મુસ્તાક મહંમદ (જ. 22  નવેમ્બર 1943, કરાંચી) : પાકિસ્તાનના મજબૂત જમોડી બૅટ્સમેન અને લેગ બ્રેક ગોલંદાજ એવા સશક્ત ટેસ્ટ ઑલરાઉન્ડર તથા સુકાની. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝ, કરાંચી, નૉર્ધમ્પટનશાયર અને પાકિસ્તાન તરફથી 1956થી 1980 દરમિયાન સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી ચૂકેલા પાકિસ્તાનના સંગીન ઑલરાઉન્ડર, મુસ્તાક મહંમદના લોહીમાં ક્રિકેટ હતું.

પાકિસ્તાનના વિખ્યાત ટેસ્ટ ક્રિકેટર મહંમદ ભાઈઓ – વઝીર મહંમદ, હનિફ મહંમદ, મુસ્તાક મહંમદ અને સાદીક મહંમદ – પૈકીના મુસ્તાક મહંમદે પોતાની આગવી શિસ્ત તથા બૅટિંગ-સાતત્યથી ક્રિકેટમાં પાકિસ્તાનને મહત્વની સિદ્ધિઓ અપાવી.

1956–57માં 13 વર્ષ 41 દિવસની અત્યંત નાની વયે મુસ્તાકે ‘કરાંચી વ્હાઇટ્સ’ તરફથી હૈદરાબાદ (સિંધ) સામે પ્રથમ કક્ષાના ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 1956થી 1980 સુધીમાં તેમણે 70 સદીઓ સાથે 42.02ની બૅટિંગ સરેરાશથી કુલ 30,130 રન નોંધાવ્યા હતા, જે પાકિસ્તાન ક્રિકેટમાં લાંબા સમય સુધી એક વિક્રમ હતો. તેમણે 23.99ની બૉલિંગ સરેરાશથી કુલ 906 વિકેટો તથા 329 કૅચ ઝડપ્યા હતા.

1959માં 26થી 31 માર્ચ, દરમિયાન પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝ સામે લાહોર ખાતે ત્રીજી ટેસ્ટમાં મુસ્તાક મહંમદે 15 વર્ષ 124 દિવસની સૌથી નાની વયે ટેસ્ટ-પ્રવેશ મેળવ્યો હતો જે વિશ્વવિક્રમ હજી અખંડિત છે.

1960–61માં ભારતપ્રવાસ દરમિયાન દિલ્હીમાં ભારત સામેની પાંચમી ટેસ્ટમાં મુસ્તાકે 17 વર્ષ 82 દિવસની સૌથી નાની વયે સદી ફટકારવાનો વિશ્વવિક્રમ સર્જીને 101 રન નોંધાવ્યા હતા અને 18 વર્ષ 251 દિવસની વયે જુલાઈ, 1962માં ઇંગ્લૅન્ડ સામે નોટિંગહામ ખાતે ટે્રન્ટબ્રિજના મેદાન પર ચોથી ટેસ્ટમાં અણનમ 100 રન નોંધાવ્યા હતા. 1972–73માં ન્યૂઝીલૅન્ડ પ્રવાસમાં ડ્યુનેડીન ખાતે ન્યૂઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં 383 મિનિટમાં 20 ચોગ્ગા સાથે મુસ્તાકે પાકિસ્તાની ક્રિકેટની સૌપ્રથમ બેવડી સદી ફટકારતાં 201 રન નોંધાવ્યા હતા.

1966થી 1977 દરમિયાન તેઓ ઇંગ્લૅન્ડની નૉર્ધમ્પટનશાયર કાઉન્ટી ક્લબ તરફથી ઇંગ્લિશ લીગ ક્રિકેટમાં રમ્યા હતા. જેમાં તેમણે 16,000 રન અને 550 વિકેટો નોંધાવ્યાં હતાં.

1959થી 1980 દરમિયાન મુસ્તાક મહંમદે 57 ટેસ્ટમૅચોમાં રમીને કુલ 3,643 રન (સરેરાશ 39.17) નોંધાવ્યા હતા, જેમાં 10 સદી સામેલ હતી. તેમણે 79 વિકેટો (સરેરાશ 29.24) તથા 42 કૅચ ઝડપ્યાં હતાં.

જગદીશ બિનીવાલે