular disorders)

– લોહીનું ઊંચું દબાણ, મૂત્રપિંડ ધમનીનું સાંકડાપણું

આ ઉપરાંત મૂત્રપિંડ-નિષ્ફળતાના કારણરૂપ રોગનાં પણ લક્ષણો અને ચિહનો હોય છે. તે શોધી કાઢવાથી મૂત્રપિંડ-નિષ્ફળતાનું કોઈ મટાડી શકાય એવું કારણ હોય તો તે જાણી શકાય છે. મૂત્રપિંડ-નિષ્ફળતાનાં મટાડી શકાય એવાં કારણોમાં મૂત્રમાર્ગમાં ચેપ, મૂત્રમાર્ગમાં અવરોધ, શરીરમાંથી પાણીનું ઘટવું, મૂત્રપિંડને ઝેરી એવાં દ્રવ્યોનો સંસર્ગ, લોહીનું વધેલું દબાણ, હૃદયની રુધિરભારી ક્રિયાનિષ્ફળતા (congestive cardiac failure) તથા લોહીમાં કૅલ્શિયમના સ્તરનો વધારો વગેરેનો સમાવેશ થાય છે.

લોહીમાં યુરિયા–નાઇટ્રોજન (BUN) તથા રુધિરરસમાં ક્રિયેટિનિનનું વધેલું પ્રમાણ દર્શાવવાથી મૂત્રપિંડ-નિષ્ફળતાનું નિદાન કરાય છે. વધુ તપાસ કરીને ઉગ્ર (ટૂંકા ગાળાની) કે દીર્ઘકાલી (લાંબા ગાળાની) મૂત્રપિંડ-નિષ્ફળતા થયેલી છે તેવો નિદાનભેદ કરાય છે. અગાઉ કરાયેલી તપાસોમાં BUN વધુ હોય અને મૂત્રપરીક્ષણમાં વિષમતાઓ જોવા મળેલી હોય તથા ફરીથી કરાતાં પરીક્ષણોમાં રુધિરરસમાંનું ક્રિયેટિનિનનું સ્તર વધુ વધઘટ ન પામતું હોય તો તે દીર્ઘકાલી નિષ્ફળતા સૂચવે છે. દર્દીના લોહીમાંની ક્રિયેટિનિનની રુધિરસપાટી-(serum creatinine, Scr)ના વ્યસ્તપ્રમાણ (1/Scr)ને સમયગાળા(વર્ષ)ની સામે મૂકીને જો આલેખ દોરવામાં આવે તો તેના વડે દર્દીને કેટલાં વર્ષ પછી મૂત્રપિંડી નિષ્ફળતાનો છેલ્લો તબક્કો આવશે તેની ધારણા કરી શકાય છે. જો તેના પહેલાં મૂત્રપિંડની ક્રિયાક્ષમતા ઘટે તો તેને માટે કોઈ વધારાનું પરિબળ ઉમેરાયું છે એવું માની શકાય અને તેને શોધી કાઢીને સારવાર કરવામાં આવે તો મૂત્રપિંડી નિષ્ફળતાનો અંતિમ તબક્કો વહેલો આવતો અટકાવી શકાય છે (આકૃતિ 1). દીર્ઘકાલી મૂત્રપિંડ-નિષ્ફળતાના દર્દીમાં ઉમેરાતાં વધારાનાં પરિબળો કે જેઓની સારવાર શક્ય છે તેમને સારણી 2માં દર્શાવ્યાં છે.

આકૃતિ 1 : દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતાના દર્દીમાં ક્યારે અંતિમફલકીય મૂત્રપિંડી રોગનો તબક્કો આવશે તે દર્શાવતો આલેખ. નોંધ : 1, 2 અને 3 એવાં બિંદુઓ છે, જેમાં જે-તે સમયે (વર્ષે) ક્રિયેટિનિનની રુધિરસપાટી માપી હોય અને તેનું વ્યસ્તપ્રમાણ ગણી કઢાયું હોય.

ઉગ્ર તેમજ દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતામાં હીમોગ્લોબિનમાં ઘટાડો (પાંડુતા, anaemia), ચયાપચયી અતિઅમ્લતા-વિકાર (metabolic acidosis), અતિફૉસ્ફેટરુધિરતા (hyperphosphataemia), અલ્પકૅલ્સિરુધિરતા (hypocalcaemia) તથા અતિપોટૅશિયમરુધિરતા (hyperkalaemia) થાય છે. તેથી તેમના વડે આ બંને વિકારોમાં નિદાનભેદ શક્ય નથી. જોકે દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતામાં જો મૂત્રકનલિકાઓ વડે મૂત્રની સાંદ્રતામાં વધઘટ કરવાની ક્ષમતા ઘટેલી હોય તો આઇસોસ્થેન-મૂત્રમેહ(isosthenuria)નો વિકાર થાય છે. પહોળા અને અતિવૃદ્ધિ પામેલા મૂત્રકોને કારણે પેશાબમાં પહોળાં મીણમય ઘાટરૂપો (waxy casts) જોવા મળે છે.

