મુન્રો ઍલિસ (Munro, Alice) (જ. 10 જુલાઈ 1931 વિંગ્ધામ, ઑન્ટેરિયો, કૅનેડા) : કૅનેડામાં રહીને અંગ્રેજીમાં ટૂંકી વાર્તાઓ આપનારાં લેખિકા, જેમને 10 ઑક્ટોબર, 2013 સાહિત્ય વિભાગમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેમની ગણના ટૂંકી વાર્તાના સત્વશીલ સર્જક તરીકે કરવામાં આવી છે.

તેમના કેટલાક વાર્તા-સંગ્રહો આ મુજબ છે :

‘ડાન્સ ઑવ્ ધ હેપી શેડ’ (1968), ‘લાઇવ્ઝ ઑવ્ ગર્લ્સ ઍન્ડ વિમેન’ (1971), ‘હુ ડુ યૂ થિંક યૂ આર’ (1977), ‘સમથિંગ આઇ હેવ બીન મિનિંગ ટુ ટેલ યૂ’ (1974), ‘ધ મુન્સ ઑવ્ જ્યુપિટર’ (1982), ‘ધ પ્રોગ્રેસ ઑવ્ લવ’ (1986), ‘ફ્રેન્ડ ઑવ્ માય યૂથ’ (1990), ‘ઓપન સિક્રેટ્સ’ (1994), ‘ધ લવ ઑવ્ અ ગુડ વુમન’ (1998), ‘રન અવે’ (2006), ‘ઘ વ્યૂ ફ્રૉમ કેસલ રૉક’ (2006), ‘ટુ મચ હેપિનેસ’ (2009) અને ‘ડિયર લાઇફ’ (2012).

ઍલિસ મુન્રો

એલિસના પિતા રૉબર્ટ એરિક લૅઇડલો શિયાળ અને નોળિયા જેવાં પ્રાણીઓને ઉછેરવાનું કામ કરતા હતા. તેમની માતા અન્ને ક્લર્કે લૅઇડલો (Anne Clarke Laidlaw)  શાળામાં શિક્ષિકા હતાં. યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑન્ટેરિયોમાં અંગ્રેજી અને પત્રકારત્વના અભ્યાસ દરમિયાન 19 વર્ષની વયે તેમની પહેલી વાર્તા ‘ધ ડાયમેન્શન્સ ઑવ્ શૅડો’ પ્રગટ થઈ. આ સમય દરમિયાન તેમને બે વર્ષ માટે સ્કૉલરશિપ મળી. અભ્યાસની સાથોસાથ તેમણે હોટલમાં વેઇટ્રેસ, તમાકુ વીણનાર અને લાઇબ્રેરી-ક્લર્ક તરીકે પણ કામ કર્યું હતું.

એલિસે તેમની સાથે અભ્યાસ કરનારા જેમ્સ મુન્રો સાથે 1951માં લગ્ન કર્યું. તેઓ પશ્ચિમ વાનકુંવરમાં રહેવા ગયાં. તેમની ત્રણ દીકરીઓ શૈલા, કૅથેરિન અને જેની અનુક્રમે 1953, 1955 અને 1957માં જન્મી હતી. તેમાંથી કૅથરિન તેના જન્મના 15 કલાક બાદ મૃત્યુ પામી. 1963માં એલિસ પતિ સાથે વિક્ટોરિયા આવ્યાં અને ‘મુન્રો બુક્સ’ નામે દુકાન ખોલી, જે આજે પણ કાર્યરત છે. 1966માં એમને ત્યાં એન્ડ્રિયાનો જન્મ થયો.

તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ 1968માં ‘ડાન્સ ઑવ્ ધ હેપી શેડ’ અને બીજો 1971માં ‘લાઇવ્સ ઑવ્ ગર્લ્સ વિમેન’ બહાર પડ્યા. 1972માં એલિસે અને જેમ્સે છૂટાછેડા લીધા.

એલિસ ત્યારબાદ યુનિવર્સિટી ઑવ્ વેસ્ટર્ન ઑન્ટેરિયોમાં લેખિકા તરીકે જોડાયાં. 1976માં તેમને સન્માનિત કરવામાં આવ્યાં. એ જ વર્ષે યુનિવર્સિટીમાં સાથે કાર્ય કરતા નકશા દોરનાર ભૂસ્તરવિદ જિરાલ્ડ ક્રેમલીન સાથે તેમણે લગ્ન કર્યું. તેઓ ક્લિંટોનમાં રહે છે. તેમના પતિ ક્રેમલીનનું મૃત્યુ 17 એપ્રિલ, 2013ના રોજ થયું.

તેમની ટૂંકી વાર્તાઓમાં સમયની આગળ-પાછળ  ગૂંથણી કરતાં, ક્રાંતિકારી સ્થપતિનાં લક્ષણો જોવા મળે છે. તેમની વાર્તાઓનાં સ્થળ પણ સામાન્ય રીતે ઑન્ટેરિયોના દક્ષિણ-પશ્ચિમ ભાગના રહ્યાં છે.

કિશોર પંડ્યા­