મુબારક હોસ્ની (જ. 4 મે 1928, ક્રાફ-અલ-મેસેલ્લાહ કેરોની ઉત્તરે 130 કિમી. પર આવેલું ગામ.) : ઇજિપ્તના પ્રમુખ 1981માં બન્યા તે પૂર્વે અનવર સાદત સરકારમાં ઉપપ્રમુખ અને હવાઈ દળના વડા હતા. તેમણે 30 વર્ષ સુધી ઇજિપ્તના ચોથા પ્રમુખ તરીકેનો કાર્યકાળ ભોગવ્યો.

14 ઑક્ટોબર, 1981થી 11 ફેબ્રુઆરી, 2011 સુધી તેઓ ઇજિપ્તના પ્રમુખ રહ્યા. 1975માં તેઓ ઉપપ્રમુખનો હોદ્દો ધરાવતા હતા અને 1981માં પૂર્વ પ્રમુખ અનવર અલ સાદતની હત્યા થતાં તેઓ પ્રમુખ બન્યા. મોહમંદ અલી પાશા પછી તેઓ ઇજિપ્તના સૌથી લાંબો શાસનકાળ ધરાવતા પ્રમુખ છે.

1949માં ઇજિપ્તની મિલિટરી એકૅડેમીમાંથી સ્નાતક બન્યા. 1950માં લડાકુ વિમાનના પાઇલટ તરીકે કામગીરી કરી. ક્રમશ: હવાઈ દળમાં આગળ વધતા રહ્યા. 1972થી 75 તેઓ હવાઈ દળના વડાના હોદ્દા પર રહ્યા. 1975માં ઇજિપ્તના ઉપપ્રમુખ બન્યા.

ત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન હોસ્ની મુબારકને અનવર સાદત કરતાં વધુ રાજકીય અને અખબારી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું હતું. જોકે ઇસ્લામી ક્રાંતિકારીઓ મુબારકનો સખત વિરોધ કરતા હતા. વળી અર્થતંત્રને મજબૂતી પૂરી પાડવાની સમસ્યા તેમનો કેડો મૂકતી નહોતી. ઇઝરાયલ સાથેના શાંતિ-પ્રયાસો ત્યાંની પ્રજા અને હરીફોને રુચતા નહોતા. તેમના શાસન વિરુદ્ધનો આ અવાજ 2011 પછી નિર્ણાયક બનવા લાગ્યો.

હોસ્ની મુબારક અને તેમના શાસન વિરુદ્ધ ઇજિપ્તના કેરો ખાતે 2011માં જબરદસ્ત વિરોધવંટોળ ઊભો થયો મુબારકે આગામી ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી, પરંતુ તેથી લોકોને સંતોષ નહોતો. પછી પ્રમુખે બંધારણીય સુધારાઓ કરવાનું વચન આપ્યું. પરંતુ હિંસક દેખાવો ન અટકતાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી.

ફેબ્રુઆરી, 2011માં ક્રાંતિ થઈ ત્યારે તેમણે ઉપપ્રમુખ ઓમર સુલેમાનને પ્રમુખીય હોદ્દાનું રાજીનામું ધરી દીધું. આથી સુપ્રીમ કાઉન્સિલ ઑવ્ આર્મ્ડ ફોર્સીસને સત્તા પ્રાપ્ત થઈ. એપ્રિલમાં મુબારક અને તેમના બંને પુત્રોની ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આક્ષેપસર ધરપકડ કરવામાં આવી. તેમની ઉપર ઉપર્યુક્ત આરોપો સાથે ક્રાંતિ દરમિયાન શાંત વિરોધ કરનારાઓની હત્યા કરવાનો આરોપ મુકાયો. અદાલતમાં કામ ચાલ્યા બાદ તેમને આજીવન જેલની સજા કરવામાં આવી.

જેલવાસ દરમિયાન તેમને પેટના કૅન્સર અને અન્ય શારીરિક તકલીફોને કારણે ‘ટોરા જેલ’માંથી કેરોની લશ્કરી હૉસ્પિટલમાં ખસેડાયા અને ઑગસ્ટ, 2013માં જેલમુક્ત કરાયા; પરંતુ ડાબો પગ ભાંગી જતાં તેમ જ વધુ શારીરિક તકલીફોને કારણે જાન્યુઆરી, 2014થી તેઓને ફરી હૉસ્પિટલમાં દાખલ કરાયા. આમ તેઓ વૃદ્ધાવસ્થાની તકલીફોથી ઘેરાઈ ગયા છે.

રક્ષા મ. વ્યાસ