સારણી 2 : મૂત્રપિંડી નિષ્ફળતા કરતાં, પરંતુ મટાડી શકાય એવાં, પરિબળો

પરિબળ નિદાનીય પ્રક્રિયા
1. મૂત્રમાર્ગમાં ચેપ પેશાબમાંના જીવાણુઓનું સંવર્ધન અને ઍન્ટિબાયૉટિકવશ્યતા (culture and sensitivity) કસોટી
2. મૂત્રમાર્ગમાં અવરોધ ધ્વનિચિત્રણ (sonography), મૂત્રાશયમાં નિવેશિકાનળી (catheter) મૂકવી વગેરે.
3. નિર્જલન (dehydration) બેસતાં કે ઊભા થતાં લોહીના દબાણમાં અને નાડીના દરમાં થતી વધઘટ માપવી, ચામડી સુક્કી થવી તથા તેની સ્થિતિસ્થાપકતા ઘટવી
4. લોહીમાં કૅલ્શિયમ કે યુરિક ઍસિડનો વધારો લોહીમાં વીજવિભાજ્યો (electrolytes) કૅલ્શિયમ અને યુરિક ઍસિડનું પ્રમાણ જાણવું
5. મૂત્રપિંડ પર ઝેરી અસર કરતાં દ્રવ્યો, દવાઓ જે તે દવા લીધી હોવાની નોંધ અથવા તેનું લોહીમાંનું સ્તર જાણવાની કસોટી
6. લોહીનું ઊંચું દબાણ લોહીના દબાણનું માપન, છાતીના એક્સ-રે-ચિત્રણ દ્વારા હૃદયના કદની માહિતી
7. રુધિરભારકારી હૃદય-નિષ્ફળતા (congestive cardiac failure) શારીરિક તપાસ, છાતીનું એક્સ-રે-ચિત્રણ

ધ્વનિચિત્રણ(sonography)ની તપાસમાં નાના કદનાં મૂત્રપિંડો (10 સેમી.થી ઓછી લંબાઈ) જોવા મળે છે. પરંતુ જો દર્દીને પુખ્ત વયે જોવા મળતો બહુકોષ્ઠીરોગ(polycystic disease), મધુપ્રમેહજન્ય મૂત્રપિંડરુગ્ણતા(diabetic nephropathy), બહુમજ્જાર્બુદ (multiple myeloma), એમિલોઇડતા (amyloidosis) કે મૂત્રમાર્ગમાં પથરી કે ગાંઠને લીધે અટકાવ કરતી રોધજન્ય મૂત્રમાર્ગ-રુગ્ણતા (obstructive uropathy) હોય તો મૂત્રપિંડનું કદ ઘટેલું હોતું નથી. શરીરનાં હાડકાંનાં ચિત્રણો લેવામાં આવે તો મૂત્રપિંડી અસ્થિવિકાર (renal osteodystrophy) જોવામાં આવે છે. જો મૂત્રપિંડી નિષ્ફળતાને કારણે આનુષંગિક પ્રતિભાવ રૂપે ગળામાં આવેલી પરાગલગ્રંથિઓનું કાર્ય વધે તો તેને આનુષંગિક અતિપરાગલગ્રંથિતા (secondary hyperparathyroidism) કહે છે. તેમાં પરાગલગ્રંથિ-અંત:સ્રાવ(parathyroid hormone)નું સ્તર વધે છે. જો 1 વર્ષ સુધી આવો વિકાર રહે તો મૂત્રપિંડી અસ્થિવિકાર થઈ આવે છે. હાથનાં આંગળાંનાં હાડકાંની ટચલી આંગળી તરફની કિનારીમાં જો પરિઅસ્થિકલા(periosteum)ની નીચેનું હાડકું પુન:શોષણ (reabsorption) પામેલું છે એવું એક્સ-રે-ચિત્રણોમાં દેખાય તો તે અતિપરાગલગ્રંથિતા થયેલી છે એવું સૂચવે છે. મૂત્રપિંડની નિષ્ફળતાના દર્દીમાં તે દીર્ઘકાલી મૂત્રપિંડી નિષ્ફળતા સૂચવે છે. આ વિકારને મૂત્રપિંડી અસ્થિવિકાર કહે છે.

દીર્ઘકાલી મૂત્રપિંડ-નિષ્ફળતાના દર્દીમાં વિવિધ પ્રકારની આનુષંગિક તકલીફો થાય છે. તેમને જુદાં જુદાં 7 જૂથોમાં વહેંચવામાં આવે છે. (સારણી 3). તેનાં મુખ્ય જૂથો છે – વીજવિભાજ્યગત અસંતુલન (electrolyte imbalance), અમ્લ-આલ્કલિતા વિકારો (acid base disorders), હૃદય અને રુધિરાભિસરણના વિકારો, લોહીના કોષો તથા લોહીના ગંઠનના વિકારો, ચેતાતંત્રીય વિકારો, ધાતુક્ષારો(minerals)ના ચયાપચયના વિકારો તથા અંત:સ્રાવ-વિકારો (endocrine disorders).

સારણી 3 : દીર્ઘકાલી મૂત્રપિંડ નિષ્ફળતાથી ઉદભવતી આનુષંગિક તકલીફો

જૂથ તથા વિકાર

લાક્ષણિકતા

ઉપચાર

1

2

3

1.  વીજવિભાજ્ય અસંતુલન (electrolyte imbalance)
(અ)    અતિપોટૅશિયમ રુધિરતા (hyperkalaemia) (અ)    ગુચ્છીગલન દર (GFR) 10 મિલી./મિનિટથી વધુ ઘટે તે પછી લોહીમાં પોટૅશિયમનું સ્તર વધવા માંડે છે. લોહીના કોષોનું તૂટવું, ઈજાને કારણે કોષોનું તૂટવું, મધુપ્રમેહમાં જોવા મળતી 4થા પ્રકારની મૂત્રક- નલિકાલક્ષી અમ્લતા, અન્ય અતિઅમ્લતા-વિકારો તથા લોહીમાં પોટૅશિયમનું સ્તર વધારતી દવાઓ આ વિકારને વધારે છે. (અ)    હૃદયના ધબકારની સતત નોંધણી (monitoring); નસ વાટે કૅલ્શિયમ ક્લોરાઇડ, ઇન્સ્યુલિન-ગ્લુકોઝનું દ્રાવણ તથા બાયકાર્બોનેટ; સોડિયમ પૉલિસ્ટાઇરિન સલ્ફોનેટ નામનું આયનોનો વિનિમય કરતું દ્રવ્ય તથા કબજિયાત ન રહે તેવી સારવાર પોટૅશિયમ વધારતી દવાઓનો નિષેધ; દા.ત., સ્પાયરોનોલેક્ટોન, એમિલોરાઇડ, ટ્રાયમિટિરિન, પ્રતિશોથ ઔષધો, એસ-ઇન્હિબિટર, બીટાબ્લોકર જેવા લોહીનું દબાણ ઘટાડતાં ઔષધો.
2.  અમ્લ-આલ્કલિતા વિકારો (acid base disturbance)
(અ) ચયાપચયી અતિ- અમ્લતા-વિકાર (metabolic acidosis) (અ) મૂત્રપિંડની નિષ્ફળતાને લીધે શરીરમાં હાઇડ્રોજન આયનોનો ભરાવો થાય છે. તેથી હાડકામાંના સંતુલકો (buffers) વડે તેનું સંતુલન કરાય છે. તેમાં હાડકામાંના કૅલ્શિયમના ક્ષારો લે છે અને તે મૂત્રપિંડી અસ્થિવિકારને વધારે છે. (અ) લોહીમાંનું બાયકાર્બોનેટનું સ્તર જાળવવા સોડિયમ બાયકાર્બોનેટ, કૅલ્શિયમ બાયકાર્બોનેટ તથા સોડિયમ અને પોટૅશિયમ સાઇટ્રેટ ક્ષારો અપાય છે.
3.      હૃદય અને રુધિરાભિસરણ- ના વિકારો
(અ)    લોહીનું ઊંચું દબાણ (અ)    મૂત્રપિંડ-નિષ્ફળતામાં ક્ષારો અને પાણીનો ભરાવો થાય છે અને તેથી લોહીનું દબાણ વધે છે. ઍરિથ્રો- પોયેટિન નામના ઔષધ વડે સારવાર કરાતી હોય તોપણ તેથી લોહીનું દબાણ વધી શકે છે. લોહીનું વધતું જતું દબાણ મૂત્રપિંડ- નિષ્ફળતાને વધારે છે. (અ)    ક્ષાર અને પાણીપ્રાશન-(intake)માં ઘટાડો, શરીરનું વજન વધુ હોય તો તેમાં ઘટાડો તથા દવાઓ વડે ઘટાડો તથા દવાઓ વડે સારવાર કરાય છે. મીઠા-(નમક)ના પ્રાશનમાં ઘટાડો કરીને રોજનું 4થી 6 ગ્રામ કે વધુ ઘટાડીને 2 ગ્રામ જેટલું કરાય છે. લોહીનું દબાણ ઘટાડવા માટે એલ. ઇન્હિબિટર, લોસાર્ટન, કૅલ્શિયમ બ્લૉકર્સ, બીટા બ્લૉકર્સ તથા મૂત્રવર્ધકો વપરાય છે. તેમની સાથે ક્યારેક ક્લૉનિડિન, હાઇડ્રેલેઝિન, મિનૉક્સિડિલ વગેરે પણ વપરાય છે.
(આ)   હૃદયના આવરણમાં સોજો (આ)  તેને પરિહૃદ્-શોથ(pericarditis) કહે છે. જ્યારે લોહીમાં BUN 100 મિગ્રા./ ડેસિલી.થી વધે છે ત્યારે તે થાય છે. શરીરમાં રહી જતા ઝેરને કારણે તે થાય છે તેવું મનાય છે; તેથી છાતી માં દુખાવો અને તાવ થાય છે. ક્યારેક હૃદયના આવરણનાં બે સોજાવાળાં પડ એકબીજાં સાથે ઘસાય તો છાતી પર ઘર્ષણરવ (friction rub) સંભળાય છે. (આ)   એક્સ-રે-ચિત્રણ તથા હૃદયના વીજાલેખ (ECG) કે પ્રતિ- ઘોષાલેખ (echo-cardio- graphy) વડે તેનું નિદાન થાય છે. જો પુષ્કળ પ્રવાહી ભરાવાથી હૃદયના કાર્યમાં મુશ્કેલી ઉદભવે તો તેને કાઢવું પડે છે. પરિહૃદ્-શોથ થાય તો રુધિરી પારગલન(haemodialysis) કરવામાં આવે છે.
(ઇ)    રુધિરભારકારી હૃદય- નિષ્ફળતા (congestive cardiac failure, CCF) શરીરમાં પાણીનો ભરાવો, હૃદયરોગ, ફેફસાંનો રોગ તથા પાંડુતાને કારણે CCF થાય છે. હૃદયના સ્નાયુનો પણ વિકાર તેમાં ભાગ ભજવે છે. ઔષધ વગેરેની મદદથી દર્દીને રાહત અપાય છે. પાણી-ક્ષારના પ્રાશનમાં ઘટાડો, મૂત્રવર્ધક ઔષધનો ઉપયોગ ઉપયોગ (દા.ત., ફ્રુસેમાઇડ), જરૂર પડ્યે સાચવીને અપાતી ડિગૉક્સિન નામની દવા, એસ. ઇન્હિબિટર દવાઓ વગેરે ઉપયોગી રહે છે.
4.  લોહીના કોષો તથા રુધિર- ગંઠનના વિકારો
(અ)    પાંડુતા (anaemia) (અ)    લોહીમાં હીમોગ્લોબિન ઘટે તેવી સ્થિતિને પાંડુતા કહે છે. રક્તકોષો સમરંગી (normo- chronic) અને સમકોષી (normocytic) હોય છે એટલે કે તેમના કદ તથા રંગમાં વધઘટ હોતી નથી GFR 20–25 મિલી./મિનિટ- થી વધુ ઘટે ત્યારે રક્ત- કોષપ્રસર્જક(erythropoietin) નામનો મૂત્રપિંડમાંથી ઝરતો અંતસ્રાવ ઘટે છે. પુન:સંયોજિત રક્તકોષ-પ્રસર્જક વડે સારવાર કરીને પાંડુતા ઘટાડાય છે. તે સમયે શરીરમાં પૂરતું લોહતત્વ હોવું જરૂરી છે. તે માટે જરૂર પડ્યે લોહના ક્ષારો અપાય છે. લોહીનું દબાણ વધે નહિ તેનું ખાસ ધ્યાન રખાય છે. કેટલાક કિસ્સામાં નસ વાટે રક્તકોષોનું પ્રતિસરણ (red cell transfusion) કરાય છે.
(આ)   રુધિરગંઠન વિકાર (coagulopathy) (આ)   લોહીમાંના ગંઠનકોષો-(platelets)નું કાર્ય બગડે એટલે તે થાય છે. તેને કારણે દર્દીની ચામડી પર રુધિરછાંટ (purpura) થાય છે અને ઈજા કે શસ્ત્રક્રિયા વખતે લોહી વહેતું રહે છે અને ગંઠાતું નથી. (આ)     લોહી વહેવાની તકલીફ થાય તેઓમાં રુધિરકોષ-દલ (haematocrit) 30 % સુધી વધારાય છે. શસ્ત્રક્રિયા કરતાં પહેલાં ડેસ્મોપ્રેસિન નામનું ઔષધ અપાય છે. સંયુગ્મિત (conjugated) ઇસ્ટ્રોજન પણ ઉપયોગી રહે છે. પરિતનીય પારગલન (peritoneal dialysis) મદદરૂપ રહે છે. જરૂર પડ્યે રુધિરપ્રરસનો શીતાવક્ષેપ (cryoprecipitate) નસ વાટે અપાય છે.
5.  ચેતાતંત્રીય વિકારો
(અ)    મસ્તિષ્કરુગ્ણતા (encephalopathy) (અ)    GFR 10–15 મિલી./મિનિટ- થી વધુ ઘટે એટલે મગજનું કાર્ય અસરગ્રસ્ત થાય છે. તેને મૂત્રવિષરુધિરતાજન્ય મસ્તિષ્કરુગ્ણતા (uraemic encephalopathy) કહે છે. વિવિધ પ્રકારના ઝેર તથા પરાગલગ્રંથિના અંત:સ્રાવની અધિકતા તે કરે છે. દર્દી થાક અનુભવે છે, ગૂંચવાયેલો રહે છે અને બેભાન થાય છે. તેને નેત્રડોલન (nystagnus); પંખકંપન (asterixis) તથા અતિચેતાપરાવર્તિતા (hyperreflexia) થાય છે. તેને કારણે અનુક્રમે બંને આંખ જ્યારે ત્રાંસી નજર હોય ત્યારે ડોલ્યા કરે છે, હાથ જાણે પંખીની પાંખ હોય તેમ હળવેથી વીંઝાય છે તથા ચેતાપરાવર્તી ક્રિયા રૂપે થતાં હલનચલનો વધુ તીવ્ર બને છે. (અ)    પારગલનની સારવાર અપાય છે.
(આ) પરિધીય ચેતારુગ્ણતા (peripheral neuropathy) GFR ઘટીને 10 % જેટલો થાય ત્યારે પારગલ મેળવતા 65 % દર્દીઓમાં તે થાય છે. હાથપગમાં મોજાથી ઢંકાતો હોય એવી રીતેના ભાગમાં ખાલી ચડે છે અને ઝણઝણાટી થાય છે. તેને બહુચેતારુગ્ણતા (polyneuropathy) કહે છે. ક્યારેક એક અથવા વધુ ચેતાનો વિકાર ઉદભવે છે. તેને એકચેતારુગ્ણતા (mononeuropathy) કહે છે. ક્યારેક દર્દીને નપુંસકતા આવે છે.

 

પારગલન વડે વધતા-ઓછા પ્રમાણમાં ચેતારુગ્ણતા થતી અટકે છે અથવા ઘટે છે.
6.  ધાતુક્ષારના ચયાપચયના વિકારો (disorders of mineral metabolism)
(અ)    કૅલ્શિયમ અને ફૉસ્ફરસ (અ)      તેને કારણે હાડકામાં વિકાર થાય છે. તેને મૂત્રપિંડી અસ્થિવિકાર (renal osteodystrophy) કહે છે. તેમાં સતંતુકોષ્ઠી અસ્થિશોથ (osteitis fibrosa cystica) અને અસ્થિમૃદુતા (osceo- malacia) એમ બે પ્રકારના વિકારો થાય છે. GFR 25 % થી વધુ ઘટે એટલે ફૉસ્ફેટનો ઉત્સર્ગ ઘટે છે. તેથી લોહીમાં ફૉસ્ફેટનું પ્રમાણ વધે છે અને કૅલ્શિયમનું પ્રમાણ ઘટે છે. તે પરાગલગ્રંથિના અંત:સ્રાવ-(parathyroid hormone)નું લોહીમાં પ્રમાણ વધારે છે. તેને કારણે ફૉસ્ફેટનું રુધિર- સ્તર સપ્રમાણ બને છે; પરંતુ હાડકામાં અસ્થિભક્ષિતા (osteoclastic activity) વધે છે તથા હાડકાના આવરણની નીચે દોષવિસ્તારો ઉદભવે છે. શરીરમાં અન્યત્ર કૅલ્શિયમ જામે છે. આંગળીના વેઢાનાં હાડકાં અને હાંસડીના હાડકાના ખભા તરફના છેડામાં સૌથી વધુ વિકાર થાય છે.

બીજા પ્રકારના મૂત્રપિંડી અસ્થિવિકારમાં અસ્થિમૃદુતા થાય છે. તેમાં હાડકામાં ચયપચયી વિનિમય ઓછો રહે છે. શરીરમાં કૅલ્શિયમના ચયાપચયનું નિયંત્રણ વિટામિન–ડી કરે છે. મૂત્રપિંડ- માં 25–હાઇડ્રૉક્સિકોલિકૅલ્સિ- ફેરોલ નામનું વિટામિન–ડીનું એક સ્વરૂપ 1, 25–ડાય-હાઇ ડ્રૉક્સિકોલિકૅલ્સિફેરોલમાં રૂપાંતરિત થાય છે. મૂત્રપિંડ- નિષ્ફળતામાં આ રૂપાંતરણ ઘટે છે અને તેથી આંતરડામાં કૅલ્શિયમનું અવશોષણ ઘટે છે અને હાડકાંમાં કૅલ્શિયમની જમાવટ વિષમ બને છે. જો ફૉસ્ફરસનું રુધિરસ્તર ઘટાડવા ઍલ્યુમિનિયમના ક્ષારને ઉપચારમાં અપાયો હોય તો તે હાડકામાં જમા થાય છે અને અસ્થિમૃદુતા કરે છે.

બંને પ્રકારના વિકારોમાં હાડકાંમાં દુખાવો થાય છે તથા ખભા પાસેના હાથના તથા જાંઘના સ્નાયુમાં નિર્બળતા આવે છે. હાડકાં આપોઆપ તૂટે છે અને ધીમેથી સંધાય છે. જ્યારે કૅલ્શિયમ અને ફૉસ્ફરસ- (મિગ્રા./ડેસિલીટર)ના લોહીના સ્તરોનો ગુણાકાર 60–70 થાય ત્યારે નસોમાં, મૃદુ પેશીમાં, ફેફસાંમાં તથા હૃદયના સ્નાયુમાં કૅલ્શિયમ જમા થાય છે.

(અ)    ખોરાકમાં ફૉસ્ફરસનો ઘટાડો કરાય છે. આંતરડામાં ફૉસ્ફરસ સાથે સંયોજાય તેવા કૅલ્શિયમ કે ઍલ્યુમિનિયમના ક્ષાર અપાય છે. ઍલ્યુમિનિયમના ક્ષાર ઝડપી અસર માટે વપરાય છે, પરંતુ લાંબા સમય સમય માટે આપી શકાતા નથી. જો ઍલ્યુમિનિયમનું રુધિરસ્તર વધી જાય તો તેનું ડિફેરોક્સિ- માઇન વડે ધાતુગ્રહણ (chetation) કરાય છે. ધાતુ- ગ્રહણની ક્રિયા વડે વધારાના ગ્રહી લઈને તેનો ઉત્સર્ગ કરાય છે. ઍૅલ્યુમિનિયમને વિટામિન–ડીની સતત નોંધણી કરાય છે અને જરૂર પડ્યે કૅલ્સિટ્રિયૉલ અપાય છે.
7.      અંત:સ્રાવી વિકારો (endocrine disorders) GFR 10–20થી વધુ ઘટે તો ઇન્સ્યુલિન (મધુઅલ્પક અંત:- સ્રાવ)ની અસરકારકતા ઘટે છે. તેને મધુઅલ્પકનો ક્રિયા- વિરોધ (insulin resistance કહે છે. મૂત્રપિંડ દ્વારા ઇન્સ્યુલિનનો ઉત્સર્ગ પણ ઘટે છે. તેથી દર્દીને કાં તો અતિગ્લુકોઝરુધિરતા (hyperglycaemia) અથવા અલ્પગ્લુકોઝરુધિરતા (hypoglycaemia) થાય છે તેથી અનુક્રમે લોહીમાં ગ્લુકોઝની સપાટી વધે છે અથવા ઘટે છે. પરંતુ ઇન્સ્યુલિનનું લોહીમાંનું પ્રમાણ વધેલું હોય છે. કામોત્તેજના (libido) ઘટે છે અને નપુંસકતા (impotance) થાય છે. પુરુષોમાં પુંકારી અંત:સ્રાવ (testosterone) ઘટે છે. સ્ત્રીમાં અફલિતતા (infertility) થઈ આવે છે, પરંતુ ક્યારેક સ્ત્રીદર્દી સગર્ભા બને છે, માટે મુખમાર્ગી ગર્ભનિરોધક ગોળીઓ આપવાનું સૂચવાય છે. સામાન્ય રીતે તેવું પૂરતા પોષણવાળી અને પાર- ગલનની સારવાર લેતી સ્ત્રીમાં બને છે. ગલગ્રંથિ (thyroid gland), પીયૂષિકાગ્રંથિ (pituitary gland) અને અધિવૃક્કગ્રંથિ- (adrenal gland)ના અંત:- સ્રાવોમાં વિષમતા આવે છે, પરંતુ જે તે ગ્રંથિનું કાર્ય ખાસ પ્રકારે વિષમ થયેલું જોવા મળતું નથી. પારગલનની ક્રિયા વડે વિકારો ઘટાડી શકાય છે.

સારવાર : સારવારક્રિયાનાં મુખ્ય 3 ઉપજૂથો છે – આહાર-નિયંત્રણ, પારગલન (dialysis) અને મૂત્રપિંડ-પ્રતિરોપણ (kidney transplant). પોષણવિદ્ (nutritionist) વડે દર્દીની તપાસ કરાવવાનું સૂચવાય છે. જરૂર પડે તે પ્રમાણે પ્રોટીન, ક્ષાર (મીઠું), પાણી, પોટૅશિયમ અને ફૉસ્ફરસના પ્રાશન(intake)નું નિયંત્રણ સૂચવાય છે. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ ઘટાડવાથી મૂત્રપિંડી નિષ્ફળતાનો છેલ્લો તબક્કો આવતો ધીમો બને છે એવું કેટલાક પ્રયોગો વડે જાણવા મળ્યું છે. જોકે હાલ તેવું કરવું લાભકારક છે એમ સાબિત થયેલું નથી. હાલ 1 ગ્રામ/શારીરિક વજનના કિલોગ્રામ/દિવસના દરે પ્રોટીન અપાય છે અને જો તેનાથી ફાયદો રહે તો તે પ્રમાણે ઘટાડીને 0.6 ગ્રામ/કિગ્રા./દિવસ જેટલું કરાય છે. આગળ વધેલા વિકારમાં 3થી 4 ગ્રામથી માંડીને 1 ગ્રામ/દિવસના દરે સોડિયમ લેવાનું સૂચવાય છે. રોજ 1થી 2 લિટર પાણી લેવાથી શરીરનું જલસંતુલન જળવાઈ રહે છે. GFR 10–20થી વધુ ઘટે તો પોટૅશિયમનું પ્રાશન ઘટાડાય છે. તેવે સમયે ખોરાકમાં 60થી 70 મિલી ઇક્વિવેલન્ટ/દિવસના દરે પોટૅશિયમ લેવા દેવાય છે. લોહીમાં ફૉસ્ફરસનું પ્રમાણ 4.5 મિગ્રા./ડેસિલિટર જળવાય તેટલા પ્રમાણમાં ફૉસ્ફરસ અપાય છે. તેને કારણે ઈંડાં, દૂધ અને દૂધની બનાવટો અને માંસ(meat)માં ઘટાડો કરાય છે. GFR 10થી 20 મિલી./મિનિટથી ઘટે તો ફૉસ્ફરસનું પ્રાશન 5થી 10 મિગ્રા/કિગ્રા/દિવસ જેટલું ઘટાડાય છે. મૂત્રપિંડ દ્વારા મૅગ્નેશિયમનો ઉત્સર્ગ થાય છે. તેથી મૅગ્નેશિયમવાળી દવાઓ (જુલાબ તથા જઠરના ઍસિડનું તટસ્થીકરણ કરતા પ્રત્યામ્લ ઔષધો – antacids) અપાતી નથી. વિવિધ પ્રકારના ધાતુક્ષાર તથા અન્ય આહારી દ્રવ્યોની વિષમતાઓ થાય તો તેની સારવાર કરવાના સિદ્ધાંતો સારણી 3માં દર્શાવ્યા છે.

અંતિમફલકીય મૂત્રપિંડ-નિષ્ફળતાની સારવારમાં આહારનિયંત્રણ અપૂરતું રહે ત્યારે પારગલન કે મૂત્રપિંડ-પ્રતિરોપણ અંગે નિર્ણય કરવાનું સૂચવાય છે. જો દર્દીને મૂત્રવિષરુધિરતા(uraemia)ને કારણે હૃદયની આસપાસ પાણી ભરાય, મગજની વિષમતા ઉદભવે (માનસિક ગૂંચવણ, બેભાનાવસ્થા વગેરે) કે લોહીના ગંઠાવાની ક્રિયા વિષમ બને; શરીરમાં પાણીનો ભરાવો થાય અને મૂત્રવર્ધક ઔષધો નિષ્ફળ રહે; લોહીમાં પોટૅશિયમનું પ્રમાણ વધતું જાય; તીવ્ર પ્રકારનો ચયાપચયી અમ્લતા-વિકાર (metabolic acidosis) થવાથી pH મૂલ્ય 7.20થી ઓછું થઈ જાય અને/અથવા ચેતારુગ્ણતા (neuropathy) થાય કે આંચકી (ખેંચ) આવે તો પારગલન કરવું જરૂરી ગણાય છે. સામાન્ય રીતે રુધિરરસમાં ક્રિયેટિનિનનું પ્રમાણ 10 મિગ્રા./ડેસિલિટર થાય અથવા લોહીમાં યુરિયા-નાઇટ્રોજન (BUN) (100 મિગ્રા./ડેસિલિટર) તો પારગલન કરવું પડે છે, પરંતુ મધુપ્રમેહના દર્દીમાં તે પહેલાં કરાય છે. પારગલનની ક્રિયા જૂથક્રિયા(group activity)રૂપ છે. તેમાં આહારવિદ્ (diatecian), સામાજિક કાર્યકરો, મનશ્ચિકિત્સાવિદ્ તથા પ્રતિરોપણ કરનારા સર્જ્યનો પણ સાથીદારો હોય છે. દર્દીને આ સારવારપદ્ધતિની શરૂઆત, શક્ય અંત, જરૂરિયાત તથા જોખમો જણાવવામાં આવે છે. તેના બે પ્રકાર છે : રુધિરી પારગલન (haemodialysis) અને પરિતની પારગલન (peritoneal dialysis).

આકૃતિ 2 : પારગલનની ક્રિયાનો સિદ્ધાંત : (1) યંત્રમાં ગયેલું લોહી, (2) પારગલક દ્રાવણ (dialysate), (3) અપૂર્ણપારગમ્ય પટલ (semipermeable membrane), (4) લોહીનાં ઝેરી દ્રવ્યોનું પ્રસરણની ક્રિયા વડે યંત્રમાં પારગલન, (5) શરીરને જરૂરી દ્રવ્યોનું પારગલકમાંથી પ્રસરણ દ્વારા લોહીમાં પારગલન.

રુધિરી પારગલનની ક્રિયામાં દર્દીના રુધિરાભિસરણને એક યંત્ર સાથે જોડવામાં આવે છે, જેથી તેનું લોહી તે યંત્રમાંની નળીમાં પણ ફરે તે સમયે તેમાં પારગલક (dialysate) દ્રાવણ હોય છે જેને તથા દર્દીના લોહીને એક અપૂર્ણપારગમ્ય (semipermeable) પડદા (પટલ) વડે અલગ પાડેલાં રખાય છે. લોહી અને પારગલકમાંનાં વિવિધ દ્રવ્યોનો આ અપૂર્ણપારગમ્ય પટલ દ્વારા વિનિમય થાય છે, જેથી લોહીમાંનાં ઝેરી દ્રવ્યો અને પારગલનમાંનાં ઉપયોગી દ્રવ્યોનું  સામસામે પ્રસરણ થાય છે. આમ લોહીમાંનાં ઝેરી દ્રવ્યો યંત્રમાં વહી જાય છે અને શરીરને ઉપયોગી દ્રવ્યો લોહીમાં પ્રવેશે છે. આવી રીતે લોહીનું શુદ્ધીકરણ થાય છે. રુધિરી પારગલનની ક્રિયાનો સિદ્ધાંત આકૃતિ 2માં દર્શાવ્યો છે.

દર્દીના શરીરમાંથી યંત્રમાં લોહી મોકલવાની નળીઓને દર્દીના શરીર સાથે જોડવા માટે દર્દીના હાથ પર તેની ધમની અને શિરાને જોડતી એક ધમની-શિરા યુગ્મકનળી (arterio-venous fistula) બનાવીને અથવા કૃત્રિમ અધિયુગ્મનલિકા (shunt) બનાવીને તેનો ઉપયોગ કરાય છે. યુગ્મકનળી વધુ સમય ચાલે છે, પરંતુ તેને બનાવ્યા પછી 6થી 8 અઠવાડિયે તેનો ઉપયોગ થાય છે. તેમાં લોહી જામી જવાનું, ચેપ લાગવાનો કે નસો પહોળી થઈને વાહિનીપેટુ (aneurysm) થવાનો ભય રહે છે. સૌથી વધુ ચેપ કરતો જીવાણુ સ્ટૅફાયલોકૉકસ ઑરિયસ હોય છે. સામાન્ય રીતે અઠવાડિયામાં 3 વખત દર્દીના કદ, પારગલનના પ્રકાર તથા અન્ય પરિબળો પ્રમાણે 3થી 4 કલાક માટે રુધિરી પારગલન કરાય છે.

આકૃતિ 3 : રુધિરી પારગલનના યંત્રનો સિદ્ધાંત અને ચિત્રાંકન : (1) દર્દીનો હાથ, (2) ધમની, (3) શિરા, (4) ધમની-શિરાને જોડતી સંયુગ્મનળી, (5) ધમનીગત લોહીને યંત્રમાં લઈ જતી નલિકા, (6) ‘આયન’ ઘટાડતા જલોપચાર, સાંદ્ર અમ્લીય દ્રવ્ય(acid concentrate) તથા NaHCO3 અને NaClવાળું પારગલક(dialysate), (7) લોહી અને પારગલકને વહેવડાવતું ‘‘ગતિદાબ યંત્ર’’, (8) પારગલક લઈ જતી નલિકા, (9) પોલા તંતુવાળું પારગલન કક્ષ, (10) શિરાગત લોહીને પાછું લઈ જતી નળી, (11) વપરાયેલું અને બહાર નીકળતું પારગલક. નોંધ : o⁄o પંપ સૂચવે છે. ગતિદાબક યંત્રમાંના માપનનિર્દેશકો દ્વારા દર્શાવાતી માહિતી – (ક) પારગલકનો વહનદર, (ખ) પારગલકનું દબાણ, (ગ) પારગલકની વહનક્ષમતા, (ઘ) નળીઓમાંથી લોહી ચૂઈને બહાર જતું હોય તે દર્શાવતો માપનનિર્દેશક, (ચ) ધમનીમાં દબાણ, (છ) શિરામાં દબાણ, (જ) રુધિરવહનદર્શક, (ઝ) નળીઓમાં હવા ભરાય તે દર્શાવતો માપનનિર્દેશક.

પરિતનીય પારગલનની ક્રિયામાં દર્દીના પેટના પોલાણમાં પારગલક દ્રાવણ ભરવામાં આવે છે. દર્દીના પેટના પોલાણને પરિતનગુહા (peritoneal cavity) કહે છે. તેથી આ પ્રક્રિયાને પરિતનીય પારગલન કહે છે. તેમાં પરિતનગુહાનું પટલ અપૂર્ણ પારગમ્ય પટલ તરીકે કાર્ય કરે છે. દર્દીની કેશવાહિનીઓમાંનાં લોહી તથા પરિતનગુહામાંનાં પારગલક દ્રાવણ વચ્ચે દ્રવ્યોનો વિનિમય થાય છે અને તેના વડે લોહીમાંનાં ઝેરી દ્રવ્યો પારગલક દ્રાવણમાં વહી જાય છે અને જરૂરી દ્રવ્યો લોહીમાં પ્રવેશે છે. પારગલકને દર્દીના શરીરમાં નિવેશિકાનળી (catheter) વડે પ્રવેશાવવામાં આવે છે અને તેને દિવસમાં 3થી 4 વખત બદલવામાં આવે છે. દર્દી પરિતની પારગલન વખતે હરીફરી શકે તેવા પ્રકારની વ્યવસ્થા પણ યોજી શકાય છે. તેને સતત સંચલનસંભવ પરિતની પારગલન (continuous ambulatory peritoneal dialysis) કહે છે. તેમાં દર્દી દિવસમાં 4–5 વખત પારગલક દ્રાવણ બદલે છે. દર્દીને સુગમતા અને સ્વતંત્રતા વધુ રહેતી હોવાથી વિષમતા અને સામાન્ય સ્થિતિ વચ્ચેનાં ઝોલાની ગેરહાજરી તથા ફૉસ્ફેટનું વધુ સારું નિયંત્રણ હોવાથી પરિતની પારગલન સ્વીકૃતિ પામેલું છે. આનુષંગિક તકલીફ રૂપે ક્યારેક પરિતનગુહામાં ચેપ લાગે છે. તેને પરિતનશોથ (peritonitis) કહે છે. મોટેભાગે સ્ટૅફાયલોકૉકસ ઑરિયસ જીવાણુ તેના કારણરૂપ હોય છે. પરિતની પારગલનનાં સાધનો સસ્તાં હોવા છતાં તેમાં થતા ચેપને કારણે તેનો તથા રુધિરી પારગલનનો એકંદર ખર્ચ ઘણી વખત સરખો રહે છે.

મૂત્રપિંડી નિષ્ફળતા કરતા રોગને આધારે આયુમર્યાદા નક્કી થાય છે; જેમ કે મધુપ્રમેહના 18 % દર્દીઓ અને સગુચ્છ મૂત્રપિંડી શોથના 40 % દર્દીઓ 5 વર્ષ જીવે છે. એકંદર 5 વર્ષની આયુર્મર્યાદાનો દર 30 % છે. પારગલનવાળા દર્દીઓની સરેરાશ આયુ:સંભાવના અથવા જીવનકાળ-સંભાવના 3–4 વર્ષ ગણાય છે; પરંતુ તે 25 વર્ષ સુધી લાંબી હોય એવું પણ કેટલાક રોગોમાં જોવા મળ્યું છે.

મૂત્રપિંડ-પ્રતિરોપણ : મૂત્રપિંડની નિષ્ફળતાના છેલ્લા તબક્કાના દર્દીઓમાં મૂત્રપિંડનું પ્રતિરોપણ સંભવિત છે. મોટાભાગે મૃતદાતા(cadaveric donor)ના મૂત્રપિંડનો ઉપયોગ થાય છે, જ્યારે બાકીના કિસ્સામાં જીવંત સ્વજનો મૂત્રપિંડનું દાન કરે છે. પ્રતિરોપણ પછી કોર્ટિકોસ્ટીરોઇડ, એઝાથાયૉપ્રિમ અને સાઇક્લોસ્પોરિન જેવાં પ્રતિરક્ષાદાબક ઔષધો વપરાય છે જેમને જીવનપર્યંત લેવાં પડે છે. મૃતદાતાના મૂત્રપિંડના પ્રતિરોપણમાં તેમની જરૂર વધુ રહે છે. પ્રતિરોપણની સફળતા માટે અગાઉથી માનવશ્વેતકોષી પ્રતિજન-(human leucocyte antigen, HLA)ની સંગતતા ચકાસી લેવામાં આવે છે. જીવંત સ્વજનના દાનથી મળેલો મૂત્રપિંડ 90 % કિસ્સામાં 2 વર્ષથી વધુ સમય માટે તથા મૃતદાતાનો મૂત્રપિંડ 78 % કિસ્સામાં 2 વર્ષથી વધુ સક્રિય રહે છે. ઔષધસારવારની સાથે પ્રતિરોપણ પામેલા દર્દીનું જીવન લગભગ સામાન્ય બની જાય છે. (જુઓ. પ્રતિરોપણ અને નિરોપ, ગુજરાતી વિશ્વકોશ : ગ્રંથ 12). જીવંત મૂત્રપિંડદાનમાં મૂત્રપિંડ-વેચાણનો ભય રહેલો હોવાથી તેનું નિયંત્રણ કરતો કાયદો ઘડાયેલો છે.

શિલીન નં. શુક્લ

જગદીપ શાહ